જ્યારે ભારતના વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનમાં કેદ હતા ત્યારે પડદા પાછળ શું થતું રહ્યું?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, નિયાઝ ફારુકી
- પદ, બીબીસી સંવાદદાતા
27 ફેબ્રુઆરી 2019 એ દિવસ હતો જ્યારે પાકિસ્તાનની વાયુસેનાએ ભારતીય યુદ્ધ વિમાન તોડી પાડ્યું અને ફાઇટર પાઇલટ વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનની ધરપકડ કરી.
આનાથી હાલના સમયમાં બંને દેશો વચ્ચે રાજકીય અને સરહદ પરનો તણાવ એક નવા જ સ્તરે પહોંચી ગયો હતો.
27 ફેબ્રુઆરીની એ ઘટનાઓ પર ફરી એકવાર ચર્ચા થઈ રહી છે અને એ રાતના સમય વિશે કેટલાક નવા દાવા સામે આવી રહ્યા છે.
આનું કારણ એ સમયે પાકિસ્તાનમાં તહેનાત ભારતના પૂર્વ હાઈકમિશ્નર અજય બિસારિયાનું પુસ્તક છે.
એ દાવાઓ વિશે પ્રતિક્રિયા આપતા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝોહરા બલોચે ગુરૂવારે એક સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગ દરમ્યાનના એક સવાલના જવાબમાં કહ્યું, "એવું લાગે છે કે આ પુસ્તક ફેબ્રુઆરી 2019 વિશે ભારતના બનાવટી વર્ણનને આગળ ધપાવવાનો પ્રયાસ કરી રહી છે."
પણ એ વાત તો સ્પષ્ટ છે કે ફેબ્રુઆરી 2019માં બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો.
અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ પોતાના પુસ્તક ‘નેવર ગિવ એન ઇંચ’માં ત્યાં સુધી કહ્યું છે કે આ તણાવ એટલી હદ વધી ગયો હતો કે બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધની આશંકા ઊભી થઈ હતી.
અહીં એ વાત પણ ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2019 દરમ્યાન ગુજરાતની એક સભામાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે અમેરિકાએ પાકિસ્તાનને પાઇલટને ભારત પરત મોકલી દેવા કહેલું "નહીં તો મોદી 12 મિસાઇલો સાથે તૈયાર હતા, એ રાત કત્લની રાત બનવાની હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બાદમાં પાકિસ્તાની વિદેશ મંત્રાલયે નરેન્દ્ર મોદીના નિવેદનને બેજવાબદારીપૂર્ણ અને યુદ્ધ ઉન્માદ પર આધારિત ગણાવ્યું હતું અને કહ્યું હતું, “બાલાકોટ હુમલાનો ત્વરિત અને પ્રભાવી જવાબ, યુદ્ધ વિમાનને તોડી પાડવું અને પાઇલટની ધરપકડ એ અમારી સશ્સ્ત્ર સેનાની તૈયારી, સંકલ્પ અને ક્ષમતાનો પુરાવો છે.”
ભારતના પૂર્વ ઉચ્ચાયુક્ત અજય બિસારિયા પોતાના પુસ્તકમાં દાવો કરે છે કે ભારતીય પાઇલટ અભિનંદનની ધરપકડ કર્યા પછી પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન ઇમરાન ખાન બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવા માગતા હતા. જેમાં ભારતે “કોઈ રસ નહોતો દાખવ્યો.”
તેમણે એ પણ દાવો કર્યો કે પાકિસ્તાન હકીકતમાં આ ઘર્ષણની ગંભીરતા વધતા "ડરેલું હતું."
પાકિસ્તાનના વિદેશ વિભાગે આ વિશે બીબીસીએ પૂછેલા પ્રશ્નોનો હજુ સુધી કોઈ જવાબ નથી આપ્યો.
પણ પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા મુમતાઝ ઝોહરા બલોચે આ વિશે અઠવાડિક પ્રેસ બ્રીફિંગમા કહ્યું કે પાકિસ્તાને અભિનંદનને પરત મોકલીને તણાવ ઓછો કરવા માટે જવાબદારીપૂર્ણ વલણ બતાવ્યું હતું પણ આ પુસ્તક “ફેબ્રુઆરી 2019 વિશે ભારતના બનાવટી નૅરેટિવને આગળ વધારવાનો પ્રયાસ કરે છે.”
