ગુજરાતમાં લોકસભાની બેઠકો પર ‘પાંચ લાખની લીડ’થી જીતવાનું ભાજપનું લક્ષ્ય કેટલું વાસ્તવિક?

ઇમેજ સ્રોત, ANI/Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
“આપણે બે વખતથી 26 બેઠકો જીતીએ છીએ. તો આ વખતે ગુજરાતે કંઈક નવું કરવું જોઈએ ને? આપણે દરેક બેઠક પાંચ લાખ મતોની લીડથી જીતી બતાવવાની છે અને વડા પ્રધાન મોદીજીને ભેટ આપવની છે.”
ભાજપના પ્રદેશપ્રમુખ સી. આર.પાટીલે કાર્યકર્તાઓને સંબોધતાં થોડા દિવસ પહેલાં આ નિવેદન આપ્યું હતું.
સી. આર. પાટીલ સહિત ભાજપના ઘણા નેતા વારંવાર એવો દાવો કરી રહ્યા છે કે આ વર્ષે ભાજપે પાંચ લાખથી વધુ મતોની સરસાઈ સાથે રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં તમામ 26 બેઠકો જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
આ સિવાય પાછલા કેટલાક દિવસોથી ભાજપમાં કૉંગ્રેસ, આપ અને અન્ય પક્ષોના નેતા અને કાર્યકર્તાનો જોડાવવાનો સિલસિલો સતત ચાલુ જ છે.
વિશ્લેષકોના મતે ભાજપ સતત ‘એવી હવા ઊભી કરવાનો પ્રયત્ન’ કરી રહ્યો છે કે તમામ બેઠકો પર તેની જીત તો થવાની જ છે, પરંતુ ભારે અંતરથી આ બેઠકો જીતશે.
ભાજપ આ લક્ષ્યને ‘હકીકતલક્ષી અને સંભવ’ ગણાવી રહ્યો છે. જ્યારે કૉંગ્રેસ પાંચ લાખની સરસાઈના ભાજપના લક્ષ્યને ‘માત્ર માહોલ ઊભો કરવાનો પ્રયાસ’ ગણાવી રહી છે.
પરંતુ ખરેખર દરેક લોકસભા બેઠક પર શું પાંચ લાખ મતના અંતરથી જીતવું શક્ય છે ખરું? કે પછી આ ભાજપનું ‘માઇક્રો મૅનેજમૅન્ટ’ છે, વધુ પડતો આત્મવિશ્વાસ છે?
આ અંગે આંકડા અને રાજકીય વિશ્લેષકો શું કહે છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં ગત લોકસભાની ચૂંટણીમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, BJP GUJARAT
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જો 2019ની લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપે 62.21 ટકાના જંગી વોટ શૅર સાથે તમામ 26 બેઠક જીતી હતી. કૉંગ્રેસને એ ચૂંટણીમાં 32.11 ટકા મત મળ્યા હતા.
2019ની લોકસભા ચૂંટણીનાં પરિણામો પર નજર કરીએ તો કુલ ચાર બેઠકો પર ભાજપની સરસાઈ પાંચ લાખ કરતાં વધુ હતી. આ ચાર બેઠકો છે ગાંધીનગર, વડોદરા, સુરત અને નવસારી.
આ ચાર બેઠકોને બાદ કરતાં મોટા ભાગની બેઠકો પર ભાજપની સરસાઈ બે લાખ મત કરતાં વધુ હતી. માત્ર પાટણ, આણંદ, દાહોદ અને જૂનાગઢમાં જ તેની જીતની સરસાઈ બે લાખ કરતાં ઓછી હતી.
ફૂલછાબના ભૂતપૂર્વ તંત્રી કૌશિક મહેતાનું માનવું છે કે લોકસભામાં બધી બેઠકો પર પાંચ લાખની લીડથી જીતવાનું ભાજપનું લક્ષ્ય ‘શક્ય’ નથી.
તેઓ કહે છે કે, “2022ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ખૂબ મતો તોડ્યા હતા, પરંતુ તે બેઠકોમાં રૂપાંતરિત થયા ન હતા. જેના કારણે સૌરાષ્ટ્ર- કચ્છમાં કૉંગ્રેસને મોટું નુકસાન થયું હતું. આ સિવાય છેલ્લા કેટલાક સમયથી મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વધુ મતદાન થઈ રહ્યું છે. એટલે જે બૂથમાં ભાજપની લીડ ઓછી છે એ તમામ વિસ્તારોમાંથી ભાજપે આપ, કૉંગ્રેસ અને અપક્ષમાંથી જીતેલા નેતાઓ અને બૂથની કામગીરી સંભાળતા કાર્યકર્તાઓને પક્ષમાં સામેલ કરવાનું શરૂ કર્યુ છે.”
