અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ હવે દિલ્હીની સરકાર કેવી રીતે ચાલશે?

અરવિંદ કેજરીવાલ

ઇમેજ સ્રોત, ANI

દિલ્હી સરકારની નવી આબકારી નીતિમાં કથિત અનિયમિતતાના મામલે ગુરુવારે રાત્રે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરાઈ છે.

અગાઉ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભા સાંસદ સંજયસિંહની ધરપકડ થઈ ચૂકી છે.

એક બાજુ આમ આદમી પાર્ટીના ટોચના બધા જ નેતાઓ જેલમાં છે ત્યારે પાર્ટી અને દિલ્હીની સરકાર કેવી રીતે ચાલશે તે એક મહત્ત્વનો સવાલ છે.

કેજરીવાલની ગેરહાજરીમાં દિલ્હીમાં પાર્ટી અને સરકારને સંભાળી શકે તેવું સક્ષમ નેતૃત્વ શોધવાનો એક પડકાર છે.

લોકસભાની ચૂંટણી એકદમ નજીક છે અને આ કારણે આ પડકાર ખૂબ જ મોટો છે.

દિલ્હી, પંજાબ, હરિયાણા અને ગુજરાતમાં પાર્ટી પોતાનો ચૂંટણીપ્રચાર શરૂ કરવાની તૈયારી કરી રહી હતી અને તેમના સ્ટાર પ્રચારક અરવિંદ કેજરીવાલ છે.

કેટલાક અહેવાલો પ્રમાણે ધરપકડની આશંકા વચ્ચે નેતૃત્વ અંગે જેમનાં નામોની ચર્ચા ચાલી રહી છે તેમા અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલ અને દિલ્હી સરકારમાં મંત્રી અતિશી અને સૌરભ ભારદ્વાજનાં નામ સામેલ છે.

દિલ્હી સરકારમાં અતિશી પાસે શિક્ષણ, નાણું, પીડબ્લ્યુડી અને મહેસૂલ સાથે સૌથી વધારે ખાતાંની જવાબદારી છે. તેમને કેજરીવાલનાં ખાસ ગણવામાં આવે છે.

આ જ રીતે સૌરભ ભારદ્વાજ દિલ્હી કૅબિનેટના એક મહત્ત્વના સભ્ય છે અને સ્વાસ્થ્ય અને શહેરી વિકાસ જેવાં મહત્ત્વનાં ખાતાં સંભાળે છે.

જોકે, અતિશી અને સોમનાથ ભારતીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે અરવિંદ કેજરીવાલ મુખ્ય મંત્રીપદ પરથી રાજીનામું નહીં આપે.

અતિશીએ કહ્યું, “જરૂરત પડશે તો તેઓ જેલમાંથી સરકાર ચલાવશે. કોઈ પણ કાયદો જેલમાંથી સરકાર ચલાવવા પર પ્રતિબંધ નથી મૂકતો, કારણ કે તેમને કોઈ સજા નથી થઈ. કેજરીવાલ મુખ્ય મંત્રી હતા, છે અને રહેશે.”

અરવિંદ કેજરીવાલ અને ગુરુવારનો ઘટનાક્રમ

અરવિંદ કેજરીવાલ

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઈડીની ટીમ ગુરુવારે સાંજે દિલ્હીના મુખ્ય મંત્રીના નિવાસસ્થાન પર જ્યારે પહોંચી ત્યારથી જ અટકળો લાગી રહી હતી કે કેજરીવાલની ધરપકડ થઈ શકે છે.

રાત્રે લગભગ નવ વાગ્યા આસપાસ આમ આદમી પાર્ટીના નેતા અતિશીએ અરવિંદ કેજરીવાલની ધરપકડની પુષ્ટિ કરી અને કહ્યું કે પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તેમણે સુપ્રીમ કોર્ટને આ મામલાની તાત્કાલિક સુનાવણી થાય તેવી પણ અપીલ કરી છે.

આપ નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે રાત્રે જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.

તેમણે કહ્યું, “મુખ્ય મંત્રી નિવાસની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. માત્ર 70,000 રૂપિયા રોકડા મળ્યા જે ઈડીએ પાછા આપી દીધા. મુખ્ય મંત્રીજીનો મોબાઇલ લઈ લીધો અને તેમની ધરપકડ કરીને લઈ ગયા. આ રેડમાં એક પણ ગેરકાયદેસર પૈસા, કાગળ કે સબૂત નથી મળ્યાં.”

