ક્રિકેટમાં જ્યારે હિંદુ, મુસ્લિમ અને પારસી ટીમો વચ્ચે ભારતમાં ટુર્નામેન્ટ રમાતી અને તેનો વિરોધ થયો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જસપાલ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં ક્રિકેટ પ્રત્યે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. ભારતીય ટીમ ક્યાંય પણ રમી રહી હોય તેની મૅચ લાખો લોકો જોવે છે.
ભારતની રાષ્ટ્રીય રમત હૉકી છે પણ આજે ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતા હૉકીથી વધારે છે.
આ રમતનો ઇતિહાસ પણ પણ કેટલાય રસપ્રદ પડાવોમાંથી પસાર થયો છે.
ભારતીય ક્રિકેટનો ઇતિહાસનું એક મહત્ત્વનું પાસું એ છે કે ભારતમાં એવી ક્રિકેટ સ્પર્ધાઓ પણ થતી હતી જેમાં ટીમની રચના રાજ્યોના આધારે નહીં પણ ધર્મોના આધારે કરાતી હતી.
ભલે આજે આવી વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય પણ એક સમય એવો હતો જ્યારે હિન્દુ ટીમનો મુકાબલો મુસ્લિમ ટીમ સામે થતો હતો. મુસ્લિમ ટીમનો મુકાબલો પારસી ટીમ સાથે થતો હતો. જ્યારે પારસી ટીમનો મુકાબલો હિન્દુ ટીમ સાથે થતો હતો.
આ સ્પર્ધાઓ વર્ષો સુધી યોજાતી રહી. તેને જોવા લોકોની ભીડ પણ જામતી હતી.
તે સમયે આવી સ્પર્ધાઓ વિશે સમાચારપત્રોમાં પ્રાધાન્યતાથી જગ્યા પણ આપતા હતા.
આ અહેવાલમાં અમે તમને ‘ધ બૉમ્બે પૅન્ટાગ્યુલર’ નામે પ્રખ્યાત થયેલી ટુર્નામેન્ટ વિશે જણાવી રહ્યા છીએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેની શરૂઆત કેવી રીતે થઈ? તેની સાથે સંકળાયેલા વિવાદ શું હતા? અને પછી કેવી રીતે ટુર્નામેન્ટનું આયોજન કરવાનું બંધ થયું? તેની કહાણી ખૂબ જ રસપ્રદ છે.
ભારતમાં ક્રિકેટની શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતમાં ક્રિકેટનો સૌથી પહેલો ઉલ્લેખ 18મી શતાબ્દીના ત્રીજા દાયકાની શરૂઆતમાં જોવા મળે છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈની આધિકારિક વેબસાઇટ મુજબ તે સમયે એક બ્રિટિશ જહાજ વર્તમાન ગુજરાતના કચ્છમાં લાંગર્યુ હતું.
તે સમયના નાવિકોના વિશે લખાયેલી વાતો પરથી ખબર પડે છે કે તે અન્ય કાર્યો સાથે સમય પસાર કરવા ક્રિકેટ પણ રમતા હતા.
આ પછી ધીરે ધીરે ભારતમાં ક્રિકેટની શરૂઆત થઈ. કોલકત્તા ક્રિકેટ ક્લબની શરૂઆત 1792માં થઈ હતી.
આ ક્લબ લંડનના એમસીસી ક્લબ પછી દુનિયાની સૌથી જૂની ક્રિકેટ ક્લબ છે.
તે સમયે ભારતમાં પારસી સમુદાયે જ સૌથી પહેલાં ક્રિકેટને અપનાવ્યું હતું.
વર્ષ 1848માં પારસી સમુદાયે ઓરિએન્ટલ ક્રિકેટ ક્લબની શરૂઆત કરી. એ પછી પારસી સમુદાયે અન્ય ક્રિકેટ ક્લબ પણ ખોલી હતી.
તે સમયમાં પારસી સમુદાય પાસે સંસાધનોની અછત નહોતી. આ જ કારણ છે કે તેમણે પોતાની ટીમને બ્રિટન મોકલવાની પરવાનગી આપી.
1889-90માં ઇંગ્લૅન્ડના જીએફ વર્નોનની કપ્તાનીમાં ભારતના પ્રવાસે આવેલી એક ટીમને પારસી સમુદાયની એક ટીમે ચાર વિકેટે હરાવી દીધી હતી.
