મૉસ્કો હુમલા મામલે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને શું દાવો કર્યો?

ઇમેજ સ્રોત, SPUTNIK/KREMLIN POOL/EPA-EFE/REX/SHUTTERSTOCK
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કહ્યું કે મૉસ્કોના કોન્સર્ટ હૉલમાં હુમલો કરનાર ચારેય બંદુકધારીઓની ધરપકડ કરવામા આવી છે.
પાટનગર મૉસ્કોના બહારના વિસ્તારમાં આવેલા એક કોન્સર્ટ હૉલમાં શુક્રવારે રાત્રે ગોળીબારની ઘટના બની જેમાં 133 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે. જ્યારે 140 લોકો આ હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે.
રશિયાના અધિકારીઓનો દાવો છે કે કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ચાર બંદૂકધારીઓને યૂક્રેન તરફ ભાગતા પકડી લેવામા આવ્યા.
રશિયાના વિદેશ મંત્રીએ આ હુમલાને એક આતંકવાદી હુમલો ગણાવ્યો છે. યૂક્રેને કહ્યું છે કે આ હુમલા પાછળ તેમનો હાથ નથી.
બીબીસી રશિયાના સંપાદક સ્ટીવ રોજનબર્ગે કહ્યું હતું કે છેલ્લા બે દાયકાઓમાં આ રશિયા પર થયેલો સૌથી મોટો હુમલો છે.
મૉસ્કોમાં થયેલા હુમલામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યકત કર્યું છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું, “મૉસ્કોમાં થયેલા એક જઘન્ય ચરમપંથી હુમલાની ઘોર નિંદા કરીએ છીએ. અમારી પ્રાર્થના પીડિતોના પરિવાર સાથે છે. દુખની આ ઘડીમાં ભારત રશિયાની સરકાર અને લોકોની સાથે છે.”
હુમલા માટે કોણ જવાબદાર?

ઇમેજ સ્રોત, REUTERS/MAXIM SHEMETOV
હુમલાની જવાબદારી ચરમપંથી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઈએસ)એ લીધી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આઈએસનું કહેવું છે કે જે બંદુકધારીઓએ હુમલો કર્યો તે ત્યાંથી બચીને ભાગી ગયા છે.
શનિવારે ટેલિગ્રામ પર આઈએસની ચેનલ પર એક તસવીર જાહેર કરવામાં આવી હતી જેમાં ચાર માસ્ક પહેરેલા લોકો વિશે દાવો કર્યો હતો કે આ હુમલો કરનાર લોકો છે.
રશિયાએ અત્યાર સુધી આઈએસના દાવા પર કોઈ ટિપ્પણી કરી નથી.
આઈએસે આ હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો હતો. બીબીસીએ આ વીડિયોની ખરાઈ કરી છે અને વીડિયોમાં જોઈ શકાય છે કે હુમલાખોરો લોકો પર ગોળીબારી કરી રહ્યા છે. બીબીસીએ આ વીડિયાનું પ્રસારણ નથી કર્યું.
ટેલિવિઝન પર આપેલા પોતાના ભાષણમાં પુતિને હુમલાની નિંદા કરી અને તેને એક જઘન્ય આતંકી હુમલો ગણાવ્યો. આ સાથે જે તેમણે કહ્યું કે હુમલાવરોએ યૂક્રેન ભાગવાની કોશિશ કરી હતી.
યૂક્રેને આ દાવાને નકાર્યો અને કહ્યું કે તેઓ આ હુમલામાં કોઈપણ રીતે સામેલ નથી. યૂક્રેને આ દાવાને એકદમ તર્કહીન ગણાવ્યો.
યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીએ કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મૉસ્કોના કોન્સર્ટ હૉલમાં થયેલા હુમલાના આરોપ યૂક્રેન પર લગાવાની કોશિશ કરી રહ્યા છે.
તેમણે કહ્યું, “ગઈ કાલે શુક્રવારે મૉસ્કોમાં જે થયું તે સ્પષ્ટ છે. જોકે પુતિન અને અન્ય કેટલાક નીચ પ્રવૃત્તિ કરનાર લોકો આ ઘટના વિશે દોષનો ટોપલો કોઈ અન્ય લોકો પર ઢોળવાની કોશિશ કરી રહ્યાં છે. આ હુમલા બાદ રશિયન લોકોને સાંત્વના આપવાને બદલે પુતિન આખો દિવસ મૌન રહ્યા. અને આ હુમલાનો દોષ યુક્રેન પર કેવી રીતે નાખવો તે વિશે વિચારતા રહ્યા."
વ્હાઈટ હાઉસે પુષ્ટિ કરી છે કે તેમણે રશિયાની ઑથૉરિટીને માર્ચની શરૂઆતમાં જ જણાવ્યું હતું કે મૉસ્કોમાં મોટી ભીડ પર હુમલો થઈ શકે છે.
રશિયાએ આ વિશે હાલમાં કોઈ પ્રતિક્રિયા નથી આપી.
અમેરિકાએ પહેલાં ચેતવણી આપી હતી

