ગુજરાત ટાઇટન્સે 3.60 કરોડમાં ખરીદ્યા એ રાંચીના રૉબિન મિંજની ધોની સાથે સરખામણી કેમ થઈ રહી છે?

ઇમેજ સ્રોત, ANAND DUTTA
- લેેખક, આનંદ દત્ત
- પદ, બીબીસી માટે
દુબઈમાં આયોજિત આઈપીએલની હરાજીમાં ઝારખંડના ત્રણ ખેલાડીઓને અલગ-અલગ ટીમોએ ખરીદ્યા.
દિલ્હી કૅપિટલ્સે જમશેદપુરના દુમાર કુશાગ્રને 7.20 કરોડમાં ખરીદ્યા અને રાંચીના સુશાંત મિશ્રાને ગુજરાત ટાઇટન્સે 2.20 કરોડમાં ખરીદ્યા.
પરંતુ સૌથી વધુ ચર્ચા ઝારખંડના ત્રીજા ખેલાડીને મળી. આ ખેલાડી છે 21 વર્ષના વિકેટકીપર અને બૅટ્સમૅન રૉબિન મિંજ. ગુજરાત ટાઇટન્સે મિંજને 3.60 કરોડમાં ખરીદ્યા.
ઈએસપીએન ક્રિકઇન્ફો મુજબ મિંજ પહેલા આદિવાસી ખેલાડી છે જેને આઈપીએલની કોઇ પણ ટીમ તરફથી રમવાનો મોકો મળશે.
માતા રડવાં લાગેલાં

ઇમેજ સ્રોત, @HEMANTSORENJMM
રૉબિને બીબીસીને ક્હ્યું, "મે તો વિચાર્યું પણ ન હતું, પણ થઈ ગયું. આ કિંમતને લઈને હું એવુ વિચારતો હતો કે કોઈ પણ ટીમ મને 20 લાખમાં પણ ખરીદે તો પણ કોઈ વાંધો નહીં, પરંતુ કિંમત વધતી ગઈ."
તેમણે ઉમેર્યું કે "ટીમમા સિલેક્ટ થયા પછી મેં મારાં માતાને ફોન કર્યો તો તે રડવા લાગ્યાં. પિતા પણ રડવા લાગ્યા. મારા સિલેકશનથી મારા પરિવારવાળા ખૂબ જ ખુશ છે."
રૉબિન ભારતીય ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન મહેંદ્રસિંહ ધોનીને પોતાનો આદર્શ માને છે.
તેઓ જણાવે છે કે "આઈપીએલમાં ધોની પણ રમશે અને હું પણ. આ મારા માટે ગર્વની વાત છે પરંતુ તેમની તુલના મારી તો શું કોઈની પણ સાથે ન થઈ શકે. અમારા બન્નેમાં બસ એક જ સમાનતા છે કે તેમની જેમ હું પણ એક વિકેટકીપર અને બેસ્ટમૅન છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રૉબિન છેલ્લાં ચાર વર્ષથી ઝારખંડની ટીમ સાથે જોડાયેલા છે. આ દરમિયાન તેમની ઘણી વખત મહેન્દ્રસિંહ ધોની સાથે મુલાકાત થઈ અને તેમની પાસેથી સલાહ લેવાનો મોકો મળ્યો.
ધોનીએ તેમને હંમેશાં મગજ શાંત રાખીને અને આગળનું વિચારીને રમવાની સલાહ આપી.
રૉબિન એક સામાન્ય પરિવારમાંથી આવે છે.
આટલા પૈસાનુ શું કરશો? આ સવાલનો જવાબ આપતા રૉબિન કહે છે, "આ પૈસાનું હું કે મારો પરિવાર શું કરશે, તેના વિશે હજુ વિચાર્યું નથી. મારી બસ એક જ ઇચ્છા છે કે હું મારી ટીમ માટે સારું પ્રદર્શન કરું અને ભવિષ્યમાં ભારત માટે પણ રમું."
