ગુજરાતમાં હીટ વેવ વધુ તીવ્ર બનતી જઈ રહી છે? બચવા શું કરવું?

ગુજરાતમાં હીટ વેવ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં ગત મહિનામાં વરસી રહેલા સતત કમોસમી વરસાદને કારણે મે મહિનો આવી જવા છતાં દર વર્ષ જેવી અસહ્ય ગરમીનો માહોલ હજુ સુધી જોવા મળ્યો ન હતો.

પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં ઓચિંતો વધારો દેખાયો છે.

અને હવે તો હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી જોર વધશે તેવું અનુમાન જાહેર કરી દીધું છે.

હવામાન વિભાગે ગુજરાતમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યો હતો અને 13મી મે સુધી રાજ્યમાં સખત ગરમીની આગાહી કરી હતી.

આ વાતની તીવ્રતાનો અંદાજ એ હકીકત પરથી આવી જાય છે કે ગત બુધવારે નોંધાયેલા તાપમાન અનુસાર દેશનાં દસ સૌથી ગરમ શહેરોમાં આઠ શહેરો ગુજરાતનાં હતાં.

આ દિવસે દેશમાં સૌથી વધુ તાપમાન 44.6 ડિગ્રી સેલ્શિયસ પાટણમાં નોંધાયું હતું. જ્યારે અમદાવાદનું તાપમાન પણ 43.5 ડિગ્રી સેલ્શિયસ સુધી પહોંચી ગયું હતું.

‘હીટ ઍન્ડ કોલ્ડવેવ્ઝ ઇન ઇન્ડિયા: પ્રોસેસ ઍન્ડ પ્રિડિક્ટિબિલિટી’ નામે ભારતીય હવામાન વિભાગ, પુણેએ બહાર પાડેલા એક વિસ્તૃત રિપોર્ટમાં એક અગત્યનું તારણ જોવા મળ્યું છે.

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં હીટ વેવની સંખ્યા અને તેના દિવસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને કોલ્ડ વેવની સંખ્યા અને દિવસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

આ રિપોર્ટમાં છેલ્લાં 60 વર્ષોની હવામાનની બદલાતી જતી પરિસ્થિતિનું વિશ્લેષણ રજૂ કરાયું છે.

ગ્રે લાઇન

રિપોર્ટનાં અગત્યનાં તારણો શું છે?

બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતનાં ભૂજ, ડીસા, રાજકોટ, અમદાવાદ, વેરાવળ, સુરત અને દ્વારકા જિલ્લાઓમાં કોલ્ડ વેવની ઘટનાઓ અને તેના દિવસોમાં અતિશય ઘટાડો નોંધાયો છે.

જ્યારે ભૂજ અને રાજકોટ જેવાં શહેરોમાં હીટ વેવની ઘટનાઓમાં ચોંકાવનારો વધારો જોવા મળ્યો છે.

1971માં સમગ્ર ભારતમાં કુલ 15 દિવસ સુધી અને 1972માં કુલ 14 દિવસ સુધી કોલ્ડ વેવની પરિસ્થિતિ જોવા મળી હતી. પરંતુ 2019માં સરેરાશ છ દિવસ સુધી અને 2020માં સરેરાશ પાંચ દિવસ સુધી જ કોલ્ડ વેવની પરિસ્થિતિ જોવા મળી હતી.

રિપોર્ટ પ્રમાણે હાલનાં વર્ષોમાં હીટ વેવ દરમિયાન તાપમાનમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે અને હીટ વેવનો સમયગાળો પણ લંબાઈ રહ્યો છે.

1970માં હીટ વેવની પરિસ્થિતિ સરેરાશ છ થી આઠ દિવસ સુધી રહેતી હતી. જ્યારે 2019માં હીટ વેવની પરિસ્થિતિ સતત 14 દિવસ સુધી જોવા મળી હતી. આ સમયગાળામાં તાપમાનમાં પણ વધારો નોંધાયો છે અને ગરમીની તીવ્રતા પણ વધી છે.

મધ્ય ભારત અને ઉત્તર-પશ્ચિમી ભારતનાં રાજ્યો એ હીટ વેવના ગ્લોબલ હોટસ્પોટ બન્યાં છે.

ભારતીય હવામાન વિભાગના અમદાવાદ ચૅપ્ટરનાં વડાં મનોરમા મોહંતી જણાવે છે, “આ રિપોર્ટ સમગ્ર દેશને અનુલક્ષીને બનાવાયો છે. ગુજરાતની પરિસ્થિતિ થોડી અલગ છે. ગુજરાતમાં હીટ વેવની ફ્રીક્વન્સી અને સમયગાળો બદલાતો રહે છે. 2011 અને 2015 માં વ્યાપકપણે હીટ વેવ જોવા મળી હતી, પરંતુ વચ્ચેના સમયગાળામાં હીટ વેવનું પ્રમાણ ઓછું હતું. આ ઉનાળાની વાત કરીએ તો હજુ સુધી ગુજરાતમાં હીટ વેવની પરિસ્થિતિ સર્જાઈ નથી. પરંતુ ગરમીનું પ્રમાણ ચોક્કસ વધુ રહેશે. અનેક શહેરોમાં તાપમાન 42 થી 44 સુધી પહોંચી રહ્યું છે પરંતુ તે ટૂંકા સમયગાળા માટે છે.”

