કેજરીવાલની ધરપકડ, ઇલેક્ટોરલ બૉન્ડ અને કૉંગ્રેસનાં ખાતાં ફ્રીઝ થયાં એ વિશે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરે બીબીસીને શું કહ્યું?

એસવાય કુરેશી
ઇમેજ કૅપ્શન, પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર એસવાય કુરૈશી

પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરૈશીએ કહ્યું કે એવા સમયે જ્યારે ચૂંટણી થવાની છે ત્યારે કોઈ રાજકીય પાર્ટીનાં ખાતાં ફ્રીઝ કરવાનો મતલબ છે કે બધાને એક સમાન તક આપવાના નિયમથી તેમને વંચિત રાખવામાં આવી રહ્યા છે.

હાલમાં જ કૉંગ્રેસ પાર્ટીના શિર્ષ નેતાઓએ એક પ્રેસ કૉન્ફરન્સમાં આરોપ લગાવ્યો કે બે જૂના મામલાનો હવાલો આપતા પાર્ટીના ખાતા ફ્રીઝ કરવામા આવ્યા છે.

કૉંગ્રેસનો આરોપ છે કે 30-35 વર્ષ જૂના મામલાનો હવાલો આપતા ચાર ખાતાને ફ્રીઝ કરી દીધા છે જ્યારે આ મામલો લગભગ 14 લાખ રૂપિયાના કથિત ગોટાળાનો છે અને તેમાં તેનું 285 કરોડ રૂપિયાનું ફંડ રોકી દેવાયું છે.

બીબીસી સંવાદદાતા ઈકબાલ અહમદ સાથે વિશેષ વાતચીતમાં પૂર્વ મૂખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરૈશીએ કહ્યું કે ચૂંટણીપંચનું કામ છે કે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે જેથી તેઓ કૉંગ્રેસના બૅન્ક ખાતા ફ્રીઝ કરવા મામલે નિર્દેશ આપી શકે છે. તેઓ કહી શકે છે જે રીતે આટલા સમય સુધી કાર્યવાહી ન થઈ તો બે-ચાર મહિના વધારે રોકી શકાય છે.

જોકે તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલનો મામલો અલગ છે. છેલ્લા એક વર્ષથી તેમને સમન્સ મળી રહ્યાં છે અને તેમણે તેની અવગણના કરી હતી.

આચારસંહિતા લાગુ થયા પછી પાર્ટીઓના શીર્ષ નેતૃત્વની ધરપકડ કરતા પહેલાં તપાસ કરતી એજન્સીઓએ શું ચૂંટણીપંચને સૂચના ન આપવી જોઈએ? આ સવાલના જવાબમાં કુરૈશીએ કહ્યું કે આવો મામલો આ પહેલાં ચૂંટણીપંચની સામે નથી આવ્યો.

જોકે તેમણે કહ્યું કે આવા સમયે એક સાથે બે મુખ્ય મંત્રીઓને જેલની અંદર નાખવાથી એક ખોટી છવિ બને છે અને કેટલાક લોકો રશિયાની સાથે તુલના કરી શકે છે જ્યાં હમણા જ યોજાયેલી ચૂંટણી દરમિયાન વિપક્ષના નેતાઓને જેલની અંદર નાખી દીધા હતા.

તેમણે ઉમેર્યું કે કાર્યવાહી કરનાર એજન્સીઓ પણ સ્વતંત્ર હોય છે એ કહેવું મુશ્કેલ છે.

ઇલેક્ટોરલ બૉન્ડની પારદર્શિતા પર શંકા કેમ હતી?

ઇલેક્ટોરલ બૉન્ડ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જ્યારે ઈલેક્ટોરલ બૉન્ડ આવ્યા ત્યારે એ જ ચૂંટણીપંચે પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો. ચૂંટણીપંચે 2017માં આ વિશે ચીઠ્ઠી લખી હતી અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ પણ તેનો વિરોધ કર્યો હતો. જોકે પછી તેમનો મત બદલાઈ ગયો.

જ્યારે એસવાય કુરૈશીને પૂછ્યું કે તેનો શું મતલબ છે ત્યારે તેમણે કહ્યું, "જ્યારે આ ઇલેક્ટોરલ બૉન્ડ આવ્યા હતા ત્યારે 2017માં ચૂંટણીપંચની પ્રતિક્રિયા ખૂબ જ આકરી હતી. રિઝર્વ બૅન્કે આ વિશે ચીઠ્ઠી લખી હતી. જોકે 2021માં તેણે એકદમ યૂટર્ન લઈ લીધો."

હવે જ્યારે ઇલેક્ટોરલ બૉન્ડની સ્કીમ રદ કરી દેવામા આવી છે ત્યારે ચૂંટણીપંચે તેને લગતી બધી જ જાણકારીઓને સાર્વજનિક કરી દીધી છે, શું આ કારણે કોઈ પરિવર્તન આવશે?