માતા-પિતાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANAND DUTTA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રૉબિન મૂળરૂપે ઝારખંડના ગુમલા જિલ્લામાં આવેલા સિલમ પાંદનટોળી ગામના રહેવાસી છે પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી તે રાંચીના નામકુમ વિસ્તારમાં રહે છે.
તેમના રાંચી સ્થિત ઘર ઉપર અત્યારે મીડિયાની ભીડ લાગી છે.
રૉબિન ઘર નજીક હોવા છતાં પણ ઘરે નથી જઈ રહ્યાં અને ઝારખંડની અંડર-23 ટીમનો ભાગ હોવાને કારણે ટીમ સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છે.
તેમના પિતા ફ્રાંસિસ ઝેવિયર મિંજના ફોન પર સતત ફોન આવી રહ્યા છે. તે કોઈ એક સાથે વાત કરે છે તો બીજા કોઈને થોડી વાર પછી વાત કરવા માટેનો સમય આપે છે.
ઝેવિયર મિંઝ સશસ્ત્ર દળના એક નિવૃત કર્મચારી છે. તે 24 વર્ષ સુધી 9 બિહાર રેજિમેન્ટનો ભાગ હતા. તેઓ હવે રાંચી ઍરપોર્ટ પર સિક્યૉરિટી ગાર્ડ તરીકે બોર્ડિંગ પાસની તપાસ કરે છે.
ઝેવિયર મિંજે જિંદગીની સુંદર પળો વિશે વાત કરતાં બીબીસીને કહ્યું, "આઈપીએલમાં રૉબિન સિલેક્ટ થશે આ બાબતે હું નિશ્ચિંત હતો. રૉબિને કહ્યું હતું કે પપ્પા ચિંતા કરવાની જરૂર નથી. કોઈ એક ટીમ તો મને જરૂર ખરીદશે. હું તો વિચારતો હતો કે 20 લાખમાં પણ કોઈ પણ ટીમ તેને ખરીદી લે. કોઈ ટીમ સાથે બસ મારા દીકરાનું નામ આવી જાય."
તેમણ ઉમેર્યુ, "સિલેકશન પછી દીકરાએ મને પુછ્યું કે પપ્પા તમે ખુશ છો? આ મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી."
રૉબિનનાં માતા ઍલિસ મિંજે બસ એટલુ કહ્યું કે ક્રિસમસની આનાથી મોટી ભેટ મારા માટે બીજી કોઈ ન હોઈ શકે.
મને ખબર મળતાની સાથે જ હું ખુશીના આંસુ રોકી શકી નહીં. મારૂં તો બસ એક જ સપનું છે કે જેમ ધોનીએ ઝારખંડનું નામ રોશન કર્યું તેમ મારો દીકરો પણ કરે.
ઍલિસા મિંજ પણ સ્કૂલના દિવસોમાં ફૂટબૉલ અને ઍથલેટિક્સનાં ખેલાડી રહ્યાં છે.
દીકરામાં દેખાઈ ક્રિકેટરની ઝલક

ઇમેજ સ્રોત, ANAND DUTTA
ઝેેવિયર મિંજ કહ્યું કે "જ્યારે તે બે વર્ષનો હતો ત્યારથી જ દંડો લઈને બૉલ પર મારવાનું શરૂ કરી દીધું હતું. હું પોતે પણ ફૂટબૉલ અને હૉકીનો ખેલાડી હતો."
"મેં જ્યારે રૉબિનને ટેનિસ બૉલ લઈને આપ્યો તો તે જમણા હાથને બદલે ડાબા હાથથી રમવા લાગ્યો. આ વાત મને ક્લિક કરી ગઈ કારણ કે મારા પરિવારમાં કોઇપણ ડાબોડી નથી. તે ક્રિકેટ સિવાય પણ બધા કામ જમણાં હાથથી કરે છે. પાંચ વર્ષની ઉંમરે મેં તેને ક્રિકેટ કોચિંગમા મોકલી દીધો."
