ઍમેઝોનની 'ઊકળતી નદીઓ': કુદરતનો એવો પ્રયોગ, જે ભવિષ્યની ઝાંખી કરાવે છે

ઇમેજ સ્રોત, Riley Fortier
- લેેખક, ક્રિસ બરાનિયુક
- પદ, .
"પેરુનાં જંગલોમાં સ્થિત આ ઊકળતી નદી પાસે પહોંચવા માટે ચાર કલાક જેટલી ચડાઈ પથરાળ રસ્તા પર કરવી પડે છે અને તમારા રસ્તામાં આવતી નાની ટેકરીઓને પાર કર્યા બાદ તમે આ નયનરમ્ય દૃશ્ય જોઈ શકો છો," એમ લૉસાનેની સ્વિસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નિકલ રિસર્ચનાં પોસ્ટ ડૉક્ટરેટ સંશોધક ઍલિસા કુલબેર્ગે જણાવ્યું હતું.
"વિશાળ વિસ્તારમાં વૃક્ષોની વચ્ચેથી વરાળનો મોટો પ્રવાહ વહેતો હશે, ચારેય તરફથી વરાળ ત્યાં ભેગી થઈ હોય એવું લાગશે."
પહેલીવાર કુલબેર્ગે આ દૃશ્ય પોતાની નરી આંખોએ જોયું હતું તે સમયને યાદ કરતાં કહે છે કે, "ચમત્કાર જેવું લાગતું હતું." આ ઊકળતી નદીને શાનાય-ટિમ્ષિકા કે લા બૉમ્બા તરીકે પણ ઓળખવામાં આવે છે. પેરુના મધ્ય ભાગમાં આવેલી આ નદી આગળ જઈને મહાનદી ઍમેઝોનમાં સમાય જાય છે.
1930માં તેલના ભંડારો શોધવા માટે અશ્મિભૂત ઈંધણ કંપનીઓ દ્વારા અહીંની ટેકરીઓને ખોળવામાં આવી હતી પણ પશ્ચિમી વૈજ્ઞાનિકોએ હવે જઈને છેક આ દંતકથા સમાન ઊકળતી નદીનું રહસ્ય લોકો સામે ઊંડાણમાં જાહેર કર્યું છે.
ઉદાહરણ લઈએ તો પાતાળમાં ખૂબ ઊંડાણે રહેલાં ભૂતાપીય સ્રોતોને કારણે આ નદી ઊકળતી હોવાનું સંશોધકોએ તારણ કાઢ્યું હતું.
2022માં કુલબર્ગે યુએસ અને પેરુના સંશોધકની ટીમ સહિત પહેલી વાર મુલાકાત લીધી હતી અને તે સમયે યુનિવર્સિટી ઑફ મિયામીના હાલના પીએચડીનાં ઉમેદવાર રાઇલી ફૉર્ટિએર પણ તેમની સાથે હતાં.
સંશોધકો જંગલો વટાવીને આગળ વધી રહ્યાં હતાં ત્યારે રસ્તામાં તેમણે વન્ય સંપત્તિ પર પડેલી એક અજુગતી અસરની નોંધ લીધી હતી.
ફૉર્ટિએરે જણાવ્યું, "અમને દરેકને દેખાતું હતું અને સમજાતું હતું કે નદીના આસપાસના વિસ્તારમાં સ્પષ્ટ અને નોંધનીય પરિવર્તન આવ્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જંગલો તમને એકદમ ચોખ્ખાં દેખાશે. ત્યાં એટલાં કોઈ મોટાં વૃક્ષો નથી અને જે છે તે પણ સુકાઈ ગયેલાં છે, પાંદડાં પણ તમને કડક થયેલાં લાગશે."