આ વિશે એસવાય કુરૈશીએ કહ્યું કે આ કારણે પરિવર્તન તો જરૂર આવશે. સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બૉન્ડને સ્પષ્ટ રૂપે અસંવૈધાનિક જાહેર કર્યા છે. આ તો ચૂંટણીપંચની માંગણી હતી અને મારો પણ આ વિશે મજબૂત અભિપ્રાય હતો.

ઇલેક્ટોરલ બૉન્ડને લઈને એસવાય કુરૈશીને પોતાના એક પુસ્તક "ઇન્ડિયા ઍક્સ્પેરિમેન્ટ વિથ ડેમૉક્રસી- લાઇફ ઑફ અ નેશન થ્રૂ ઇટ્સ ઇલેક્શન"નો હવાલો આપ્યો છે.

કુરૈશીએ કહ્યું, "જ્યારે ઇલેકટોરલ બૉન્ડ બહાર પડ્યા ત્યારે તત્કાલીન નાણા મંત્રીએ કહ્યું હતું કે પારદર્શી રાજકીય ફંડિગ વગર સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સંભવ નથી અને છેલ્લાં 70 વર્ષમાં રાજકીય ફંડિગને પારદર્શી બનાવવાના અમારા પ્રયાસો એળે ગયા. જોકે પોતાના ભાષણમાં જ તેમણે પારદર્શી પ્રણાલીને જ ખતમ કરી દીધી હતી."

તેમણે ઉમેર્યું, "તે વખતે એ નિયમ હતો કે રાજકીય પક્ષ જ્યારે 20 હજારથી વધારે ફંડ લે છે ત્યારે તેમને ચૂંટણીપંચને જણાવવું પડે અને ત્યારબાદ તેમને સર્ટિફિકેટ આપવામાં આવે છે જેના આધારે આવકવેરા પર છૂટ મળે છે. ઇલેક્ટોરલ બૉન્ડ આવ્યા પછી 20 હજાર કરોડનો પણ કોઈ હિસાબ નથી. કોણે કેટલા રૂપિયા આપ્યા તેની કોઈ જાણકારી નથી મળતી."

ચૂંટણી ફંડ માટે પારદર્શક પદ્ધતિ કેવી હોવી જોઈએ?

જોકે સવાલ એ છે કે એક આદર્શ ચૂંટણી ફંડ માટે કોઈ ચોક્કસ પ્રણાલી હોવી જોઈએ, આ પ્રણાલી કેવી હોવી જોઈએ?

આ વિશે કુરૈશીએ કહ્યું, "ઇલેક્ટોરલ બૉન્ડ પહેલા રાજકીય પક્ષોને મળતા ફંડમાથી 70 ટકા ફંડ રોકડ રૂપે મળતું. આ રૂપિયા ક્યાંથી આવ્યા અને કોણે મળ્યા તેના વિશે કોઈ જાણકારી નથી મળતી. તે સમયે પણ સુધારાની વાત થઈ હતી."

તેમણે ઉમેર્યું, "આ માટે એક જ ઉપાય છે કે નેશનલ ઇલેક્શન ફંડ (રાષ્ટ્રીય ચૂંટણી ફંડ) બનાવવામાં આવે કારણ કે ફંડ આપનાર લોકો ડરે છે કે બીજી પાર્ટી નારાજ ન થઈ જાય. પ્રાઇમ મિનિસ્ટર ફંડ, નેશનલ ડિઝાસ્ટર ફંડ જેવા ફંડમાં કોઈને પ્રોબ્લેમ નથી રહેતો. તેવી જ રીતે આ ફંડમાં પણ ફંડ આપવામાં આવે."

તેમના મત પ્રમાણે આ રાષ્ટ્રીય ચૂંટણી ફંડમાંથી છેલ્લી ચૂંટણીમાં મળેલા મતોની ટકાવારીને આધારે રાજકીય પક્ષોને ફંડ આપવામાં આવે. યૂરોપના 70 ટકા દેશોમાં આ સિસ્ટમ ચાલી રહી છે. આ કારણે ચૂંટણી ફંડિગ એક હદ સુધી પારદર્શક થઈ શકે છે.

ઈવીએમ પર સવાલ ઉઠાવવો કેટલો યોગ્ય છે?

ઈવીએમ મશીન

ઇમેજ સ્રોત, Getty Images

ચૂંટણી નજીક આવતાની સાથે જ ઈવીએમ પર સવાલો થવા લાગ્યા છે અને કૉંગ્રેસની આગેવાની ધરાવતા ઇન્ડિયા ગઠબંધને હમણાં જ મુંબઈમાં થયેલી એક સભામાં આ વિશે ટિપ્પણીઓ કરી.

પૂર્વ ચૂંટણી કમિશનરે કહ્યું, "ઈવીએમ પર સૌથી વધારે વિરોધ 2009માં ભાજપે કર્યો હતો. હું 2010માં ચૂંટણી કમિશનર બન્યો.જોકે મારી ધારણાઓ ઈવીએમ વિશે સકારાત્મક છે. જો કોઈ પણ પ્રશ્ન હોય તો રાજકીય પક્ષોએ એક બેઠક કરીને તેમનો ઉપાય કરવો જોઈએ."

