રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’થી 'કૉંગ્રેસ'-'ઇન્ડિયા' ગઠબંધનને કેટલો લાભ થશે?

- લેેખક, દીપક મંડલ
- પદ, બીબીસી સંવાદદાતા
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘ભારત જોડો યાત્રા’ બાદ હવે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની શરૂઆત કરી છે. આ યાત્રા પૂર્વથી પશ્ચિમ સુધી એટલે કે મણિપુરથી મુંબઈ સુધી જશે. આ યાત્રા કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લીલી ઝંડી બતાવીને શરૂ કરાવી હતી.
આ યાત્રાને પૂર્વનિર્ધારિત મણિપુરના ઇમ્ફાલની બદલે થૌબલ જિલ્લામાંથી શરૂ કરાઈ. રાજ્યમાં આઠ મહિના પહેલાં શરૂ થયેલી જાતીય હિંસાથી થૌબલ જિલ્લો પણ પ્રભાવિત રહ્યો છે.
14 જાન્યુઆરીથી શરૂ થયેલી આ યાત્રા 20મી માર્ચ સુધી ચાલશે. એટલે કે 2024ની લોકસભા ચૂંટણીના અમુક દિવસો અગાઉ સુધી આ યાત્રા ચાલશે.
રાહુલ ગાંધીની ‘ભારત જોડો’ યાત્રા બરાબર એક વર્ષ પહેલાં પૂર્ણ થઈ હતી. એ દરમિયાન તેમણે તામિલનાડુમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા કરી હતી.
‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન રાહુલ ગાંધી 14 રાજ્યોના 85 જિલ્લામાંથી પસાર થશે. યાત્રા મણિપુરથી શરૂ થઈને નાગાલૅન્ડ, અસમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાંથી પસાર થઈને મુંબઈ ખાતે પૂરી થશે.
આ દરમિયાન તેઓ 6,500 કિલોમીટરની યાત્રા કરશે. ભારત જોડો યાત્રા દરમિયાન તેમણે 4,000 કિલોમિટરની યાત્રા કરી હતી.
શું છે ‘ભારત જોડો ન્યાય યાત્રા’?

ઇમેજ સ્રોત, ANI
કૉંગ્રેસના મહાસચિવ અને પાર્ટીના કૉમ્યુનિકેશન વિંગના પ્રભારી જયરામ રમેશે કહ્યું હતું કે, “રાહુલ ગાંધીની 'ભારત જોડો' યાત્રાએ લોકોને આર્થિક અસમાનતા, સામાજિક ધ્રુવીકરણ અને રાજકીય સરમુખત્યારશાહી વિશે જાગૃત કર્યા છે.”
જ્યારે 'ભારત ન્યાય યાત્રા’માં આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય પર ભાર મૂકવામાં આવશે. દેશમાં લોકશાહી અને બંધારણના રક્ષણ માટે લોકોને જાગૃત કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવું મનાય છે કે 'ભારત જોડો' યાત્રાએ રાહુલ ગાંધીની રાજકીય છબિને વધુ મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ઘણા લોકો માને છે કે શરૂઆતમાં આ યાત્રાને બહુ ગંભીરતાથી લેવામાં આવી ન હતી.
આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ બેરોજગારી, ખેડૂતોની સમસ્યાઓ, અર્થતંત્રની ધીમી ગતિ, ભ્રષ્ટાચાર અને ગવર્નન્સના મુદ્દા ઉઠાવ્યા હતા.
‘ભારત જોડો’ યાત્રાથી રાહુલ ગાંધી અને કૉંગ્રેસને શું મળ્યું?

