નલિયા : શા માટે ગુજરાતનું સૌથી ઠંડું અને સૌથી ગરમ સ્થાન બની જાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં છેલ્લા દસેક દિવસથી તાપમાનનો પારો ગગડ્યો છે અને શિયાળાની ઋતુ બરાબર જામી છે.
ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છના નલિયામાં 'ગુજરાતનું સૌથી નીચું તાપમાન' નોંધાયું છે અને કૉલ્ડ વૅવને કારણે સામાન્ય જનજીવન ઠૂંઠવાઈ ગયું છે.
ગત વર્ષે 15 જાન્યુઆરીના રોજ નલિયામાં 1.4 ડિગ્રી સેલ્સિસ તાપમાન નોંધાયું હતું અને વિસ્તારમાં કેટલીય જગ્યાએ ખેતીના પાકોના પાંદડા પર બરફ જામી ગયો હતો.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે દરિયાની નજીક વસેલા નગર કે શહેરમાં અસામાન્ય ગરમી કે ભારે ઠંડી ન જોવા મળે.
પરંતુ વિશેષ કારણોસર ગુજરાતના નલિયામાં દરિયો નજીક હોવા છતાં દર શિયાળે તે સામાન્ય રીતે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બની રહે છે.
નલિયા 'સૌથી ઠંડુ' કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં માછીમારી માટેના મોટા બંદરમાં સ્થાન પામતા જખૌ બંદરથી નજીકનું સૌથી મોટું ગામ નલિયા છે. 2011ની વસ્તીગણતરી મુજબ નલિયાની વસ્તી 11,415 હતી.
ભારતીય હવામાન ખાતાના અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક અને વડા અશોક કુમાર દાસે બીબીસી ગુજરાતી સાથે વાત કરતી વેળાએ નલિયામાં અત્યંત ઠંડા વાતાવરણ માટે જવાબદાર કેટલાંક કારણો જણાવ્યાં.
અશોક કુમાર દાસે કહ્યું, "સામાન્ય રીતે લોકો માને છે કે નલિયા દરિયાના કાંઠે છે, તેમ છતાં ત્યાં ઠંડી વધુ પડે છે. પરંતુ, હકીકત એ છે કે નલિયા દરિયાકાંઠાથી 12થી 15 કિલોમીટર દૂર છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"વળી, શિયાળામાં નલિયામાં મોટાભાગે ઇશાન ખૂણામાંથી પવન ફૂંકાય છે અને નૈઋત્ય તરફ આવેલ આરબ સાગર તરફ જાય છે."
"પવનની આ દિશાને કારણે અરબ સાગરની ભેજવાળી અને હૂંફાળી હવા નલિયા તરફ આવી શકતી નથી અને તેથી નજીકના દરિયાની નલિયાના વાતાવરણ પર શિયાળા દરમિયાન કંઈ ખાસ અસર થતી નથી."
"બીજું એ કે નલિયામાં ફૂંકાતા પવન રણ પ્રદેશમાંથી આવે છે અને તેથી તે ભેજ વગરના હોય છે. ભેજ વગરના હોવાથી આ પવન ઠંડા હોય છે. વળી, નલિયામાં પવનની ગતિ પણ વધારે હોય છે. પરિણામે, નલિયામાં તાપમાન ગુજરાતના અન્ય ભાગો કરતાં નીચું રહે છે."

ઇમેજ સ્રોત, Getty Images
કચ્છના જિલ્લા મથક ભુજથી લગભગ 93 કિલોમીટર પશ્ચિમે આવેલ નલિયા ગામના પાદરમાં ભારતીય હવામાન ખાતાનું વૅધર સ્ટેશન આવેલું છે, તેથી હવામાનખાતા પાસે સ્થાનિક વાતાવરણ વિશેની ખૂબ જ ચોક્કસ માહિતી હોય છે.
અશોક દાસે વધારે જણાવ્યું કે રણપ્રદેશની ભૂગોળ પણ નલિયાના તાપમાનને અસર કરતું એક પરિબળ છે. તેમણે ઉમેર્યું :
"રણપ્રદેશમાં સૂકા વાતાવરણ ઉપરાંત કંઈ ખાસ વનસ્પતિ હોતી નથી, તેથી હવાને અવરોધતા પરિબળો ઓછા હોય છે. આ કારણસર પવનની ગતિ વધારે રહે છે જેને કારણે પણ આવા પવન ફૂંકાતા હોવાથી ત્યાં તાપમાન ઓછું રહે છે."
અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા બુધવારે જાહેર કરાયેલ બુલેટિન મુજબ નલિયામાં બુધવારે સવારે 8:30 વાગ્યે હવામાં ભેજનું પ્રમાણ 72 ટકા હતું. તે સુરત (85 ટકા) અને વડોદરા (80 ટકા) બાદ રાજ્યમાં ત્રીજું સૌથી વધારે પ્રમાણ હતું.
પરંતુ ભેજની આ ટકાવારી સાંજે 5:30 વાગ્યે ઘટીને માત્ર 24 ટકા થઈ ગઈ, જયારે સુરત અને વડોદરામાં અનુક્રમે 58 અને 43 ટકા રહેવા પામી હતી.
જે સૌથી ઠંડુ, એજ સૌથી ગરમ
નલિયા ગામ કચ્છ જિલ્લાના પાશ્ચિમ ભાગમાં આવેલ અબડાસા તાલુકાનું તાલુકામથક છે, જે શિયાળા દરમિયાન 'રાજ્યનું સૌથી ઠંડુ' સ્થળ બની રહેવા ઉપરાંત ઉનાળાની ઋતુમાં 'ગુજરાતના સૌથી ગરમ સ્થળો'માંનું એક બની રહે છે.