"ઈવીએમના પક્ષમાં સૌથી મજબૂત તર્ક એ છે કે ઈવીએમથી યોજાયેલી ચૂંટણીઓમાં રાજકીય પક્ષો હારતા અને જીતતા રહ્યાં છે. કર્ણાટક, પંજાબ, દિલ્હી અને હિમાચલ પ્રદેશ તેના ઉદાહરણ છે જ્યાં સત્તાધારી પાર્ટીનો ચૂંટણીમાં પરાજય થયો. જોકે તેમાં પણ સુધાર કરી શકાય છે."

"મારી સલાહ છે કે વીવીપેટમાં એવી સુવિધા આપવામાં આવે કે મતદાર પોતાનો વોટ આપીને લીલું બટન દબાવે ત્યારપછી જ સ્લીપ નીકળે. અને જો તેમાં ગોટાળો થાય તો એલાર્મ માટે લાલ બટન હોય જેથી કરીને મતદાનને રોકી શકાય."

હાલમાં વીવીપેટ સુવિધા માત્ર પસંદગીનાં મતદાન મથકો પર ઉપલબ્ધ છે પરંતુ ઘણા રાજકીય પક્ષો 100 ટકા મતદાન મથકો પર તેના અમલીકરણની અને તે સ્લિપની ગણતરીની પણ માંગ કરી રહ્યા છે.

આ વિશે કુરૈશીએ કહ્યું, “ઈવીએમ પર ભરોસો કાયમ કરવા માટે આ બન્ને માંગોને માનવી જોઈએ. આ કારણે ચૂંટણીનાં પરિણામો થોડા મોડાં આવશે. જોકે એ પણ કરી શકાય કે જો કોઈ સીટ પર બે મુખ્ય ઉમેદવારો કોઈપણ બૂથના વોટની ફરીથી ગણતરી કરાવવા ઈચ્છે છે તો એ કરવું જોઈએ, જે કારણે ફરીથી આખી મતગણતરી ન કરવી પડે.”

જોકે તેમણે કહ્યું કે ઈવીએમ બનાવનારી કંપનીમાં સત્તાધારી પાર્ટી ભાજપના લોકોનું સ્વતંત્ર નિદેશક તરીકે સામેલ હોવું એક ગંભીર બાબત છે.

તેમના મત પ્રમાણે નિદેશક પાસે ખૂબ તાકાત હોય છે તેઓ કોઈપણ બદલાવ માટે કહી શકે છે. જો નિદેશક કંઈ પણ ન કરે છતાં તેમની રાજકીય નિયુક્તિ લોકોના મનમાં શંકા પેદા કરે છે. જોકે આ સલાહ પહેલાંથી જ રહી છે સોફ્ટવૅરને ઓપન સોર્સ કરવામાં આવે. સાર્વજનિક હોવાથી સોફ્ટવૅરમાં સુધાર પણ થઈ શકે છે.

ચૂંટણીપંચમાં કેટલો સુધાર થયો?

ચૂંટણીપંચ

ઇમેજ સ્રોત, Getty Images

ટીએન શેષનના કાર્યકાળની તુલનામાં તેમની પછી આવેલા ચૂંટણી કમિશનરોની કાર્ય પદ્ધતિમાં શું ફેરફાર આવ્યો?

આ વિશે કુરૈશીએ કહ્યું કે ટીએન શેષન પછી નિમાયેલા ચૂંટણી કમિશનરો પર તેમણે કરેલા સુધારાઓને વધારે મજબૂત કરવાની જવાબદારી હતી અને તે મજબૂત બન્યાં.

તેમણે તત્કાલીન કાયદા મંત્રી વીરપ્પા મોઈલી સાથેના એક કિસ્સા વિશે જણાવ્યું કે ચૂંટણી સુધારની મીટિંગ માટે કાયદા મંત્રી પોતે તેમની પાસે આવ્યા.

તેમણે કહ્યું કે ટીએન શેષન કહેતા કે ચૂંટણી કમિશનરે કાયદા મંત્રીની ઓફિસની બહાર બે કલાક રાહ જોવી પડતી હતી. જોકે, હવે સ્થિતી ઘણી સુધરી ગઈ છે.

તેઓ પૂછે છે કે ટીએન શેષન કહેતા હતા કે તેઓ નાસ્તામાં રાજકારણીઓ ખાય છે પરંતુ શું આજે કોઈ ચૂંટણી કમિશનર આવું કહી શકે છે?

ચૂંટણીપંચમાં તાજેતરના વિવાદો પર કુરેશીએ કહ્યું કે 2019માં અશોક લવાસાના મતભેદનો મામલો સામે આવ્યો હતો તે કારણે થોડો આઘાત તો લાગ્યો. અને તે સમયે ચૂંટણીપંચની વિશ્વસનીયતાને અસર થઈ હતી પરંતુ છેલ્લાં વર્ષોમાં પંચની છબી સુધરી છે.