અયોધ્યામાં રામમંદિર પાસેથી મસ્જિદ દૂર કરવાના કરાર અંગે વિવાદ, શું છે આખો મામલો?

અયોધ્યા મસ્જિદ

ઇમેજ સ્રોત, SHUBHAM VERMA/BBC

    • લેેખક, અનંત જણાણે
    • પદ, બીબીસી સંવાદદાતા

અયોધ્યામાં નિર્માણાધીન રામમંદિરના પરિસર પાસે જ એક નાની એવી મસ્જિદ છે. તેનું નામ ‘બદ્ર મસ્જિદ’ છે.

સરકારી ભૂમિ આલેખમાં તેનો નંબર 609 છે.

રામ પથના નિર્માણમાં આ મસ્જિદનો કેટલોક ભાગ સરકાર પહેલાં જ કાયદાકીય રીતે પોતાના કબજામાં લઈ ચૂકી છે.

પણ હવે આ મસ્જિદને સ્થાનાંતરિત કરવાનો એક કરાર સામે આવ્યો છે.

બીબીસીને મળેલા એક ઍગ્રિમેન્ટમાં લખેલું છે કે આ ઍગ્રિમેન્ટ બદ્ર મસ્જિદના મુતવલ્લી રઈસ અહેમદ અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપતરાય વચ્ચે થયું છે.

કરારનામામાં શું લખેલું છે?

અયોધ્યા મસ્જિદ

ઇમેજ સ્રોત, RAEES AHMED

આ ઍગ્રિમેન્ટની એક કૉપી રઈસ અહેમદ પાસેથી બીબીસીને મળી છે. આ ઍગ્રિમેન્ટ અનુસાર બદ્ર મસ્જિદના મુતવલ્લી છે.

ઍગ્રિમેન્ટ મુજબ, "ભૂમિ ક્રમાંક 609માં આ મસ્જિદ હતી. તેનો 45 વર્ગ મીટર વિસ્તાર રામ પથના નિર્માણ માટે પહેલાં જ લઈ લેવાયો છે."

મસ્જિદને સ્થાંનાતરિત કરવાનાં કારણો વિશે કરારમાં લખાયું છે, "મસ્જિદ જૂની છે અને તેના જીર્ણોદ્ધાર માટે જરૂરી રકમની વ્યવસ્થા ના થઈ શકતા તે ખંડેર થવાની સ્થિતિમાં પહોંચી રહી છે."

ઍગ્રિમેન્ટ કહે છે, "અયોધ્યમાં રામ જન્મભૂમિ મંદિરના નિર્માણને કારણે તીર્થ યાત્રિકોની સંખ્યા સતત વધી છે જેના કારણે આવન જાવન બાધિત રહે છે. મસ્જિદમાં આવનારા નમાઝીઓને સમસ્યા અને અસુવિધા ઊભી થાય છે. મસ્જિદ અયોધ્યા રેલવે સ્ટેશન અને ક્ષીરેશ્વરનાથ મંદિર પાસે છે અ આ કારણે સુરક્ષાના નામે પ્રતિબંધો પણ લાદી દેવાય છે."

આ ઍગ્રિમેન્ટમાં મસ્જિદનું સ્થળ બદલવા માટે નમાઝીઓની સંમતિ બાબતે લખ્યું છે, "મુતવલ્લી રઈસ અહેમદે વક્ફ બોર્ડના જવાબદાર અધિકારીઓ અને સ્થાનિક મુસલમાનો સાથે ચર્ચા કરીને સર્વસંમતિથી એ નક્કી કર્યું છે કે મસ્જિદને કોઈ યોગ્ય જગ્યા પર લઈ જવાય અને બદ્ર નામથી નવી બનાવી દેવાય જેથી મસ્જિદમાં આવતા નમાઝીઓને કોઈ તકલીફ કે ક્ષોભ ના અનુભવાય."

અયોધ્યા મસ્જિદ

ઇમેજ સ્રોત, RAEES AHMED

કરારમાં લખ્યું છે કે ચંપત રાય "રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની જરૂરિયાતો માટે મસ્જિદ બદ્રની જમીનને ખરીદવાની ઇચ્છા રાખે છે અને તેમણે આ સંદર્ભમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આજુ બાજુના મુસ્લિમ ધર્મના લોકો સાથે વાત કરી છે. જેનાથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના સાંપ્રદાયિક વિવાદની આશંકા ના રહે."