ગ્રે લાઇન

હીટ વેવ અને કોલ્ડ વેવ શું છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કોઈ પણ પ્રદેશમાં સ્થાનિક હવામાન વિભાગ દ્વારા નક્કી કરેલા નિયત તાપમાનથી તાપમાન ઊંચું જાય અને ચોક્કસ દિવસો સુધી તે જળવાઈ રહે તો તેને હીટ વેવની ઘટના કહે છે. એ જ પ્રમાણે નિયત તાપમાનથી તાપમાન નીચું જાય અને ચોક્કસ દિવસો સુધી તે જળવાઈ રહે તો તેને કોલ્ડ વેવ કહે છે.

'હીટ વેવ'ને આપણે સરળ ભાષામાં લૂ કહેવાય છે. જે એક અત્યંત ગરમ આબોહવાની સ્થિતિ છે.

ભારતના હવામાન વિભાગની ગાઇડલાઇન પ્રમાણે હીટ વેવ માટે સરેરાશ તાપમાન 40 ડિગ્રી સેલ્શિયસથી તાપમાન વધુ હોવું જોઈએ અને કોલ્ડ વેવ માટે સરેરાશ તાપમાન 10 ડિગ્રીથી ઓછું હોવું જોઈએ. સામાન્ય રીતે આ પરિસ્થિતિ પાંચ દિવસ સુધી રહેતી હોય છે.

જોકે અલગ અલગ પ્રદેશો માટે આ પરિમાણો અલગ છે. જેમ કે મેદાની પ્રદેશોમાં તાપમાન 40 ડિગ્રીથી ઊંચું હોય, દરિયાકિનારાના પ્રદેશો માટે તાપમાન 37 ડિગ્રીથી વધુ હોય, ઉત્તરના ડુંગરાળ પ્રદેશોમાં તાપમાન 30 ડિગ્રીથી વધુ હોય તો હીટ વેવ જાહેર કરવામાં આવે છે.

હીટ વેવ સામાન્ય રીતે થંભી ગયેલી હવાને કારણે પેદા થાય છે. ઉચ્ચ દબાણ વાળી સિસ્ટમ હવાને નીચેની તરફ લઈ જાય છે.

આ શક્તિ જમીન પાસે હવાને વધતા રોકે છે. નીચે વહેતી હવા એક ટોપીની જેમ કામ કરે છે. તે ગરમ હવાને એક જગ્યાએ એકઠી કરે છે.

હવા ફૂંકાય નહીં ત્યાં સુધી વરસાદ શક્ય નથી અને ગરમ હવાને વધુ ગરમ થતી રોકવાનો કોઈ ઉપાય હોતો નથી.

ભારતમાં સામાન્ય રીતે હીટ વેવ માર્ચ થી જૂન વચ્ચેના સમયગાળામાં આવતી હોય છે.

મોટે ભાગે મધ્ય અને ઉત્તર-પશ્ચિમી ભારતનાં રાજ્યો અને આંધ્ર પ્રદેશ અને ઓડિશાના વિસ્તારો હીટ વેવનો ભોગ બને છે.

બીબીસી ગુજરાતી

હીટ વેવની વ્યાપક અસરો

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર ભારતમાં પૂર અને ઉષ્ણકટિબંધીય વાવાઝોડા પછી સૌથી વધુ કુદરતી આપત્તિઓથી થતાં મૃત્યુમાં હીટ વેવના કારણે થતાં મૃત્યુ ત્રીજા નંબરે આવે છે.

ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે 2022માં ભારતમાં કુલ 190 દિવસ સુધી ગરમીનો પ્રભાવ જોવા મળ્યો હતો જેની પાછળ અલગ-અલગ સમયગાળામાં સર્જાયેલી હીટ વેવ જવાબદાર હતી.

1901ની સાલ પછી 2022નું વર્ષ એ પાંચમું સૌથી ગરમ વર્ષ હતું.

હીટ વેવ અથવા લૂ માણસ સહિત અનેક જીવોને અસર કરે છે. હીટ વેવના કારણે શરીરમાં પાણીની ઘટ, થાક લાગવો, નબળાઈ, ચક્કર, માથાનો દુખાવો, ઊલટી, આંતરડાંમાં દુખાવો, પરસેવો થવો અથવા હીટ સ્ટ્રોક થઈ શકે છે.

જે વ્યક્તિઓને હૃદય સબંધિત બીમારીઓ હોય તેમને અસહ્ય ગરમીથી સ્ટ્રોક કે હૃદયરોગના હુમલાનું પણ જોખમ રહે છે.

