ઑનલાઇન ભૂલથી કોઈના ખાતામાં પૈસા જતા રહે તો 4 કલાકમાં મળી જશે, કેવી રીતે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

UPI (યુનિફાઇટ પેમેન્ટ્સ ઇન્ટરફેસ). વર્ષ 2016માં કેન્દ્ર સરકાર લાદેલી નોટબંધી પછી ભારતમાં ખૂબ જ ઉપયોગમાં લેવાતો શબ્દ છે. આ સામાન્ય સુવિધા નાની દુકાનોથી લઈને મોટા વ્યવસાયોમાં મહત્ત્વની બની ગઈ છે. આ સુવિધા છે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા થતી ચુકવણી.

એવું કહી શકાય કે UPI મની ટ્રાન્સફર ભારતીયોના રોજિંદા જીવનનો એક ભાગ બની ગઈ છે. નેશનલ ઍક્સચેન્જ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (NBCI) દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર 2023માં નવેમ્બર મહિના દરમિયાન 17 ટ્રિલિયન UPI ટ્રાન્ઝૅક્શન કરવામાં આવ્યાં હતાં.

સપ્ટેમ્બરમાં ભારતમાં G20 સમિટ દરમિયાન વ્યાપક UPI વ્યવહારોને કેન્દ્ર સરકારની એક મોટી સિદ્ધિ તરીકે ગણાવાઈ હતી.

UPI પેમેન્ટનો ઉપયોગ કરવા માટે G20 સમિટમાં હાજરી આપતા વિદેશી નેતાઓ માટે UPI વન વર્લ્ડ અને ઇ-રૂપી લૉન્ચ કરવામાં આવ્યા હતા. આ UPI દ્વારા ભારતીય બૅન્ક ખાતા વગર પૈસાની લેવડદેવડ કરી શકાય છે.

આ કિસ્સામાં UPI વ્યવહારોને વધુ પ્રોત્સાહન આપવા માટે ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા લાવવામાં આવેલા નવા નિયમો ગઈ કાલ (1/1/2024)થી અમલમાં આવ્યા છે. આ નિયમો વિશે વધુ જાણવું જરૂરી છે, કેમ કે તે ભારતીયોના UPIના ઉપયોગને સીધી અસર કરશે.

ગ્રે લાઇન

બિન-વપરાયેલ UPI IDને નિષ્ક્રિય કરાશે

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

એનબીસીઆઈએ Google Pay, Paytm, PhonePay જેવી ઍપને એક વર્ષથી વધુ સમયથી ઍક્ટિવેટ ન થયેલા UPI IDને તાત્કાલિક નિષ્ક્રિય કરવા માટે નિર્દેશ આપ્યો છે.

આ યુપીઆઈ આઈડી અને સંકળાયેલા મોબાઈલ નંબરને નિષ્ક્રિય કરાશે, જેનો ઉપયોગ 12 મહિનાથી વધુ સમયથી વ્યવહારો માટે કરવામાં આવ્યો નથી. આ નિયમ લાંબા સમયથી નિષ્ક્રિય ખાતાઓ દ્વારા કોઈ પણ પ્રકારની છેતરપિંડી અટકાવવા માટે લાવવામાં આવ્યો છે.

લેવડદેવડની મર્યાદામાં વધારો

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

UPI વપરાશ માટેની દૈનિક મર્યાદા હાલમાં 1 લાખ રૂપિયા છે. NBCIએ હવે હૉસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં UPI લેવડદેવડની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે.

ગયા વર્ષે 8 ડિસેમ્બરે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા દ્વારા આ નિયમની જાહેરાત કરવામાં આવી હતી. આ નિયમ પણ ગઈ કાલથી લાગુ થઈ ગયો છે.

ટ્રાન્સફર ફીનો પરિચય

ઑનલાઇન વૉલેટ્સ જેવા પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPIs) દ્વારા રૂ. 2,000થી વધુના અમુક વ્યવહારો માટે 1.1 ટકા ટ્રાન્સફર ફી અમલમાં આવી છે.

પરંતુ NBCIએ જણાવ્યું છે કે આ ટ્રાન્સફર ફી સામાન્ય લોકો માટે નથી પણ માત્ર બિઝનેસ ટ્રાન્સફર માટે છે. G20 સમિટ દરમિયાન લાવવામાં આવેલ 'UPI વન વર્લ્ડ' પહેલ પણ આ પ્રીપેડ પેમેન્ટ ટૂલ્સમાંથી એક છે.

NBCIએ જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં UPI વ્યવહારોમાં ‘ટેપ ઍન્ડ પે’ મૉડ લાગુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પદ્ધતિ દ્વારા લેવડદેવડ ઝડપથી કરી શકાય છે.

UPI ATM

સમગ્ર દેશમાં UPI ATM લગાવાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેમ આપણે બૅન્કના એટીએમમાં ડેબિટ કાર્ડ દ્વારા પૈસા ઉપાડી શકીએ છીએ તેવી જ રીતે મોબાઇલ ફોન પર યુપીઆઈ ક્યૂઆર કોડ સ્કૅન કરીને તમે એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો.