27 ફેબ્રુઆરીએ પડદા પાછળ શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
બંને દેશોમાં તણાવ 2019માં એ સમયે સામે આવ્યો જ્યારે ભારતીય વાયુસેનાના યુદ્ધ વિમાનોએ પાકિસ્તાનના બાલાકોટમાં હુમલો કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેણે પાકિસ્તાનની ધરતી પરના ચરમપંથીઓના ઠેકાણાંઓ પર ‘સર્જિકલ સ્ટ્રાઇક’ કરી છે.
પાકિસ્તાને આના જવાબમાં ભારતીય યુદ્ધ વિમાન મિગ 21 તોડી પાડ્યું અને એક ભારતીય પાઇલટ અભિનંદનની ધરપકડ કરી લીધી.
પછી તેમને ‘તણાવ ઓછો કરવા માટે’ ભારતને પરત સોંપી દેવાયા હતા.
27 ફેબ્રુઆરીનો ઉલ્લેખ પૂર્વ આઈએફએસ અજય બિસારિયાના હાલમાં જ પ્રકાશિત થયેલા પુસ્તકમાં મળે છે. બિસારિયા તે સમયે પાકિસ્તાનમાં ભારતના રાજદૂત હતા.
જ્યારે પુલવામા હુમલા પછી ભારતે પોતાની તરફથી સૈન્ય કાર્યવાહી કરી તો એ સમયે તેઓ દિલ્હી આવેલા હતા.
તેઓ તેમના પુસ્તકમાં લખે છે, “હું 26 ફેબ્રુઆરીની સવાર દિલ્હીમાં એ સમયે જાગ્યો જ્યારે સોશિયલ મીડિયા પર ભારતે પાકિસ્તાનમાં બૉમ્બમારો કર્યાની ઘટનાઓ વિશે વાતો કરાઈ રહી હતી.”
ઇસ્લામાબાદમાં તેમના એક સાથીએ એ સવારે આઈએસપીઆરના પ્રવક્તા આસિફ ગફૂરનું એક ટ્વીટ શૅર કર્યુ હતું જેમાં કહેવાયું હતું કે એક ભારતીય યુદ્ધ વિમાને પાકિસ્તાની વાયુસીમામાં પ્રવેશી બૉમ્બ ફેંક્યો છે.
તેઓ લખે છે કે પાકિસ્તાને આગલા દિવસે વળતી કાર્યવાહીમાં લાઇન ઑફ કંટ્રોલ (એલઓસી)ની ચાર કિલોમીટર અંદર સૈનિક લક્ષ્યો પર હુમલો કર્યો. (બૉમ્બમારો કર્યો)
પછી ભારતે નિવેદન આપી આ વાતની પુષ્ટિ કરી કે કેટલાંક પાકિસ્તાની વિમાનો ભારતીય વાયુસીમામાં પ્રવેશ્યાં હતાં.
27 ફેબ્રુઆરીએ યુદ્ધ વિમાનોની એ ‘ડૉગ ફાઇટ’ દરમ્યાન ભારતીય વાયુદળના વિંગ કમાન્ડર અભિનંદનનું વિમાન પાકિસ્તાનની એક મિસાઇલનો ભોગ થયું.
તેઓ એલઓસીની સાત કિલોમીટર અંદર ધરતી પર પડ્યા હતા અને તેમની ધરપકડ કરી લેવાઈ.
અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ તેમના પુસ્તક ‘નેવર ગિવ એન ઇંચ’માં લખ્યું છે, "મને લાગે છે કે દુનિયાને એ યોગ્ય રીતે ખબર નથી કે ફેબ્રુઆરી 2019માં ભારત અને પાકિસ્તાનની લડાઈ પરમાણુ યુદ્ધમાં બદલાઈ શકે તેમ હતી."
