દુનિયામાં તીવ્ર વાવાઝોડાં વધી જવાનું કારણ દરિયો કેમ બન્યો?

ઇમેજ સ્રોત, ani
- લેેખક, મૅટ મૅકગ્રા અને માર્ક પોયન્ટિંગ
- પદ, બીબીસી ક્લાઇમેટ અને સાયન્સ ટીમ
તાજેતરમાં તાપમાનમાં ઝડપથી થઈ રહેલા વધારો ગ્લોબલ વૉર્મિંગની સમસ્યામાં વધુ વિકટ બનાવશે તે બાબતે વૈજ્ઞાનિકો ચિંતિત છે.
આ મહિને વૈશ્વિક સમુદ્ર સપાટીનું તાપમાન એક નવા વિક્રમી ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. દરિયાની સપાટીના તાપમાનમાં આટલી ઝડપથી આવો વધારો અગાઉ ક્યારેય નહોતો નોંધાયો.
વૈજ્ઞાનિકો આ પાછળનાં કારણો અંગે સંપૂર્ણ સમજ કેળવી શક્યા નથી.
પરંતુ આગામી વર્ષના અંત ભાગ સુધી હવામાન બાબતની અનપેક્ષિત ઘટનાઓ સહિત વિશ્વનું તાપમાન ચિંતાજનક નવા સ્તરે પહોંચવાને મુદ્દે તેઓ ચિંતિત છે.
નિષ્ણાતોનું માનવું છે કે આગામી મહિનાઓમાં દરિયાને ગરમ કરતી હવામાનને સિસ્ટમ, અલ નીનોની પરિસ્થિતિના નિર્માણની શરૂઆત થશે.
દરિયાના તાપમાનમાં વધારો દરિયાઈ સૃષ્ટિના નાશ, વધુ તીવ્ર વાતાવરણસંબંધી ફેરફારો અને દરિયાની સપાટીમાં વધારા માટે કારણભૂત બની શકે છે.
આ પ્રક્રિયાના કારણે દરિયાની આપણા ગ્રહને ગરમ કરતા ગ્રીનહાઉસ ગૅસોને શોષવાની કાર્યક્ષમતા ઘટી જાય છે.
ગત અઠવાડિયે ઓછા પ્રચાર સાથે પ્રકાશિત થયેલ એક મહત્ત્વપૂર્ણ અભ્યાસમાં આ બધી બાબતો પર ભાર મૂકાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાછલાં 15 વર્ષમાં પૃથ્વીએ એ પહેલાંના 45 વર્ષ જેટલી ‘ઉષ્ણતા’ ભેગી કરી છે, જે પૈકી મોટા ભાગની ઊર્જા સમુદ્રોમાં સમાઈ છે.
તેના કારણે વિશ્વમાં વાસ્તવિક પરિણામો જોવા મળી રહ્યાં છે – આ વર્ષે એપ્રિલ માસમાં સમુદ્રનું તાપમાન એકંદરે નવી વિક્રમી સપાટીએ પહોંચી ગયું હતું. માત્ર એટલું જ નહીં, પરંતુ કેટલાંક ક્ષેત્રોમાં તો લાંબા ગાળાની સરખામણીએ ભારે તફાવત જોવા મળ્યો હતો.

બમણી થઈ ઉષ્ણતા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
માર્ચમાં ઉત્તર અમેરિકાના પૂર્વ કાંઠે સમુદ્ર સપાટીનું તાપમાન 1981-2011ની સરેરાશ કરતાં 13.8 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું.
નવા અભ્યાસનાં મુખ્ય લેખિકા અને મર્કાટોર ઑશન ઇન્ટરનેશનલ રિસર્ચ ગ્રૂપ ખાતે ઑશનોગ્રાફર કરિના વૉન શુકમાને કહ્યું હતું કે, "હજુ સુધી એ વાતનું નક્કર કારણ જાણી નથી શકાયું કે આટલી ઝડપથી આટલો મોટો ફેરફાર કેમ થઈ રહ્યો છે."
“આપણે પાછલાં 15 વર્ષોમાં ક્લાઇમેટ સિસ્ટમમાં ઉષ્ણતા બમણી કરી દીધી છે. હું આ વાતને ક્લાઇમેટ ચેન્જ કે જળવાયુ પરિવર્તન કે બંનેનું મિશ્રણ ગણાવવા નથી માગતી, આપણને હજુ આ અંગે ખબર નથી. પરંતુ આપણે પરિવર્તન જોઈ રહ્યા છીએ.”
દરિયાની સપાટીમાં સમાઈ રહેલી ઉષ્ણતાને અસર કરી રહેલા એક કારક શિપિંગના પ્રદૂષણમાં ઘટાડો હોઈ શકે છે, જે એક રસપ્રદ વાત છે.
વર્ષ 2020માં ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઑર્ગેનાઇઝશને વહાણોમાં વપરાતા ઈંધણમાં ઉપયોગમાં લેવાતા સલ્ફરનાં તત્ત્વોનું નિયમન કરવાનું શરૂ કર્યું.
આ પગલું વાતાવરણમાં છોડાતા ઍરોસોલના કણોના પ્રમાણમાં ભારે ઘટાડો કરવા મામલે અસરકારક સાબિત થયું.
પરંતુ જે ઍરોસોલ હવાને પ્રદૂષિત કરતા એ ઉષ્ણતાને પ્રતિબિંબિત કરવામાં મદદરૂપ થતા.
આ તત્ત્વોને હઠાવી દેવાના કારણે કદાચ પાણીમાં વધુ પ્રમાણમાં ઉષ્ણતા સમાઈ હોય તેવી શક્યતા છે.