પ્રથમ આદિવાસી ક્રિકેટરના સવાલ પર તેમનું કહેવું છે કે અમે તો એ જ કહીએ કે જો કોઈ ઇતિહાસ લખવાવાળા હોય તો આ વાતને પહેલા પાના પર લખે.
રૉબિનનાં મોટાં બહેન કરિશ્મા મિંજ આ સમયે દહેરાદૂનમાં બીએસસી ઍગ્રીકલ્ચરનો અભ્યાસ કરી રહ્યાં છે. તેમનાં નાના બહેન 12મું પાસ કરીને નીટની તૈયારી કરી રહ્યાં છે.
ઝેવિયર મિંજ કહે છે, "મને એ દિવસની રાહ છે કે જ્યારે હું સિક્યૉરિટી ગાર્ડ તરીકે બોર્ડિંગ પાસ ચેક કરતો હોઉં અને મારો દીકરો ટીમ સાથે જોડાવા માટે રાંચીથી ફ્લાઇટ પકડવા માટે આવશે."
ઝારખંડ અંડર-19 ઇસ્ટ ઝોન ટુર્નામેન્ટમાં રૉબિને માત્ર પાંચ મૅચમાં ત્રણ સદી લગાવી ચુક્યા છે. રૉબિન વિદર્ભ સામે 2019માં 133 રનની ઇનિંગને પોતાની સર્વશ્રેષ્ઠ ઇનિંગ ગણાવે છે.
રૉબિન પાસે વેસ્ટઇંડીઝના ખેલાડીઓ જેવી તાકત છે: કોચ

ઇમેજ સ્રોત, ANAND DUTTA
રૉબિનના કોચ આસિફ હક અંસારીને ત્યાં પણ લોકોની ભીડ જામી છે. હક નામકુમમાં એક રમતના મેદાનમાં અત્યારે 100થી વધારે ખેલાડીઓને ટ્રેનિંગ આપી રહ્યા છે.
રૉબિન હજી ફર્સટ ક્લાસ ક્રિકેટ પણ નથી રમ્યા છતાં તેમને એટલી કિંમત કેમ મળી, આ સવાલના જવાબમાં કોચ આસિફે કહ્યું, "આઈપીએલમાં પસંદગી પામવા માટે માત્ર ફર્સ્ટ કલાસ ક્રિકેટ એકમાત્ર માપદંડ નથી. રૉબિન સતત મુંબઈ ઇન્ડિયનના કેમ્પ સાથે જોડાયેલા હતા અને ધણી ટીમોમાં માટે ટ્રાયલ આપી ચૂક્યો હતો."
તેમણે ઉમેર્યું, "રૉબિનની સૌથી મોટી ખાસિયત છે વેસ્ટઇંડીઝના ખેલાડી જેવો પાવર. રૉબિન એક ઓવરમાં 15થી 20 રન કરી શકે છે. લાંબી સિક્સરો મારી શકે છે."
આસિફ માને છે કે આદિવાસી ખેલાડીનું ક્રિકેટમાં આ મુકામ હાસિલ કરવું, ઝારખંડના બીજા આદિવાસી ખેલાડીઓને પણ પ્રોત્સાહન આપશે.
તે લોકો પણ પોતાને આ મુકામે લાવવા માટે ગંભીરતાથી વિચારશે.
ધોની સાથે સમાનતા

ઇમેજ સ્રોત, ANAND DUTTA
રૉબિનના પ્રિય ક્રિકેટર ધોની અને તેનામા ઘણી સમાનતાઓ છે.
ધોનીની જેમ જ રૉબિન પણ વિકેટકીપર અને બૅટ્સમૅન છે. ધોનીની જેમ લાંબી સિક્સરો મારવી પણ રૉબિનની ખાસિયત છે.
