સ્પામ કૉલ્સ : 'તમારી પાંચ લાખની લોન મંજૂર થઈ', આવો કૉલ આવે તો શું કરવું?

સ્પામ કૉલ્સ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, પૂર્ણિમા તમ્મીરેડ્ડી
    • પદ, બીબીસી માટે

વિચારો કે તમે ઑફિસમાં છો, ભરપૂર કામના ભાર હેઠળ દબાયેલા છો, પરંતુ સાથે સાથે કોઈના ફોનની રાહ પણ જોઈ રહ્યા છો. અને એ જ ક્ષણે તમને ફોન આવે છે અને ઉપાડતાં જ...

સામેથી એક વ્યક્તિ કહે છે કે, “શું તમારે પર્સનલ લૉનની જરૂરિયાત છે? અમારી પાસે તમારા માટે હાલ એક ખાસ ઑફર છે.”

કે પછી

“અત્યારે આ વિસ્તારમાં ઘણા પ્લૉટ વેચાણ માટે પડ્યા છે... એ વિશે માહિતી આપવા તમારી બે મિનિટ લઈશ... પ્લીઝ સાંભળો...”

અથવા

“મૅડમ અમે તમને માત્ર 500 રૂપિયામાં જીવનવીમો આપી રહ્યા છીએ.”

“શું તમારા વાળ ખરી રહ્યા છે?”

“હું એક અનાથાલયમાંથી વાત કરી રહ્યો છું, શું તમે થોડું દાન કરી શકો?”

આ પ્રકારના બધા કૉલ્સ એ પ્રમૉશનલ કૉલ્સ હોય છે.

આપણને આ બધી સેવાઓ કે વસ્તુઓની જરૂર ન હોવા છતાં આવા કૉલ્સ કેમ આવતા રહે છે? તેમજ આવું થાય ત્યારે આપણા મનમાં એ સવાલ તો જરૂર થાય છે કે આખરે તેમની પાસે આપણો નંબર કઈ રીતે ગયો?

તેમજ ગમે તેટલા નંબર બ્લૉક કરવા છતાં આ પ્રકારના ફોન આવતા જ રહે છે.

ઘણી વાર આપણે આવા કૉલ નજરઅંદાજ કરીએ છીએ, પરંતુ કોઈ મહત્ત્વપૂર્ણ કૉલ ઉઠાવાનો રહી ન જાય એ બીકે ઘણી વાર આવા કૉલના આપણે જવાબ આપી દેતા હોઈએ છીએ.

ગ્રે લાઇન

ડેટા ચોરાઈ જાય ત્યારે...

સ્પામ કૉલ્સ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લૉકલસર્કલ્સ ડોટ કૉમના એક સર્વે અનુસાર ભારતમાં ફોન રાખતી દરેક વ્યક્તિ પાસે દરરોજ ચારથી પાંચ સ્પામ કૉલ્સ આવે છે.

સ્પામ કૉલ્સમાં મોટા ભાગના ફોન નાણાકીય સેવાઓ જેમ કે પર્સનલ લોન, ક્રૅડિટ કાર્ડ, રિયલ એસ્ટેટ (પ્લૉટ, ફ્લૅટ વેચાણ) માટેના હોય છે.

આ આંકડા આ પરિસ્થિતિની ગંભીરતા તરફ આંગળી ચીંધે છે. હાલ, કોઈ પણ વસ્તુ કે સેવાની ખરીદી કે ઍપ ડાઉનલોડ કરવા માટે ફોન નંબર આપવો ફરજિયાત છે.

જ્યારે ડેટા ચોરાઈ જાય છે ત્યારે આ નંબર પબ્લિક ડોમેઇનમાં પહોંચી જાય છે. તે પછી કોઈ પણ વ્યક્તિ તે મેળવીને તમને કૉલ કરી શકે છે.

આ નાનીસૂની વાત લાગે છે પરંતુ તે મોટી સમસ્યા પણ ઊભી કરી શકે છે.