આ સમય દરમિયાન મુખ્ય મંત્રી નિવાસની બહાર મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા એકઠા થયા અને નારા પોકારવા લાગ્યા. મુખ્ય મંત્રી નિવાસની બહાર દિલ્હી પોલીસે ધારા 144 લાગુ કરી હતી.

દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના કેટલાય કાર્યકર્તાઓને અટકાયતમાં લીધા. આ હંગામા દરમિયાન ઈડીની ટીમ કેજરીવાલને ઈડીના હેડક્વાર્ટર પર લઈ ગઈ.

દિલ્હીના મંત્રી ગોપાલ રાયે આ ધરપકડને લોકતંત્રની હત્યા ગણાવી. જ્યારે પાર્ટીના રાજ્યસભા સાંસદ રાધવ ચઢ્ઢાએ કહ્યું કે ભારતમાં અઘોષિત ઇમરજન્સી છે.

આ પહેલાં ઈડીએ અરવિંદ કેજરીવાલને આઠ વખત સમન જાહેર કર્યું હતું. ગયા વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર બન્ને મહિનામાં બે વખત, આ વર્ષે જાન્યુઆરીમાં બે વખત, ફેબ્રુઆરીમાં ત્રણ વખત અને માર્ચમાં એક વખત સમન આપ્યાં હતાં. તેમ છતાં કેજરીવાલ એક પણ વખત પૂછપરછ માટે ન આવ્યા.

અરવિંદ કેજરીવાલે ધરપકડથી રાહત મેળવવા માટે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, જેને અદાલતે ગુરુવારે નકારી દીધી.

ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું, “આ કાયદાકીય પ્રક્રિયા છે જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ દૃષ્ટિકોણ રાખીને યોગ્ય કાર્યવાહી કરાઈ રહી છે, જેમાં તેમને કોર્ટ તરફથી પણ કોઈ રાહત ન મળી. કાયદાને પોતાનું કામ કરવા દેવું જોઈએ.”

વિપક્ષી ગઠબંધનના નેતાઓએ અરવિંદ કેજરીવાલની ધરપકડની ઘોર નિંદા કરી છે.

કૉંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું, “તેમને લાગે છે કે આ કારણે ઇન્ડિયા ગઠબંધન હલી કે પાટા પરથી ઊતરી જશે. તેઓ ખોટું વિચારી રહ્યા છે, કારણ કે આ પગલાથી સ્પષ્ટ થઈ જાય છે કે ભાજપને પોતાની હાર દેખાઈ રહી છે.”

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે, રાજદ નેતા લાલુપ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ, સપા નેતા અખિલેશ યાદવ, એનસીપી (એસએસપી) નેતા શરદ પવાર, તામિલનાડુના મુખ્ય મંત્રી એમકે સ્ટાલીન, શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રવક્તા આનંદ દૂબે, કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયન, જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી મહબૂબા મુફ્તી, સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરી, ટીએમસી નેતા કુણાલ ઘોષ સહિત કેટલાક નેતાઓએ અરવિંદ કેજરીવાલની ધરપકડની નિંદા કરી છે.

કેજરીવાલની રસપ્રદ રાજકીય સફર

અન્ના હજારે

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય સનદી સેવાના અધિકારી અને આઈઆઈટીના વિદ્યાર્થી રહેલા કેજરીવાલે પોતાની રાજકીય જમીન 2011માં થયેલા ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન દરમિયાન તૈયાર કરી હતી.

વર્ષ 2002ના શરૂઆતના મહિનામાં કેજરીવાલ ભારતીય સનદી સેવામાંથી રજા લઈને દિલ્હીના સુંદરનગરી વિસ્તારમાં એક્ટિવિઝ્મ કરવા લાગ્યા.

અહીં કેજરીવાલે એક બિનસરકારી સંગઠનની સ્થાપના કરી જેને “પરિવર્તન” નામ આપ્યું.

2006માં કેજરીવાલને 'ઇમર્જિંગ લીડરશિપ' માટે રેમન મેગ્સેસે ઍવૉર્ડ મળ્યો ત્યારે તેઓ વધુ જાણીતા થયા.

વર્ષ 2010માં દિલ્હીમાં થયેલા કૉમનવેલ્થ ગેમ્સમાં થયેલા કથિત ગોટાળાની ખબર મીડિયામાં આવ્યા પછી લોકોમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ગુસ્સો વધી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન નામની ઝુંબેશ શરૂ થઈ અને કેજરીવાલ તેનો ચહેરો બની ગયા.

