ગુજરાતનાં આખેઆખાં ગામોને રણ કઈ રીતે ગળી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Rupesh Sonavane
- લેેખક, પાર્થ પંડ્યા
- પદ, બીબીસી સંવાદદાતા, બનાસકાંઠા અને કચ્છથી પરત આવીને
“હવે તો અમારું અડધું ગામ રણ જેવું જ છે, જમીન ખારી થઈ ગઈ છે અને રણ હજી આગળ વધે છે.” ખેડૂત પચાણભાઈ પરમાર તેમના ખેતરમાં પથરાયેલો મીઠા જેવો ક્ષાર હાથમાં લઈને અમને બતાવે છે અને આ શબ્દો કહે છે.
તેમનું ખેતર બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચોથરનેસડા ગામમાં છે, તેમના ખેતર અને રણ વચ્ચે માંડ થોડાં ખેતરો જ છે.
આશરે 55 વર્ષના પચાણભાઈની આંખોમાં સેંકડો ફરિયાદ હતી, તેમણે યાદો પર બાઝેલી રેતી ખંખેરી અને આગળ વાત કરી, “મારા દાદા પણ આ જ ખેતરમાં ખેતી કરતા હતા. બાજરી, ઘઉં, જુવાર બધા પાક થતા હતા. ધીમે-ધીમે રણનો ખાર આગળ આવ્યો એટલે ખેતર ખારું થઈ ગયું. હવે આ ખેતરમાં કંઈ પણ વાવો તો ઊગતું નથી.”
પચાણભાઈના કહેવા પ્રમાણે આ વર્ષે આખા ખેતરમાં તેમણે બાજરી વાવી હતી, પણ કંઈ જ ન ઊગ્યું. પચાણભાઈની જેમ જ ચોથરનેસડા અને તેની આસપાસનાં ગામોના અનેક ખેડૂતોનાં ખેતર હવે બંજર થઈ ગયાં છે.
ગુજરાતની લગભગ અડધી જમીન પર આ જ રીતે રણે પોતાનો સકંજો કસ્યો છે. વૈજ્ઞાનિકો આને મોટો ખતરો ગણાવે છે અને ચેતવણી આપે છે કે ગુજરાતની 52 ટકા જમીન રણમાં ફેરવાઈ રહી છે, જેના લીધે ફળદ્રુપ જમીન બંજરભૂમિ બની રહી છે.
આ પરિસ્થિતિ એટલી ખતરનાક છે કે સંયુક્ત રાષ્ટ્રે રણીકરણની સરખામણી ચેપી રોગ સાથે કરી હતી અને તેને ‘પૃથ્વીનો કૃષ્ઠરોગ’ ગણાવ્યો હતો.
આનો ગુજરાતી શબ્દ રણીકરણ છે, જેમાં રણની ખારાશવાળી જમીન આગળ વધે છે અને ધીમે-ધીમે ફળદ્રુપ જમીન રણ જેવી બંજર થઈ જાય છે અને આખેઆખાં ખેતરો નકામાં થઈ જાય છે. જમીનની સાથે-સાથે પાણી પણ ખારું થઈ જાય છે અને ધીમે-ધીમે રણની ખારાશ ગામ સુધી પહોંચી જાય છે.
મોટા ભાગના કિસ્સામાં પવન અને પાણીની મદદથી ક્ષારયુક્ત માટીના કણો ફળદ્રુપ જમીન પર પથરાય છે અને એ જમીન બંજર બનવા લાગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતની અડધી કરતાં વધારે જમીન રણ ગળી રહ્યું છે અને તેના કારણે કેટલાય લોકોની જિંદગી પ્રભાવિત થઈ રહી છે.