ઇમેજ સ્રોત, ANI
રાહુલ ગાંધીએ આ યાત્રા દરમિયાન કર્ણાટક અને તેલંગાણામાં ઘણો સમય પસાર કર્યો હતો. તેલંગાણામાં આ યાત્રા 15 દિવસ ચાલી હતી. કર્ણાટકમાં રાહુલ ગાંધીએ 22 દિવસ પસાર કર્યા હતા.
રાજસ્થાનના છ જિલ્લામાં રાહુલની ભારત જોડો યાત્રા 16 દિવસ સુધી ચાલી હતી. જોકે, અનેક લોકો માને છે કે આ યાત્રાથી કૉંગ્રેસની કૅડર અને તેના સમર્થકોનો ઉત્સાહ જરૂર વધ્યો હતો.
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક શરદ ગુપ્તા કહે છે, “ભારત જોડો યાત્રાથી કૉંગ્રેસ કરતાં વધારે રાહુલ ગાંધીને ફાયદો થયો છે. આ યાત્રાએ રાહુલની છબિ બદલી નાખી. લોકો હવે તેમને ગંભીરતાથી લે છે અને સાંભળે છે.”
તેઓ કહે છે, “ આ યાત્રાનો મોટા ભાગનો પ્રવાસ પણ અગાઉની યાત્રાની જેમ વાહન મારફતે થશે. જોકે, આ ત્રણ-ચાર મહિના લાંબી યાત્રા નહીં હોય. અગાઉની યાત્રામાંથી શીખીને આમાં થોડા ફેરફારો કરવામાં આવ્યા છે.”
હવે ભારત ન્યાય યાત્રાથી શું મળશે?

ઇમેજ સ્રોત, INC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'ધ હિન્દુ બિઝનેસલાઈન'ના રાજકીય સંપાદક પૂર્ણિમા જોશી કહે છે, "રાહુલ ગાંધીની 'ભારત ન્યાય યાત્રા' કૉંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ માટે પણ વધુ સારા પરિણામો આપી શકે છે. કારણ કે રાહુલ ગાંધી એક અલગ પ્રકારના રાજકીય નેતા છે. તેઓ એક સ્ટેટ્સમેન રાજનીતિજ્ઞની જેમ દેખાવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે પાર્ટીનું પદ છોડી દીધું છે. એ પણ ખબર નથી કે તેઓ વડાપ્રધાન બનશે કે નહીં."
તેઓ કહે છે, "રાહુલ જાહેર હિતના મુદ્દા ઉઠાવે છે અને ખૂબ જ પ્રખર રીતે બોલે છે. તેઓ ઉદ્યોગપતિઓના વેપારમાં ભ્રષ્ટાચાર મુદ્દે અથવા વડા પ્રધાન પર ખૂબ જ સ્પષ્ટ રીતે બોલે છે. આવું કરનાર તે એકમાત્ર વિપક્ષી નેતા છે."
જોકે, શરદ ગુપ્તા કહે છે કે 'ભારત ન્યાય યાત્રા'ની ચૂંટણીલક્ષી સફળતા તે દરમિયાન ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર નિર્ભર રહેશે.
તેઓ કહે છે, "ભારત જોડો યાત્રા દરમિયાન ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી હતી પરંતુ રાહુલ હિમાચલ અને ગુજરાત સિવાય ક્યાંય ચૂંટણી પ્રચાર માટે ગયા ન હતા. જોકે, આ યાત્રા લોકસભાની ચૂંટણી પહેલા પૂરી થઈ જશે અને રાહુલને ચૂંટણી પ્રચાર માટે પૂરતો સમય નહીં મળે. પરંતુ આ મુલાકાતનો ચૂંટણીલક્ષી ફાયદો તેના પર નિર્ભર રહેશે કે મુદ્દાઓ કેટલી સ્પષ્ટ રીતે ઉઠાવવામાં આવે છે. કારણ કે ભારત જોડો યાત્રા દરમિયાન ઉઠાવવામાં આવેલા મુદ્દાઓમાં કોઈ સ્પષ્ટતા નહોતી."
શરદ ગુપ્તા કહે છે, "ભારત ન્યાય યાત્રા દરમિયાન ઉઠાવવામાં આવતા મુદ્દાઓ એવા નથી કે તે લોકોને ખૂબ જ ભાવનાત્મક રીતે સ્પર્શે. ભારત જોડો યાત્રામાં 'નફરતના બજારમાં પ્રેમની દુકાન' સૂત્ર આપવામાં આવ્યું હતું. પરંતુ રાહુલ ગાંધી આ સૂત્રનો લાંબા સમયથી ઉપયોગ કરતા નથી."
તેઓ કહે છે, "જ્યારે લાલકૃષ્ણ અડવાણીએ રથયાત્રા કરી હતી ત્યારે અયોધ્યામાં રામ મંદિર એક ભાવનાત્મક મુદ્દો હતો. તેમણે ભાજપને મત આપવાની અપીલ કરી ન હતી કરી પરંતુ પાર્ટીને આ મુદ્દાથી ફાયદો થયો. તેથી આ મુદ્દાઓ ખૂબ મહત્વના છે."
‘ઇન્ડિયા’ ગઠબંધનને ફાયદો થશે