ફૉર્ટિએર યાદ કરીને આશ્ચર્ય પામે છે કે જંગલનો એ રસ્તો કેટલો ગરમ હતો, ઍમેઝોનનાં જગંલો કરતાં પણ. તેમને અને અન્ય ટીમના સભ્યોને આ યાત્રામાં અહેસાસ થયો કે ઍમેઝોનનાં જંગલો પર જળવાયુ પરિવર્તનની કેવી અસરો થશે, તે વિશે આ વિસ્તાર આગોતરી જાણ કરી રહ્યો છે. આ રીતે જોઈએ તો આ ઊકળતી નદી એ કુદરતે સર્જેલો એક પ્રયોગ છે, જે ભવિષ્યની ઝાંખી કરાવે છે.
અહીં સંશોધન કરવું કેટલું અઘરું છે?

ઇમેજ સ્રોત, Riley Fortier
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પણ આનો અભ્યાસ કરવો જરાય સહેલું કામ નથી. ફૉર્ટિઅરે જણાવ્યું કે, "સૉનામાં કામ કરી રહ્યા હોય એવું લાગશે."
ઑક્ટોબરમાં પ્રસિદ્ધ થયેલા સંશોધન પત્રમાં ફૉર્ટિએર, કુલબેર્ગ તેમ જ અને US અને પેરુના સંશોધકો જણાવે છે કે ઊકળતી નદીની નજીક 13 જેટલા તાપમાન નોંધનારાં મશીનોથી કેવી રીતે તેમણે એક વર્ષ સુધી તાપમાન નોંધ્યું. સંશોધકોએ આ મશીનોથી નદીના પટની આસપાસ આવેલાં વિશાળ જંગલોના ઠંડા વિસ્તારોમાં પણ તાપમાન નોંધ્યું હતું.
અહીંના ઠંડા વિસ્તારોનું વાર્ષિક સરેરાશ તાપમાન 24-25 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે ગરમ વિસ્તારનું વાર્ષિક સરેરાશ તાપમાન 28-29 ડિગ્રી સેલ્સિયસ હતું. ઊકળતી નદી નજીક સૌથી ગરમ વિસ્તારમાંથી અમુકનું તાપમાન તો 45 ડિગ્રી નોંધાયું હતું.
ભૂતાપીય વૈજ્ઞાનિક આન્ડ્રેસ રુઝો દ્વારા અન્ય એક અપ્રકાશિત વિશ્લેષણમાં જાણવા મળ્યું હતું કે પાણીનું સરેરાશ તાપમાન 86 ડિગ્રી હતું.
અહીં કયા છોડની પ્રજાતિઓનું અસ્તિત્વ છે તે જાણવા માટે પણ આ ટીમે ગુંગળામણવાળી પરિસ્થિતિમાં કામ કરવું પડ્યું હતું. નદીની સમાંતર આવેલા અમુક વિસ્તારોમાં કેવા છોડો ઊગ્યા છે, તેનું કાળજીપૂવર્કનું વિશ્લેષણ કરતા એક સુસંગતા દેખાઈ. જ્યાં નદી વધુ ગરમ હતી ત્યાં વનસ્પિત ઓછી ગીચ હતી અને અમુક પ્રજાતિઓ ત્યાં ઊગી જ ન હતી.
કુલબેર્ગે જણાવ્યું,"નીચેની બાજુએ ઘણી ઓછી વનસ્પતિઓ હતી. ત્યાં વરાળ પણ વધારે હતી એટલે વનસ્પતિઓ સુકાઈ ગઈ હતી".
ઉદાહરણ તરીકે હંમેશાં હરિયાળા રહેતા અને 50 ફૂટ ઊંચા સૂજનરોધીના વૃક્ષો નદીની નજીકના વિસ્તારોમાં જ્વલ્લે જ જોવા મળતા. ગરમીને કારણે ત્યાંની જીવસૃષ્ટિ પર માઠી અસર પડી હતી.
ફૉર્ટિએકે જણાવ્યું હતું કે હવામાનમાં વરાળની માત્રા વધારે હોવાથી ઊડતા જંતુઓ અને પ્રાણીઓની સ્થિતિ આનાથી પણ દયનીય હોવી જોઈએ. જોકે સંશોધકો આ અંગેના કોઈ પરીક્ષણો કર્યાં ન હતાં.