જો તમે પ્રમૉશનલ કૉલ્સ બંધ કરાવવા માગતા હો તો તે માટે એક રસ્તો છે. ડીએનડી (ડુ નોટ ડિસ્ટર્બ) સર્વિસ સબ્સ્ક્રાઇબ કરી લો.

ઍરટેલ, જીયો જેવી તમામ ટેલિકૉમ કંપનીઓ આવા પ્રમૉશનલ કૉલ્સ બ્લૉક કરવાનો વાયદો કરે છે.

પરંતુ આ સેવા મેળવવા માટે તમારે એક ચોક્કસ નંબર પર એસએમએસ કરવાનો હોય છે.

જો તમને ભારે સંખ્યામાં પ્રમૉશનલ કૉલ્સ આવતા હોય તો આ એક સારો વિકલ્પ છે.

પરંતુ ઘણા એવું કહે છે કે આ પ્રકારની સેવા સબ્સ્ક્રાઇબ કર્યા છતાં આવા કૉલ્સ આવવાનું ચાલુ રહે છે. પરંતુ DNDથી આવા કૉલની સંખ્યામાં ઘટાડો થાય છે એ વાત પણ એટલી જ સાચી છે.

ગ્રે લાઇન

આ સર્વિસ કઈ રીતે ઍક્ટિવેટ કરવી?

સ્પામ કૉલ્સ

ઇમેજ સ્રોત, Getty Images

આ સેવા સબ્સ્ક્રાઇબ કરવા માટે તમારી એસએમએસ ઍપ ચાલુ કરો, તેમાં ન્યૂ મૅસેજ વિકલ્પમાં જાઓ અને ત્યાં જઈને START ટાઇપ કરો.

અને આ મૅસેજ 1909ને મોકલી દો.

તમારા સર્વિસ પ્રોવાઇડર તમને કેટલીક કૅટગરીઓ મોકલશે.

જેમ કે, બૅન્કિંગ, હૉસ્પિટાલિટી વગેરે.

જે કૅટગરી માટેના કૉલ્સ તમને નાપસંદ હોય તે માટેનો કોડ પાછો મોકલો.

હવે 24 કલાકમાં તમારા નંબર પર DND સર્વિસ શરૂ થઈ જશે.

બીબીસી ગુજરાતી

થર્ડ પાર્ટી ઍપનો ઉપયોગ કરો

સ્પામ કૉલ્સ

ઇમેજ સ્રોત, Getty Images

ટ્રુ કૉલર જેવી થર્ડ પાર્ટી ઍપનો ઉપયોગ કરવાથી સ્પામ કૉલને ઓળખવાનું કામ સરળ થઈ જાય છે.

આ ઍપમાં બે વિકલ્પો છે, જેમાં એક ફ્રી છે અને એક પેઇડ વિકલ્પ છે.

જો તમને કોઈ અજાણ્યા નંબર પરથી કૉલ આવે તો તમે આના થકી એ જોઈ શકો છો કે આ ફોન નંબર કોનો છે અને કેટલા લોકોએ આ નંબરને ‘સ્પામ’ માર્ક કર્યો છે. આ માહિતી જોઈને તમે નક્કી કરી શકશો કે તમારે આ ફોન ઉપાડવો કે નહીં.

પરંતુ આવી ઍપનો ઉપયોગ કરતા પહેલાં પણ સાવચેત રહેજો. આવી ઍપને પણ તમામ મંજૂરીઓ ન આપશો. નહીંતર આવી ઍપ પણ તમારા ડેટાને ઍક્સેસ કરીને મુશ્કેલીભરી સ્થિતિ સર્જી શકે છે.

તેમજ ઍપ સ્ટોર પરથી આવી ઍપ ડાઉનલોડ કરો ત્યારે તેનું રેટિંગ અને રિવ્યૂ ચેક કરો. આ ઍપને જરૂર હોય એટલી પરવાનગી જ આપો.

બીબીસી ગુજરાતી

રોબો કૉલ માર્કિંગ

સ્પામ કૉલ્સ

ઇમેજ સ્રોત, Getty Images

તાજેતરમાં ઘણા લોકોને રોબો કૉલ પણ આવવા લાગ્યા છે.

