ગુજરાત કૉંગ્રેસના નેતાઓ કેમ દિલ્હીના અયોધ્યાના નિર્ણયને માનવા તૈયાર નથી?

ઇમેજ સ્રોત, Getty Images
અયોધ્યામાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી ચાલી રહી છે. શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા વિવિધ ક્ષેત્રની હસ્તીઓ સહિત આ સમરોહમાં સામેલ થવા ઘણા લોકોને આમંત્રણ મોકલાવાયાં છે.
આમંત્રિતોની યાદીમાં કૉંગ્રેસનાં નેતા સોનિયા ગાંધી, રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં કૉંગ્રેસના સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીય સામેલ હતાં.
જોકે, ગઈ કાલે કૉંગ્રેસે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે તેમનું મોવડીમંડળ આ કાર્યક્રમમાં સામેલ નહીં થાય. પક્ષે નિવેદન જાહેર કરીને નિમંત્રણનો ‘સસન્માન અસ્વીકાર’ કર્યો હતો.
કૉંગ્રેસના નેતાઓને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણ બાદથી તેના રાષ્ટ્રીય નેતૃત્વે આ કાર્યક્રમમાં સામેલ થવું જોઈએ કે નહીં એ ઘણા અલગ અલગ મત વ્યક્ત કરાઈ રહ્યા હતા.
આખરે પક્ષના ઇનકાર સાથે આ મુદ્દા પર પૂર્ણવિરામ મુકાવાની માન્યતા પણ ખોટી સાબિત થઈ, ઊલટાનું પક્ષની અંદરથી જ રાષ્ટ્રીય નેતૃત્વના આ નિર્ણય સામે સવાલ ઊઠવા લાગ્યા. ગુજરાતમાં જ કૉંગ્રેસના નેતાઓએ આ નિર્ણયના પક્ષ-વિપક્ષમાં મત વ્યક્ત કર્યા છે.
કોઈએ આ નિર્ણયને ‘નિરાશાજનક’ ગણાવ્યો છે, તો પાર્ટીમાં એક વર્ગ નિર્ણય સામેના નકારાત્મક અભિપ્રાયોને ‘કૉંગ્રેસના નિવેદન અંગે ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ’ ગણાવી રહ્યા છે.
પરંતુ પાર્ટીના મોવડીમંડળના આ નિર્ણય સામે ગુજરાતમાં પક્ષના મોટા ચહેરા જ કેમ ‘નકારાત્મક મત’ વ્યક્ત કરી રહ્યા છે?
'કૉંગ્રેસના મોવડીમંડળનો નિર્ણય નિરાશાજનક'

ઇમેજ સ્રોત, BBC/Getty Images
અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા એકસ પર પાર્ટીના રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ન સામેલ થવાના નિર્ણય અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે લખ્યું કે, “ભગવાન શ્રીરામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે. કૉંગ્રેસ પાર્ટીએ આવા રાજકીય નિર્ણયોથી દૂર રહેવું જોઈએ.”
આ ઉપરાંત રાજુલાથી કૉંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય વિધાયક અમરીશ ડેરે પાર્ટીના આ નિર્ણય અંગેના નિવેદનને ‘કાર્યકર્તા માટે નિરાશાજનક’ ગણાવ્યું હતું.
તેમણે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, “મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ અમારા આરાધ્ય દેવ છે, તેથી એ સ્વાભાવિક છે કે આખા ભારતમાં અગણિત લોકોની આસ્થા આ નવનિર્મિત મંદિર સાથે વર્ષોથી જોડાયેલી છે. કૉંગ્રેસના અમુક લોકોએ ખાસ પ્રકારનાં નિવેદનોથી દૂર રહેવું જોઈએ અને જનભાવનાનું દિલથી સન્માન કરવું જોઈએ. આ પ્રકારનાં નિવેદનો કૉંગ્રેસના મારા જેવા અનેક કાર્યકર્તા માટે નિરાશાજનક છે.”
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહેલે આ મુદે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કૉંગ્રેસના મોવડીમંડળના આ નિર્ણયને સમર્થન આપ્યું છે.
તેમણે એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું કે, “કૉંગ્રેસ પક્ષના નિવેદનને જોયા કે સમજ્યા વગર અને કેટલાક જાણીજોઈને રામમંદિરના આમંત્રણ અંગે જૂઠાણું ચલાવે છે. દેશના કરોડો લોકોની ભગવાન શ્રીરામ સાથે જોડાયેલી આસ્થા સાથે કૉંગ્રેસ પક્ષ છે.”