તેઓ ત્યારે વિયેતનામમાં હતા જ્યારે તેમને “ભારતીય સમકક્ષે ઊંઘમાંથી જગાડ્યા. તેમને આશંકા હતી કે પાકિસ્તાને હુમલા માટે પરમાણુ હથિયારોની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમણે જણાવ્યું કે ભારત પોતે પણ ઘર્ષણની તૈયારીઓ પર વિચાર કરતું હતું.”
માઇક પોમ્પિયો લખે છે કે તેમણે પાકિસ્તાનના ‘ખરા નેતા’ જનરલ બાજવાનો સંપર્ક કર્યો. જેમણે આ વાતનુ ખંડન કર્યું પણ તેમને આશંકા હતી કે ભારત પરમાણુ હથિયાર તહેનાત કરવાની તૈયારીઓ કરી રહ્યું છે.
ભારતના પૂર્વ ઉચ્ચાયુક્ત અજય બિસારિયા તેમના પુસ્તકમાં લખે છે કે એ તણાવને ઓછો કરવા માટે પાકિસ્તાને ‘પી-ફાઇવ’ દેશો એટલે કે અમેરિકા, ઇંગ્લૅન્ડ, ફ્રાંસ, રશિયા અને ચીનના રાજદ્વારીઓને બોલાવ્યા હતા.
“અમારા વડા પ્રધાન આ સમયે ઉપલબ્ધ નથી”

ઇમેજ સ્રોત, Getty Images
બિસારિયાએ તેમના પુસ્તકમાં દાવો કર્યો છે કે ભારતીય વિમાનની પાકિસ્તાનની સીમામાં સ્ટ્રાઇક અને પાકિસ્તાનની વળતી કાર્યવાહીમાં ભારતીય પાઇલટની ધરપકડ પછી “રાજદ્વારીઓની નજરમાં પાકિસ્તાન હકીકતમાં તણાવ વધવાની આશંકાએ ડરેલું નજરે પડતું હતું.”
બિસારિયાએ તેમના પુસ્તકમાં આ વિશે લખ્યું છે, “જ્યારે તે બેઠક ચાલી રહી હતી ત્યારે પાકિસ્તાનના વિદેશ સચિવ તેહમીના જંજુઆએ સેના તરફથી મળેલા સંદેશને જણાવવા સાંજે 5:45 વાગ્યે વાતચીત બંધ કરી દીધી હતી. તે સંદેશમાં કહેવામાં આવ્યું હતું કે ભારતે પાકિસ્તાન સામે 9 મિસાઈલો 'પોઇન્ટ' કરી રાખી છે જે એ જ દિવસે ગમે ત્યારે છોડવામાં આવી શકે છે.”
બિસારિયા લખે છે, “તહમીના જંજુઆ ઇચ્છતાં હતાં કે રાજદ્વારીઓ આ વાત તેમના દેશના નેતાઓ સુધી પહોંચાડે અને ભારતને તણાવ વધુ ન વધારવા કહે. આના કારણે P-5 દેશની રાજધાનીઓ, ઈસ્લામાબાદ અને નવી દિલ્હીના રાજદ્વારી કોરિડૉરમાં હલચલ મચી ગઈ હતી."
તેઓ એક P-5 રાજદ્વારીને ટાંકીને તેઓ લખે છે, "તેમાંથી એક રાજદ્વારીએ કહ્યું કે પાકિસ્તાને પોતે જ તેની ચિંતાઓ સીધી ભારત સુધી પહોંચાડવી જોઈએ."
બિસારિયા લખે છે કે તે સમયે ઇસ્લામાબાદમાં હાજર ભારતમાં પાકિસ્તાનના હાઇ કમિશનર સોહેલ મહેમૂદનો અડધી રાત્રે તેમને ફોન આવ્યો કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવા માગે છે.
તે કહે છે, "મેં વરિષ્ઠ અધિકારીઓ પાસેથી જાણ્યું અને તેમને જવાબ આપ્યો કે અમારા વડા પ્રધાન અત્યારે ઉપલબ્ધ નથી. પરંતુ જો ઈમરાન ખાન કોઈ મહત્ત્વપૂર્ણ સંદેશ આપવા માગે છે તો તેઓ ચોક્કસપણે મને આપી શકે છે.”
