ગુજરાતમાં ભયંકર ગરમી, લૂથી બચવા શું પીવું અને શું ન પીવું જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રુચિતા
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાત સહિત ભારતનાં અનેક રાજ્યોમાં હિટ વેવની પરિસ્થિતિ છે. ભયંકર ગરમી અને લૂથી લોકો પરેશાન છે.
અગાઉ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે લોકસભા 2024ની ચૂંટણી દરમિયાન હીટવેવની આગાહીને ધ્યાનમાં લઈને એક એડવાઇઝરી જાહેર કરી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લોકસભાની ચૂંટણીને લગતી સભાઓમાં હીટવેવની અસરથી બચવા માટે ચોક્ક્સ યોજના બનાવવા માટે નિર્દેશ આપ્યા છે.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે માંડવિયાએ કહ્યું, "હીટવેવથી બચવા માટેના ઉપાયો વિશે લોકોને સમયસર અને વ્યાપક રીતે જાગૃત કરવાથી હીટવેવની અસરોને ટાળવામાં મદદ મળી શકે છે."
ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશનું ઉચ્ચતમ તાપામન આ વર્ષે સામાન્ય કરતા વધારે રહેશે.
માંડવિયાએ જણાવ્યું કે એપ્રિલ મહિનાની શરૂઆતથી જ દેશના ઘણા વિસ્તારોમાં તાપમાન 40થી 42 ડિગ્રી નોંધાયું છે અને આ કારણે હીટસ્ટ્રોકનું જોખમ વધી ગયું છે.
તેમણે ઉમેર્યું, "લોકસભા 2024ની ચૂંટણી નજદીક જ છે અને લોકોની વ્યાપક જનભાગીદારીની અપેક્ષા છે અને તેમની ભાગીદારી વગર આ ભવ્ય ઇવેન્ટ પૂર્ણ થશે નહીં. આ ચૂંટણીમાં લોકોની જનભાગીદારી સુનિશ્ચિત કરવાની સાથે લોકોના સ્વાસ્થયની સંભાળ રાખવી એ આપણા બધાની જવાબદારી છે."
ઉનાળામાં ગરમીથી બીમાર ન પડવા શું કરવું જોઈએ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ગુજરાતમાં ગરમી દિવસે ને દિવસે વધી રહી છે. કેટલાક જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. ત્યારે ઉત્તર ભારતનાં રાજ્યો સાથે ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં હીટ વેવ જેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ત્યારે ગરમીમાં શું કરવું અને શું ન કરવું?
આ સમયગાળા દરમિયાન, રહેવાસીઓને હળવા અને ઢીલા-ફિટિંગ કપડાં પહેરવા, સ્પ્રે બોટલ અથવા ભીના સ્પોન્જનો ઉપયોગ કરીને ત્વચાને ભીની રાખવાની સલાહ આપવામાં આવે છે. ભારે ગરમીના દિવસોમાં હાઇડ્રેટેડ (પાણી પીતા રેહવું) રહેવું મહત્ત્વપૂર્ણ છે, તેથી પૂરતું પાણી પીવું અને બહાર શારીરિક પ્રવૃત્તિઓ ટાળવાની ભલામણ કરવામાંં આવે છે.
નિષ્ણાતો મુજબ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં હીટ વેવની ઘટનાઓ વધી રહી છે અને તેના દિવસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને કોલ્ડ વેવની સંખ્યા અને દિવસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં તાપમાન ઝડપથી ઊંચું જઈ રહ્યું છે, જેનાથી લોકો હેરાન છે. ઘણાં શહેરોમાં માર્ચ મહિનામાં જ તાપમાન 40 ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે.
ભયાનક ગરમીમાં ભરબપોરે ઘર બહાર નીકળવાનું કોઈને મન ન થાય, પણ નોકરી-ધંધા અર્થે અને અન્ય કારણોસર લોકોને બહાર નીકળવાની ફરજ પડે છે.
હવે તો હવામાનવિભાગે પણ રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે તેવું અનુમાન જાહેર કરી દીધું છે.
ભયંકર ગરમીમાં હીટ સ્ટ્રોક કે પછી શરીરમાં પાણીની કમી થઈ જવી,એ સામાન્ય સમસ્યા છે.
તો આહીં વાંચો ભરઉનાળામાં તમે હીટવેવમાં કેવાં પ્રવાહી લઈ શકો જેનાથી શરીરમાં પાણીની કમી (ડિહાઇડ્રેશન) ન સર્જાય.
હીટવેવથી બચવા કેવું પ્રવાહી લેવું જોઈએ?