કેજરીવાલે જુલાઈ 2012માં જંતર-મંતર ખાતે 'અન્ના હજારેના માર્ગદર્શન હેઠળ' તેમનો પ્રથમ મોટું વિરોધપ્રદર્શન શરૂ કર્યું હતું.

26 નવેમ્બર 2012ના રોજ કેજરીવાલે વિધિવત્ પાર્ટીની જાહેરાત કરી. કેજરીવાલે કહ્યું કે તેમની પાર્ટીમાં કોઈ હાઈ કમાન્ડ નહીં હોય અને તેઓ જનતાના મુદ્દાઓ પર જનતાના પૈસે ચૂંટણી લડશે.

કેજરીવાલે રાજકારણની વાટ પકડી ત્યારે તેમના ગુરુ અન્ના હજારેએ પણ કહ્યું કે તેઓ સત્તાના રસ્તે ચાલી નીકળ્યા છે.

રાજકારણમાં કેજરીવાલની પાર્ટી અને વધતો જનાધાર

અરવિંદ કેજરીવાલ

ઇમેજ સ્રોત, AAM AADMI PARTY GUJARAT

શરૂઆતના દિવસોમાં અરવિંદ કેજરીવાલને જે પણ મળતા તેમને તેઓ પોતાની પાર્ટીમાં જોડતા ગયા. તેમની આ સંગઠનાત્મક ક્ષમતા જ આગળ ચાલીને તેમની સૌથી મોટી તાકાત બની. કેજરીવાલે એવા લોકોને સાથે લાવ્યા જે તેમના માટે ભૂખ્યા રહીને પણ કામ કરવા માટે તૈયાર હતા, લાઠી ખાવા માટે પણ તૈયાર હતા.

આ સ્વયંસેવકોના દમ પર કેજરીવાલે 2013માં દિલ્હીની વિધાનસભાની ચૂંટણી લડી. રાજકારણમાં પદાર્પણ કરનાર તેમની પાર્ટીએ 28 બેઠકો જીતી. કેજરીવાલે તે સમયે દિલ્હીનાં મુખ્ય મંત્રી રહેલાં શિલા દીક્ષિતને નવી દિલ્હી સીટ પરથી 25 હજારથી વધારે વોટોથી હરાવ્યાં. જોકે, તેમને શિલા દીક્ષિતની કૉંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન કરીને જ સરકાર બનાવી પડી.

કેજરીવાલ તરત જ જનલોકપાલ બિલ પાસ કરાવવા માગતા હતા. જોકે, કૉંગ્રેસ આ માટે તૈયાર ન હતી. અંતે 14 ફેબ્રુઆરી 2014ના રોજ કેજરીવાલે મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી અને ફરીથી રસ્તાની રાજનીતિ પર આવી ગયા.

કેટલાક મહિના પછી લોકસભાની ચૂંટણી થવાની હતી. કેજરીવાલ લોકસભાની ચૂંટણી લડવા માટે બનારસ પહોંચી ગયા પણ ત્યાં તેમને ત્રણ લાખ 70 હજારથી વધારે મતોથી હાર મળી.

જોકે, કેજરીવાલે 2015માં થયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 70માંથી 67 સીટો જીતીને ઇતિહાસ રચ્યો અને 14 ફેબ્રુઆરી 2015ના રોજ ફરીથી દિલ્હીના મુખ્ય મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.

આ સાથે જ રાષ્ટ્રીય રાજનીતિમાં આમ આદમી પાર્ટી અને કેજરીવાલનું કદ વધ્યું.

હાલ પંજાબમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર છે. દિલ્હીની એમસીડીની ચૂંટણીમાં પાર્ટીને બહુમત મળ્યો અને યુપીની મ્યુનિસિપલ ચૂંટણીમાં પાર્ટીના લગભગ 100 ઉમેદવારો જીત્યા.

2022માં થયેલી ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં આપના પાંચ ધારાસભ્યો જીત્યા અને ઘણી સીટો પર આપ બીજા નંબરે રહી.

ચૂંટણી પંચે ગયા વર્ષે જ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપ્યો.

ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થયા પછી આમ આદમી પાર્ટી હવે રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાનું કદ વધારવાની કોશિશ કરી રહી છે.