ઍગ્રિમેન્ટ કહે છે કે રઈસ અહેમદે "30 લાખ રૂપિયામાં મસ્જિદ બદ્રને અન્ય સ્થળે ખસેડવાનો કરાર કર્યો છે."

તેમાં એ પણ લખ્યું છે કે, "કારણ કે જમીન વક્ફ સંપત્તિ છે અને સુન્ની સેન્ટ્રલ બોર્ડના રજિસ્ટરમાં વક્ફ સંપત્તિરૂપે નોંધાયેલી છે. આ કારણે વક્ફ બોર્ડની પરવાનગી લેવી જરૂરી છે."

કરારમાં મસ્જિદના સ્થળને ફેરવવા માટે છ મહિનાનો સમય નક્કી કરાયો છે અને રઈસ અહેમદને 15 લાખ રૂપિયા ઍડવાન્સમાં અપાયા છે. કરાર મુજબ રઈસને છ મહિનામાં મસ્જિદને ખસેડીને વેચાણ કરારને મંદિર ટ્રસ્ટના પક્ષમાં રજૂ કરવો પડશે અને જમીનનો કબજો અપાવવાનો રહેશે.

વિરોધ કોણ કરી રહ્યું છે?

અયોધ્યા મસ્જિદ

ઇમેજ સ્રોત, SHUBHAM VERMA/BBC

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મોહમ્મદ આઝમ કાદરી અયોધ્યામાં અંજુમન મુહાફિઝ મકાબીર મસ્જિદ કમિટીના સભ્ય છે. આ સંસ્થા મકબરા અને મસ્જિદોની સુરક્ષા માટે કામ કરે છે.

તેઓ કહે છે કે અયોધ્યાની જેટલી પણ વક્ફ મિલકતો છે ભલે તે મસ્જિદ, કબ્રસ્તાન, મઝાર કે દરગાહ જ કેમ ન હોય આ બધાની દેખરેખ, આ બધા પર કોઈ કબજો ન કરી શકે, તેમની જમીનને કોઈ નુકસાન ન પહોંચાડી શકે, તેની સાથે કોઈ છેડછાડ ન થાય, કોઈ તેને વેચે નહીં, આવી બધી જ જવાબદારી આ કમિટીની છે.

તેઓ કહે છે કે નજુલ રેકૉર્ડના હિસાબે અયોધ્યામાં 101 મસ્જિદ અને 185 કબ્રસ્તાન છે. આઝમ કાદરી કહે છે કે કમિટી બદ્ર મસ્જિદના સ્થળને બદલવાના વિરોધમાં છે.

તેઓ બદ્ર મસ્જિદ વક્ફ સંપત્તિ હોવાના પુરાવા તરીકે અનેક દસ્તાવેજો બતાવે છે. આ જ દસ્તાવેજો તેમણે અયોધ્યાના ડીએમ અને રામ જન્મભૂમિ થાનાના એસએચઓને સોંપાયેલી લેખિત ફરિયાદો સાથે સોંપેલા છે.

આઝમ કાદરી કહે છે કે રઈસ અહેમદ બદ્ર મસ્જિદના મુતવલ્લી નથી અને તેમને મસ્જિદની જમીન બાબતે રામ મંદિર ટ્રસ્ટ સાથે કરાર કરવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી.

જ્યારે સપ્ટેમ્બરમાં કમિટીની એક બેઠકમાં આવા કરાર વિશે ખબર પડી તો તેમણે રજિસ્ટર કચેરીમાંથી કરારની નકલ કઢાવડાવી.

અયોધ્યા મસ્જિદ

ઇમેજ સ્રોત, MOHAMMAD AZAM QADRI

મોહમ્મદ આઝમ કાદરી કહે છે,"વકીલો પાસેથી તેની જાણકારી મેળવવામાં આવી અને તેમણે મત આપ્યો કે આ કરાર કાયદાકીય રીતે ખોટું છે. વક્ફ ઍક્ટ મુજબ મિલકત ના તો ખરીદી શકાય છે ના વેચી શકાય છે અને ના તેનું સ્થળ બદલી શકાય છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં આ નક્કી થઈ ગયું છે.”

