રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ નહીં થવાના નિર્ણયની કૉંગ્રેસ પર કેટલી અસર થશે?

ઇમેજ સ્રોત, NOAH SEELAM/AFP VIA GETTY IMAGES
- લેેખક, માનસી દાશ
- પદ, બીબીસી સંવાદદાતા
કૉંગ્રેસે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાના આમંત્રણનો સન્માન સાથે અસ્વીકાર કર્યો છે.
કૉંગ્રેસ પાર્ટીના મુખ્ય નેતાઓને બે અઠવાડિયાં પહેલાં જ કાર્યક્રમમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું હતું. કૉંગ્રેસે તેના પર ખૂબ વિચાર-વિમર્શ કર્યા પછી કહ્યું કે એક અર્ધનિર્મિત મંદિરનું ઉદ્ઘાટન માત્ર ને માત્ર ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા માટે કરવામાં આવ્યું છે.
જોકે, ભાજપે તેને લઈને કૉંગ્રેસ પર નિશાન તાક્યું છે. ભાજપના કેટલાક નેતાઓએ કહ્યું છે કે પ્રાણપ્રતિષ્ઠાના આમંત્રણને ઠુકરાવવું એ કૉંગ્રેસની સનાતન વિરોધી માનસિકતાને દર્શાવે છે.
અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ ભાજપના ચૂંટણીઢંઢેરાનો કાયમથી ભાગ રહ્યો છે. એવામાં આગામી ચૂંટણીઓ પહેલાં તેના ઉદ્ઘાટનને લઈને વિપક્ષનો આરોપ છે કે ભાજપ તેનો ચૂંટણીમાં લાભ લઈ શકે છે.
એવામાં સવાલો એ જ ઊઠે છે કે શું હવેની ચૂંટણીઓમાં ભાજપને તેનો ફાયદો મળશે? શું કૉંગ્રેસને આ કાર્યક્રમમાં સામેલ ન થવાને કારણે માઠાં પરિણામો ભોગવવા પડશે?
કૉંગ્રેસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
10 જાન્યુઆરીએ કૉંગ્રેસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને નેતા અધીર રંજન ચૌધરી રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે નહીં.
તેના નિવેદનમાં પાર્ટીએ કહ્યું છે કે તેમને ગયા મહિને કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાગ લેવો કે નહીં તે અંગે પાર્ટીની બેઠક પણ યોજાઈ હતી, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ નિર્ણયમાં પશ્ચિમ બંગાળની તૃણમૂલ કૉંગ્રેસ અને મહારાષ્ટ્રની એનસીપી પણ તેની સાથે ઊભા હોય તેવું લાગી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે એનસીપીએ કહ્યું છે કે કોઈ પક્ષનું કાર્યક્રમમાં જોડાવું એ તેનો વ્યક્તિગત નિર્ણય છે. જ્યારે ટીએમસીએ કહ્યું કે "ભાજપ આ મુદ્દે રાજનીતિ કરી રહ્યો છે."
કૉંગ્રેસે પોતાના નિવેદનમાં કહ્યું કે, "ધર્મ એ વ્યક્તિનો અંગત મામલો છે. પરંતુ ભાજપ અને આરએસએસ આ મુદ્દાને લાંબા સમયથી રાજકીય પ્રૉજેક્ટ બનાવી રહ્યા છે. એ સ્પષ્ટ છે કે અર્ધનિર્મિત મંદિરનું ઉદ્ઘાટન માત્ર ચૂંટણીલક્ષી લાભ મેળવવા માટે કરવામાં આવી રહ્યું છે."
"માનનીય સર્વોચ્ચ અદાલતના 2019ના નિર્ણયને સ્વીકારીને, લોકોની આસ્થાને માન આપીને, મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ આ કાર્યક્રમ માટે ભાજપ અને આરએસએસના આમંત્રણને આદરપૂર્વક નકારી કાઢ્યું છે."