આમ, નલિયામાં શિયાળા અને ઉનાળા એમ બંને ઋતુમાં ઍક્સ્ટ્રિમ વૅધરની અનુભૂતિ થાય છે. અશોક કુમાર દાસના જણાવ્યા પ્રમાણે, એના માટે પણ નલિયાનું ભૌગોલિક સ્થાન જવાબદાર છે.
અશોક કુમાર દાસ આ કારણ સમજાવતા જણાવે છે, "સમુદ્રના પાણીની સરખામણીએ જમીનની સપાટી ઝડપથી ઠંડી પડે છે અને ઝડપથી ગરમ પણ થાય છે."
"નલિયા દરિયાકાંઠાથી દૂરના ભૂભાગમાં આવેલ છે. વળી, રણપ્રદેશની નજીક હોવાથી નલિયાનો વિસ્તાર સપાટ છે અને તેના કારણે પણ ઉનાળામાં ત્યાં તાપમાન વધુ રહે છે."
અત્રે એ નોંધવું રહ્યું કે કચ્છના નાના રણ અને મોટા રણમાં ઇન્ડિયન મીટિયરૉલૉજિકલ ડિપાર્ટમેન્ટનું કોઈ હવામાન મથક નથી અને તેથી ભારત સરકાર આ પ્રદેશોના તાપમાનની કોઈ સત્તાવાર નોંધ રાખતું નથી.
રણની કાંધી પર આવેલ નલિયા, ભુજ અને ડીસા ખાતે હવામાન મથકો છે અને તેથી આ સ્થળોના તાપમાનની સત્તાવાર રીતે નોંધ થતી રહે છે.
દરિયાકાંઠાના અન્યવિસ્તારોમાં ઠંડી કેમ નહીં?

ઇમેજ સ્રોત, Getty Images
નલિયામાં બુધવારે (તા. 18 ડિસેમ્બર) મહત્તમ તાપમાન 26.2 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ 7.5 ડિગ્રી સેલ્સિયસ હતું. પરંતુ, નલિયાથી 180 કિલોમીટર પૂર્વ દિશાએ આવેલ કંડલા બંદર પર બુધવારે મહત્તમ તાપમાન 27.4 ડિગ્રી અને લઘુત્તમ 7.5 ડિગ્રી હતું.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ઓખામાં ( 26.7 સે. અને 18.6 સે.), દ્વારકામાં (28.4 સે. અને 16.2 સે.) જોવાયું હતું. તો પોરબંદરમાં 28.5 અને 10.5, વેરાવળમાં 30.2 અને 16.6 અને દક્ષિણ ગુજરાતમાં સુરતમાં ૩.4 અને 15.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
તો એટલો બધો ફર્ક શા માટે? કારણ સમજાવતા અમદાવાદ હવામાન કેન્દ્રના વડા દાસ જણાવે છે: "કંડલામાં અમારું હવામાન મથક એકદમ દરિયાકાંઠા પર આવેલું છે અને તેથી સમુદ્રના પાણી અને હૂંફાળી હવાની તેના પર અસર થાય છે. પરિણામે કંડલા મથકમાં તાપમાન ઊંચું જણાય છે."
"સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા હવામાન કેન્દ્રો પર ફૂંકાતી હવા નલિયામાં સૂકા રણપ્રદેશમાંથી આવતા સૂકા પવનો જેવી નથી હોતી તેથી તાપમાનનો પારો થોડો ઊંચો રહે છે."
જનજીવન અને સ્વાસ્થ્ય પર અસર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. ડી.ડી. દુલેરા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાંથી મે મહિનામાં નિવૃત્ત થયા. એ પહેલાં તેઓ નલિયા સામૂહિક આરોગ્યકેન્દ્ર અને રૅફરલ હૉસ્પિટલ ખાતે 11 વર્ષ ફરજ બજાવી હતી અને નલિયામાં જ રહેતા.
ડૉ. દુલેરા જણાવે છે, "નલિયામાં પવન ફૂંકાવાને કારણે વાતાવરણ ઠંડુ રહે છે. તેની માનવસ્વાસ્થ્ય પર કોઈ ગંભીર અસર થતી હોય તેવું કંઈ ખાસ જણાતું નથી, કારણ કે આ વિસ્તારના લોકો આ પ્રકારના વાતાવરણથી ટેવાઈ ગયા હશે."
"જોકે, ઠંડા અને સૂકા હવામાનને કારણે લોકોની ચામડી સૂકી થઈને ફાટી જવાની ફરિયાદો આવે છે. ખાસ કરીને લોકોના હાથ અને પગમાં વાઢિયા પડી જવા, હાથના પોંચા પરની ચામડી ફાટી જવી વગેરે સમસ્યાઓ થાય છે. પરંતુ, એકંદરે શિયાળાની ઋતુ દરમિયાન રોગચાળામાં અન્ય ઋતુની સરખામણીએ ઘટાડો થાય છે."
ડૉ. દુલેરા ઉમેરે છે કે જયારે કૉલ્ડ વૅવ આવે ત્યારે નલિયામાં જનજીવન સુસ્ત થઈ જાય છે. તેઓ કહે છે, "આવી કૉલ્ડ વૅવ દરમિયાન મોડી સવાર કે બપોર સુધી નલિયાની બજારોમાં માણસોની અવરજવર ખૂબ સીમિત રહે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