ઇમેજ સ્રોત, TWITTER/BHARATJODO
ભારત ન્યાય યાત્રા જે રાજ્યોમાંથી પસાર થશે ત્યાં કૉંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના સહયોગીઓ સાથે તાલમેલ એક મોટો પડકાર છે. આ રાજ્યો પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર છે.
હવે જોવાની વાત એ છે કે રાહુલ ગાંધીની આ યાત્રાને ઇન્ડિયા ગઠબંધનનાં સહયોગી દળો કેટલું સમર્થન આપશે. બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ અન્ય વિપક્ષી દળો આ યાત્રા દરમિયાન અલગ-અલગ જગ્યાએ સંયુક્ત રેલીઓ કરશે.
સવાલ એ છે કે કૉંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના સહયોગીઓ વચ્ચે થઈ રહેલી ખેંચતાણથી ઉપર ઊઠીને આ યાત્રાનો પોતાના પક્ષમાં ઉપયોગ કરીને તેનો કેટલી હદે ચૂંટણીમાં ફાયદો ઉઠાવી શકે છે.
આ સવાલના જવાબમાં પૂર્ણિમા જોશી કહે છે, “રાજકીય પક્ષોને જનસંપર્ક અભિયાનોથી ફાયદો મળે છે. કૉંગ્રેસને પણ મળશે. પરંતુ વિપક્ષ પાસે ન તો કોઈ લીડરશિપ છે કે ન તો કોઈ રાજકીય કાર્યક્રમ. ત્યાં સુધી કે તેમના વચ્ચે બેઠકો અંગે પણ કોઈ તાલમેલ જોવા મળી રહ્યો નથી. જ્યારે ભાજપ પાસે આ બધી ચીજો છે. આવી સ્થિતિમાં ન્યાય યાત્રાનો બહુ ઝાઝો ફાયદો મળે તેવું કહી શકાય નહીં.”
કૉંગ્રેસ શું ચૂકી રહી છે?
વિશ્લેષકો અનુસાર વિપક્ષનું કામ સરકારની ખામીઓ તરફ ધ્યાન દોરવાનું અને શાસનનું વૈકલ્પિક મૉડલ પૂરું પાડવાનું છે. કૉંગ્રેસ કેટલીક ખામીઓ દર્શાવે છે, પરંતુ વૈકલ્પિક મૉડલ આપવામાં સક્ષમ નથી.
શરદ ગુપ્તા કહે છે, "કૉંગ્રેસે નરેન્દ્ર મોદીની પીએમ કિસાન યોજના હેઠળ છ હજાર રૂપિયાને બદલે વાર્ષિક 72 હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું હતું, પરંતુ લોકોએ તેનો વિશ્વાસ ન કર્યો. તેથી તેમની માટે અહીં વિશ્વસનીયતાનું સંકટ પણ છે."
તેઓ કહે છે, "કૉંગ્રેસ ભાજપના પ્રચારતંત્રનો મુકાબલો કરી શકતી નથી. લોકો માનવા લાગ્યા છે કે કૉંગ્રેસ દ્વારા ચલાવાયેલા કાર્યક્રમો જેમ કે મનરેગા, આધાર વગેરે મોદીજી દ્વારા ચલાવવામાં આવ્યા છે. આ સિવાય કૉંગ્રેસ સહિત તમામ વિપક્ષો છેલ્લાં દસ વર્ષથી એવું વિચારતા રહ્યા છે કે જ્યારે લોકો મોદી સરકારથી નારાજ થશે ત્યારે એક દિવસ તેઓ અમારી પાસે આવશે.”
શરદ ગુપ્તા એમ પણ કહે છે કે જો રાહુલ ગાંધી આજે જે રીતે કામ કરી રહ્યા છે તેવી જ રીતે દસ વર્ષ પહેલાં મહેનત કરવાનું શરૂ કર્યું હોત તો કદાચ 2019નું ચિત્ર અલગ હોત.
તેમના મતે, વિપક્ષ 'સક્રિય પ્રચાર'ને બદલે 'પેસિવ ફેવરિઝમ' ઇચ્છે છે. જ્યાં સુધી પક્ષો રાજકારણમાં સક્રિય નહીં થાય અને તેમનાં કાર્યક્રમો અને કામ સાથે લોકો સુધી નહીં જાય ત્યાં સુધી મતદારો તેમનાથી નહીં આકર્ષાય.












