વડોદરામાં ભાજપનાં ઉમેદવાર રંજન ભટ્ટનો ચૂંટણી લડવાનો ઇન્કાર

રંજન

ઇમેજ સ્રોત, ranjan bhatt/Fb

વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર રંજનબહેન ભટ્ટે ચૂંટણી લડવાની અસમર્થતા દર્શાવી છે.

રંજનબહેને તેમના ઍક્સ હૅન્ડલ પર લખ્યું, ' હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.' તેમના આ ટ્વીટે ભાજપમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણને સાર્વજનિક કરી દીધી છે.

આ પહેલાં શુક્રવારે સવારે રંજનબહેન ભટ્ટે ટ્વીટ કર્યું હતું, 'વડોદરાનો વિશ્વાસ એજ મારી તાકાત.'

નોંધનીય છે કે ભાજપે તેની બીજી યાદી બહાર પાડી, તેમાં ગુજરાતના સાત ઉમેદવારનાં નામોની જાહેરાત કરવામાં આવી હતી અને વડોદરાની બેઠક ઉપરથી રંજનબહેનને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં હતાં.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને 28 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

અરવિંદ કેજરીવાલ ઈડી

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હીના કથિત શરાબ ગોટાળાના મામલામાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને 28 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દેવાયા છે.

સમાચાર એજન્સી એએનઆઈએ તેની પુષ્ટિ કરી છે.

ગુરુવારે રાત્રે 21 માર્ચે મુખ્ય મંત્રી કેજરીવાલની તેમના નિવાસસ્થાનેથી ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

રાઉઝ એવન્યુ કોર્ટમાં વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ કહ્યું હતું કે કેજરીવાલને 28 માર્ચે બપોરે 2 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઈડીએ 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા જેના પર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એજન્સી વતી કોર્ટમાં હાજર થયેલા એડિશનલ સૉલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું કે કેજરીવાલે પંજાબમાં ચૂંટણી લડવા માટે 'સાઉથ ગ્રૂપ'ના કેટલાક આરોપીઓ પાસેથી 100 કરોડ રૂપિયા માગ્યા હતા.

તેમણે કોર્ટને એ પણ જણાવ્યું કે હવાલા માર્ગે મળેલી 45 કરોડ રૂપિયાની 'લાંચ'નો ઉપયોગ ગોવાની ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો.

અરવિંદ કેજરીવાલ પર દિલ્હીના શરાબ નીતિમાં થયેલા કથિત ગોટાળામાં સામેલ થવાનો આરોપ છે.

બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાએ જણાવ્યું કે આજે દિવસભર કોર્ટની બહાર સુરક્ષાવ્યવસ્થા ખૂબ કડક હતી. અહીં પોલીસે બેરિકેડિંગ કરીને રાખી હતી. પત્રકારો સિવાય ત્યાં કોઈને પણ જવાની અનુમતિ આપવામાં આવી ન હતી. આમ આદમી પાર્ટીના કેટલાક સમર્થકોએ અહીં જવાની કોશિશ કરી હતી પરંતુ તેમને રોકી દેવામાં આવ્યા હતા.

અરવિંદ કેજરીવાલની ધરપકડ પર બોલ્યા અન્ના હજારે, 'જે થયું એ તેમનાં કૃત્યોને કારણે થયું'

અરવિંદ કેજરીવાલ - અણ્ણા હઝારે બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, અરવિંદ કેજરીવાલની ધરપકડ પર બોલ્યા અણ્ણા હઝારે

દિલ્હી દારૂનીતિમાં કથિત કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, " મને આ સાંભળીને ખૂબ જ દુઃખ થયું છે. અરવિંદ કેજરીવાલ મારી સાથે કામ કરતા હતા અને અમે સાથે મળીને દારૂ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. આજે તેઓ દારૂનીતિ બનાવી રહ્યા છે. આ સાંભળીને મને દુઃખ થયું. પણ શું કરીએ? સત્તા સામે કશું કરી ન શકું."

અરવિંદ કેજરીવાલ- બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AAPGujarat

ઇમેજ કૅપ્શન, આજે, દેશભરમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ પાર્ટીના કાર્યકરો દેશના ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ તસવીર ગુજરાતની છે.

