રશિયામાં ભયાનક નરસંહાર બાદ હવે પુતિન શું કરશે?

ઇમેજ સ્રોત, EPA
- લેેખક, સ્ટીવ રોઝનબર્ગ
- પદ, બીબીસી ન્યૂઝ
મૉસ્કોના ન્યૂ અરબાત એવન્યુ પર રશિયાની સૌથી મોટી વીડિયો સ્ક્રીનો લાગેલી છે.
આ બધી જ સ્ક્રીન પર એક વિશાળ તસવીર છે- સળગતી મીણબત્તી અને રશિયન ભાષાનો શબ્દ 'સ્કોર્બિમ', જેનો મતલબ છે- 'અમે શોકમાં છીએ.'
રવિવારે રશિયામાં ક્રૉકસ સિટી હૉલમાં થયેલા હુમલામાં માર્યા ગયેલા લોકોની યાદમાં શોક પાળવામાં આવ્યો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં 137 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. જોકે આ સંખ્યા અંતિમ નથી, કેમ કે હજુ પણ કેટલાક મૃતદેહોની શોધ ચાલુ છે.
આખા દેશમાં રશિયાનો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો. મનોરંજન અને રમત સંબંધિત આયોજનો રદ કરી દેવાયાં અને ટીવી પર ન્યૂઝ ઍન્કરોએ કાળો પોશાક પહેર્યો.
ક્રૉકસ સિટી હૉલ ભલે મૉસ્કોના કેન્દ્રિત વિસ્તારમાં ન હોય, પણ આ આખા રશિયાનું સૌથી ચર્ચિત આયોજન સ્થળોમાંનું એક છે.
શુક્રવારના નરસંહારે આ કૉન્સર્ટ હૉલને નરકમાં બદલી નાખ્યો. હુમલાખોરોએ માત્ર ગોળીથી લોકોના જીવ ન લીધા, પણ સળગાવીને પણ લોકોને મારી નાખ્યા. તેમણે ઇમારતોમાં આગ ચાંપી દીધી.
રશિયાની તપાસ એજન્સીએ જે વીડિયો જારી કર્યો છે તેમાં ઇમારતની છત પડી ગઈ છે. તેમાં મેટલ બીમ પણ સામેલ છે.
ઇમારતની બહાર હજુ પણ મોટી સંખ્યામાં પોલીસ દળ તહેનાત છે. હું જ્યાં ઊભો છું ત્યાંથી આ મનોરંજન કૉમ્પ્લેક્સનો માત્ર બળી ગયેલો એક ભાગ દેખાય છે. તેનાથી ભીતર થયેલી તબાહીનો અંદાજ આવી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ નરસંહારના પીડિતો માટે એક અસ્થાયી મકબરો બનાવાયો છે, જ્યાં લાંબી કતારોમાં લોકો ફૂલો ચઢાવી રહ્યા છે.
શ્રદ્ધાંજલિ આપવા આવેલા લોકો ગુલાબો અને ફૂલોની સાથે ઢીંગલીઓ અને રમકડાં પણ મૂકે છે, કેમ કે મૃતકોમાં બાળકો પણ સામેલ છે.
લોકો અહીં સંદેશ પણ મૂકી રહ્યા છે. એક સંદેશ હુમલાખોરો માટે હતો- 'તમે નીચ છો, અમે તમને ક્યારેય માફ નહીં કરીએ.'
અહીં આવેલા લોકોમાં દુ:ખ અને ગુસ્સો બંને છે.