ઇમેજ સ્રોત, INCINDIA@X
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૉંગ્રેસ નેતા અને કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ આ સવાલ અંગે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, "અમે રામમંદિરના વિરોધમાં નથી. અમે અમારા ગામડાંઓમાં બનેલા રામમંદિરોમાં જઈએ છીએ. તેમણે રામમંદિર બનાવ્યો તેમાં કોઈ મુદ્દો નથી. પરંતુ તેઓ આ મુદ્દાનું રાજનીતિકરણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમે આ રાજનીતિકરણનો વિરોધ કરીએ છીએ."
જ્યારે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે કહ્યું, "લોકો વચ્ચે ભાગલા પડાવવા સિવાય તેમની પાસે એકપણ કામ નથી. પહેલાં ધર્મના નામે હિન્દુ અને મુસલમાનોમાં ભાગલા પડાવ્યા અને હવે ભગવાન રામની વહેંચણી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શંકરાચાર્યજી અને રામાનુજ સંપ્રદાયના લોકો વચ્ચે ખાઈ વધારી રહ્યા છે."
તેમણે કહ્યું, "કેટલા લોકોએ આમંત્રણનો સ્વીકાર કર્યો છે? કોઈ જાણીતા ધાર્મિક નેતાએ આમંત્રણનો સ્વીકાર કર્યો નથી. તેમણે સવાલો જ ઉઠાવ્યા છે."
"ધાર્મિક ગ્રંથોમાં કહેવાયું છે કે જે મંદિર અધૂરું હોય ત્યાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનું કામ કરી ન શકાય. તેને અશુભ માનવામાં આવે છે. બાબરી મસ્જિદના ઢાંચાને પાડી દેવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર શિવસેનાએ પણ તેમાં જવાનો ઇન્કાર કર્યો છે. રામ સૌના છે. મંદિરનું કામ પૂર્ણ થઈ જાય પછી અમે ત્યાં જરૂર જઈશું."
કૉંગ્રેસના કેટલાક નેતાઓમાં દેખાઈ નારાજગી

ઇમેજ સ્રોત, ANI@X
પરંતુ કૉંગ્રેસ પક્ષના આ નિર્ણયથી પાર્ટીના કેટલાક નેતાઓ નારાજ પણ થયા છે. કૉંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે સમાચાર ઍજન્સી એએનઆઈને કહ્યું કે, "રામમંદિરને ભાજપ, આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગ દળનું માની લેવું એ દુર્ભાગ્યપૂર્ણ વાત છે."
"મને પૂરો ભરોસો છે કે કૉંગ્રેસ હિન્દુ વિરોધી કે રામવિરોધી પાર્ટી નથી. તેમાં કેટલાક લોકો છે જેમણે આ પ્રકારનો નિર્ણય લેવડાવ્યો છે. આ નિર્ણયથી મારું દિલ તૂટી ગયું છે. આ નિર્ણયથી કરોડો કાર્યકર્તાઓનું દિલ તૂટી ગયું છે. એ કાર્યકર્તાઓની આસ્થામાં પણ ભગવાન રામ છે."
"કૉંગ્રેસ એ પાર્ટી છે જેના નેતા રાજીવ ગાંધીએ જ રામમંદિરનો શિલાન્યાસ કરાવ્યો હતો અને મંદિરના તાળા તોડવાનું કામ કર્યું હતું. પરંતુ પ્રાણપ્રતિષ્ઠાના નિર્ણયનો સ્વીકાર ન કરવો એ બહુ દુ:ખદ છે."
ગુજરાત કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયામાં તેમના એ નિર્ણયને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.
તેમણે લખ્યું કે, "આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે. કૉંગ્રેસના નેતૃત્ત્વએ આ પ્રકારનો રાજકીય નિર્ણય લેવાથી દૂર રહેવું જોઈતું હતું."
શંકરાચાર્યોએ પણ સામેલ થવાનો કર્યો ઇનકાર

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA
જ્યોતિર્મઠ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું છે કે દેશના ચારેય શંકરાચાર્ય 22 જાન્યુઆરીએ યોજાનારા પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે નહીં.