“તેનાથી એવું શક્ય છે કે કેટલીક બેઠકો પર ભાજપને પાંચ લાખથી વધુ મતોની સરસાઈ મળશે, પરંતુ તમામ 26 બેઠકો પર પાંચ લાખથી વધુ મતોની સરસાઈ મળે તેવું હાલના સંજોગોમાં દેખાતું નથી.”

તાલીમ રિસર્ચ ફાઉન્ડેશનના ડિરેક્ટર અને ચૂંટણી વિશેષજ્ઞ ડૉ. એમ. આઈ. ખાન બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં મતોની ટકાવારીને ધ્યાનમાં રાખીને કહે છે કે, “ગુજરાતમાં મતદારોની વોટિંગ પૅટર્ન બદલાઈ છે, એમાં કોઈ શંકા નથી. પહેલાં કરતાં વધુ લોકો મતદાન કરી રહ્યા છે.”
“2012ની વિધાનસભાની ચૂંટણીમાં 72.2% જેટલું જંગી મતદાન થયું હતું. આવો જ ટ્રેન્ડ 2014ની લોકસભા ચૂંટણીમાં હતો. લોકસભામાં વિધાનસભા કરતાં ઓછું મતદાન થતું હોય છે, પરંતુ 2014માં પણ સામાન્ય સંજોગો કરતાં 15.76 ટકા જેટલું વધુ મતદાન થયું હતું.
તેઓ પાછલી ચૂંટણીઓમાં ગુજરાતની વોટિંગ પૅટર્ન અંગે વાત કરતાં કહે છે કે, "પછી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 69.01 ટકા મતદાન થયું હતું. જે 2012 કરતાં થોડું ઓછું હતું, પરંતુ તેમાં નોટાના મતો વધુ પડ્યા હતા. ફરી 2019ની લોકસભાની ચૂંટણીમાં આ ચિત્ર બદલાયું. નોટાના મતો ઓછા થયા, પરંતુ મતદાન વધુ થયું. આ પરિબળને પણ ધ્યાનમાં લેવું પડે.”
ભાજપવિરોધી મતોની ટકાવારી કેટલી?

ઇમેજ સ્રોત, Getty Images
આ વખત હજુ પણ ભાજપ સામે કૉંગ્રેસ અને આપ ગઠબંધન કરીને લડશે કે નહીં લડે તે સ્પષ્ટ નથી. રાજકીય વિશ્લેષકોના મતે જો ગઠબંધન થાય તો કેટલીક બેઠકો પર જીતનાં સમીકરણો બદલાઈ શકે છે.
કૌશિક મહેતા તાજેતરમાં કૉંગ્રેસ અને અન્ય પાર્ટીના નેતા-કાર્યકર્તાને ભાજપમાં સામેલ કરવાના ‘અભિયાન’ પાછળનો તર્ક સમજાવતાં કહે છે, “પાછલી ચૂંટણીઓનાં પરિણામોને ધ્યાનથી જુઓ તો 2014થી લઈને 2022 સુધીની વિપક્ષના મતોમાં મોટો ફરક નથી પડ્યો. અલબત્ત, 2022ની ચૂંટણીમાં વિપક્ષના મતોનો સરવાળો કરવામાં આવે તો તેમાં પણ ભાજપવિરોધી મતો એકસમાન રહે છે. એટલે જ કૉંગ્રેસના નાના નાના કાર્યકર્તાઓને પણ ભાજપ પોતાની સાથે લઈ રહ્યો છે.”
એમ. આઈ. ખાન પોતાના લક્ષ્ય માટે ભાજપે અપનાવેલી વ્યૂહરચનાની સફળતા અંગે અનુમાન કરતાં કહે છે કે, “વર્ષ 2022ની ચૂંટણીમાં મતદાન 2017 કરતાં 4.17 ટકા ઓછું થયું હતું, પરંતુ વિપક્ષના મતો વહેંચાઈ ગયા હતા. 2017ની ચૂંટણીમાં વિપક્ષને મળેલા મતોમાં ઝાઝો ફેર પડ્યો ન હતો. આ સિવાય બૂથ લેવલની વાત કરીએ તો કુલ 15 હજાર બૂથમાં ભાજપ પાછળ ચાલે છે. આ સંજોગોમાં ભાજપ તેના માઇક્રો મૅનેજમૅન્ટથી મતોની ટકાવારીમાં વધારો કરી શકશે, પરંતુ તમામ 26 બેઠકો પર આટલી લીડ મેળવીને જીતવાનું સંભવ નથી.”