ઇમેજ સ્રોત, ANI
અમેરિકાના સેંટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન અને ફિઝિશિયન ડૉક્ટર દુર્ગેશ મોદી મોદીના કેહવા પ્રમાણે, એવું પ્રવાહી પીવું જોઈએ જેનાથી શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની માત્ર જળવાઈ રહે. ઇલેક્ટ્રોલાઇટ્સ એ મનુષ્યના લોહી અને શરીરના અન્ય પ્રવાહીમાં રહેલા ખનિજો છે. આ ઇલેક્ટ્રોલાઇટ્સ પાણી, લીંબુ પાણી, છાસ, જ્યૂસ, ઓઆરએસ વગેરેમાંથી મળે છે.
જયારે હીટવેવમાં અતિશય પરસેવો થાય ત્યારે શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની કમી થાય અને તેને પૂરી પાડવા માટે તેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેથી કરીને શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની માત્ર જળવાઈ રહે.
તે માટે ઓઆરએસવાળું પાણી, મરી અને લીંબુવાળું પાણી પીવું જોઈએ, છાસ અથવા પાણીવાળા ફળ ખાઈ શકાય.
ઓઆરએસ, લસ્સી, ચોખાનું પાણી, લીંબુ પાણી, છાશ વગેરે જેવાં ઘરગથ્થુ પીણાંનો ઉપયોગ કરી શકો જે શરીરને ફરીથી હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે.
પાણી- તરસ લાગે તે પહેલાં પાણી પીવું જોઈએ. જો તમને તરસ લાગે તેની રાહ જોશો તો ત્યાં સુધીમાં તમારા શરીરમાં પાણીની માત્રા ખૂબ જ ઘટી ગઈ હશે. ગરમીમાં કામ કરતી વખતે, દર 15-20 મિનિટે એક કપ પાણી પીવો. મોટા અંતરાલ પછી વધારે માત્રામાં પીવા કરતાં ટૂંકા અંતરાલમાં થોડું થોડું પીવું વધુ અસરકારક છે.
ભોજન - વ્યક્તિએ ભોજનની અવગણના ન કરવી જોઈએ કારણ કે મોટા ભાગના કિસ્સાઓમાં, શરીરમાં મીઠાંની માત્રા દિવસ દરમિયાન સામાન્ય ભોજન અને નાસ્તા ખાવાથી સંતુલિત રાખી શકાય છે.
છાસ-છાસમાં પોટેશિયમ હોય છે જે શરીરમાં જરૂરી સોડિયમ અને પોટેશિયમનું સંતુલન જાળવી રાખે છે.
ઓઆરએસ - આમાં મીઠું અને સાકરના ઘટકો હોય છે જે શરીર માટે પૂરતાં હોય છે અને બંને વસ્તુનું સંતુલન શરીરમાં જાળવી રાખે છે.
કયું પીણું ટાળવું જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
કેફીન- સામાન્ય રીતે, ચા, કૉફી અને સૉફ્ટ ડ્રિંક્સમાં કેફીનની માત્રાથી શરીરમાં મીઠું અને ખાંડની માત્રમાં કદાચ એકંદર વધારો નહીં કરે.
એનર્જી ડ્રિંક્સ- કેટલાક એનર્જી ડ્રિંક્સમાં કૉફી, ચા અથવા સૉફ્ટ ડ્રિંક્સ કરતાં વધુ કેફીન હોય છે. દરરોજ અનેક એનર્જી ડ્રિંક્સ પીવાથી તમારા કેફીનનું સ્તર તમારા હૃદયને નકારાત્મક અસર કરી શકે છે. એનર્જી ડ્રિંક્સમાં સૉફ્ટ ડ્રિંક્સ જેટલી અથવા વધુ ખાંડ હોય છે, જે શરીરમાં ડાયાબિટીસ વધારી શકે છે.
દારૂ - તે ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે. ગરમીમાં કામ કર્યાના 24 કલાકની અંદર દારૂ પીવાથી ગરમીને કારણે બીમારીનો ખતરો વધી શકે છે.
ડૉક્ટર મોદી કહે છે કે,"પરંતુ જો કોઈને ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ પ્રેશર હોય તો ઓઆરએસ સૌથી સલામત વિકલ્પ છે. કેમ કે ઓઆરએસમાં જેટલી શરીરને જરૂર હોય તેટલી માત્રામાં જ મીઠું અને ખાંડ હોય છે. એક લિટર પાણીમાં જો ઓઆરએસનું એક પૅકેટ ઉમેરવામાં આવે તો તેમાં અડધી ચમચી મીઠું અને એક ચમચી જેટલી ખાંડ હોય છે. તેથી તે લેવાથી બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ વધવાની સંભાવના ઓછી હોય છે."