“રામમંદિરને રાજકીય મુદો બનાવી જે મંદિરનું કામ હજુ પૂર્ણ થયું નથી, તેનું માત્ર ચૂંટણી આવતી હોઈ ખોટા સમયે પ્રતિષ્ઠા થઈ રહી છે. મંદિર પૂર્ણ થયા વગર પ્રતિષ્ઠા ધાર્મિક રીતે યોગ્ય નથી. ત્યારે કોઈ રાજકીય ફાયદા માટે ભાજપ કાર્યક્રમ યોજે તેનો ભાગ ન બની શકાય. પૂરી આસ્થા સાથે યોગ્ય સમયે મંદિરનાં દર્શન કરીશું.”
શક્તિસિંહ ગોહિલે પોતાના બે દિવસીય સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન પત્રકારો સાથેની વાતચીત દરમિયાન રામમંદિર મુદે કૉંગ્રેસના નિર્ણય અંગે સ્પષ્ટતા કરતાં વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, “આપણા હિંદુ ધર્મમાં કોઈ પણ બાબતે સર્વોત્તમ નિર્ણય આપણાં શાસ્ત્રો અને પરંપરા મુજબ શંકરાચાર્યજી મહારાજના છે. શંકરાચાર્યજી મહારાજે કહ્યું છે કે જે મંદિરનું કામ પૂર્ણ નથી થયું તેની પ્રાણપ્રતિષ્ઠા ન થઈ શકે.”
“ભાજપ ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય આયોજન કરે છે. ભાજપને કામના નામે મત મળી શકે તેમ નથી, એટલે તે રામનું નામ વટાવવા માંગે છે. કૉંગ્રેસ પક્ષને રામના નામમાં શ્રદ્ધા છે અને ભગવાનનાં દર્શનમાં આમંત્રણની જરૂર નથી, પરંતુ રામના નામે ભાજપ જો રાજકીય ઇવેન્ટ કરે તો ઇવેન્ટનો સવિનય અસ્વીકાર કરવો એ પણ જરૂરી છે.”
જ્યારે તેમને પાર્ટીના અન્ય નેતાઓ દ્વારા નિર્ણય અંગે કરાયેલાં ‘નકારાત્મક’ નિવેદનો અંગે પુછાયું ત્યારે તેમણે કહ્યું કે, “અમારી પાર્ટીમાં આંતરિક લોકશાહી છે અને બધા પોતાના અભિપ્રાય આપી શકે છે. કોઈએ પાર્ટી લાઇનનો વિરોધ કર્યો નથી, પાર્ટીના અંતિમ નિર્ણયને અમે બધા જ માનીએ છીએ.”
જોકે, રાજકીય વિશ્લેષકો કૉંગ્રેસના મોવડીમંડળના આ નિર્ણયને આગામી લોકસભાની દૃષ્ટિએ રાજ્યમાં ‘મુશ્કેલી પેદા કરનારો’ ગણાવી રહ્યા છે.
તેમણે કહ્યું કે, “ગુજરાતમાં કૉંગ્રેસની રાજકીય વગ નહિવત્ છે. લોકસભાની પાછલી બે ચુંટણીઓમાં કૉંગ્રેસની હાલત કથળેલી હતી અને આ નિર્ણયને લીધે તેમની સ્થિતિ આવનારી લોકસભા વધુ ખરાબ બનશે. આવા નિર્ણયથી ગુજરાતમાં કૉંગ્રેસની થોડી ઘણી બાકી રહેલી હિંદુ વોટ બૅન્ક પણ પાર્ટીના હાથમાંથી છટકી જશે.”
કૉંગ્રેસના નિર્ણયની 2024ની લોકસભા ચૂંટણીનાં પરિણામો પર અસર પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીએ કૉંગ્રેસના નિર્ણયની રાજકીય અસરો અંગે વાત કરતાં કહે છે કે, “વીપી સિંહ અને પીવી નરસિમ્હા રાવ પણ એવું કહી ચૂક્યા છે કે, 'આપણે ભાજપ સામે તો લડી લઈશું, પણ રામ સામે કેવી રીતે લડીશું?’ કૉંગ્રેસ સામે આ વિચિત્ર પરિસ્થિતિ કાયમથી રહી છે અને તેની પાસે આ મુદ્દાનો સામનો કરવા કોઈ અન્ય મુદ્દો નથી."