નવાં સમીકરણો અંગે વાત કરતાં આ લક્ષ્યને ભાજપની ‘મનોવૈજ્ઞાનિક રમત’ ગણાવતાં કહે છે કે, “વળી, દરેક પક્ષના સમર્પિત મતદાર હોય છે. ગુજરાતમાં નવા આવેલા બે પક્ષો આપ અને એઆઇએમઆઇએમ ગત ચૂંટણીની જેમ જ મતોનું વિભાજન કરે તો પણ આ લક્ષ્ય પાર ન પાડી શકાય.”
પાંચ લાખની લીડ મેળવવા માટે ભાજપની વ્યૂહરચના શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવે પક્ષના ‘માઇક્રો મૅનેજમૅન્ટ’ અને ગુજરાતના મતદારોની વોટિંગ પૅટર્નનો હવાલો આપીને કહે છે કે આ પ્રકારની મોટી જીત શક્ય છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ પક્ષની વ્યૂહરચના અંગે જણાવે છે કે, “ભાજપ ગત ચૂંટણીમાં 15 હજાર બૂથમાં પાછળ હોવાની વાત સાચી છે, પરંતુ તેમાંથી આઠ હજાર બૂથોમાં 50 મતોથી પણ ઓછી સરસાઈ હતી. આ તમામ બૂથ પર અમારા વિસ્તારકો કામ કરી રહ્યા છે. આ બૂથ હેઠળ આવતા તમામ રહેણાક વિસ્તારના લોકો અને નાના મોટા વ્યાવસાયિકોની સમસ્યાઓના નિવારણનું કામ ચાલુ છે.”
ડૉ. યજ્ઞેશ દવે એવો દાવો કરે છે કે ભાજપ માટે 26 બેઠકો પર પાંચ લાખની લીડ મેળવવી અઘરી વાત નથી.
તેઓ સમજાવે છે, “કૉંગ્રેસને ગત લોકસભા ચૂંટણીમાં અગાઉ કરતાં ઓછા મત મળ્યા છે. વળી, લોકસભાની ચૂંટણીમાં આપ પણ કાઠું કાઢી શકે એમ નથી.”
તેઓ આ લક્ષ્યને માહોલ બનાવવાની ‘તરકીબ’ કરતાં હકીકતલક્ષી ધ્યેય ગણાવતાં કહે છે કે, “અમે વૈજ્ઞાનિક ઢબે ગણતરી કરી છે એટલે 26 લોકસભા બેઠકમાં પાંચ લાખની સરસાઈ સાથે જીતવું ભાજપ માટે અઘરું નથી. ભાજપ માહોલ બનાવવા માટે નહીં, પરંતુ પાયાની હકીકતને ધ્યાનમાં રાખીને વાત કરે છે. અમારી પેજ સમિતિને અમે પહેલાં કરતાં પણ વધુ મજબૂત બનાવી છે, એટલે આ લક્ષ્યને પહોંચી વળવું અઘરું નથી.”
ભાજપના લક્ષ્ય અંગે કૉંગ્રેસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાના મત પ્રમાણે ભાજપ આ પ્રકારની વાતોને વહેતી મૂકીને લોકોને ભરમાવી રહ્યો છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ કહે છે કે, “ભાજપ 26 લોકસભાની બેઠકો પર પાંચ લાખથી વધુ મતોથી જીતશે એવી વાતો કરી રહ્યો છે, પરંતુ એ સંભવ નથી. કૉંગ્રેસની પણ પોતાની વ્યૂહરચના છે.”
“અમે ગ્રાઉન્ડ લેવલ પર અમારી રીતે પ્રચાર કરી રહ્યા છીએ. જે બૂથમાં ભાજપને ઓછા મતો મળ્યા છે એ તમામ બૂથમાં અમારા કાર્યકર્તાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ એક માહોલ ઊભો કરી રહ્યો છે, પરંતુ હકીકત અલગ જ છે.”
તેઓ પોતાની વ્યૂહરચના અને પ્રયત્નો અંગે વાત કરતાં કહે છે કે, “અમે અમારી વ્યૂહરચના હાલમાં જાહેર કરવા માંગતા નથી, પરંતુ અમે ભૂતકાળના પરાજયમાંથી ઘણું શીખ્યા છીએ અને એ ભૂલોને અમે સુધારી રહ્યા છીએ. અમે ભાજપવિરોધી મતોને અંકે કરવામાં કોઈ કસર નહીં છોડીએ.”
(આ અહેવાલ માટે જરૂરી એવું વધારાનું રિપોર્ટિંગ: બીબીસી સહયોગી આર્જવ પારેખ)