આઝમ કાદરી કહે છે, “1902માં નજુલના ખસરા નંબર પર મસ્જિદ ‘વક્ફ’ ખાતે નોંધાયેલી છે અને સરકારી ગેઝેટ નંબર 1282માં નોંધાયેલી છે. તો આ હિસાબે કોઈ વ્યક્તિ તેનો માલિક નથી, આ જમીન વક્ફની છે."

મોહમ્મદ આઝમ કાદરી કહે છે અયોધ્યાના જિલ્લા અધિકારી વક્ફ સર્વે આયુક્ત હોય છે અને વક્ફના ઇન્ચાર્જ હોય છે. એટલે તેમને પણ અંજુમન મુહાફિઝ મકાબીર મસાજિદ કમિટીને લેખિતમાં માહિતી આપી છે.

તો શું આ કરાર સરકારી દસ્તાવેજ છે? આ વિશે આઝમ કાદરી કહે છે, "આ બે લોકોની વાત નથી, સરકારી નોંધણી થઈ ગઈ છે અને તેના પર ઈ-સ્ટૅમ્પ છે. આ સરકારી દસ્તાવેજોમાં આવી ગયું છે. સરકારી દસ્તાવેજોમાં તેનો(મસ્જિદનો) કોઈ માલિક પણ નથી."

બદ્ર મસ્જિદને ખસેડવા માટે નમાઝીઓની સંમતિ વિશે તેઓ કહે છે, "જે સંમતિ લેવામાં આવી હતી તે રસ્તો પહોળો કરવા લેવાઈ હતી. જેમણે સંમતિ આપી હતી તેઓ પણ કહી રહ્યા છે કે તે ખોટું થઈ રહ્યું છે."

"જો આખો વિસ્તાર સંમતિ આપે તો પણ મસ્જિદનું સ્થળ ફેરવી શકાય તેમ નથી.”

મુતવલ્લીના અધિકારોને પડકાર

અયોધ્યા મસ્જિદ

ઇમેજ સ્રોત, MOHAMMAD AZAM QADRI

મોહમ્મદ આઝમ કાદરીએ માગણી કરી છે કે આમાં જેમણે પણ ગેરકાયદેસર કામ કર્યું છે, "તેની સામે કાર્યવાહી થવી જોઈએ."

કરારનામામાં કરાર કરનારા રઈસ અહેમદને મુતવલ્લી ગણાવાયા છે. આ વિશે આઝમ કાદરી કહે છે, "તેમને (રઈસ)ને કોઈએ અધિકૃત નથી કર્યા. તેઓ તો મસ્જિદના માત્ર અને માત્ર નમાઝી છે. તેઓ ન તો આ મસ્જિદના મુતવલ્લી છે, અને જો તેઓ મુતવલ્લી હોત તો પણ તેમને કરાર કરવાનો અધિકાર નહોતો."

આઝમ કાદરી પૂછે છે, "જો તેઓ મુતવલ્લી છે તો તેઓ મુતવલ્લી હોવાના કાગળો બતાવે. મુતવલ્લી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ બનાવે છે."

કરારમાં એવું પણ લખવામાં આવ્યું છે કે મસ્જિદને ખસેડવામાં આવે જેથી નમાઝીઓને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે. આઝમ કાદરી આ વિશે કહે છે, "તેમણે લખેલી તમામ દલીલો ખોટી છે."

તે પૂછે છે, "એક મસ્જિદને બદલે 100 મસ્જિદો બનાવાય તો તેનો કોઈ અર્થ નથી. એકવાર કોઈ સ્થળ પર મસ્જિદ બની જાય તો તે અંત સુધી મસ્જિદ જ રહે છે."

રઈસ અહેમદનો પક્ષ

અયોધ્યા મસ્જિદ

ઇમેજ સ્રોત, SHUBHAM VERMA/BBC

કરારમાં, રઈસ અહેમદને બદ્ર મસ્જિદના મુતવલ્લી તરીકે ગણાવાયા છે પરંતુ જ્યારે બીબીસીએ તેમને પૂછ્યું ત્યારે રઈસ અહેમદ પોતાને બદ્ર મસ્જિદનું ધ્યાન રાખનારા તરીકે વર્ણવે છે.