ગ્રે લાઇન

4 કલાકનો સમયગાળો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આ નિયમ ઑનલાઇન લેવડદેવડમાં થતા ફ્રોડની વધતી સંખ્યાને ઘટાડવા માટે લાવવામાં આવ્યો છે. નવા યૂઝર્સ વચ્ચે રૂ. 2,000થી વધુના પ્રથમ ટ્રાન્ઝેક્શન માટે ચાર કલાકની સમય મર્યાદા આપવામાં આવી છે.

Paytm, PhonePe વગેેરેથી થતાં ટ્રાન્ઝૅક્શનના કિસ્સામાં જો આ ચાર કલાકની અંદર ભૂલથી નવા વપરાશકર્તાને પૈસા મોકલી દીધા છે, તો તેને પુનઃપ્રાપ્ત કરવાની સુવિધા શરૂ કરવામાં આવશે.

આ પાંચેય નિયમો નવા વર્ષથી અમલમાં આવ્યા છે.

"UPI સુરક્ષા મજબૂત કરવી જોઈએ"

દેશના મોટા ભાગના વ્યવહારો UPI દ્વારા થતા હોવાથી અમે નિષ્ણાતો સાથે તેનાં નુકસાન અને ફાયદા વિશે વાત કરી હતી.

ઑલ ઇન્ડિયા બૅન્ક ઑફિસર્સ ઍસોસિયેશનના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી થૉમસ પ્રાંગે પ્રશ્ન કર્યો કે, "સરકાર UPI વ્યવહારોને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખે છે પણ UPI સંબંધિત છેતરપિંડી રોકવા માટે ઑનલાઇન સુરક્ષા સુવિધાઓમાં કોઈ સુધારો થયો નથી. તેને મજબૂત કર્યા વિના લોકોને UPI તરફ ધકેલવાનો શો અર્થ છે?"

"અગાઉ બૅન્કો દ્વારા પૈસાની લેવડદેવડ કરાતી હતી ત્યારે પૈસા ક્યાં જઈ રહ્યા છે તે ટ્રૅક કરવું સરળ હતું. તાજેતરમાં જ સાંસદ દયાનિધિ મારનના ખાતામાંથી 1 લાખની ચોરી થઈ હતી. તે અંગેના સમાચાર પણ આવ્યા હતા."

થૉમસે કહ્યું, "તેમણે કે તેમનાં પત્નીએ કોઈને પણ બૅન્ક ખાતાની માહિતી આપી ન હતી. બૅન્કે દરમિયાનગીરી કરીને સમસ્યાનું નિરાકરણ કર્યું હતું. કેટલા સામાન્ય લોકોને આવી રીતે તાત્કાલિક નાણાં મળી શકે છે? સરકારે આ વિશે વિચારવું જોઈએ."

તેમણે વધુમાં કહ્યું, "હું કૉલેજના એક પ્રોફેસરને જાણું છું. તેમના ખાતામાંથી 1,50,000 ચોરાયા હતા. તેમણે કોઈ લિંક પર ક્લિક નહોતું કર્યું, OTP જેવી વિગતો કોઈને મોકલી નહોતી. તેથી UPIમાં પૈસાની સુરક્ષા એક પ્રશ્ન છે."

ગ્રે લાઇન

"કાગળનાં નાણાંનું મહત્ત્વ ભૂલવું ન જોઈએ"

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અર્થશાસ્ત્રી સોમા વલ્લિઅપ્પન આ વિશે કહે છે કે, "જો કોઈ દેશ પ્રગતિ કરવા માગતો હોય તો નાણાંની લેવડદેવડનું ડિજિટલાઇઝેશન રોકી શકાતું નથી. તેઓ શરૂઆતમાં મોટા રોકડ વ્યવહારો પર દેખરેખ રાખવા માટે તેને લાવ્યા હતા. પરંતુ તેનો અન્ય રીતે ચતુરાઈથી અમલ કરાયો. સામાન્ય લોકો જ મોટા ભાગે UPIથી લેવડદેવડ કરે છે."

"ભારત જેવી મોટી વસ્તી ધરાવતા દેશમાં UPI એ એક ઉપયોગી સુવિધા છે. તમારે દરરોજ રોકડ લઈને ફરવું પડતું નથી અથવા છુટ્ટા પૈસાની માથાકૂટ રહેતી નથી. હવે જ્યારે દરેક વ્યક્તિ પાસે સ્માર્ટ ફોન અથવા ઇન્ટરનેટ ઍક્સેસ છે ત્યારે આપણે આ પરિવર્તનને સ્વીકારવું પડશે. તે વર્તમાન જરૂરિયાત છે."

અર્થશાસ્ત્રી સોમા કહે છે, "જો તમે સમસ્યાઓ પર નજર નાખો તો કુદરતી આપત્તિની સ્થિતિમાં ઇન્ટરનેટ સુવિધા અને વીજળી કાપી નાખવામાં આવશે. પછી તમે સ્માર્ટફોન સાથે શું કરી શકો. સુપરપાવર દેશોમાં પણ ક્યારેક વીજળી અને ઇન્ટરનેટ કાપવામાં આવશે. તોફાન અને પૂર જેવી આપત્તિઓ દરમિયાન એ બંધ થઈ જશે. તેથી રોકડ નાણાંને સંપૂર્ણપણે ભૂલી ન જવું જોઈએ."

તેઓ કહે છે, "રોકડ નાણાં તમને નાણાંનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું તે શીખવી શકે છે."

રેડ લાઇન
રેડ લાઇન