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના જણાવ્યા અનુસાર, આ પ્રસંગનું આયોજન શાસ્ત્રો અનુસાર કરવામાં આવી રહ્યું નથી.
આ વીડિયોમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ કહેતા જોવા મળે છે, "જો આ રામાનંદ સંપ્રદાયનું મંદિર છે, તો ચંપતરાય ત્યાં શું કરી રહ્યા છે? આ લોકોએ ત્યાંથી ખસી જવું જોઈએ. તેઓ ખસી જાય અને પહેલાં પ્રતિષ્ઠા રામાનંદ સંપ્રદાયને સોંપે. અમે મોદી વિરોધી નથી પરંતુ ધર્મશાસ્ત્રના વિરોધી થવા માગતા નથી."
તેમણે કહ્યું, "જે શાસ્ત્રમાંથી આપણે રામને ઓળખ્યા, તે જ ગ્રંથમાંથી આપણે પ્રાણપ્રતિષ્ઠા વિશે પણ શીખ્યા છીએ. તેથી જ ત્યાં કોઈ શંકરાચાર્ય ત્યાં જઈ રહ્યા નથી."
શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે તાજેતરમાં કહ્યું હતું કે રામ મંદિર રામાનંદ સંપ્રદાયનું છે.
ગોવર્ધન મઠના શંકરાચાર્ય નિશ્ચલાનંદ સ્વામીએ એક ચેનલને કહ્યું, "હાલ શાસ્ત્રો અનુસાર ત્યાં અભિષેક થઈ રહ્યો નથી, તેથી મારા માટે ત્યાં જવું યોગ્ય નથી."
તે સિવાય પુરીની શારદાપીઠના શંકરાચાર્ય દ્વારા સોશિયલ મીડિયા પર એક નિવેદન શેર કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રાણપ્રતિષ્ઠા સમારોહ વેદ, શાસ્ત્રો અને ધર્મની ગરિમાને અનુસરીને કરવામાં આવે.
જોકે, આ નિવેદનમાં પણ એ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે દ્વારકા મઠના શંકરાચાર્ય પોતે અભિષેકમાં ભાગ લેશે કે નહીં.
કૉંગ્રેસે પોતાના કાર્યક્રમમાં ન આવવા માટે આપેલા કારણમાં પણ અર્ધનિર્મિત મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ભાજપે શું પ્રતિક્રિયા આપી?

ઇમેજ સ્રોત, KABIR JHANGIANI/NURPHOTO VIA GETTY IMAGES
કૉંગ્રેસના આ નિર્ણયને લઈને ભાજપના નેતાઓએ તેના પર નિશાન તાક્યું છે. કેટલાક નેતાઓએ આ માટે કૉંગ્રેસને રામવિરોધી ગણાવી છે તો કેટલાકે તેને આગામી લોકસભા સાથે જોડીને ટોણો માર્યો છે.
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે આગામી ચૂંટણીમાં કૉંગ્રેસની ખરાબ હાર થશે.
તેમણે કહ્યું કે, "કૉંગ્રેસ પાર્ટીએ એક સમયે દેશભરમાં શાસન કર્યું હતું પરંતુ આજે તે સંકોચાઈને ક્યાં પહોંચી ગઈ છે તે જુઓ. જો ભવિષ્યમાં ચૂંટણી થશે તો તેમના સૂપડાં સાફ થઈ જશે. કૉંગ્રેસ શું વિચારે છે, શું આ સંઘનો કાર્યક્રમ છે? આ તો રાષ્ટ્રનો કાર્યક્રમ છે. આખી દુનિયા તેની પ્રતિક્ષા કરી રહી હતી."
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે આ નિર્ણય બાદ આવનારી ચૂંટણીમાં લોકો તેમનો બહિષ્કાર કરશે.
તેમણે કહ્યું, "જો કૉંગ્રેસે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે, તો ભારતની જનતા આગામી (લોકસભા) ચૂંટણીમાં તેમનો પણ બહિષ્કાર કરશે."