રઈસ અહેમદે કૅમેરા સામે કંઈ કહેવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ તેમણે તેમની મરજીથી બીબીસીને એક ઑડિયો ઇન્ટરવ્યુ આપ્યો હતો. તેઓ કહે છે, "અમે તો રખેવાળ છીએ, મુતવલ્લી નથી. અમે કાળજી રાખીએ છીએ. લેખિતમાં કોઈ મુતવલ્લી નથી."

જ્યારે અમે તેમને પૂછ્યું કે શું કરાર અને અન્ય દસ્તાવેજોમાં તેમનો ઉલ્લેખ મુતવલ્લી તરીકે કરવામાં આવ્યો છે?

ત્યારે રઈસ કહે છે, "એ કરારમાં લખેલું છે, તે સાચું છે. જે કાળજી રાખતું હોય તેને મુતવલ્લી કહેવામાં આવે છે. તેની પાસે કોઈ નિયુક્તિ પત્ર નથી હોતો. વિસ્તારના લોકો જે નામ લખીને આપે તે નામ બની જાય છે."

અયોધ્યા મસ્જિદ

ઇમેજ સ્રોત, RAEES AHMED

રઈસ અહેમદનું કહેવું છે કે બદ્ર મસ્જિદનું સ્થાન ફેરવવાની ચર્ચા આ વર્ષે જુલાઈના છેલ્લા સપ્તાહમાં શરૂ થઈ હતી. અને આ સંબંધમાં તે લગભગ છ થી સાત વખત ચંપતરાયને મળ્યા હતા.

મસ્જિદના સ્થળ ફેર પાછળના તેમના ઇરાદા અંગે રઈસ કહે છે, "જ્યારે અમે નમાઝીઓ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે સારું, તે બરાબર છે. જ્યારે અમે નમાઝીઓ સાથે વાત કરી ત્યારે સંમતિપત્ર પર સહીઓ પણ લીધી. ત્યારબાદ ટ્રસ્ટના (મંદિર ટ્રસ્ટના) લોકો સાથે વાત થઈ."

"તેમણે કહ્યું કે તમે અડધા પૈસા લઈ લો, બીજી જમીન લઈ તમારું કામ શરૂ કરો અને જ્યારે તે તૈયાર થઈ જાય ત્યારે આ જગ્યા ખાલી થઈ જશે. બધો કાટમાળ હટાવીને જમીન ખાલી કરવાની વાત થઈ હતી."

રઈસ અહેમદનું કહેવું છે કે સરકારની પ્રસ્તાવિત યોજના મુજબ પાંજી ટોલા મહોલ્લો નષ્ટ થવા જઈ રહ્યો છે. બદ્ર મસ્જિદ આ વિસ્તારમાં છે.

પરવાનગી ના મળી તો વેચાણ રદ

અયોધ્યા મસ્જિદ

ઇમેજ સ્રોત, RAEES AHMED

રઈસ અહેમદ આ 'સરકારી યોજના' સંબંધિત કોઈ દસ્તાવેજ બતાવતા નથી પરંતુ કહે છે, "તે રામ જન્મભૂમિ મંદિરથી આગળના ભાગમાં હોવાથી, તેઓ ઇચ્છે છે કે આ આખો ભાગ ચોખ્ખો હોય. બદ્ર મસ્જિદના સ્થળ ફેરનો પ્રસ્તાવ તેમની (રામમંદિર ટ્રસ્ટ) તરફથી આવ્યા પછી અમારા લોકો તૈયાર થઈ ગયા."

બીબીસીએ પૂછ્યું કે શું ચંપતરાય તરફથી મસ્જિદનું સ્થળ ફેરવવાની કોઈ રજૂઆત થઈ, અને પછી લોકો પાસેથી સંમતિ મેળવવામાં આવી હતી? તો જવાબમાં રઈસ અહેમદે કહ્યું, "હા."