સમુદ્રની સપાટી ગરમ થવાની શું અસર થશે?
વિશ્વના સમુદ્રોની સપાટીના તાપમાનમાં ઔદ્યોગિકીકરણ પહેલાંની સરખામણીએ લગભગ 0.9 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. તેમાં પણ 0.6 ડિગ્રી સેલ્સિયસનો વધારો તો માત્ર 40 વર્ષોમાં જ થયો હતો.
તેમ છતાં આ વધારો જમીનની સપાટી પર રહેલી હવાના તાપમાનમાં ઔદ્યોગિકીકરણની શરૂઆત પહેલાંની સરખામણીએ થયેલ વધારા કરતાં વધુ છે. આ તબક્કા દરમિયાન જમીનની ઉપરની હવાનું તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે.
આવું એટલા માટે કે જમીન કરતાં પાણીને ગરમ કરવા માટે વધુ ઉષ્ણતાની જરૂરિયાત હોય છે.
ઉપરાંત સમુદ્રો તેમની સપાટી કરતાં ઘણા ઊંડે સુધી ઉષ્ણતા શોષી શકવા સમર્થ હોવાના કારણે પણ આવું થાય છે.
સરેરાશ તાપમાનમાં થયેલા આ નજીવા વધારાના કારણે પણ વિશ્વમાં વાસ્તવિક પરિણામો જોવા મળી રહ્યાં છે.

- જીવસૃષ્ટિનો નાશ – વારંવાર ત્રાટકતી તીવ્ર મરિન હીટ વેવ દરિયાઈ જીવસૃષ્ટિનાં સામૂહિક મૃત્યુ માટે કારણભૂત છે. વધુ ચોક્કસપણે કહીએ તો એ કોરલ રીફ માટે નુકસાનકારક છે.
- વધુ તીવ્ર હવામાન – દરિયાઈ સપાટીના તાપમાનમાં વધારાનો અર્થ એ છે કે વધુ વાવાઝોડાં સર્જાશે અને તેની તીવ્રતામાં વધારો જોવા મળે છે. તેનો અર્થ એ થયો કે આના કારણે વાવાઝોડાં વધુ તીવ્ર બને છે અને વધુ સમય સુધી જળવાઈ રહી શકે છે.
- દરિયાની સપાટીમાં વધારો – ગરમ પાણીને વધુ જગ્યાની જરૂર હોય છે – આ પ્રક્રિયા થર્મલ વિસ્તરણ કહેવાય છે – આના કારણે ગ્રીનલૅન્ડ અને ઍન્ટાર્કટિકાના હીમખંડો કે જે દરિયામાં તરતા હોય છે તેની ઓગળવાની ઝડપમાં ખૂબ વધારો થઈ શકે છે. આના કારણે વૈશ્વિક સમુદ્રસપાટીમાં વધારાનો ભય ઊભો થાય છે, જે દરિયાકિનારે આવેલા વિસ્તારો માટે પૂર જેવી સ્થિતિ સર્જાવાના જોખમમાં વધારો કરે છે.
- CO2ને શોષવાની ઓછી ક્ષમતા - હાલ સમુદ્ર કુલ ગ્રીનહાઉસ ગૅસ ઉત્સર્જનના ચોથા ભાગને શોષી લે છે. પરંતુ ગરમ પાણીની આ પ્રકારની ક્ષમતા ઓછી હોય છે. જો સમુદ્ર ભવિષ્યમાં ઓછો કાર્બન ડાયોક્સાઇડ શોષશે તો હવામાનમાં તેનું પ્રમાણ વધશે – જેના કારણે હવા અને સમુદ્રના ગરમ થવાના દરમાં વધારો થશે.