રણની એક તરફ પાકિસ્તાન, બીજી તરફ ચોથરનેસડા

ઇમેજ સ્રોત, Paresh Padhiyar
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બનાસકાંઠાના વાવ તાલુકામાં રણની એક તરફ ચોથરનેસડા ગામ છે, અને એ જ રણની બીજી તરફ પાકિસ્તાનનાં ગામો વસેલાં છે. ત્રણેક હજારની વસતી ધરાવતા ચોથરનેસડા ગામના લોકો ખેતી અને પશુપાલન પર નભે છે.
ચોથરનેસડા ગામમાં પ્રવેશીએ ત્યાં જ ઠેકઠેકાણે રણ જેવી ખારી જમીન દેખાઈ આવે છે. અહીંનાં ખેતરો સાચે જ રણ જેવાં ભાસે છે, જૂન મહિનાની ધગધગતી રેતીમાંથી ચાલીને અમે પચાણભાઈનું ખેતર જોવા ગયા ત્યારે સૂરજ માથે હતો, આજુબાજુનાં ખેતરોમાં પણ રણની ખારાશ પથરાયેલી હતી. અમે વીડિયોગ્રાફી કરવા ડ્રોન ઉડાવ્યું તો એવાં દૃશ્યો દેખાયાં જાણે ખેતરો પર સફેદ ચાદર પથરાયેલી હોય.
પચાણભાઈએ તેમના ખેતરની બાજુમાં આવેલો વાડો બતાવ્યો અને બોલ્યા કે “આમની જમીન પણ ખારી થઈ ગઈ, હવે તેમણે ગામ છોડી દીધું.”
સાથે આવેલા ગામના આગેવાનોએ પણ પચાણભાઈના સૂરમાં સૂર પૂર્યો, તેમના કહેવા પ્રમાણે ગામના ઓછામાં ઓછાં 100 ઘરો એવાં છે, જ્યાંના લોકો અત્યારે ગામ છોડીને બીજે જઈને રહે છે.
ખેડૂત ભૂરાભાઈ કહે છે કે “રણની ખારાશ અમારા ગામ અને ઘર સુધી પહોંચી ગઈ છે, મકાન ખારાં થઈને પડી રહ્યાં છે. આ ગામમાં હવે ખેતી થાય એમ નથી. પશુપાલન પણ મુશ્કેલ છે કેમકે પાણી ખારું છે અને ઘાસચારો પણ પૈસા ખર્ચીને લાવીએ છીએ. અમારું તો પીવાનું પાણી પણ ખારું છે, એટલે લોકો આ ગામ હવે છોડી રહ્યા છે.”
પચાણભાઈના કહેવા પ્રમાણે તેમની પાસે સાડા પાંચ એકર ખેતીલાયક જમીન હતી પણ ક્ષારના કારણે હવે તેમની જમીન બંજર થઈ ગઈ છે. હવે તેમનો દીકરો અરવિંદ બીજાના ખેતરમાં ભાગે કામ કરે છે. અરવિંદભાઈ કહે છે કે, “મારી પોતાની જમીન ખેતી કરવા લાયક રહી નથી, એટલે મારે બીજાના ખેતરમાં ભાગે ખેતી કરવી પડે છે.”
ચોથરનેસડાની આસપાસનાં ગામોમાં પણ અમે તપાસ કરી, ત્યાંથી 20 કિલોમિટર દૂર પહોંચ્યા તો ગામની બહાર અમે ખારી જમીન જોઈ, આ બુકણા ગામ હતું. ગામના લોકો અમને ગ્રામપંચાયતની ઑફિસમાં લઈ ગયા.
સરપંચ વિહાજીએ માંડીને વાત કરી, “ગામનાં કૂવા અને તળાવનાં પાણી પણ ખારાં છે, પાણીમાં હાથ બોળી રાખીએ તો થોડી વારમાં હાથ પર મીઠું બાઝી જાય.”
“ગામના ઓછામાં ઓછા 20 ખેડૂત પરિવારો ખારી જમીનના કારણે બરબાદ થઈ ગયા છે. એટલે હવે એ ખેતરોના માલિક બીજાનાં ખેતરોમાં મજૂરી કરે છે.”

અડધું ગુજરાત રણ બની જશે?