જ્યારે ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે આ નહેરુની કૉંગ્રેસ નથી, આ ગાંધીની કોંગ્રેસ નથી.
ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કૉંગ્રેસને તકવાદી ગણાવી હતી અને કહ્યું હતું કે જ્યારે મતદાનની વાત આવે છે ત્યારે તેઓ સૉફ્ટ હિન્દુ બનવાનો પ્રયાસ કરે છે.
તેમણે કહ્યું, "આ લોકો સિઝનલ હિન્દુઓ છે. જ્યારે તેમને લાગે છે કે તેમને મત મળવાના છે, ત્યારે તેઓ સૉફ્ટ હિન્દુ બનવાની કોશિશ કરે છે. જવાહરલાલ નેહરૂથી લઈને અત્યાર સુધી કૉંગ્રેસમાં કોઈ અયોધ્યા ગયું નથી."
શા માટે નિર્ણય અગત્યનો?

ઇમેજ સ્રોત, NOAH SEELAM / AFP) (PHOTO BY NOAH SEELAM/AFP VIA GETTY IMAGES
રાજકીય વિશ્લેષક રાશિદ કિદવઈ કહે છે કે આ નિર્ણય પડકારજનક હતો કારણ કે કૉંગ્રેસમાં આ અંગે કોઈ સર્વસંમતિ ન હતી અને સોનિયા ગાંધીએ પણ આ નિર્ણય પાર્ટી પર છોડી દીધો હતો.
તેઓ કહે છે, "દક્ષિણના નેતાઓનું માનવું હતું કે કૉંગ્રેસની મોટા ભાગની બેઠકો દક્ષિણનાં રાજ્યોમાંથી આવવાની છે, કૉંગ્રેસે ત્યાં પોતાનો જનાધાર ગુમાવવો જોઈએ નહીં. બીજી બાજુ, ઉત્તર ભારતમાં કૉંગ્રેસને 2014 કે 2019માં ક્યાંય જાજી બેઠકો મળી નથી. તેથી, પાર્ટીએ ગુણાકાર-ભાગાકરો કરીને આ નિર્ણય લીધો છે."
"બીજી તરફ, રાહુલ ગાંધી કૅમ્પ તરફથી પણ એવું પણ કહેવામાં આવ્યું હતું કે પાર્ટી માટે તેના વૈચારિક આધાર વિશે વાત કરવાનો આ સારો સમય છે. જોકે, ઉત્તર ભારતના કૉંગ્રેસના નેતાઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માગતા હતા."
તેઓ કહે છે, "સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કૉંગ્રેસ અને ડાબેરી પક્ષોએ આ કાર્યક્રમમાં ભાગ લેવાનો પહેલેથી જ ઇન્કાર કરી દીધો છે. કૉંગ્રેસ પણ ‘ઇન્ડિયા’ ગઠબંધનમાં સામેલ અન્ય પક્ષોને સમર્થન આપવા માગે છે. આ ત્યાં એકતા બતાવવાનો પ્રયાસ પણ છે."
રાજકીય વિશ્લેષક વિનોદ શર્માનું કહેવું છે કે "કૉંગ્રેસે આ નિર્ણય ઘણો સમય વીતાવ્યા બાદ અને તેના સહયોગી પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ લીધો છે."
તેમનું કહેવું છે કે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સાથે ઘણા બધા સવાલો જોડાયેલા છે. જેમ કે, તમામ મુખ્ય મંત્રીઓને (થોડાને બાદ કરતાં) તેમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી.
તેમણે આ મામલે શંકરાચાર્યની ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ન જવું એટલે ભગવાન રામમાં શ્રદ્ધા ન રાખવી એ માનવું ખોટું છે.
તેઓ કહે છે, "ચાર શંકરાચાર્ય, જેઓ હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા અગ્રણી ચહેરાઓ છે, તેઓ પોતે પણ આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં હાજરી આપવાના નથી. તો શું તમે એમ કહેશો કે તેમની શ્રદ્ધા ઓછી છે?"
શું ચૂંટણી પર પડી શકે છે અસર?