'રશિયા રડી રહ્યું છે'

ઇમેજ સ્રોત, MAXIM SHIPENKOV/EPA-EFE/REX/SHUTTERSTOCK
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તાતાન્યા કહે છે, "દેશનું દિલ દુખે છે. મારો આત્મા રોઈ રહ્યો છે. રશિયા રડી રહ્યું છે. આટલી મોટી સંખ્યામાં યુવા માર્યા ગયા છે. મને એવું લાગે છે કે મારાં બાળકોનાં મોત થયાં છે."
તાતાન્યા અહીં શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે કેટલાંક ફૂલ લઈને આવ્યાં હતાં.
રોમન કહે છે, "આ બહુ મોટો ઝટકો હતો. હું નજીક જ રહું છું, મેં મારી બારીમાંથી આ બધું થતા જોયું. બિહામણું છે અને એક મોટી ત્રાસદી છે."
એક વૃદ્ધ યેવજીની કહે છે, "જેણે પણ આ હુમલો કર્યો છે એ માણસ નથી. મને લાગે છે કે રશિયાએ મોતની સજા પરની રોક હટાવી દેવી જોઈએ. કમસે કમ આતંકવાદના કેસમાં."
આ હુમલાના કેસમાં ચાર લોકોની આતંકવાદી ઘટનાને અંજામ આપવાના આરોપમાં ધરપકડ કરાઈ છે. મૉસ્કોની એક કોર્ટે તેમને બે મહિનાની હિરાસતમાં મોકલી દીધા છે.
તેમની ઓળખ દાલેરદઝોન મિર્ઝોયેવ, સૈદાકરામી મુરોદલી માચાબલિઝોદા, શમ્સિદીન ફરિદુની અને મુહમ્મદાસોબિર ફૈજોવના રૂપમાં થઈ છે.
અહેવાલો અનુસાર, તાજિક નાગરિક મિર્ઝોયેવે પોતાના પર લાગેલા બધા આરોપ સ્વીકારી લીધા છે.
ચરમપંથી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સમૂહનું કહેવું છે કે ક્રૉકસ સિટી હૉલમાં થયેલા હુમલા માટે એ જવાબદાર છે.
સમૂહે હુમલાખોરોની હુમલા દરમિયાનની હિંસક તસવીરો શૅર કરી છે. અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે તેમની પાસે ઇસ્લામિક સ્ટેટના દાવાને ખારિજ કરવાનું કોઈ કારણ નથી.

યુક્રેન પર નિશાન?

ઇમેજ સ્રોત, REUTERS/MAXIM SHEMETOV
જોકે રશિયામાં આ હુમલા મામલે પ્રતિક્રિયાઓ અલગ છે.
રશિયાના અધિકારી આ વિચારને સમર્થન આપી રહ્યા છે કે આ હુમલા પાછળ કોઈને કોઈ રીતે યુક્રેન છે.
શનિવારે જારી કરેલા એક ટીવી સંદેશમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે ચાર હુમલાખોરોની યુક્રેનની તરફ ભાગતા ધરપકડ કરાઈ છે.
પુતિને આરોપ મૂક્યો કે "આ હુમલાખોરો યુક્રેનમાં ઘૂસી શકે તે માટે એક રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો."
યુક્રેને આ બધા આરોપ ફગાવ્યા છે. જોકે તેમ છતાં રશિયાના અનેક વિશ્લેષકો અને ટિપ્પણીકારો આ હુમલાનો સંબંધ યુક્રેન સાથે જોડીને જુએ છે.
સરકાર સમર્થિત અખબાર મૉસ્કોવ્ય્કી કોમ્સોમોલેટ્સે યુક્રેન સામે એક આકરો સંપાદકીય લેખ લખ્યો છે. તેનું શીર્ષક છે- 'યુક્રેનને આતંકવાદી રાષ્ટ્ર જાહેર કરવું જોઈએ.'
આ લેખમાં કહેવાયું કે "કીએવની સત્તાને સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે, એ આખી ગૅંગનો ખાતમો થવો જ જોઈએ. રશિયા પાસે એવું કરવા માટે સંસાધન છે."
આ બાબતોથી એક મહત્ત્વનો સવાલ પેદા થયો છે. આ વિનાશકારી હુમલાની રશિયા શી પ્રતિક્રિયા આપશે? શું રશિયાનું નેતૃત્વ ક્રૉકસ સિટી હૉલની ઘટનાનો ઉપયોગ યુક્રેન યુદ્ધમાં પોતાની સંભવિત આક્રમકતાને યોગ્ય ઠેરવવા માટે કરી શકે છે?