ધોની જ્યારે ભારતીય ટીમમાં કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તેઓ 12મું પાસ હતા. રૉબિને પણ 10મું ધોરણ પાસ કર્યા પછી પોતાનું બધું ધ્યાન ક્રિકેટ પર આપ્યું અને આગળ ભણવાનું ચાલુ ન રાખ્યું.
રૉબિન હાલમાં ઝારખંડ સ્ટેટ ક્રિકેટ ઍસોસિએશનમાં અંડર-23 ટીમનો ભાગ છે અને ટ્રેનિંગ લઈ રહ્યા છે.
તેમના કોચ રતનકુમારે બીબીસીને કહ્યું કે "જ્યારે હરાજી ચાલી રહી હતી ત્યારે હું ધનબાદથી રાંચી ટ્રેનમાં આવી રહ્યો હતો. હું સતત મોબાઇલ પર જોઈ રહ્યો હતો. મને આશા હતી કે રૉબિનને કોઈ ટીમ તો ચોક્કસ ખરીદશે."
રૉબિનના સાથી કુમાર કુશાગ્રને દિલ્હી ડૅરડેવિલ્સે 7.2 કરોડમાં ખરીદ્યા છે.
તેઓ કહે છે કે મને અંદાજો ન હતો કે મને આટલી કિંમત મળશે પરંતુ આશા હતી કારણ કે એક દિવસ પહેલાં થયેલી મૉક હરાજીમાં મારા વિશે ઘણી ચર્ચા થઈ હતી. મને દુલીપ ટ્રૉફીમાં સારું પ્રદર્શન કર્યા પછી ઘણી ટીમોના ફોન આવ્યા હતા.
કુશાગ્ર 19 વર્ષીય વિકેટકીપર બૅટ્સમૅન છે. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 13 મૅચમાં એક સદી અને ચાર અડધી સદી સાથે કુલ 868 રન કર્યા છે. જ્યારે લિસ્ટ એ ક્રિકેટની 23 મૅચમાં સાત અડધી સદી સાથે કુલ 700 રન કર્યા છે.
કુશાગ્ર કહે છે, "હરાજી પૂરી થયા પછી સૌથી પહેલો ફોન મેં મારાં માતાને કર્યો હતો. મારી બન્ને નાની બહેનો પણ ફોન પર હતી. અમે ચારેય બસ રડી રહ્યાં હતાં. મમ્મી તો કશું બોલી જ ના શક્યાં પરંતુ બહેનોએ ક્હયું કે ભાઈ તમારા રૂમની દિવાલ પર ટીમ ઇન્ડિયા લખેલું છે. તે તમારી જર્સી પર પણ હોવું જોઈએ. આ તો હજી બસ શરૂઆત છે."
ડાબોડી મીડિયમ ફાસ્ટ બૉલર સુશાંતે પણ બીબીસી સાથે વાત કરી.
તેમણે કહ્યું, "જ્યારે હરાજી ચાલી રહી હતી, હું ઘરેથી બહાર નીકળીને એક મિત્ર સાથે ગાડીમાં લાઇવ જોઈ રહ્યો હતો. જ્યારે મારૂં નામ આવ્યું ત્યારે હું ગાડીની બહાર નીકળી ગયો. મારી બેસ પ્રાઇઝ 20 લાખને જોતા મને 50થી 60 લાખની આશા હતી પરંતુ મુંબઈ અને ગુજરાતે જે રીતે બિડીંગ કરી તે સારું લાગ્યું."
સુશાંતે ઉમેર્યું કે "પાછલાં વર્ષે હું ઈજાગ્રસ્ત હતો અને તેની પહેલાંના વર્ષે મને કોઈએ ખરીદ્યો નહીં. મેં ઘણી ટીમો માટે ટ્રાયલ આપ્યા હતા. ગુજરાતનની ટીમમાં માનવ સુધાર, કાર્તિક ત્યાગી અને રૉબિન આ ત્રણ મિત્રો છે. હું તેમની સાથે રમ્યો છું."