ઇમેજ સ્રોત, DEEPAK GUPTA/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
જ્યારે ભાજપના કેટલાક નેતાઓએ કૉંગ્રેસના કાર્યક્રમમાં હાજરી ન આપવા અંગે ટિપ્પણી કરી તો તેમણે પણ એક રીતે કહ્યું કે ભાજપ આ મુદ્દો ચૂંટણીમાં ચોક્કસ લાવશે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ એ સ્પષ્ટ કર્યું કે તેની અસર આગામી ચૂંટણીમાં જોવા મળી શકે છે.
રાશિદ કિદવઈ કહે છે, "1980માં ભાજપનો ઉદય થયો ત્યારથી અને 2014થી, જ્યારે મોદીએ પાર્ટીની કમાન સંભાળી ત્યારથી તેમણે ધર્મ, આસ્થા અને રાજનીતિને ખુલ્લેઆમ મિશ્રિત કરવાના પ્રયાસને લઈને જે સંકોચ રહેતો હતો તેને દૂર કર્યો છે. અટલ બિહારી વાજપેયીના સમય અને આ સમય વચ્ચે આ એક મોટો તફાવત છે."
"જ્યારે ભાજપ બહુમતીવાદની વાત કરે છે, જ્યારે તેઓ હિંદુ હિતો અને ચૂંટણીઓની વાત કરે છે, ત્યારે કૉંગ્રેસ માટે મૂંઝવણ ઊભી થાય છે કારણ કે તે બહુમતીવાદની તરફેણમાં નથી. પરંતુ કૉંગ્રેસ તેનો ઉકેલ પણ શોધી શકતી નથી."
"જ્યારે આવો ભાવનાત્મક મુદ્દો આવે છે, ત્યારે કૉંગ્રેસ તેના વિચારો વ્યક્ત કરી શકતી નથી કારણ કે પક્ષમાં જ મતો વહેંચાયેલા છે. પરંતુ ભાજપમાં આ અંગે પહેલા દિવસથી સ્પષ્ટતા છે.
2014માં ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે, ‘તે બંધારણ હેઠળ અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે તમામ શક્યતાઓ તપાસશે.’ વર્ષ 2019માં ભાજપે ફરી એકવાર પોતાનું વચન દોહરાવ્યું હતું.
હવે મે, 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ એમ કહીને લોકોમાં જશે કે તેણે પોતાનું ચૂંટણી વચન પૂરું કર્યું છે અને એટલે કૉંગ્રેસને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તે સ્વાભાવિક છે.
વિનોદ શર્મા કહે છે, "ભાજપ આ મુદ્દાનું રાજનીતિકરણ કરી રહ્યો છે તેમાં કોઈ શક નથી પરંતુ આ એક સંવેદનશીલ મુદ્દો છે અને કૉંગ્રેસે માત્ર એક નિવેદન આપીને ચૂપ બેસી રહેવું ન જોઈએ."
તેઓ કહે છે કે કૉંગ્રેસે હવે જનતા પાસે જવું જોઈએ અને આ મુદ્દાને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
વિનોદ શર્મા કહે છે, "સત્તાધારી પક્ષે આ મામલાને ખૂબ ગૂંચવી દીધો છે અને કૉંગ્રેસ તથા તેના સહયોગી પક્ષોની એ જવાબદારી છે કે આ મામલાના મૂળ સુધી જાય અને લોકો સામે તેને રજૂ કરે. એમાં મુદ્દો એ નથી કે ચૂંટણી કોણ જીતશે અને કોણ નહીં."
કૉંગ્રેસ, રામમંદિર અને ધર્મ વચ્ચે કેવો સંબંધ છે?

ઇમેજ સ્રોત, CENTRAL PRESS/GETTY IMAGES
રાશિદ કિદવઈ કહે છે કે ધર્મના મામલે કૉંગ્રેસમાં પહેલેથી જ વૈચારિક રૂપે બે મત રહ્યા છે અને તે આઝાદી પહેલાંની કૉંગ્રેસમાં પણ રહ્યા છે.
મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે દુનિયાના અસ્તિત્વમાં ધર્મનું મોટું યોગદાન છે અને ધર્મને રાજકારણથી અલગ કરી શકાય નહીં. તેમનું કહેવું હતું કે ધર્મમાં માનવાવાળો ક્યારેય કશું ખરાબ નહીં કરે.
જ્યારે જવાહરલાલ નેહરૂનો દૃષ્ટિકોણ અલગ હતો. તેઓ કહેતા હતા કે ધર્મને રાજકારણથી અલગ રાખવો જોઇએ.
તેઓ કહેતા હતા કે જો તમે રાજકારણમાં ધર્મને ખેંચી લાવશો તો તેનાથી બહુમતીવાદ ફેલાશે અને લોકશાહી માટે તે ખતરનાક નીવડશે. જો આસ્થાને આધારે સરકારો ચૂંટાવા લાગશે તો લોકતંત્ર ચાલી નહીં શકે.
6 ડિસેમ્બર 1992ના રોજ જ્યારે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે પીવી નરસિંમ્હારાવ વડા પ્રધાન હતા.
પાછળથી તેમણે તેમના પુસ્તકમાં આ માટે ભાજપ અને ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી કલ્યાણ સિંહને જવાબદાર ઠેરવ્યા હતા પરંતુ કૉંગ્રેસને પણ આરોપો લગાવ્યા હતા. તેમણે લખ્યું હતું કે, "તેમણે પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે આ માટે એક વ્યક્તિને જવાબદાર ઠેરવવી જોઈએ, તેમણે મને આગળ કરી દીધો. હું આ વાત સમજું છું."
1985માં જ્યારે રામમંદિરનું તાળું ખોલવામાં આવ્યું ત્યારે રાજીવ ગાંધી સત્તામાં હતા.
પાર્ટીના નેતા કમલનાથ પહેલાં પણ કહેતા આવ્યા છે કે રામજન્મભૂમિના તાળા ખોલનારા રાજીવ ગાંધી સૌથી પહેલા હતા અને તેનો શ્રેય બીજા કોઈને ન આપવો જોઈએ.

ઇમેજ સ્રોત, SHUKDEV BHACHECH/DIPAM BHACHECH/GETTY IMAGES
1989માં રાજીવ ગાંધીએ સરયૂ નદીના કિનારે એક સભામાં તેમનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો જેમાં તેમણે રામરાજ્યની વાત કરી હતી.
તે વખતે તેમના ભાષણને કારણે કૉંગ્રેસમાં ખળભળાટ થઈ ગયો હતો. એક અહેવાલમાં જાણીતા પત્રકાર અને નેતા વિજય દર્દાએ લખ્યું હતું કે, "તેઓ ઇચ્છતા હતા કે લોકો ભગવાન રામને સાચી રીતે સમજી શકે. તેઓ તેનો રાજકીય ફાયદો ઊઠાવવા માંગતા ન હતા. તેમણે જ 1989માં વિશ્વ હિન્દુ પરિષદને પ્રસ્તાવિત મંદિરમાં શિલા રાખવાની મંજૂરી આપી હતી."
1999માં કૉંગ્રેસ વર્કિંગ કમિટીએ હિન્દુત્વને દેશમાં ધર્મનિરપેક્ષતાનું સૌથી પ્રભાવી ગેરન્ટર કહ્યું હતું. સોનિયા ગાંધીનું કહેવું હતું કે હિન્દુત્વ ભારતને ધર્મનિરપેક્ષ બનાવે છે. પરંતુ સંઘપરિવાર તેને તોડી-મરોડીને રજૂ કરે છે.
હાલના દિવસોમાં જ મધ્યપ્રદેશમાં કમલનાથ પોતાને હનુમાન ભક્ત કહેતા સાંભળવા મળ્યા હતા. જ્યારે પ્રિયંકા ગાંધી વાડ્રા મંદિરોમાં જઈને પૂજા કરતા જોવાં મળ્યાં હતાં.