આ કોઈ પણ ભારતીય ક્રિકેટ ટીમ માટે ખૂબ મોટી જીત હતી.
વરિષ્ઠ ખેલ પત્રકાર, ઇતિહાસકાર અને સચીન તેંદુલકરની આત્મકથા ‘પ્લેઇંગ ઇટ માય વે’ના સહલેખક બોરિયા મજૂમદારે ધ બૉમ્બે પેન્ટૅગ્યુલર વિશે લખ્યું છે.
આને ધ ઇન્ટરનેશનલ જર્નલ ઑફ ધ હિસ્ટ્રી ઑફ સ્પોર્ટ્સે પ્રકાશિત કર્યું છે.
બોરિયા મજૂમદાર તેમના લેખમાં લખે છે, "પારસીઓએ કેટલીયે ક્રિકેટ ક્લબ બનાવી હતી. મુંબઈની વ્યાપારિક દુનિયામાં હિન્દુ સમુદાય પણ પારસી સમુદાય સાથે સ્પર્ધા કરતો હતો. આ પણ એક કારણ હતું કે પારસી સમુદાય પછી હિન્દુઓએ પણ ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ હતું."
"પહેલી હિન્દુ ક્રિકેટ ક્લબ 1866માં ‘બૉમ્બે યુનિયન’ નામે સ્થાપવામાં આવી હતી. પારસી સમુદાયની ક્લબ વિસ્તારોનાં નામ પર બનેલી હતી તો હિન્દુઓની ક્લબ જાતિ અને ધર્મના નામ પર બનેલી હતી."
1890ના દાયકામાં ‘ધ બૉમ્બે પેન્ટૅગ્યુલર’ની શરૂઆત અગાઉ ભારતમાં યુરોપીય ક્લબ અને પારસી સમુદાય વચ્ચે વાર્ષિક આયોજનોમાં મૅચ રમતા હતા.
1907માં મૅચ ત્રિકોણીય થઈ ગઈ હતી અને હિન્દુ સમુદાયની ટીમ પણ તેમાં સામેલ થઈ ગઈ.
1912માં મુસ્લિમ સમુદાયની ટીમ પણ સામેલ થઈ ગઈ અને 1937માં ‘રેસ્ટ’ના નામે એક ટીમ બનાવી જેમાં ઍંગ્લો ઇન્ડિયન અને ખ્રિસ્તી સમુદાયના ખેલાડીઓ હતા.
તેનું નામ ભલે પેન્ટૅગ્યુલર ટુર્નામેન્ટ રહ્યું હોય પણ તેમાં ચાર ટીમ જ ભાગ લઈ શકે એવું હતું.
કૌશિક બંદોપાધ્યાયએ ‘મહાત્મા ઑન પિચ’ નામનું પુસ્તક લખ્યું છે. જેમાં તેમણે ધ બૉમ્બે પેન્ટૅગ્યુલર ટુર્નામેન્ટ વિશે વિસ્તારપૂર્વક લખ્યું છે.
કૌશિક લખે છે કે 1912 સુધી આ ટુર્નામેન્ટના કારણે કોઈ પણ રીતની કોઈ મોટી સાંપ્રદાયિક ઘટના નહોતી થઈ.
આવી ટુર્નામેન્ટ દેશના અન્ય ભાગો જેમ કે સિંધ, લાહોર, દિલ્હી અને મધ્યપ્રાંતમાં આયોજિત થતી હતી.
કૌશિક એમ પણ લખે છે કે તે સમયે ભારતમાં વિવિધ સમુદાયોની સ્પર્ધાત્મક ભાવનાના કારણે ક્રિકેટની લોકપ્રિયતા ઝડપથી વધી રહી હતી.
કૌશિકનું કહેવું છે કે મૅચ જોવા આવનારા લોકોમાં એવું જોવા મળ્યું કે તેઓ પોતપોતાના સમુદાય માટે મેદાનમાં આવ્યા હતા.
1930ના દાયકાની શરૂઆત સુધી આ ટુર્નામેન્ટમાં ખેલદિલી યથાવત્ રહી હોવાનું જોવા મળ્યું હતું.