હીટ વેવની અસરો ખેતી પર વ્યાપકપણે જોવા મળે છે. દેશની 50 ટકાથી વધુ વસ્તી જ્યારે ખેતી પર નિર્ભર હોય ત્યારે હીટ વેવની ખેતી પર થતી અસરો ખૂબ મહત્ત્વની બની જાય છે.

વધુ પડતી ગરમીથી પાક બળી જવાનો ભય રહે છે અને કેટલાક કિસ્સામાં એકધારી ગરમીથી બધો પાક નિષ્ફળ જાય છે. તે સિવાય જમીનમાં ભેજનું પ્રમાણ પણ ઘટે છે. પાણીની તંગી અને સિંચાઈના પણ પ્રશ્નો ઊભા થાય છે.

પાક બળી જવાને કારણે ઓછું ઉત્પાદન થાય છે અને તેના કારણે ભાવવધારો સર્જાય છે. પશુઓને ચારો પણ પૂરતા પ્રમાણમાં મળતો નથી. જેની સીધી અસર દૂધ-ઉત્પાદન પર પડે છે.

હીટ વેવની સીધી અસર વીજળીના ઉત્પાદન અને તેની ખપત પર પણ પડે છે. વધુ ગરમીને કારણે લોકો વધુમાં વધુ ઍર-કન્ડિશનરનો ઉપયોગ કરે છે. વધુ વપરાશને કારણે વીજળીના દરોમાં પણ વધારો થઈ શકે છે.

જે પાવર પ્લાન્ટ વૉટર કૂલિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા હોય છે તેની કાર્યક્ષમતામાં વધુ તાપમાનને કારણે ઘટાડો થાય છે. જેથી વીજ-ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે. ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યૂશનનાં સાધનોમાં પણ વધુ તાપમાનને કારણે ખરાબી સર્જાવાની ભીતિ રહે છે.

હીટ વેવને કારણે જંગલોમાં દાવાનળ પણ ફાટી નીકળે છે.

દરરોજ મજૂરી પર ગુજારો કરતાં અસંગઠિત ક્ષેત્રના કામદારોને અસહ્ય ગરમીમાં કામ કરવું મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા મજૂરોની દશા માઠી થઈ જાય છે.

બીબીસી ગુજરાતી

ભવિષ્ય માટેની આગાહીઓ

ભારતીય હવામાન વિભાગ, પુણેના રિપોર્ટ પ્રમાણે છેલ્લાં 50-60 વર્ષોમાં હીટ વેવમાં વધારો થયાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે.

વૈશ્વિક સ્તરે કાર્બન ઉત્સર્જનમાં થઈ રહેલો વધારો તેના માટે જવાબદાર મનાય છે. તેના લીધે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે.

2020 થી 2064 સુધીના સમયગાળામાં સરેરાશ હીટ વેવની સંખ્યા બે ગણી થશે અને હીટ વેવના સમયગાળામાં 12 થી 18 દિવસનો વધારો થશે એવી આગાહી કરવામાં આવી છે. હાલમાં મોટા ભાગની હીટ વેવ સામાન્ય રીતે સાત દિવસ સુધી ચાલે છે.

રિપોર્ટ પ્રમાણે ગંગાના મેદાની પ્રદેશોમાં આવેલી ખેતીલાયક જમીનોને હીટ વેવથી સૌથી વધુ ખતરો છે.

640 જિલ્લાઓમાંથી દસ જિલ્લાને અતિ જોખમી અને 97 જિલ્લાઓને હીટ વેવ માટે જોખમી કૅટેગરીમાં મૂકવામાં આવ્યા છે.

બીબીસી ગુજરાતી

હીટ વેવની સ્થિતિમાં શું કરવું?

આ રિપોર્ટમાં હીટ વેવનો સામનો કરવા માટેના રસ્તાઓ પણ સૂચવાયા છે. જેમાં હીટ વેવની આગાહી અને હીટ વેવ પ્રત્યે લોકોની જાગૃતિ પર ભાર મૂકવામાં આવ્યો છે.

ભારતે હીટ વેવનો સામનો કરવા બિલ્ટ-ઍન્વાયરમૅન્ટ પર કામ કરવાની તાતી જરૂર છે.

ગરમી પ્રતિરોધક બિલ્ડિંગો, હવાઉજાસવાળાં મકાનો આ પરિસ્થિતિમાં કારગત સાબિત થઈ શકે છે.

શહેરોમાં વૃક્ષોનું પ્રમાણ વધારવામાં આવે તો શહેરોને અર્બન હીટ આઇલૅન્ડ ( આ એવી પરિસ્થિતિ છે જેમાં શહેરોનું તાપમાન આજુબાજુના વિસ્તારોથી વધુ હોય) બનતાં અટકાવી શકાય.

રેડ લાઇન
રેડ લાઇન