બદ્ર મસ્જિદને શિફ્ટ કરવાના પ્રસ્તાવ અંગે રઈસ અહેમદ કહે છે, "સમજો કે ઘણા લોકો તેની વિરોધમાં છે, ઘણા લોકો તરફેણમાં પણ છે. પરંતુ અમને તો વિરોધ જ જોવા મળી રહ્યો છે. જો ડીએમ સાહેબ અમને બાંધકામની પરવાનગી આપે તો કામ ચાલુ રહેશે. અન્યથા વેચાણ ખત રદ કરાશે."

પછી રઈસ અહેમદ અયોધ્યાના ડીએમને અપાયેલો ત્રીજી ઑક્ટોબરનો પત્ર બતાવે છે. જેમાં તેઓ ડીએમ પાસે મસ્જિદનું સ્થળ ફેરવવાની પરવાનગી માગી રહ્યા છે.

અયોધ્યાની અંજુમન મુહાફિઝ મકાબીર મસાજિદ કમિટી મસ્જિદનું સ્થળ ફેરવવાના વિરોધમાં હોવા વિશે રઈસ અહેમદ કહે છે, "જો તે શક્ય ના હોય તો ડીએમ સાહેબ તેને રદ કરી દેશે. વક્ફમાં મિલકત અમે જ આપીએ છીએ અને ત્યાંથી અહીં (નવી જગ્યા પર) આવીને આ પણ તો વક્ફ સંપત્તિ થઈ જશે."

"અમે આ (સ્થળ ફેર કરેલી મસ્જિદ)ને પણ વક્ફની મિલકત જાહેર કરીશું. તે અમારી (વ્યક્તિગત) મિલકત થોડી બની જવાની છે?"

રોકાઈ ગયું મસ્જિદ નિર્માણનું કામ

અયોધ્યા મસ્જિદ

ઇમેજ સ્રોત, RAEES AHMED

રઈસ અહેમદ અમને તેમના ઘરની જમણી બાજુની જમીન બતાવે છે અને કહે છે કે તે આ જમીન પર બદ્ર મસ્જિદને ખસેડવા માગે છે. જમીન પર ખોદયેલા ખાડાઓમાં સળિયા લગાવેલા દેખાય છે પરંતુ વિરોધ પછી કામ બંધ છે.

તો શું રઈસ અહેમદ હજુ પણ મસ્જિદ ખસેડવા માગે છે?

તે કહે છે, "મેં જે ઇચ્છ્યું તે કર્યું પણ હવે મારી ઇચ્છાથી નહીં પણ ડીએમ સાહેબ ઇચ્છશે તો થશે નહીંતર એવું નહીં થાય. જે લોકો વિરોધ કરી રહ્યા છે તે અમારી મસ્જિદમાં આવનારા લોકો નથી."

"તેઓ બહારના લોકો છે. મેં મસ્જિદમાં બેસીને નમાઝીઓની સંમતિ લીધી છે. અમારી મસ્જિદમાં જે લોકો આવ્યા છે તેમણે સહીઓ કરેલી છે અને તેઓ આ મોહલ્લાના નમાઝીઓ છે."

ઇકબાલ અંસારી તેમના પિતા હાશિમ અંસારીની જેમ બાબરી મસ્જિદ કેસમાં વાદી હતા. તે અને તેમનો પરિવાર બદ્ર મસ્જિદથી થોડાક મીટર દૂર રસ્તાની પેલે પાર રહે છે.

અયોધ્યા મસ્જિદ

ઇમેજ સ્રોત, SHUBHAM VERMA/BBC

તે બદ્ર મસ્જિદને પોતાના વિસ્તારની મસ્જિદ કહે છે. તેમનું કહેવું છે કે તેમના કાકા કાસિમ અંસારી બદ્ર મસ્જિદના અંતિમ મુતવલ્લી હતા અને તેમના મૃત્યુ પછી કોઈ આ મસ્જિદનું મુતવલ્લી બન્યું નથી.

ઇકબાલ અંસારી કહે છે કે મસ્જિદની રખેવાળી "અમે લોકો જ કરતા હતા અને આજે પણ મસ્જિદનો પાણી વેરો અને વીજળીનું બિલ અમારા પિતા હાશિમ અંસારીના નામે આવે છે."