- ગુજરાત જ નહીં પણ આખા દેશના માથે રણીકરણનું જોખમ તોળાઈ રહ્યું છે. ભારતની નવ કરોડ 78 લાખ હેક્ટર જમીન પર રણ આગળ વધી રહ્યું છે, માર્ચ 2022માં રાજ્યસભામાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી અશ્વિની ચોબેએ માહિતી આપી હતી.
- તેમણે કહ્યું હતું કે વર્ષ 2011-13 દરમિયાન ભારતમાં નવ કરોડ 63 લાખ હેક્ટર જમીન રણીકરણની અસર હેઠળ હતી, જે 2018-19માં વધીને નવ કરોડ 78 લાખ હેક્ટર થઈ ગઈ હતી.
- ISROના અમદાવાદમાં સ્થિત સ્પેસ ઍપ્લિકેશન્સ સેન્ટરે 2021માં રણીકરણ અને બંજરભૂમિ અંગેનો રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો, ભારત સરકારના મંત્રીએ આ રિપોર્ટના આધારે જ માહિતી આપી હતી.
- આ રિપોર્ટ પ્રમાણે વર્ષ 2018-19માં ગુજરાતની એક કરોડ 96 લાખ હેક્ટર જમીનમાંથી એક કરોડ બે લાખ હેક્ટર કરતાં વધારે જમીનનું રણીકરણ થઈ રહ્યું હતું, એટલે કે ગુજરાતની 52.22 ટકા જમીન રણમાં ફેરવાઈ રહી છે અથવા બંજર બની રહી છે.
- 2011-13 દરમિયાન આ પ્રમાણ 52.29 ટકા હતું અને 2003-05 દરમિયાન આ પ્રમાણ 51.35 ટકા હતું. ઉલ્લેખનીય છે કે વર્ષ 2011-13થી વર્ષ 2018-19 સુધીમાં ગુજરાતમાં રણીકરણની ટકાવારીમાં 0.07 ટકાનો ઘટાડો નોંધાયો છે. આમ છતાં વૈજ્ઞાનિકો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ફેલાઈ રહેલા રણ અંગે ચેતવણી આપે છે.

એ ગામો જેને રણ ગળી ગયું

ઇમેજ સ્રોત, Rupesh Sonavane
આગળ વધતા રણે કચ્છનાં કેટલાંય ‘ગામોને સાફ કરી દીધાં’ હોવાનું ત્યાંના જાણકારો કહે છે અને રણ આગળ વધતું હોવાથી આખેઆખાં ગામ ખાલી થઈ ગયાં હોય એવું પણ બન્યું છે. એવાં જ ગામોની મુલાકાત લેવા અમે બનાસકાંઠાથી કચ્છ પહોંચ્યા. દુધઈથી અંદર બન્નીનાં ઘાસનાં મેદાનો તરફ જઈએ ત્યાં લાખારા વાંઢ નામનું ગામ વસેલું છે, અમે ત્યાં પહોંચ્યા ત્યારે હજી પરોઢ ફૂટ્યું હતું.
માલધારીઓના આ ગામમાં પરોઢિયે જ ચહલપહલ દેખાતી હતી, એક તરફ ગામના યુવાનો ગાય-ભેંસ લઈને જતા હતા તો ગામની મહિલાઓ બેડાં અને ડોલ લઈને પાણી શોધવા નીકળી હતી. કાચા રસ્તાને અડીને આવેલી ગ્રામપંચાયતની ઑફિસ પર લખ્યું હતું ‘લાખાર વાંઢ, રૈયાડા ગ્રામ પંચાયત’.
અમે ગામના પૂર્વ સરપંચ નોડે મુસાભાઈ ઉમરના ઘરે પહોંચ્યા, એક તરફ તેમના એક દીકરાનું કાચું મકાન હતું અને બીજી તરફ સરકારી સહાયમાંથી બનેલું પાકું મકાન હતું. બંને ઘર વચ્ચે ઢાળેલા ખાટલા પર મુસાભાઈ માથે કાળા રંગનું ફાળિયું બાંધીને બેઠા હતા.
તેમના કાચા મકાન પરની તિરાડો કરતાં પણ ઊંડી તેમના ચહેરા પરની કરચલીઓ એ વાતનો પુરાવો આપતી હતી કે તેમણે અહીં આ મકાન કરતાં વધારે વર્ષ વિતાવ્યાં છે.
તેમણે યાદોને ફંફોસી અને વાત શરૂ કરી, “અમારું ગામ પહેલાં અહીં નહોતું, અહીંથી 12-13 કિલોમિટર દૂર અમે રૈયાડા ગામમાં રહેતા હતા. ધીમે-ધીમે રણ આગળ વધતું ગયું, જમીન ખારી થઈ, પાણી ખારું થયું એટલે અમારે અમારાં પશુઓ સાથે ત્યાંથી નીકળી ગયા અને અહીં આવીને વસ્યા.”
62-63 વર્ષના મુસાભાઈએ છેલ્લા ત્રણ દાયકામાં તેમણે કેટલાંય ગામો તૂટતાં જોયાં છે, વાત કરતાં-કરતાં તેઓ યાદોમાં સરી પડ્યા, “અમારા વડીલો કહેતા હતા કે પહેલાં આ જમીન મીઠી હતી, પછી ધીમે-ધીમે ખારી થતી ગઈ.”
“અમારા ગામ રૈયાડાની ચોગડધાર રણ છે, એટલે અમારું ગામ પણ એવું જ થઈ ગયું. અમારા ગામ પાસે ઊભા રહીને આગળ નજર કરો તો તમને સફેદ રણ જેવું જ દેખાય.”
“રણ આગળ વધતું ગયું અને રૈયાડા ગામ લોકો છોડવા લાગ્યા, એ ગામ તૂટ્યું એમાંથી કેટલાંય ગામો બન્યાં. અમે એ જગ્યા છોડીને આવ્યા એને ચાળીસેક વર્ષ થઈ ગયાં.”
રણ જેવાં ઉજ્જડ બની ગયેલ બન્નીનાં ઘાસનાં મેદાનોમાંથી થઈને અમે રૈયાડા જવા નીકળ્યા, ચારેય તરફ દૂર-દૂર સુધી માત્ર બાવળિયા દેખાતા હતા. અમે રૈયાડા પહોંચ્યા તો રણની વચ્ચે એકમાત્ર જૂની પુરાણી મસ્જિદ ઊભી હતી અને એની બાજુમાં નાનાં સૂકાઈ ગયેલાં તળાવ હતાં.
મસ્જિદ સામે ઊભેલું ઘટાદાર ઝાડ બતાવીને મુસાભાઈ કહેવા લાગ્યા કે ‘એ જમાનામાં અમે બધા અહીં બેસતા અને અહીં ચારેય બાજુ અમારા ભૂંગા હતા.’ આજે અહીં ના તો ભૂંગા છે ના તો અહીં કોઈ ગામ વસે છે, અહીં છેક સુધી રણ છે અને રૈયાડા ગામના અસ્તિત્વ તરીકે બચી છે માત્ર એક મસ્જિદ. આ ગામને રણ ગળી ગયું.
અહીં બન્નીમાં જૈવવિવિધતા અને પશુપાલન પર કામ કરતા એનજીઓ સહજીવનના પ્રોગ્રામ ડિરેક્ટર રમેશભાઈ ભટ્ટી કહે છે કે અહીં રૈયાડાની જેમ કેટલાંય ગામ તૂટ્યાં છે. તેઓ 22 વર્ષથી અહીં કામ કરી રહ્યા છે.
ભટ્ટી કહે છે કે બન્નીની આથમણી બાજુએ રૈયાડા જેવું જ લેવારા ગામ હતું, એ પણ તૂટી ગયું.
તેમના કહેવા પ્રમાણે "ઉગમણી અને આથમણી બન્નીનાં ઘણાં એવાં ગામો છે, જ્યાંના લોકો છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગામ છોડીને આસપાસના પ્રદેશમાં જઈ વસ્યા છે અને આ રીતે આખેઆખાં ગામોએ હિજરત કરવી પડી છે."
તેઓ કહે છે કે માત્ર બન્ની જ નહીં પણ કચ્છના રાપર અને ભચાઉના રણકાંઠાનાં ખેતરોમાં પણ રણીકરણની અસર વર્તાય છે.