ઇલેક્ટ્રોલાઇટ્સની અને બીજા મિનરલ્સની શરીરમાં કેમ જરૂર છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ વિશે બીબીસીએ ડૉક્ટર દુર્ગેશ સાથે વાત કરી. તેઓ સમજાવે છે કે, "જયારે ગરમી વધારે હોય છે ત્યારે શરીરનું તાપમાન નીચું રાખવા માટે શરીર પરસેવો ઉત્પન્ન કરે. એ પરસેવો જયારે ઉત્પન્ન થાય ત્યારે શરીરમાંથી પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ બહાર નીકળે છે. તેથી ગરમી દરમિયાન દરમિયાન પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની જરૂર પડે."
"શરીરના અગત્યના ઇલેક્ટ્રોલાઇટ્સમાં સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઇડ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, વગેરે છે. આમાં પણ સોડિયમ અને પોટેશિયમ એ સૌથી અગત્ય છે શરીરના સંતુલન માટે."
"અને જયારે પરસેવો થાય ત્યારે પાણીની સાથે સાથે આ ઇલેક્ટ્રોલાઇટ પણ શરીરની બહાર નીકળી જાય. તેથી શરીરમાં તેની માત્રને ફરીથી વધારવા પાણીની સાથે સાથે આ ઇલેક્ટ્રોલાઇટ્સની જરૂર પડે."
"જો સાદું પાણી લેવામાં આવે તો શરીરમાં ફક્ત પાણીની કમી પૂરી થાય પરંતુ શરીરને જરૂરી બીજા ઇલેક્ટ્રોલાઇટ્સ અને મિનરલ્સની જરૂરિઆત પૂર્ણ ના થાય."
જો હીટવેવ દરમિયાન અસ્વસ્થા અનુભવાય તો શું કરવું જોઈએ?
વિશ્વ સ્વસ્થ સંસ્થા કહે છે કે, જો હીટવેવ દરમિયાન તમને ચક્કર આવે, અશક્તિ મેહસૂસ થાય, બેચૈની થાય, અતિશય તરસ લાગે, અથવા માથું દુખે તો ઠંડી જગ્યાએ જાવ, અને પાણી અથવા ફળનો જ્યુસ પીવો જેથી કરીને તમારા શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની માત્રા વધશે.
જો હીટવેવમાં તમારા પગ, હાથ અથવા પેટના સ્નાયુઓ ખેંચાય જાય તો ઓઆરએસ પીવું જોઈએ. જો આ દુખાવો 1 કલાકથી વધારે રહે તો તુરંત ડૉક્ટરને બતાવવું જોઈએ.
જો કોઈ વ્યક્તિ હીટવેવમાં બેહોશ થઇ જાય તો તુરંત જ ડૉક્ટરને ફોને કરવો અને તે દરમિયાન દર્દીને આડા સુવડાવી તેમના પગ અને નિતંબ ઉંચા કરીને તેમના પર ઠંડા પૅકેટ મુકવા, તેમને સતત હવા નાખવી, મોં પર પાંખો ચલાવવો અને પાણીનો છટકાવ કરવો.
હીટવેવથી કોને સૌથી વધુ જોખમ છે?

યુનિસેફના મતે, વધારે પડતી ગરમી દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે જોખમી છે. શિશુઓ, બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધો ખાસ કરીને ગરમીના તાણ માટે સંવેદનશીલ હોય છે.
પુખ્ત વયના લોકો કરતાં બાળકો અને વૃદ્ધ માટે વધુ પડતી ગરમી ખતરનાક બની શકે છે. બાળકોમાં પાણીની કમી (ડિહાઇડ્રેશન) ખતરનાક અથવા જીવલેણ પણ બની શકે છે. બાળકોના શરીરને પુખ્ત વયના લોકો કરતા તાપમાનનું સંતુલન કરવામાં વધુ તકલીફ પડે છે.
સગર્ભા સ્ત્રીઓને પણ વધુ જોખમ રહે છે. વધુ પડતી ગરમી અને ડિહાઇડ્રેશનથી બાળકનું ઓછું વજન, વહેલો જન્મ અને મૃત્યુ પામવાનું જોખમ વધારે છે. સગર્ભા સ્ત્રીઓ પણ નકારાત્મક રીતે પ્રભાવિત થઈ શકે છે અને વહેલી પ્રસૂતિ થઈ શકે છે, તેમજ સગર્ભાવસ્થા ડાયાબિટીસ અને હાયપરટેન્શન વિકસાવી શકે છે.