વધુ ગરમી ખમી શકતી વનસ્પતિઓની સંખ્યા ગરમ વિસ્તારોમાં વધુ હતી અને એ કોઈ આશ્ચર્યજનક વાત નહોતી, પણ આશ્ચર્યની વાત એ હતી કે સંશોધકોને આ અસર નાના અંતરોમાં જોવા મળી હતી.
તેમણે લગભગ બે કિલોમીટરના વિસ્તારમાં અભ્યાસ કર્યો હતો. સાથે જ ઊકળતી નદીના ગરમ વિસ્તારો પણ અલગ અલગ હતા એટલે કે અમુક જગ્યાએ જ વરાળ દેખાતી હતી.
સંશોધનમાં પુરવાર થયું હતું કે તાપમાન એક સ્તરે પહોંચતું કે તરત જ વનસ્પતિઓ પ્રતિક્રિયા આપે છે.
ઊકળતી નદીઓ શું સંકેત આપે છે?

ઇમેજ સ્રોત, Getty Images
સંશોધકો દ્વારા ઊકળતી નદી માટે કુદરતી પ્રયોગ જેવા કરાયેલા અર્થઘટનને ટાંકતા એક્સટેર યુનિવર્સિટીના ક્રિસ બ્લોગ જણાવે છે, "મને લાગે છે કે આ ઉત્તમ અર્થઘટન છે, જેમાં ચાલાકી છે." જણાવી દઈએ કે ક્રિસ આ સંશોધનનો ભાગ નહોતા.
વૈજ્ઞાનિક સંશોધક સંસ્થા પૅનલ ફૉર ધ ઍમેઝોનના ટેક્નિકલ સાયન્ટિફિક સચિવાલયના સભ્ય ડિએગો ઓલિવિએરા બ્રાન્ડેડ જણાવે છે કે ઊકળતી નદીએ એક ઉદાહરણ છે કે ભવિષ્યમાં ઍમેઝોનમાં કેવાં પરિવર્તનો આવશે.
તેમણે ઉમેર્યું હતું કે તેઓ એ બાબતે ચિંતિત છે કે જળવાયુ પરિવર્તનથી અહીંના સ્થાનિકો પર કેવી અસર આવશે. તેમણે ઉમેર્યું,"આ લોકો અહીંના જૈવિક સ્રોતો પર નિર્ભર છે."
બાઉલ્ટન સહમત થાય છે, એ ઉમેરે છે કે, ઍમેઝોનમાં સ્વદેશી જૂથો પહેલાંથી જ પૂર અને દુષ્કાળ જેવા નોંધપાત્ર જોખમોનો સામનો કરી ચૂક્યા છે. જે કેટલાક કિસ્સાઓમાં આબોહવા પરિવર્તનને કારણે વધુ વકરી છે.
બ્રિસ્ટોલ યુનિવર્સિટીના રોડલ્ફો નોબ્રેગા કહે છે કે ઍમેઝોનમાં ઊંચું તાપમાન ત્યાંના ઘણા છોડની પ્રક્રિયાઓને જોખમમાં મૂકી શકે છે - અને ઊકળતી નદી આ વાતને સમજાવવાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
"જેમ જેમ [પ્રદેશનું] તાપમાન વધે, તેમ તેમ [નજીકમાં] પાણીની ઉપલબ્ધતા હોવા છતાં, છોડની પ્રકાશસંશ્લેષણ(ફોટોસિન્થેસિસ) કરવાની ક્ષમતા ઘટી જાય છે."
તેઓ કહે છે, "મારા મતે અહીં આસપાસ પાણી હોવા છતાં પણ તાપમાનને લીધે છોડ માટે તણાવ નિર્માણ થાય છે." તેમ છતાં તે નોંધે છે કે અભ્યાસ કરનારા વૈજ્ઞાનિકોએ ભૂગર્ભજળનું તાપમાન અને પ્રમાણ માપ્યા નથી.