ઇમેજ સ્રોત, VASILY PRUDNIKOV/EPA-EFE/REX/SHUTTERSTOCK
અમેરિકાની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલનાં પ્રવક્તા એડરીન વૉટસને કહ્યું, “આ મહિનાની શરૂઆતમાં અમેરિકાની સરકાર પાસે મૉસ્કોમાં એક આયોજનપૂર્વક આતંકવાદી હુમલાની સૂચના હતી જેમાં કોન્સર્ટ જેવી વધારે ભીડવાળી જગ્યાઓ નિશાના પર હતી.”
તેમણે જણાવ્યું કે અમેરિકાની સરકારે રશિયાને આ વિશે જાણકાર આપી હતી.
બીબીસીના સુરક્ષા સંવાદદાતા ગૉર્ડન કોરેરાએ જણાવ્યું કે રશિયાએ આ ચેતવણીઓને પ્રૉપેગૅન્ડા કહીને નકારી દીધી હતી.
અમેરિકામાં બીબીસીની સહયોગી સંસ્થા સીબીએસને અમેરિકાના અધિકારીઓએ કહ્યું કે તેમણે આ ગુપ્ત જાણકારી મળી હતી કે આઈએસ રશિયામાં કોઈ હુમલો કરી શકે છે.
હુમલો ક્યાં થયો?

ઇમેજ સ્રોત, MAXIM SHIPENKOV/EPA-EFE/REX/SHUTTERSTOCK
બીબીસીએ આ ઘટનાના વીડિયોની તપાસ કરી છે જેના દ્વારા જાણકારી મળી છે કે આ હુમલો મૉસ્કોના ઉત્તર પશ્ચિમી શહેર ક્રાસ્નોગોસર્કમાં આવેલા ક્રૉક્સ સિટી હૉલ રીટેલ ઍન્ડ કોન્સર્ટ કૉમ્પ્લેક્ષમાં થયો હતો.
અહીં પિકનિક નામના એક રશિયન રૉક ગ્રૂપના કાર્યક્રમનું આયોજન થવાનું હતું. કોન્સર્ટ શરૂ થાય તે પહેલાં જ લશ્કરી યુનિફોર્મ જેવા કપડાં પહેરીને ચાર બંદૂકધારીઓ આવ્યા અને લોકો પર ગોળીબાર શરૂ કરી દીધો.
આ હુમલા દરમિયાન હૉલમાં છ હજારથી વઘારે લોકો હાજર હતા. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે રૉક ગ્રૂપ સ્ટેજ પર આવે તે પહેલા જ આ હુમલો કરવામાં આવ્યો.
આ દરમિયાન ઇમારતમાં આગ લાગી ગઈ અને છતનો એક ભાગ પણ પડી ગયો.
રશિયાના નેશનલ ગાર્ડસે કહ્યું કે તેમની સ્પેશયલ ટીમ ક્રૉક્સ સિટી હૉલ પહોંચી ગઈ હતી અને હુમલાખોરોને પકડવાની કોશિશ કરી હતી. આ ઉપરાંત રશિયાના ઉચ્ચ અધિકારીઓ પણ અહીં પહોંચી રહ્યા છે.
ઘટનાસ્થળ પર શું થયું?