કૌશિક લખે છે, "જ્યારે મુસ્લિમ ટીમે 1924માં ટુર્નામેન્ટ જીતી તો હિન્દુઓ તેમની જીતની ઉજવણીમાં સામેલ થતા હતા. મહંમદ અલી ઝીણાએ પણ આવી સારી ખેલદિલીપૂર્ણ ભાવનાની પ્રશંસા કરી હતી."
સમુદાયો વચ્ચેની સ્પર્ધાઓ સાંપ્રદાયિક કેવી રીતે બની ગઈ?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રસિદ્ધ ઇતિહાસકાર જ્ઞાનેન્દ્ર પાંડેને ટાંકીને કૌશિકે લખ્યું છે કે 1920ના દાયકા પહેલાં ભારતને વિવિધ સમુદાયોના સંગ્રહ તરીકે જોવામાં આવતું હતું. જેના ફ્રેમવર્કમાં 'ધ બૉમ્બે પેન્ટૅન્ગ્યુલર' જેવી ટુર્નામેન્ટ એકદમ ફિટ હતી.
ભારત પ્રત્યેનું આ વલણ 1920ના દાયકામાં બદલાવા લાગ્યું.
કૌશિક લખે છે, "ટુર્નામેન્ટે એક રાષ્ટ્ર તરીકે ઊભરી રહેલા ભારતમાં ધર્મ-આધારિત ટીમ સ્પર્ધાઓની જરૂરિયાત વિશે ચર્ચાને વેગ આપ્યો હતો. ચર્ચામાં બે પક્ષ હતા. જેમાંથી એકે કહ્યું હતું કે સ્પર્ધા ક્રિકેટના માધ્યમથી સમુદાયોને એકસાથે લાવશે. જ્યારે બીજા જૂથે કહ્યું કે આવી ટુર્નામેન્ટ ખરાબ સ્પર્ધાની ભાવના પેદા કરે છે. સમુદાયોને એકબીજાથી દૂર કરી દે છે."
કૌશિક અનુસાર 1928માં બીસીસીઆઈની સ્થાપના પછી આવી સ્પર્ધાઓ સામે અવાજો ઊઠવા લાગ્યા પણ કેટલાય લોકો આવી ટુર્નામેન્ટની તરફેણમાં પણ હતા.
તેઓ જણાવે છે, "1936ના બૉમ્બે ક્વાડ્રૅન્ગ્યુલર અગાઉ હિન્દુ-મુસ્લિમ હુલ્લડ થયાં હતાં. તે સમયે ધ બૉમ્બે ક્રૉનિકલે કહ્યું હતું કે સમય આવી ગયો છે કે આવી સ્પર્ધાઓને રોકવામાં આવે નહીં તો આનાથી સમુદાયો વચ્ચે કડવાશ વધશે. 1937માં જ્યારે અન્ય પક્ષને ટુર્નામેન્ટમાં સામેલ કરવામાં આવતો હતો તો જે. સી. મિત્રા અને જે. એમ. ગાંગુલી જેવી આગેવાનોએ સલાહ આપી કે દેશના હિતમાં ટુર્નામેન્ટમાં બંધ કરી દેવી જોઈએ."
ગાંધીએ ધાર્મિકતાના આધારે બનેલી ટીમો વચ્ચે ટુર્નામેન્ટ પર શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ડિસેમ્બર 1940 સુધી ટુર્નામેન્ટને લઈને ચર્ચા ઘણી વધી ગઈ હતી.
તે સમયે હિન્દુ જીમખાનાનું એક પ્રતિનિધિમંડળ ગાંધીજી પાસે સલાહ લેવા આવ્યું હતુ.
તેમના વિચાર ‘ધ કલેક્ટિવ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી’ના 79મા ખંડમાં છપાયા છે.
યુરોપમાં ચાલી રહેલા દ્વિતીય વિશ્વ યુદ્ધ અને ભારતમાં કેટલાક નેતાઓ જેલમાં હોવાના કારણે ગાંધીજીએ આવી સ્પર્ધાઓને રોકવામાં આવે તેવું આહ્વાન કર્યું હતું.
તેમણે આ ટુર્નામેન્ટના સાંપ્રદાયિક સ્વરૂપ પર પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
તેમણે કહ્યું, "હું બૉમ્બેના લોકોને કહેવા માગું છું કે તેમણે તેમની રમતની રીતને બદલવી જોઈએ અને આવી સાંપ્રદાયિક મૅચને બંધ કરી દેવી જોઈએ. હું કૉલેજો વચ્ચે મૅચ રમાય તેને તો સમજું છું પણ મને સમજાતું નથી કે હિન્દુ, મુસ્લિમ અને પારસીઓ વચ્ચે કેમ મૅચ રમાય છે?"