મસ્જિદના કરાર અંગે ઈકબાલ અંસારી કહે છે, "સ્થળ ફેરવવાનો મામલો હતો તેનો રોકી દેવાયું છે. અયોધ્યામાં લોકોને પરેશાની છે. રઈસ (અહેમદ) સાહેબની ભૂલ છે કે તેમણે પહેલાં સરકાર પાસેથી કોઈ પરવાનગી લીધી."

"આ મુદ્દા પર તે અટકી ગઈ છે. સરકારને મસ્જિદની (રામ પથને પહોળો કરવા) માટે જેટલી જમીનની જરૂર હતી તે તો પહેલેથી જ લઈ લેવાઈ છે."

સમજૂતી બાદ ઇકબાલ અંસારી હવે કહે છે, "આમાં શું સાચું છે, શું ખોટું છે તે સરકાર જ નક્કી કરી આપે. અમે તો ઇચ્છીએ છીએ કે આ રાજકારણમાં ન પડીએ અને જોઈએ અને તે વધુ સારું છે."

રઈસ અહેમદે નવી જગ્યાએ મસ્જિદનું બાંધકામ શરૂ કરવા બાબતે ઇકબાલ અંસારી કહે છે, "તેમણે નકશો મંજૂર ન કરાવ્યો અને કામ શરૂ કરી દીધું. અને હવે તે અટકી ગયું છે."

ચંપતરાયનું શું કહેવું છે?

અયોધ્યા મસ્જિદ

ઇમેજ સ્રોત, SHUBHAM VERMA/BBC

ઇમેજ કૅપ્શન, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાય

બદ્ર મસ્જિદનું સ્થળ ફેરવવા અંગેનો કરાર રઈસ અહેમદ અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાય વચ્ચે થયો હતો.

26 ઑક્ટોબરે અયોધ્યાના કારસેવકપુરમમાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં બીબીસીએ ચંપતરાયને પૂછ્યું, "શું બદ્ર મસ્જિદને ખસેડવા માટે રઈસ અહેમદ અને તમારી વચ્ચે કોઈ કરાર છે?" તો ચંપતરાયે કહ્યું, "સાંભળો, આ સમયે ફક્ત 22 જાન્યુઆરીએ (રામમંદિરના અભિષેકની વાત થશે), બીજું કંઈ નહીં."

બીબીસીએ પ્રેસ કૉન્ફરન્સમાં ફરી પૂછવાનો પ્રયાસ કર્યો પરંતુ ચંપતરાયે પ્રશ્ન પૂરો ન થવા દીધો અને હાથ બતાવીને આ મુદ્દે પ્રશ્નો પૂછવાથી રોકી દીધા.

બાદમાં બીબીસીએ ફરી એકવાર તેમને બદ્ર મસ્જિદ કરાર સંબંધિત પ્રશ્નો પૂછવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે જો અમે ચંપતરાય પાસેથી તેમનો પક્ષ લેવાનો પ્રયાસ કરતા અમે તેમને ટાંકીને શું લખી શકીએ?

તો ચંપતરાયે કહ્યું, "મારે જે કહેવાનું હતું, મેં કહી દીધું."

અયોધ્યા મસ્જિદ

ઇમેજ સ્રોત, SHUBHAM VERMA/BBC

વાસ્તવમાં, જ્યારે ઑડિયો રેકૉર્ડિંગ થઈ રહ્યું ન હતું ત્યારે ચંપતરાયે બીબીસીને કહ્યું કે, "જે થયું તે સારું થયું." ફરી એકવાર બીબીસીએ તેમને પૂછ્યું, "શું અમે એમાં એટલું જ લખી શકીએ કે જે પણ થયું તે સારું થયું છે અને તમે આવું માનો છો?"

તો ચંપતરાયે જવાબ આપ્યો, "જે થયું તે યોગ્ય હતું. તે મસ્જિદ અને મુસ્લિમ સમાજના ભલા માટે થયું."

બીબીસીએ તેનો પ્રશ્ન ફરીથી કર્યો (ઑડિયો પર) અને કહ્યું, "તેથી અમે કહી શકીએ કે અમે તમને પૂછવાનો પ્રયાસ કર્યો અને તમે આ કહ્યું..."