"આખરે, તેમની ધરપકડ કરવામાં આવી. આ જે નાટક થયું તે તેમની કરણીને લીધે જ થયું છે. જે થયું છે એમાં હવે બધું કાયદા પ્રમાણે થશે. હવે, આ સરકારને જોવાનું અને વિચારવાનું છે."

ઈડીએ ગુરુવારે મોડી રાતે નવી દિલ્હી સ્થિત અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાનથી ધરપકડ કરી હતી. ત્યાંથી તેમને ઈડીની ઑફિસે લઈ જવામાં આવ્યા.

તેમની આબકારી નીતિ સંબંધિત કથિત મની લૉન્ડરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

મોરબી બ્રિજ દુર્ઘટના: જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા

જયસુખ પટેલ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, OREVA.COM

ઑરેવા ગ્રૂપના મૅનેજિંગ ડાયરેક્ટર અને મોરબી બ્રિજ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે.

જયસુખ પટેલને મળેલા જામીનની સાથે જ 10માંથી 9 આરોપીઓ પણ હવે જામીન પર બહાર છે. એક આરોપીની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.

જયસુખ પટેલને 15 મહિના બાદ જામીન મળ્યા છે. ડિસેમ્બર, 2023માં ગુજરાત હાઈકોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. અરજી ફગાવતાં સમયે હાઈકોર્ટે કહ્યું હતું કે જયસુખ પટેલને બ્રિજની ખરાબ હાલતની જાણ હતી અને તેમણે મૅનેજિંગ ડાયરેક્ટર તરીકે પગલાં લેવાનાં હતાં પરંતુ તેમણે પગલાં ન ભર્યાં અને આ ઘટના બની.

મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ 30મી ઑક્ટોબર, 2022 રવિવારની સાંજે તૂટી પડ્યો હતો. મોરબીમાં પુલ તૂટી પડતાં સેંકડો લોકો નદીમાં પડ્યા હતા અને કેટલાયનાં મૃત્યુ થયાં હતાં.

સરકારી આંકડા અનુસાર, આ ઘટનામાં કુલ 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ બ્રિજની જાળવણીનું કામ મોરબીના ઉદ્યોગગૃહ ઓરેવાને સોંપવામાં આવ્યું હતું.

ગુજરાત હાઈકોર્ટે મૃતકોને નાણાકીય સહાય આપવાનો કંપનીને આદેશ આપ્યો હતો.

ટીએમસી નેતા મહુઆ મોઇત્રાની વિરુદ્ધ પૈસા લઈને સવાલ પૂછવાના મામલે સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી

મહુઆ મોઈત્રા- બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મહુઆ મોઈત્રા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સીબીઆઈએ પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવા મામલે તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મહુઆ મોઇત્રા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે.

સમાચાર એજન્સી પીટીઆઈના અધિકારિક સૂત્રો પ્રમાણે મહુઆ મોઇત્રા વિરુદ્ધ લોકપાલના આદેશ પર એફઆઈઆર દાખલ કરી છે.

ભાજપના નેતા અને લોકસભા સાંસદ નિશિકાંત દુબે દ્વારા મહુઆ મોઇત્રા સંસદમાં સવાલ પૂછવાનો આરોપ લગાવ્યા પછી સીબીઆઈએ તેમની પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. તપાસનાં પરિણામો પછી લોકપાલે સીબીઆઈને મહુઆ મોઇત્રા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કહ્યું હતું.

લોકપાલે કહ્યું હતું કે સીબીઆઈ મહુઆ મોઇત્રા વિરુદ્ધ ફરિયાદના દરેક વિષયની તપાસ કરીને છ મહિનાની અંદર તેમને રિપોર્ટ આપે.

મહુઆ મોઇત્રાને લોકસભામાં અનૈતિક આચરણના આરોપોને કારણે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. આ સસ્પેન્શન વિરુદ્ધ મહુઆ મોઇત્રાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે તેમની અરજી નામજૂંર કરી હતી. મહુઆ મોઇત્રા આ વખતે ફરીથી પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર સીટથી પાર્ટી ટિકિટ પર ચૂંટણી લડી રહી છે.