કુલબર્ગ કહે છે કે, જ્યારે ઊકળતી નદી એ સંકેત આપે છે કે તાપમાનમાં વધારો કેવી રીતે જૈવવૈવિધ્ય અને છોડના વિકાસને અસર કરી શકે છે, તે યાદ રાખવું જરૂરી છે કે ઍમેઝોનનો આ વિસ્તાર વ્યાપક અર્થમાં આ વિશાળ જંગલના ભાવિને સમગ્રપણે ને યોગ્ય રીતે દર્શાવી શકે નહીં.
ઉદાહરણ તરીકે, આટલી બધી વરાળની અપેક્ષા બીજે ક્યાંય ન હોય. અને મોટા હવામાનની અસર, જેમ કે તોફાનો અથવા વરસાદમાં ફેરફાર, વગેરે અનેક બાબતો આવનારાં વર્ષોમાં સમગ્ર જંગલ કેવી રીતે વિકસિત થાય છે એ વાત નક્કી કરશે.
આબોહવા પરિવર્તનની કેટલી અસર?

ઇમેજ સ્રોત, Riley Fortier
ઉકળતી નદી આબોહવા પરિવર્તનના પ્રભાવ હેઠળ વિશાળ ઍમેઝોન બેસિનની સ્થિતિને સંપૂર્ણ રીતે રજૂ ન કરી શકે તેનું બીજું પણ એક કારણ છે.
નોબ્રેગા નિર્દેશ કરે છે કે ઍમેઝોન એક વિશાળ સ્થળ છે. તે બ્રાઝિલ, પેરુ, બોલિવિયા, કોલંબિયા અને ફ્રેન્ચ ગુઆના, વિદેશી ફ્રેન્ચ પ્રદેશ સહિત નવ જુદા જુદા દેશોના ભાગોમાં ફેલાયેલું છે.
કુલ મળીને, તે 6.7 મિલિયન ચોરસ કિમી (2.6 મિલિયન ચોરસ માઇલ) કરતાં વધુ વિસ્તારને આવરી લે છે.
તેઓ ઉમેરે છે કે, "તમે એક વિસ્તારમાં જે શોધો છો તે જુદા પ્રકારની વરસાદી પેટર્ન અને જુદા પ્રકારના છોડ-વૈવિધ્ય ધરાવતા અન્ય વિસ્તાર માટે વૈજ્ઞાનિક રીતે સંબંધિત ન હોઈ શકે."
અગાઉ, બાઉલ્ટન અને સહકર્મીઓએ એવી સંભાવનાનો અભ્યાસ કર્યો હતો કે એમેઝોન "ટીપીંગ પોઈન્ટ" પર પહોંચી રહ્યું છેય ટીપિંગ પોઈન્ટ એટલે એવી ક્ષણ કે જ્યાં આબોહવા પરિવર્તન અને નિર્વનીકરણ(ડિફોરેસ્ટેશન) એમેઝોનના જંગલોને વિનાશ તરફ દોરી રહ્યા છે.
બૉલ્ટન કહે છે, "તમે કદાચ એક દાયકા કે તેથી વધુ સમયમાં વૃક્ષોના અચાનક મૃત્યુ જોઈ શકો છો."
તેઓ નોંધે છે કે ઍમેઝોન માત્ર આબોહવા પરિવર્તનને કારણે વધુ ગરમ અને સુકાઈ રહ્યું નથી.
એક મહત્ત્વની સમસ્યા નિર્વનીકરણ છે, જે જંગલની ઉપરની હવામાં ફેલાયેલા વાતાવરણને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. એનાથી વરસાદના સ્વરૂપમાં જંગલમાં ભેજ છવાઈ શકે છે.
તેઓ સમજાવે છે કે, "જો તમે વૃક્ષો કાપી નાખો છો, તો તમે તે વાતાવરણમાંની એક અત્યંત મહત્ત્વની કડીનો નાશ કરો છો. એટલે કે, તમે જંગલને વધુ સૂકાં બનાવવા તરફ દોરી રહ્યાં છો."
