રામમંદિર આંદોલનમાં મોખરે રહેલા નેતાઓ અત્યારે ક્યાં છે?

રામ મંદિર આંદોલન

ઇમેજ સ્રોત, Getty Images

અયોધ્યામાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારંભ માટે રાજકારણથી માંડીને સિનેમાજગત અને બિઝનેસ ક્ષેત્રની મોટી-મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓ પણ સામેલ છે, જેમણે 1990ના દાયકામાં રામમંદિર આંદોલનનું નેતૃત્વ કર્યું હતું.

જોકે, આંદોલનમાં મોખરે રહેલા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા બીજેપીના વરિષ્ઠ નેતાઓને રામમંદિર ઉદ્ઘાટન સમારંભમાં સામેલ ન થવાની વિનંતી કરવામાં આવી છે.

એ માટે તેમની તબિયત અને વયનું કારણ આપવામાં આવ્યું છે.

રામમંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે લાલકૃષ્ણ અડવાણી તથા મુરલી મનોહર જોશી જેવા વરિષ્ઠ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ તેઓ સમારંભમાં હાજર રહે તેવી શક્યતા ઓછી છે.

તેમણે કહ્યું હતું, “અડવાણીજીની ઉપસ્થિતિ અનિવાર્ય છે, પરંતુ અમે કહીશું કે તેઓ ન આવે. ડૉ. જોશી સાથે મારી વાત થઈ છે. હું એમ કહેતો રહ્યો કે આપ આવશો નહીં અને તેઓ જીદ કરતા રહ્યા કે તેઓ આવશે. મેં તેમને વારંવાર કહ્યું હતું કે તમારી વય વધારે છે. શિયાળો છે અને તમે ગોઠણનું ઓપરેશન પણ કરાવ્યું છે.”

આ બન્ને સિવાય ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, કલ્યાણ સિંહ અને અશોક સિંઘલ જેવા હિન્દુત્વવાદી નેતાઓએ પણ રામમંદિર આંદોલનનું નેતૃત્વ કર્યું હતું.

બીજેપી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2014માં જે મુદ્દે સત્તા પર આવ્યા હતા તેમાં રામમંદિર નિર્માણનો મુદ્દો પણ મહત્ત્વનો હતો. હવે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો સમારંભ 22 જાન્યુઆરીએ તેના ચરમ પર પહોંચશે.

એ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણપ્રતિષ્ઠા સમારંભમાં પહોંચશે ત્યારે બધાની નજર એમના પર હશે, પરંતુ એ ચહેરાઓ ક્યાં છે, જે આ આંદોલનનો મહત્ત્વનો હિસ્સો હતા?

અડવાણી અને ડૉ. જોશીની તબિયત કેવી છે?

અડવાણી

ઇમેજ સ્રોત, X/@NARENDRAMODI

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી એલ.કે. અડવાણીનાં જન્મદિવસ પર તેમની સાથે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લાલકૃષ્ણ અડવાણી હવે 96 વર્ષના છે અને મુરલી મનોહર જોશી આવતા મહિને 90 વર્ષના થશે.

વિશ્વ હિન્દુ પરિષદે 90ના દાયકામાં અયોધ્યા, કાશી અને મથુરાનાં મંદિરોને મુક્ત કરાવવાનું અભિયાન ચલાવ્યું હતું. એ અંતર્ગત લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા કરી હતી. જોકે, બિહારમાં તત્કાલીન મુખ્ય મંત્રી લાલુપ્રસાદ યાદવે સમસ્તીપુર જિલ્લામાં તેમની ધરપકડ કરી હતી.

અડવાણી વિરુદ્ધ મસ્જિદ તોડી પાડવાના ષડ્યંત્રનો ફોજદારી કેસ પણ ચલાવવામાં આવ્યો હતો.

આ વર્ષે આઠમી નવેમ્બરે અડવાણીના જન્મદિવસે અભિનંદન આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ જેવા બીજેપીના ટોચના નેતાઓ તેમના ઘરે ગયા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અડવાણી સાથેની પોતાની તસવીર શેર કરતા લખ્યું હતું, “ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન અને બીજેપીના ભૂતપૂર્વ અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીજીની તેમના ઘરે જઈને મુલાકાત લીધી અને તેમના જન્મદિવસે શુભેચ્છા આપી.”