(પ્રશ્ન પૂરો થાય એ પહેલાં ચંપતરાય ફરી બોલે છે)

ચંપતરાય: "જે કંઈ થયું તે સારા માટે થયું. તે સમાજના ભલા માટે, મુસ્લિમ સમુદાયના ભલા માટે અને મસ્જિદના ભલા માટે થયું."

અંતે જ્યારે બીબીસીએ ચંપતરાય પાસે બદ્ર મસ્જિદના મુદ્દા પર વિગતવાર વાત કરવા માટે સમય માગ્યો ત્યારે તેમણે સમય આપવાનો ઇનકાર કર્યો.

શું કહેવું છે સરકારી અધિકારીઓનું?

અયોધ્યા રામ મંદિર

ઇમેજ સ્રોત, ANI

બીબીસીએ અંજુમન મુહાફિઝ મસાજિદ મકાબીર કમિટીની ફરિયાદ સંબંધિત માહિતી મેળવવા પોલીસ સ્ટેશનના એસએચઓ મણિશંકર તિવારી સાથે મુલાકાત કરી.

તેમણે કૅમેરા પર ઇન્ટર્વ્યૂ આપવાનો ઇન્કાર કર્યો અને માત્ર એટલું જ કહ્યું કે તેમને સમિતિની ફરિયાદ મળી છે અને તેની તપાસ ચાલુ છે.

બીબીસીએ અયોધ્યાના ડીએમ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

અંજુમન મુહાફિઝ મસાજિદ મકાબીર કમિટીના જણાવ્યા અનુસાર, અયોધ્યાના ડીએમ જિલ્લાના સહાયક સર્વે વક્ફ કમિશનર છે અને આવી બાબતો તેમના અધિકારક્ષેત્રમાં આવે છે.

ડીએમ નીતીશ કુમારે માત્ર એટલું જ કહ્યું કે આ મામલો "અમારા સંબંધિત નથી. આ મામલો બે ખાનગી પક્ષો વચ્ચેનો છે. તેથી તેમની સાથે વાત કરો. તમે જે કરારની વાત કરી રહ્યા છો તે સરકારી માણસે નથી કર્યો."

મોહલ્લાના લોકોનું શું કહેવું છે?

અયોધ્યા રામ મંદિર

ઇમેજ સ્રોત, SHUBHAM VERMA/BBC

શાલિગ્રામ પાંડે પાંજી ટોલાના રહેવાસી છે અને બદ્ર મસ્જિદથી ત્રણ-ચાર ઘર દૂર રહે છે.

તે પોતાને અયોધ્યાના પૈતૃક રહેવાસી કહે છે અને કહે છે કે તેમના પૂર્વજો પણ અયોધ્યાના રહેવાસી હતા. તેઓ 55 વર્ષના છે અને તેમના પૂર્વજો પણ આ મસ્જિદની મુલાકાત લેતા આવ્યા છે.

તેઓ કહે છે, "ભાજપનું સૂત્ર હતું, ‘સબકા સાથ, સબકા વિકાસ’ અહીંના નાગરિકો પણ એ જ ઇચ્છે છે. અમે ઇચ્છીએ છીએ કે અયોધ્યામાં તમામ ધાર્મિક સ્થળો યથાવત રહે."

"હિન્દુઓના ધાર્મિક સ્થળો પણ રહે અને ભાઈચારો અને એકતા જળવાઈ રહે. કોઈના ધર્મને નુકસાન થવું ના જોઈએ."

શાલિગ્રામ પાંડેયના ઘરથી થોડે દૂર જમીલ અહેમદ પોતાના પરિવાર સાથે રહે છે. તે પોતાને બદ્ર મસ્જિદના નમાઝી કહે છે. તે બદ્ર મસ્જિદને "સમગ્ર વિસ્તારની મસ્જિદ" ગણાવે છે.

જમીલ અહેમદના જણાવ્યા અનુસાર પાંજી ટોલામાં લગભગ 10 મુસ્લિમ પરિવારો છે.

મસ્જિદ અંગેના કરાર વિશે તેઓ કહે છે, "રઈસ સાહેબને મસ્જિદની જવાબદારી આપવામાં આવી હતી. તેથી તેમણે મસ્જિદ માટે જ તો કોઈની સાથે કરાર કર્યો છે."