ઊકળતી નદી એક ચેતવણી છે?

ઇમેજ સ્રોત, Getty Images
2023માં પ્રકાશિત અને બાઉલ્ટન સહિત 200થી વધુ સંશોધકો દ્વારા લખવામાં આવેલા વૈશ્વિક ટિપિંગ પૉઇન્ટ્સ પરના એક મુખ્ય અહેવાલમાં, ઍમેઝોન રેઇનફૉરેસ્ટ ટૂંક સમયમાં જંગલને બદલે માત્ર ઘાસનાં મેદાન જેવાં વધુ શુષ્ક સ્થાનમાં ફેરવાઈ શકે છે, તેવા જોખમ વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
અને છતાં ફૉર્ટિયર સૂચવે છે કે ઊકળતી નદીનો અભ્યાસ કરીને આપણે, આજની નવી પડકારજનક પરિસ્થિતિઓમાં કઈ પ્રજાતિઓ ટકી રહેવાની સૌથી વધુ સંભાવના ધરાવે છે, તેનો ખ્યાલ મેળવી શકીએ છીએ.
તેમણે વિશાળ સેઇબા ટ્રી (સેઈબા લ્યુપુના)નું ઉદાહરણ નોંધ્યું છે, જે 50 મીટર (164 ફૂટ) સુધી ઊંચું થઈ શકે છે. કુલબર્ગના મતે આ વૃક્ષ ઊકળતી નદીની નજીકના ઊંચા તાપમાન સામે ટકી રહે તેવું લાગતું હતું. અગાઉના સંશોધન દ્વારા પણ કુલબર્ગના આ અવલોકનને સમર્થન મળે એમ છે.
કુલબર્ગ નોંધે છે કે સેઈબા વૃક્ષ તેના થડમાં પાણીનો સંગ્રહ કરી શકે છે, જે તેને દુષ્કાળની સ્થિતિમાં ટકી રહેવામાં મદદ કરે છે.
ફૉર્ટિયર કહે છે કે અમુક છોડ ઊકળતી નદીના આત્યંતિક વાતાવરણનો સામનો કરી શકે છે તેનો સંશોધન દ્વારા ચોક્કસ ખ્યાલ મેળવી લેવાથી પ્રકૃતિ-બચાવના હિમાયતીઓને તે નક્કી કરવામાં મદદ મળી શકે છે કે વિશાળ જંગલના કયા ભાગોને સૌથી વધુ રક્ષણની જરૂર છે.
કુલબર્ગ ઉમેરે છે કે, શક્ય છે કે સ્થિતિસ્થાપક પ્રજાતિઓથી બનેલા જંગલની છત્રની નીચે વધુ સંવેદનશીલ માઇક્રો-ક્લાઇમેટ જાળવવાનું પણ શક્ય બને.
બાઉલ્ટન ઍમેઝોનના રક્ષણને માત્ર જંગલના રક્ષણ તરીકે નહીં પણ સમગ્ર માનવતાના રક્ષણના માર્ગ તરીકે માને છે. જોખમ એ છે કે, જો આ વિશાળ જંગલ એવા વિનાશક ટિપિંગ પૉઇન્ટ સુધી પહોંચે છે જ્યાંથી તે ઝડપથી નાશ પામવાનું શરૂ કરે છે, તો આખા વિશ્વએ એની માઠી અસર રહન કરવી પડશે.
તેઓ કહે છે કે, "જો જંગલ નાશ પામે છે, તો તેમાંથી ઘણો કાર્બન વાતાવરણમાં જશે અને તે આબોહવાને વધુ અસર કરશે, આ મુદ્દો માત્ર સ્થાનિક નથી, વૈશ્વિક છે."
ઊકળતી નદી, એ અત્યારે ભવિષ્યની માત્ર એક ઝલક નથી, પણ એક ચેતવણી તરીકે આપણ સૌની સામે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