કૉગ્રેસના આ નિર્ણય વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિષ્લેશક જગદીશ આચાર્યે પાર્ટીના આ નિર્ણયને ‘આત્મઘાતી’ ગણાવ્યો હતો.
તેમણે કહ્યું કે, “કૉંગ્રેસનો આ નિર્ણય આત્મધાતી સાબિત થશે. ભારતનો દરેક હિંદુ રામમંદિરના નિર્માણથી ખુશ છે અને તેમની આસ્થા રામમંદિર સાથે જોડાયેલી છે. કૉંગ્રેસને દક્ષિણને બાદ કરતાં હિન્દી પટ્ટીના દરેક રાજ્ય ઉપરાંત ગુજરાતમાં પણ આ નિર્ણયને કારણે નુકસાન ભોગવવું પડશે.”
તેમણે ઉમેર્યું કે ભાજપ માટે રામમંદિરનો મુદો 2024ની ચૂંટણી માટે સૌથી મહત્ત્વનો રહેશે.
“ભાજપ આવતા પાંચ-છ મહિનામાં લોકોને અનેક કાર્યક્રમો થકી રામમંદિર સાથે જોડવાનું આયોજન કરી રહ્યો છે. ત્રણ કરોડથી વધુ લોકોને રામમંદિરના દર્શન માટે લઈ જવાનું પણ આયોજન છે. 2019 ની લોકસભાની ચૂંટણીમાં બાલાકોટનો મુદ્દો છવાયેલો રહ્યો હતો અને તે પછી ભાજપને એકલા હાથે બહુમતી મેળવવામાં સફળતા મળી હતી.”
આ વખતની ચૂંટણીમાં રામમંદિરના મુદ્દાની અસર અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “આ વખતે રામમંદિર નિર્માણનો મુદ્દો કેન્દ્રસ્થાને રહેશે અને બાલાકોટના મુદ્દાથી થયો હતો તેના કરતાં પણ વધુ ફાયદો ભાજપને થશે. ભાજપને રામમંદિરથી ગુજરાત અને હિન્દી પટ્ટીનાં રાજ્યોમાં તો લાભ થશે જ પરંતુ પશ્ચિમ બંગાળ જેવા રાજ્યમાં પણ તેમના વોટ શૅરમાં વધારો થઈ શકે છે.”
શું છે સમગ્ર મામલો?
અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ આગામી 22 જાન્યુઆરીએ યોજાવા જઈ રહ્યો છે. આ સમારોહમાં સામેલ થવા માટે અંદાજે સાત હજારથી વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં 3000થી વધુ વીવીઆઇપી લોકો સામેલ છે.
વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું છે કે રામમંદિરના ઉદ્ધાટન માટે તમામ રાજકીય પક્ષોના મોટા નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં કૉંગ્રેસનું મોવડીમંડળ પણ સામેલ છે.
કૉંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે 10 જાન્યુઆરીના રોજ એક પ્રેસનોટ જાહેર કરીને પક્ષ દ્વારા ‘નિમંત્રણના સસન્માન અસ્વીકાર’ કર્યો હતો.
નિવેદનમાં લખાયું હતું કે, “ભગવાન રામની પૂજા-અર્ચના કરોડો ભારતીયો કરે છે. ધર્મ એ લોકોનો વ્યક્તિગત વિષય છે, પરંતુ ભાજપ અને આરએસએસએ અયોધ્યામાં રામમંદિરને વર્ષોથી એક રાજકીય પરિયોજના બનાવી દીઘી છે. એ વાત સ્પસ્ટ છે કે એક નિર્માણાધીન મંદિરનું ઉદ્ધાટન માત્ર ચૂંટણીમાં લાભ લેવાના ઉદ્દેશથી કરાઈ રહ્યું છે. સર્વોચ્ચ ન્યાયાલયના 2019ના ચુકાદાનો સ્વીકાર કરવાની સાથોસાથ લોકોની આસ્થાના સન્માનમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરી ભાજપ અને આરએસએસના આ નિમંત્રણનો સસન્માન અસ્વીકાર કરે છે.”