‘ખારી જમીન અને ખારું પાણી’

ઇમેજ સ્રોત, Sachin Pithava
માત્ર કચ્છ અને બનાસકાંઠા જ નહીં પણ સુરેન્દ્રનગર જિલ્લાનાં રણકાંઠાનાં ગામો પણ આ અસરમાંથી બાકાત નથી. કચ્છના નાના રણને અડીને આવેલું ખારાઘોડા ‘મીઠાની નગરી’ કહેવાય છે. અહીં રણની ખારાશ હવે ગામલોકોનાં ખેતર, પાણી અને ઘરો સુધી પ્રસરી ગઈ છે.
સ્થાનિક પત્રકાર અંબુભાઈ પટેલ કહે છે કે, ‘છેલ્લા થોડા દાયકામાં રણને આગળ વધતું મેં મારી આંખે જોયું છે.’
“જ્યાં ગામ પૂરું થાય અને જ્યાંથી રણ શરૂ થાય, એ વિસ્તારોમાં આજથી 40-50 વર્ષ પહેલાં સારી ગુણવત્તાનાં કઠોળની ખેતી થતી હતી, હવે આ તમામ ખેતરો નિર્જીવ હાલતમાં છે.”
અંબુભાઈ કહે છે કે ખેતરોની સાથે ત્યાંનું પાણી પણ ખારું છે અને ખારાશ હવે ઘરોની દીવાલો પર પણ જોઈ શકાય છે.