તેને રોકવા માટે ચોક્કસ નંબરોને બ્લૉક કરી દો.

આવું કરવું થોડું તકલીફદાયક તો હોય છે જ પરંતુ આવું કરવાથી કોઈ એક ચોક્કસ નંબર પરથી વારંવાર કૉલ આવવાની તકલીફ ઘટી જશે.

આનાથી છૂટકારો મેળવવા માટે રોબો કૉલ ડિટેક્શન ઍપનો ઉપયોગ કરો. હાલ આ ઍપમાં પણ અમુક મર્યાદાઓ છે, પરંતુ આવી ઍપ આવા રોબો કૉલને અમુક હદ સુધી રોકી શકે છે.

બીબીસી ગુજરાતી

સ્પામ/માર્કેટિંગ કૉલ્સથી બચવા શું કરવું?

બીબીસી ગુજરાતી

હાલની પરિસ્થિતિ પ્રમાણે સ્પામ કૉલ્સથી બચવું એ ખૂબ જ મુશ્કેલ છે.

કારણ કે તમારે ઘણી બધી જગ્યાએ રજિસ્ટ્રેશન માટે પોતાનો ફોન નંબર આપવાનો હોય છે.

એક વખત કોઈ જગ્યાએ નંબર આપી દીધા પછી તેનું શું થયું તે કોઈ પાસે પહોંચી ગયો, એ કોઈ ન જણાવી શકે. પરંતુ બિનજરૂરી કૉલ્સથી બચવા માટે કેટલીક સલાહોને અનુસરી શકાય.

જ્યાં શક્ય હોય ત્યાં રજિસ્ટ્રેશન વખતે નંબર આપવાનું ટાળો. તેમજ કોઈ અજાણી વેબસાઇટ પર ક્યારેય પોતાનો ફોન નંબર ન આપો.

બૅન્કિંગ, હૉસ્પિટલ, સરકારી કામો કે દસ્તાવેજો માટે કોઈ એક ચોક્કસ નંબર આપી શકાય અને વૈકલ્પિક નંબર બીજાં કામો માટે રાખી શકાય.

જો તમને કોઈ સર્વિસની જરૂરિયાત ન હોય તો જેમ બને એમ જલદી આ સર્વિસ અનસબ્સ્ક્રાઇબ કરો. આવું કરવાથી જે-તે રેકૉર્ડમાંથી તમારો નંબર ડિલિટ થઈ જશે અને બિનજરૂરી કૉલ આવતા બંધ થશે.

બીબીસી ગુજરાતી

સ્પામ કૉલ્સ રિસિવ ન કરવા માગતા હો ત્યારે...

બીબીસી ગુજરાતી

ઘણી વાર આપણે એવી સ્થિતિમાં હોઈએ છીએ જ્યાં આપણે સ્પામ કૉલ્સ ઉઠાવવા નથી માગતા... જ્યારે આવું હોય ત્યારે અજાણ્યા નંબર પરથી આવતા કૉલ્સ ન ઉપાડો. થર્ડ પાર્ટી ઍપ્સ દરેક વખત ચોક્કસપણે સ્પામ નંબર અંગે જાણકારી નહીં આપી શકે.

તેથી આવી ઍપ પર સંપૂર્ણપણે નિર્ભર ન રહો.

જ્યારે તમને ખબર પડે કે તમને જે-તે કૉલ સ્પામ નંબર પરથી આવી રહ્યો છે, એ જ સમયે એ ડિસકનેક્ટ કરી દો.

ફોન પર ક્યારે પોતાનું નામ, જન્મતારીખ, ક્રૅડિટ કાર્ડની વિગતો વગેરે જેવી માહિતી શૅર ન કરો.

જો ફોન પર સામેની વ્યક્તિ તમને તમારી માહિતી આપવા માટે દબાણ કરી રહી હોય તો આવા કૉલ તરત જ ડિસકનેક્ટ કરી દો. એટલું જાણી લો કે આ લોકો તમને પોતાની જાળમાં ફસાવવાની ઉતાવળા હોય છે.

રેડ લાઇન
રેડ લાઇન