ઇમેજ સ્રોત, Getty Images
વૈજ્ઞાનિકોની ચિંતામાં ઉમેરો કરનારું વધુ એક મહત્ત્વપૂર્ણ કારક એ વાતાવરણસંબંધી વધુ એક ઘટના, અલ નીનો દક્ષિણ કંપન છે.
પાછલાં ત્રણ વર્ષથી કુદરતી રીતે ઘટતી આ ઘટના લા નીના તરીકે ઓળખાતા ઠંડા તબક્કામાં થઈ રહી છે અને વૈશ્વિક તાપમાનને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થતી આવી છે.
પરંતુ હવે સંશોધકોનું માનવું છે કે ખૂબ મજબૂત અલ નીનોની સ્થિતિ સર્જાઈ રહી છે જેના વિશ્વ માટે નોંધપાત્ર પરિણામો હશે.
ઑસ્ટ્રેલિયાની બ્યૂરો ઑફ મિટિરિયૉલૉજીના હ્યુ મૅકડોવેલે કહ્યું કે, "ઑસ્ટ્રેલિયન બ્યૂરોનું મૉડલ મજબૂત અલ નીનો અંગે ખૂબ મજબૂતી સાથે ઇશારો કરે છે."
"તેમજ વલણ પણ કંઈક એવું જ દર્શાવી રહ્યું છે, આ સિવાય બધાં ક્લાઇમેટ મૉડલ પણ મજબૂત ઇવેન્ટ તરફ જ આંગળી ચીંધી રહ્યાં છે."
મૅકડોવેલ વર્ષના આ તબક્કામાં કરાયેલ આગાહીઓ ઓછી ભરોસાપાત્ર હોવાની વાત અંગે ચેતવે છે.
પેરુ અને ઇક્વાડોરના દરિયાકાંઠે સર્જાતા અલ નીનોની સ્થિતિ પહેલાંથી સર્જાઈ ચૂકી છે.
અને નિષ્ણાતોનું માનવું છે કે સંપૂર્ણપણે વિકસિત આ ઇવેન્ટનાં વૈશ્વિક તાપમાન સંદર્ભે પરિણામો જોવા મળશે.
પોટ્સડૅમ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ક્લાઇમેટ રિસર્ચના ડૉ. જોસેફ લ્યુડેશર જણાવ્યું છે કે, “જો નવું અલ નીનો તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચે તો આપણા ગ્રહના તાપમાનમાં 0.2-0.25 ડિગ્રી સેલ્સિયસનો વધુ વધારો થશે.”
“અલ નીનોની તાપમાન પરની અસર અલ નીનોએ સર્વોચ્ચ સપાટી મેળવ્યાના થોડા મહિના બાદ શાંત થાય છે. તેથી કદાચ વર્ષ 2024 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ સાબિત થઈ શકે છે.”
“અને કદાચ આપણે તાપમાનમાં દૈનિક સ્તરે દોઢ ડિગ્રી સેલ્સિયસની આસપાસ વધારો જોઈશું અને કદાચ કામચલાઉપણે આ સ્તર હજુ ઊંચે જઈ શકે.”
અલ નીનો કદાચ સમગ્ર વિશ્વમાં હવામાનની પૅટર્નને અસર કરશે. આ સ્થિતિ ઑસ્ટ્રેલિયાના ચોમાસાને વધુ નબળું બનાવશે અને દેશમાં વધુ દાવાનળની ઘટનાઓ માટે કારણભૂત બનશે.
પરંતુ આ સિવાય કેટલીક પાયાની ચિંતાઓ પણ છે જેમ કે જો દરિયામાં ઉષ્ણતા વધુ પ્રમાણમાં જવાનું ચાલુ રહે તો પાણીની વધુ ઊર્જાનો સંગ્રહ કરવાની ક્ષમતા ઘટી જાય છે.
તેમજ એવી પણ ચિંતા વ્યક્ત કરાઈ રહી છે કે સમુદ્રમાં સમાતી ઉષ્ણતા ત્યાં જ નહીં રહે.
આ અહેવાલ માટે જે વૈજ્ઞાનિકોના સંપર્ક કરાયા તેઓ પરિણામો અંગે રેકૉર્ડ પર વાત કરતા ખચકાઈ રહ્યા હતા.
એ પૈકી એકે “અત્યંત ચિંતિત અને સમગ્રપણે તાણગ્રસ્ત” હોવાનું કહ્યું.
કેટલાક સંશોધકોએ કહ્યું કે વિશ્વનું તાપમાન કૂદકેને ભૂસકે વધી રહ્યું છે, આ વલણમાં અમુક વર્ષો સુધી નજીવું પરિવર્તન અને અમુક તબક્કામાં ખૂબ ઝડપી વધારો જોવા મળી રહ્યો છે, આ વલણ સીડીઓનું ચિત્રણ યાદ અપાવે છે. આ બધું અલ નીનોની પરિસ્થિતિના નિર્માણ સાથે સંકળાયેલું છે.
કરિના વોન શુકમાન પ્રમાણે આ પરિસ્થિતિમાં થોડીક આશા છે. અલ નીનો શાંત પડે તે બાદ તાપમાન ફરી ઘટી શકે છે.
તેમણે બીબીસીને કહ્યું કે, “આપણી પાસે હજુ સમય છે અને આપણે તેનો ઉપયોગ પરિણામોની તીવ્રતા ઘટાડવા માટે કરવો જોઈએ.”