ગુજરાતમાં રણ આગળ કેમ વધી રહ્યું છે?
રણના આગળ વધવા અને જમીનના ધોવાણ પાછળ કેટલાંક ચોક્કસ કારણો છે. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકૉલૉજીના ભુજમાં સ્થિત ડાયરેક્ટર ડૉ. વિજયકુમાર કહે છે કે રણીકરણ માટેનાં કારણો કુદરતી અને માનવસર્જિત એમ બંને પ્રકારનાં છે.
તેઓ કહે છે કે “સતત વધતી વસતી અને ક્લાઇમેટ ચેન્જની પણ અસર થાય છે, તેના કારણે રણની આગળ વધવાની અને જમીન બંજર થવાની પ્રક્રિયા ઝડપી બને છે.”
આ ઉપરાંત વૃક્ષોનું નિકંદન કાઢવાથી પણ રણના આગળ વધવાની પ્રક્રિયા ઝડપી બને છે.
ISROના સ્પેસ ઍપ્લિકેશન સેન્ટરના રિપોર્ટ પર નજર કરીએ તો રણીકરણ મુખ્ય ત્રણ પ્રકારે થાય છે.
- પાણીથી થતું ધોવાણ
- ક્ષારના પ્રમાણમાં વધારો
- વનસ્પતિ સૃષ્ટિમાં ઘટાડો
આ સિવાય પવનથી થતું ધોવાણ, પૂર, પાણીનો ભરાવો અને માનવનિર્મિત કારણોને લીધે પણ રણીકરણ થઈ રહ્યું છે અને બંજરભૂમિ વધી રહી છે.
કચ્છમાં વર્ષ 1998થી કામ કરતા ઇકૉલૉજિસ્ટ પંકજ જોશી બન્નીની વનસ્પતિ સૃષ્ટિના પુનર્જીવન પર કામ કરી ચૂક્યા છે. પંકજ જોશી કહે છે કે, “બન્નીમાં રણીકરણની અસર માત્ર વનસ્પતિ સૃષ્ટિ પર જ નહીં પણ અર્થતંત્ર, સમાજજીવન અને જનજીવન પર પણ પડી છે.”
તેઓ કહે છે કે બન્નીમાં છેલ્લાં થોડાં વર્ષોમાં થયેલા રણીકરણ માટે માનવનિર્મિત પરિબળો વધારે કારણભૂત રહ્યાં છે. વૈજ્ઞાનિકો ભારપૂર્વક કહે છે કે આગળ વધતા રણને રોકવા માટેના ઉપાયો પણ છે.
- ડૉ. વિજયકુમાર કહે છે કે "આગળ વધતા રણને રોકવા માટેનો સૌથી અકસીર ઉપાય વૃક્ષો છે અને એટલે જ રણ જ્યાં પૂરું થતું હોય ત્યાં વૃક્ષોની દીવાલ ઊભી કરવી જોઈએ."
- બનાસકાંઠા અને કચ્છનાં રણને અડીને આવેલાં કેટલાંક ગામો બહાર મોટી પાળ બાંધવામાં આવી છે, જોકે તેની અસરકારકતા અંગે મતમતાંતર છે.
- રણને આગળ વધતું અટકાવવા માટે જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવી પણ જરૂરી છે. 'નૈરિતા' નામની સંસ્થા ભૂંગળાની મદદથી ઉજ્જડ બનેલી જમીનની ફળદ્રુપતા વધારવા માટે 2011થી ગુજરાતમાં કામ કરે છે.
- વરસાદી પાણીનો સંગ્રહ કરીને અને ટપકસિંચાઈ જેવી સિંચાઈપદ્ધતિ અપનાવીને આવા પ્રદેશોમાં ખેતી કરી શકાય છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક સ્થળે હવે ખેતતલાવડી બનાવવામાં આવી રહી છે.
આ ઉપરાંત દુનિયાના કેટલાક દેશોએ હવે આગળ વધતા રણને સ્વીકારી લીધું છે અને રણ સાથે જ રહેવાની દિશામાં વિચાર કરી રહ્યા છે, તો કેટલાક દેશો હવે રણમાં પ્રવાસન જેવા પ્રયોગોથી રણનું અર્થતંત્ર બનાવવા મથી રહ્યા છે.

આગળ વધતા રણને રોકવા સરકાર શું કરી રહી છે?