મુરલી મનોહર જોશી બીજેપીના અડવાણી પછીના બીજા મોટા નેતા છે, જેમણે રામમંદિર આંદોલનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

છઠ્ઠી ડિસેમ્બર, 1992ની ઘટના વખતે તેઓ વિવાદિત પરિસરની નજીક હાજર હતા. ગુંબજ તોડવામાં આવ્યો પછી ઉમા ભારતી તેમને ભેટી પડ્યાં હતાં. ડૉ. જોશી વારાણસી, અલાહાબાદ અને કાનપુરના સંસદસભ્ય તરીકે કામ કરી ચૂક્યા છે.

આ બન્ને નેતાઓ હાલ બીજેપીના 'માર્ગદર્શક મંડળ'માં છે, પરંતુ બન્ને જાહેર જીવનમાં હવે ખાસ સક્રિય દેખાતા નથી.

ઉમા ભારતીની વાત

ઉમા ભારતી

ઇમેજ સ્રોત, Getty Images

ત્રણ દાયકા પહેલાંના રામમંદિર આંદોલનના અગ્રણીઓમાં ઉમા ભારતી પણ સામેલ હતાં. આ આંદોલનને લીધે ઉમા ભારતીને દેશભરમાં રાજકીય ઓળખ મળી હતી.

બાબરી ધ્વંસના 10 દિવસ બાદ ઘટનાની તપાસ માટે બનાવવામાં આવેલા લિબ્રાહન પંચને પણ ઉમા ભારતીની ભૂમિકા દોષપૂર્ણ જણાઈ હતી. ઉમા ભારતી પર ભીડને ભડકાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેનો તેમણે ઇનકાર કર્યો હતો.

તેઓ કેન્દ્રની અટલ બિહારી વાજયેપી સરકાર અને નરેન્દ્ર મોદી સરકારમાં પ્રધાન બન્યાં હતાં. ઉમા ભારતી 2003થી 2004ની વચ્ચે મધ્ય પ્રદેશનાં મુખ્ય મંત્રી પણ બન્યાં હતાં.

જોકે, 2019ની સંસદીય ચૂંટણીથી તેઓ વેગળાં રહ્યાં હતાં. એ પછી તેમને પક્ષમાં કોરાણે મૂકવામાં આવ્યા હોવાની અટકળો ચાલતી રહી હતી.

તાજેતરમાં મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે બીજેપીએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી ત્યારે તેમાં ઉમા ભારતીનું નામ ન હતું.

ઉમા ભારતીએ મધ્ય પ્રદેશની ચૂંટણી પહેલાં જ લોકસભા ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

ફાયરબ્રાન્ડ નેતા સાધ્વી ઋતંભરા

સાધ્વી ઋતંભરા

ઇમેજ સ્રોત, Getty Images

સાધ્વી ઋતંભરા એક સમયે હિન્દુત્વનાં ફાયરબ્રાન્ડ નેતા હતાં.

બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં તેમનાં પર ગુનાઇત ષડ્યંત્ર રચવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

અયોધ્યા આંદોલન દરમિયાન તેમનાં ઉગ્ર ભાષણોની કેસેટો સમગ્ર દેશમાં સાંભળવા મળતી હતી. તેમાં તેઓ વિરોધીઓને ‘બાબર કી ઔલાદ’ કહીને લલકારતા હતાં.

વૃંદાવનમાં સાધ્વી ઋતંભરાનો વાત્સલ્યગ્રામ નામનો આશ્રમ છે.

સાધ્વી ઋતંભરાનો સમાવેશ એવા લોકોમાં થાય છે, જેમને સૌથી પહેલાં 22 જાન્યુઆરીના સમારંભનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું.

ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી કલ્યાણ સિંહની કથા

કલ્યાણ સિંહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એલ.કે.અડવાણી, કલ્યાણ સિંહ અને વિનય કટિયાર (જમણી થી ડાબી તરફ)

કલ્યાણ સિંહ 1992ની છઠ્ઠી ડિસેમ્બરે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી હતા. તેમના પર તેમની પોલીસ તથા વહીવટીતંત્રે કારસેવકોને જાણીજોઈને ન અટકાવવાનો હોવાનો આરોપ હતો.

બાદમાં કલ્યાણ સિંહે બીજેપીથી અલગ થઈને રાષ્ટ્રીય ક્રાંતિ પાર્ટી બનાવી હતી, પરંતુ તેઓ આખરે બીજેપીમાં પાછા ફર્યા હતા.

કલ્યાણ સિંહનું નામ એ 13 લોકોમાં સામેલ હતું, જેમના પર મસ્જિદ તોડી પાડવાનાં ષડ્યંત્રનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

ઑગસ્ટ, 2021માં કલ્યાણ સિંહનું 89 વર્ષની વયે અવસાન થયું હતું.