ઇમેજ સ્રોત, CONTRIBUTOR/GETTY IMAGES
એક સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું કે હથિયારધારી હુમલાખોરો દર્શકોની બેસવાની જગ્યાના પાછળના ભાગેથી આવ્યા અને ગોળીબાર શરૂ કરી દીધો.
આ સિક્યોરિટી ગાર્ડે રશિયાની ટેલિગ્રામ ચેનલ બાજાને કહ્યું, “ત્યાં અન્ય ત્રણ સિક્યોરિટી ગાર્ડ હતા અને તે લોકો જાહેરાત માટે બનાવેલી પેનલની પાછળ છુપાયા હતા. આ હુમલાખોરોએ ગ્રાઉન્ડ ફ્લોર પર હાજર લોકો પર ગોળીબાર શરૂ કર્યો હતો.”
હૉલની અંદર હાજર રહેલી એક મહિલાએ કહ્યું કે લોકોને જેવો અંદાજો થયો કે અહીં ગોળીબાર થઈ રહ્યો છે ત્યારે લોકો સ્ટેજ તરફ ભાગવા લાગ્યાં. તેમણે રશિયા ટેલિવિઝને કહ્યું કે મેં સ્ટૉલ પાસે એક વ્યક્તિને જોયો અને ત્યાં ગોળીબાર થઈ રહ્યો હતો. હું લાઉડસ્પીકર પાસે હતી અને જમીન પર સરકતી હતી.
આ હુમલા દરમિયાન ઇમારતમાં આગ લાગી હતી જેને કારણે ધુમાડો હતો. ઇમારતનો આગળનો ભાગ સળગવા લાગ્યો અને તેની ઉપરના બે માળ પર લાગેલા કાચ ઘડાકાને કારણે તૂટી ગયા હતા.
રશિયાના અધિકારીઓએ આપેલી જાણકારી પ્રમાણે આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
પ્રત્યક્ષદર્શીઓ કહ્યું કે એમ લાગે છે કે હુમલાખોરોએ કોઈ ચીજ ફેંકીને આગ લગાડી હતી.
એક પ્રત્યક્ષદર્શી વિટાલીએ કહ્યું કે તેઓ હૉલની બાલ્કનીમાં હતાં અને તેમણે હુમલાખોરોને લોકો પર ગોળીબાર કરતા જોયા. તેમણે કહ્યું, “હુમલાખોરોએ કેટલાક પેટ્રોલ બૉમ્બ ફેંક્યા અને ચારેતરફ આગ લાગી ગઈ. અમે લોકો બહાર નીકળવાના દરવાજા તરફ ગયા, પરંતુ તે દરવાજો બંધ હતો એટલે અમે બૅઝમેન્ટમાં ગયા.”
અન્ય એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે આ ઘટના સમયે ક્રૉક્સ કૉમ્પ્લેક્ષમાં બાળકો અને યુવાનો પણ હાજર હતા જે બૉલરૂમ ડાન્સિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે અહીં આવ્યાં હતા.
કૉન્સર્ટ હૉલમાં હાજર કેટલાક લોકો પાર્કિંગ તરફ ભાગવામા સફળ રહ્યા જ્યારે કેટલાક લોકો ભાગીને છત પર ચાલ્યા ગયા. રશિયાના અધિકારીઓએ આપેલી જાણકારી પ્રમાણે કેટલાય લોકો ઇમારતના બૅઝમેન્ટમાં છુપાયા હતા જ્યાંથી તેમને સુરક્ષિત બચાવામાં આવ્યા છે.
ચીને ચિંતા વ્યકત કરી?
ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆએ ખબર આપી હતી કે રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ હુમલાને કારણે દુખ વ્યકત કર્યું.
તેમણે કહ્યું, “ચીન આ આતંકવાદી હુમલાની ઘોર નિંદા કરે છે અને અમે દરેક આતંકવાદી હુમલાનો વિરોધ કરીએ છીએ. રાષ્ટ્રીય સુરક્ષા અને સ્થિરતાને સંભાળવાની રશિયા સરકારની કોશિશમાં ચીન રશિયાની સાથે છે.”
અમેરિકાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, REUTERS/MAXIM SHEMETOV
બે અઠવાડીયા પહેલાં અમેરિકાના દૂતાવાસે રશિયામાં રહેતા અમેરિકાના નાગરિકોને ચેતવણી આપી હતી કે તેઓ ભીડવાળી જગ્યાએ ન જાય.
દૂતાવાસે કહ્યું હતું કે તેમને આ પ્રકારની માહિતી મળી હતી કે મૉસ્કોમાં ભીડવાળી જગ્યાને નિશાન બનાવવાની ઉગ્રવાદીઓની યોજના છે.
શુક્રવારે સાંજે દૂતવાસે બીજી એક ચેતવણી આપી હતી કે જેમાં અમેરિકાના નાગરીકોને કહેવામાં આવ્યું હતું કે હુમલા થયેલી જગ્યાના આસપાસના વિસ્તારોમાં ન જવું.
વ્હાઈટ હાઉસના પ્રવક્તા જૉન કિર્બીએ કહ્યું કે "આ હુમલાની તસવીરો જોવી ખૂબ જ મુશ્કેલ છે."
તેમણે આ હુમલાને ભયંકર હુમલો ગણાવ્યો અને કહ્યું કે તેમની સંવેદનાઓ હુમલામાં મૃત્યુ પામેલા લોકો અને તેમના પરિવાર સાથે છે.
રશિયાની પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, MAXIM SHIPENKOV/EPA-EFE/REX/SHUTTERSTOCK
મૉસ્કોના મેયર સર્ગેર્ઇ સોબ્યાનિને પાટનગર મૉસ્કોમાં આયોજિત થયેલા દરેક સાર્વજનિક કાર્યક્રમ રદ કરી દીધા છે. તેમણે આ હુમલાનો ભોગ બનેલા લોકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરતા કહ્યું, "મને દુખ છે કે આ હુમલામાં કેટલાક લોકોના પરિવારનો ભોગ લેવાયો છે."
આ હુમલા પછી રશિયાના બીજા સૌથી મોટા શહેર સેન્ટ પિટર્સબર્ગમાં થનારા દરેક સાર્વજનિક કાર્યક્રમોને રદ કરી દેવામાં આવ્યા છે.
રશિયાના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મારિયા જખારોવાએ આ ઘટનાને એક ભયાનક ગુનો ગણાવ્યો છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ હુમલાની ઘોર નિંદા કરવાની અપીલ કરી છે.