ઇમેજ સ્રોત, Paresh Padhiyar
ગુજરાત સરકારના વન્ય અને પર્યાવરણ મામલાના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલે આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, “નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા એ વખતથી સરકાર આગળ વધતા રણને રોકવા માટે કટિબદ્ધ છે. એ માટે વૃક્ષોની દીવાલ બનાવવાનું અને ભૂગર્ભના જળસ્તર ઉપર લાવા માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ.”
“ભૂગર્ભજળ માટે 2019માં 'અટલ ભૂજલ યોજના' શરૂ કરી હતી. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લીમાં આ યોજના કાર્યરત્ છે. ભૂગર્ભજળનું સ્તર ઉપર આવે એનાથી વેરાન વિસ્તારોમાં વૃક્ષો ઉગાડવામાં મદદ મળી રહી છે.”
2021માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રણીકરણને રોકવા સંદર્ભે યોજાયેલા સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “આપણે હજી આ દિશામાં ઘણું કામ કરવાનું છે.”
તેમણે કહ્યું હતું કે, “વર્ષ 2030 સુધીમાં બે કરોડ 60 લાખ હેક્ટર બંજરભૂમિને ફરી ઉપયોગી બનાવવાના લક્ષ્યની દિશામાં અમે કામ કરી રહ્યા છીએ.”
વડા પ્રધાન મોદીએ આ સાથે જ ગુજરાત બન્ની પ્રદેશનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “કચ્છના રણનું બન્ની એનું ઉદાહરણ છે કે જમીનની ફરી ઉપયોગી બનાવવાથી જમીનની ગુણવત્તા, તેની ઉત્પાદકતા, ખાદ્યસુરક્ષાને અસર થાય છે અને સાથે જ જીવનધોરણ પર પણ સારી અસર જોઈ શકાય છે. તે આખા ચક્રને અસર કરે છે.”
“બન્નીમાં ઘાસનાં મેદાનો વધારવાની દિશામાં કામ કરાયું અને એનાથી જમીનને ફરી ઉપયોગી બનાવી શક્યા છીએ. જેના કારણે જમીનને બંજરભૂમિમાં ફેરવાતી અટકાવી શક્યા છીએ.”
આ ઉપરાંત માર્ચ 2023માં ભારત સરકાર દ્વારા 'અરવલ્લી ગ્રીન વૉલ પ્રોજેક્ટ'ની જાહેરાત કરાઈ હતી, જે અંતર્ગત રણીકરણને રોકવા માટે વૃક્ષોની દીવાલ ઊભી કરવાની યોજના છે. જે ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી રાજ્યોને આવરી લેશે. આ પ્રોજેક્ટમાં જળસ્રોતોને પુનર્જીવિત કરવાની કામગીરી પણ સામેલ છે.
આ અંગે રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રીએ આંકડા રજૂ કરતા કહ્યું હતું કે સરકારના વિવિધ પ્રયાસોથી વનઆવરણને વધારવામાં પણ સફળતા મળી છે.
આ આંકડા પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2015માં 14,710 ચોરસ કિલોમિટરમાં વનઆવરણ હતું, જે વધીને 2021 સુધીમાં 14,926 ચોરસ કિલોમિટર થયું હતું.
એ રીતે ભારતના વનઆવરણમાં પણ વધારો જોવા મળ્યો છે, તે 2015માં 7,01,495 ચોરસ કિલોમિટર હતું, જે વધીને 2021માં 7,13,789 ચોરસ કિલોમિટર થયું હતું.
જોકે, ગુજરાતના જે વિસ્તારોમાં રણીકરણ થઈ રહ્યું છે, ત્યાંના લોકોના દાવા સરકારના દાવા કરતાં વિરુદ્ધ છે.
ચોથરનેસડા ગામના અરવિંદભાઈ પરમાર કહે છે કે “અહીં ખેતતલાવડી થઈ હતી અને વનવિભાગે વાવેતર પણ કર્યું હતું.”
“15-20 વર્ષ પહેલાં થતાં રાહતકામોમાં રણને અટકાવવા પાળા બનાવાયા હતા. છેલ્લાં થોડાં વર્ષોમાં અહીં રણીકરણ રોકવા માટે આવું કોઈ કામ થયું નથી.”
ખારાઘોડાના અંબુભાઈ કહે છે કે, “રણીકરણને રોકવા માટે ખેતરો અને રણ વચ્ચેની ખાલી જગ્યામાં વૃક્ષારોપણ કરવા અંગે અંગ્રેજોએ એમના રાજ વખતે પણ ભાર મૂક્યો હતો. જે પ્રમાણમાં વૃક્ષારોપણ કરવાની જરૂર હતી, એ પ્રમાણમાં થયું નથી.”