વિશ્વ હિંદુ પરિષદના અશોક સિંઘલની ભૂમિકા શું હતી?

રામ જન્મભૂમિ આંદોલનના જન્મદાતાઓમાં અશોક સિંઘલનું નામ પણ ગણવામાં આવે છે.

મંદિર નિર્માણ આંદોલન ચલાવવા લોકસમર્થન મેળવવામાં અશોક સિંઘલે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અનેક લોકો તેમને રામમંદિર આંદોલનના મુખ્ય રચનાકાર માને છે.

તેઓ 2011 સુધી વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે કાર્યરત્ હતા. એ પછી સ્વાસ્થ્યનાં કારણોસર તેમણે રાજીનામું આપ્યું તું. 2015ની 17 નવેમ્બરે તેમનું અવસાન થયું હતું.

વિનય કટિયાર અને પ્રવીણ તોગડિયા

અશોક સિંઘલ અને પ્રવીણ તોગડિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અશોક સિંઘલ અને પ્રવીણ તોગડિયા

રામમંદિર આંદોલન માટે 1984માં બજરંગ દળની રચના કરવામાં આવી હતી અને તેના પ્રથમ અધ્યક્ષ તરીકેની જવાબદારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે વિનય કટિયારને સોંપી હતી.

કટિયારનું રાજકીય કદ સતત વધતું રહ્યું હતું અને તેઓ બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રી પણ બન્યા હતા. કટિયાર ફૈઝાબાદ (અયોધ્યા) બેઠક પરથી ત્રણ વખત સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા. જોકે, 2018માં મુદ્દત પૂર્ણ થયા બાદ તેમને ફરી ટિકિટ આપવામાં આવી નહોતી.

વિશ્વ હિન્દુ પરિષદના બીજા નેતા પ્રવીણ તોગડિયા પણ રામમંદિર આંદોલનમાં બહુ સક્રિય રહ્યા હતા, પરંતુ તેમણે વિશ્વ હિન્દુ પરિષદથી અલગ થઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નામના સંગઠનની રચના કરી હતી. રામમંદિર બન્યા પહેલાં તેમણે ઘણી વખત નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી.

ચંપત રાયે બીજું શું કહ્યું?

ચંપત રાયે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ વડા પ્રધાન એચ ડી દેવેગૌડાને સમારંભનું આમંત્રણ આપવા માટે ત્રણ સભ્યોની એક ટીમ બનાવવામાં આવી છે.

તેમણે કહ્યું હતું, “ષડ્દર્શન પરંપરાના શંકરાચાર્ય અને 150 સાધુ-સંત આ સમારંભમાં ભાગ લેશે. એ સિવાય લગભગ 4,000 સંત અને 2,200 અન્ય મહેમાનોને પણ સમારંભ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.”

ચંપત રાયે જણાવ્યું હતું કે કાશી વિશ્વનાથ, વૈષ્ણો દેવી જેવાં મોટાં મંદિરો અને ધાર્મિક તથા બંધારણીય સંસ્થાઓના પ્રમુખોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યાં છે.

ચંપત રાયના કહેવા મુજબ, ધર્મગુરૂ દલાઈ લામા, કેરળનાં માતા અમૃતાનંદમયી, યોગગુરૂ બાબા રામદેવ, સિનેમા જગતના સિતારાઓ રજનીકાંત, અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, અરુણ ગોવિલ, ફિલ્મ દિગ્દર્શક મધુર ભંડારકર અને મુકેશ અંબાણી, અનિલ અંબાણી જેવા પ્રસિદ્ધ ઉદ્યોગપતિઓ, વિખ્યાત ચિત્રકાર વાસુદેવ કામત, ઇસરોના ડિરેક્ટર નીલેશ દેસાઈ સહિતની મોટી હસ્તીઓને પણ સમારંભ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે પ્રાણપ્રતિષ્ઠા સમારંભ પછી 24 જાન્યુઆરી પછી 48 દિવસ સુધી મંડલ પૂજા થશે. શ્રદ્ધાળુઓ માટે મંદિરના દ્વાર 23 જાન્યુઆરીથી ખુલી જશે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે મહેમાનોનાં રોકાણ માટે અયોધ્યામાં ત્રણથી વધુ જગ્યાએ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. એ ઉપરાંત અલગ-અલગ મઠો, મંદિરો તથા સામાન્ય લોકોના પરિવારો માટે પણ 600 રૂમ તૈયાર છે.