તે કહે છે કે કેટલાક લોકોમાં સામાન્ય સહમતી માત્ર એ વાતને લઈને પણ હતી કે રઈસ અહેમદે મસ્જિદની દેખરેખ કરવી જોઈએ. "પરંતુ તેમણે કેવા પ્રકારનો કરાર કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. અમે ઇચ્છીએ છીએ કે આ મસ્જિદને અહીંથી દૂર કરવામાં ન આવે. મસ્જિદ અમારા વિસ્તારની ઓળખ છે."

વક્ફ બોર્ડનું શું કહેવું છે?

અયોધ્યા

ઇમેજ સ્રોત, SHUBHAM VERMA/BBC

બદ્ર મસ્જિદ સંબંધિત કરારમાં લખવામાં આવ્યું હતું કે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના રજિસ્ટરમાં બદ્ર મસ્જિદનો વક્ફ પ્રૉપર્ટી તરીકે ઉલ્લેખ છે, તો તેને ટ્રાન્સફર કરવા માટે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડની પરવાનગી જરૂરી છે.

બીબીસીએ ઉત્તર પ્રદેશના સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ ઝુફર અહેમદ ફારૂકી પાસેથી બદ્ર મસ્જિદ સંબંધિત કરાર વિશે તેમનો અભિપ્રાય મેળવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમનો ફોન પર સંપર્ક થઈ શક્યો નહીં. જ્યારે બીબીસીની ટીમ લખનૌમાં વક્ફ બોર્ડની ઑફિસે પહોંચી ત્યારે ખબર પડી કે અધ્યક્ષ ફારૂકી 11 નવેમ્બર સુધી રજા પર છે.

બીબીસી તેમની ગેરહાજરીમાં કાર્યવાહક અધ્યક્ષ નઈમ-ઉર-રહેમાનને મળ્યું હતું. પરંતુ તેમણે આ મામલે માત્ર એટલું જ કહ્યું હતું કે વક્ફ બોર્ડને અયોધ્યાની બદ્ર મસ્જિદના કરારની માહિતી મળી છે. પરંતુ તેઓ કાર્યવાહક અધ્યક્ષ હોવાથી તેઓ માત્ર રૂટીન કામ જ જોઈ રહ્યા છે. અને આ બાબતે બોર્ડનું સ્ટેન્ડ માત્ર ચૅરમેન જ આપી શકે છે.

અયોધ્યા

ઇમેજ સ્રોત, SHUBHAM VERMA/BBC

બીબીસીએ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના કેસો સંભાળતા વકીલ પુનીત ગુપ્તા સાથે પણ વાત કરી હતી. હાઈકોર્ટમાં વક્ફ બોર્ડના કેસોનું પ્રતિનિધિત્વ કરી રહેલા પુનીત ગુપ્તાએ કહ્યું કે બદ્ર મસ્જિદના કરાર વિશે તેમને કોઈ જાણકારી નથી. તેથી તેઓ આ વિશે કંઈ કહી શકતા નથી.

જ્યારે બીબીસીએ પુનીત ગુપ્તા પાસેથી વક્ફ સંબંધિત કાયદા વિશે સમજવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે બદ્ર મસ્જિદ અને તેને લગતા કરાર પર કોઈ ટિપ્પણી કર્યા વિના કહ્યું, "વક્ફ કાયદામાં અગાઉ 2013 સુધી એવી જોગવાઈ હતી કે વકફ બોર્ડની પરવાનગીથી વક્ફ સંપત્તિને ટ્રાન્સફર અને ઍક્સચેન્જ કરી શકાય છે.

"પરંતુ 2013માં અધિનિયમમાં સુધારો કરતા સંસદે વક્ફ સંપત્તિના વિનિમય અથવા વેચાણ માટે કોઈપણ પરવાનગી આપવાની વકફ બોર્ડની સત્તા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે."

"મારી જાણકારી મુજબ, કાયદા અનુસાર વક્ફ બોર્ડ અથવા મસ્જિદના મુતવલ્લી, તેમની પાસે કોઈ પણ વક્ફ મિલકતને સ્થળ ફેર કરવાનો કોઈ અધિકાર નથી."