તેઓ લખે છે કે એ પછી એ રાત્રે તેમને ફોન નહોતો આવ્યો.
તેઓ લખે છે કે આ દરમિયાન અમેરિકા અને બ્રિટનના રાજદૂતોએ ભારતને જાણ કરી હતી કે પાકિસ્તાન હવે તણાવ ઘટાડવા, ભારતના ડોઝિયરને લાગુ કરવા અને ચરમપંથની સમસ્યાને ગંભીરતાથી ઉકેલવા તૈયાર છે.
રાજદૂતોએ ભારતને એમ પણ કહ્યું કે પાકિસ્તાનના વડા પ્રધાન પોતે આ જાહેરાત કરશે અને બીજા દિવસે પાઇલટને ભારત પરત મોકલવામાં આવશે.
તેમણે લખ્યું કે પહેલી માર્ચે ભારતે પાઇલટના પરત ફરવાની પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવાનું શરૂ કર્યું અને "નક્કી કર્યુ કે પાકિસ્તાનને એમ કહેવામાં આવે કે પાઇલટની વાપસીને મીડિયા ડ્રામા ના બનાવે.”
તેઓ લખે છે, “અભિનંદનને પરત લાવવા ભારતીય વાયુસેનાનું વિમાન મોકલવાની તૈયારી હતી પરંતુ પાકિસ્તાને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. તેમને સાંજે 5 વાગે મુક્ત કરવાના હતા પરંતુ અંતે રાત્રે 9 વાગે મુક્ત કરવામાં આવ્યા હતા.”
“આ ભારતની બનાવટી કહાણી છે”

ઇમેજ સ્રોત, PTV
ગુરુવારે સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝોહરા બલોચે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે એવું લાગે છે કે આ પુસ્તક ફેબ્રુઆરી 2019 વિશે ભારતના બનાવટી નિવેદનને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.
એક પત્રકારે તેને પૂછ્યું કે અજય બિસારિયાના દાવા પર તેઓ શું કહેવા માંગે છે જ્યારે ભારતે તે સમયે પાકિસ્તાનના વડા પ્રધાનનો ફોન લેવાનો ઇનકાર કર્યો હતો.
મુમતાઝ ઝોહરા બલોચે જવાબ આપ્યો, “ભારતની સરકારે રાજકીય લાભ માટે પુલવામાની ઘટનાનો ઉપયોગ કર્યો. બિસારિયા સારી રીતે જાણે છે કે બાલાકોટ ભારતની લશ્કરી નિષ્ફળતા હતી. આ ભારતની હિંમતનું એવું ઉદાહરણ હતું જે તેમના માટે ખરાબ અને શરમજનક હદે ખોટું સાબિત થયું કારણ કે ભારતીય વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા અને એક ભારતીય પાઇલટને પાકિસ્તાને પકડી લીધા હતા.”
તેઓ કહે છે કે તે પરિસ્થિતિ દરમિયાન પાકિસ્તાને જવાબદારી નીભાવી હતી પરંતુ "તે ખેદજનક છે કે એક રાજદ્વારી બળના પ્રદર્શનની વાત કરી રહ્યો છે.”
ઇમરાન ખાને 28 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સંસદની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા ભારતીય પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદનને પહેલી માર્ચે મુક્ત કરવાની જાહેરાત કરી હતી.
વડા પ્રધાન ઇમરાન ખાને ગૃહમાં કહ્યું હતું કે, "આજે ભારતે પુલવામા વિશે પત્ર મોકલ્યો છે પરંતુ તે પહેલા જ તેમણે હુમલો કર્યો.”
તેમનું કહેવું હતું, "અમે સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા હતા.”
તેમણે ગૃહને કહ્યું હતું કે, “ગઈકાલે પણ મેં મોદી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને આ કાર્યવાહીને નબળાઈ ન ગણવી જોઈએ. હું ભારતને કહેવા માગું છું કે તમારે આગળ કોઈ કાર્યવાહી ન કરવી જોઈએ કારણ કે આવી સ્થિતિમાં અમને પણ પગલાં લેવાની ફરજ પડશે.”