ગાંધીજીના નિવેદન પછી આ ટુર્નામેન્ટ 1941માં રમાઈ હતી. 1942ને બાદ કરતા 1946 સુધી ટુર્નામેન્ટ ચાલુ રહી. પણ આ ટુર્નામેન્ટના વિરોધમાં અવાજો બુલંદ બની રહ્યા હતા.
કૌશિક બંદોપાધ્યાય લખે છે, "પટિયાલા, નવાનગર અને વિજયનગરમ જેવાં રજવાડાંઓએ ટુર્નામેન્ટ સામે અવાજ ઉઠાવવાનો શરૂ કરી દીધો. નવાનગરના જામસાહેબે પોતાનાં રજવાડાંના બધા ખેલાડીઓ પર આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો."
"આ પગલાંને પટિયાલા રજવાડાએ આવકાર્યું હતું. પટિયાલાના મહારાજાએ એ પણ જાહેરાત કરી હતી કે તેનો કોઈ પણ ખેલાડી સાંપ્રદાયિક આધાર પર રમાનારી મૅચમાં ભાગ નહીં લે."
આવી ટુર્નામેન્ટ કેવી રીતે બંધ થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
1943 થી 1945 સુધી આ ટુર્નામેન્ટ પોતાના નિયમો પ્રમાણે જ રમાઈ હતી.
કૌશિક અનુસાર તે સમયે મીડિયા કવરેજથી ખબર પડતી હતી કે લોકોમાં આ ટુર્નામેન્ટ માટે કેટલો ઉત્સાહ જોવા મળતો હતો.
કૌશિક અનુસાર, "છેલ્લી પેન્ટૅગ્યુલર ટુર્નામેન્ટ ફેબ્રુઆરી, 1946માં રમાઈ હતી. તે સમયે ભારતમાં અનેક સ્થળો પર મોટા પ્રમાણમાં કોમી હિંસા થઈ હતી. આવી સ્થિતિમાં ક્રિકેટ રમવું અશક્ય લાગતું હતું. ત્યાં સુધી કે આ ટુર્નામેન્ટના મુખ્ય સમર્થક પણ વિભિન્ન સમુદાયો વચ્ચે વધતાં તણાવના કારણે તેને રદ કરવાની વકીલાત કરતા હતા. તત્કાલીન બીસીસીઆઈ અધ્યક્ષ ઍન્થની ડી મેલોએ તે સમયે કહ્યું હતું કે ટુર્નામેન્ટથી દેશની શાંતિ ડહોળાઈ શકે છે."
પછી તેને ફરી શરૂ કરવાના પ્રયાસો થયા પણ સફળતા મળી નહીં.
બોરિયા મજૂમદારનું કહેવું છે કે આ પેન્ટૅગ્યુલર ટુર્નામેન્ટની શરૂઆતથી લઈને તેની સમાપ્તિ થવા સુધી તેને રાજકીય અને આર્થિક તસવીરની દૃષ્ટિએ પણ જોવી જોઈએ.
તેઓ કહ છે, "જો આપણે આ ટુર્નામેન્ટનું અધ્યયન કરીએ તો સમજાય છે કે આ ટુર્નામેન્ટને બંધ કરવા માટે ધર્મનિરપેક્ષતાની જે છબી બનાવી તેની પાછળ રાજકીય અને આર્થિક કારણો પણ કામ કરતાંં હતાં. પેન્ટૅગ્યુલર ટુર્નામેન્ટ સમયે દર્શકોથી છલકાતા સ્ટેડિયમની સરખામણીમાં બીસીસીઆઈની રણજી ટ્રોફીની મૅચ સમયે તે ખાલી જોવા મળતા હતા. તેનાથી બોર્ડ અને પેન્ટાગોનનો વિરોધ કરનારાઓને નુકસાન થયું."
જોકે 1946માં પેન્ટૅગ્યુલર ટુર્નામેન્ટ ખતમ થયા પછી પણ લોકોમાં રણજી ટ્રૉફી માટે કોઈ ખાસ ઉત્સાહ જોવા નહોતો મળ્યો.














