રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાઃ અયોધ્યા અને તેના રહેવાસીઓ માટે શું બદલાઈ રહ્યું છે?

- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા, અયોધ્યાથી પાછા ફર્યા બાદ
અયોધ્યામાં નિર્માણાધિન રામમંદિરનું કામકાજ સંભાળતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આગામી 22 જાન્યુઆરીએ યોજનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ માટે આમંત્રણ આપવાનું શરૂ કરી દીધું છે.
મંદિરના ગર્ભગૃહના નિર્માણનું કામ 24 કલાક ચાલી રહ્યું છે, જેથી તે નિર્ધારિત સમયમાં પૂર્ણ થઈ શકે, કારણ કે પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દેશ-વિદેશના અનેક વીવીઆઈપી અતિથિઓ હાજરી આપશે.
નવા મંદિર માટે પૂજારીની પસંદગીનું કામ પણ ચાલુ છે. પહેલા તબક્કામાં આવેલી 300 અરજીઓમાંથી 21 પૂજારીને શૉર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે. તેમને તાલીમ આપવામાં આવી રહી છે. આ પૂજારીઓમાંથી જ અયોધ્યાના રામમંદિર માટેના પૂજારીની પસંદગી કરવામાં આવશે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે બીબીસીને કહ્યું હતું, "તાલીમ પૂર્ણ થયા બાદ પૂજારીઓના સનાતન ધર્મ, વેદો અને શાસ્ત્રો વિશેના જ્ઞાનની પરીક્ષા લેવામાં આવશે. કેટલાકને જ આ નોકરી મળશે, જ્યારે બાકીના યુવકોને દેશના અલગ-અલગ મંદિરોમાં મોકલવામાં આવશે."
રામમંદિર સમિતિએ વારાણસીના બે પૂજારીઓનાં નામની જાહેરાત કરી દીધી છે. આ બન્ને જાન્યુઆરીમાં થનારી પ્રાણપ્રતિષ્ઠાનું નેતૃત્વ કરશે.
ચંપતરાયે કહ્યું હતું, "અયોધ્યાના કર્મકાંડી બ્રાહ્મણો પણ લક્ષ્મીકાંત દીક્ષિત અને ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડનું નામ સાંભળીને કહેશે કે તેઓ અમારા પણ ગુરૂ છે. કાશી સદા સર્વદા વિદ્વાનોની નગરી રહ્યું છે, જ્યારે અયોધ્યા લાંબા સમયથી ઉપેક્ષિત છે."
"કાશીના વિદ્વાનો સમાન કદાચ એકાદ વ્યક્તિ જ અહીં અયોધ્યામાં હશે. અમે આ હકીકતને નકારી શકતા નથી. હવે જે નિર્ણય કરવામાં આવ્યો છે એ મુજબ કાશીના વિદ્વાન ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ અને લક્ષ્મીકાંત દીક્ષિત જ પ્રાણપ્રતિષ્ઠા કરાવશે."
જોકે, પ્રાણપ્રતિષ્ઠા માટે પ્રમુખ પૂજારી તરીકે હજારો મંદિરોવાળા અયોધ્યા શહેરમાંથી કોઈની પસંદગી કેમ ન કરવામાં આવી એ બાબતે અયોધ્યાના કેટલાક મહંતો અને પૂજારીઓએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અયોધ્યાના હનુમાન ગઢીના પ્રમુખ મહંત, મહંત ધરમદાસના ગુરૂ બાબા અભિરામ દાસે 1949માં રામ લલાની મૂર્તિ વિવાદાસ્પદ ઢાંચામાં રાખી હતી.
મહંત ધરમદાસે કહ્યું હતું, "કોઈ પૂજારી આવી રહ્યા છે તે કેવી રીતે પૂજા કરાવશે તે અમે જોઈશું. હવે અહીંના લોકોને સામેલ કરવા જોઈએ, ભાઈ, પ્રતિષ્ઠા તો આપણે બધાને આપવાની છે."
"હવે એ કરતા નથી. ત્યાંના લોકો આવીને કરી રહ્યા છે. તેમાં કોઈ મોટું કામ હોતું નથી. એક હોય છે આચાર્ય, બ્રહ્માનું અને તે પૂજારી બનીને પૂજા કરે છે. ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. તેમાં ખાસ કશું કરવાનું નથી. જે મૂર્તિના નામે સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો છે, એ પહેલાંથી જ પ્રતિષ્ઠિત મૂર્તિ છે. ચાલો આ સારું છે, પરંતુ થઈ જવું જોઈએ.”
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ 2020માં રામમંદિરના નિર્માણની શરૂઆત થઈ હતી. 67 એકરના વિશાળ પરિસરની સંપૂર્ણ સફાઈ કર્યા બાદ તેમાંથી બે એકર જમીનની પસંદગી મંદિર માટે કરવામાં આવી હતી.
હજારો કરોડના ખર્ચે આકાર પામેલા નવા રામમંદિરના ગર્ભગૃહનું કામ હવે અંતિમ તબક્કામાં છે.
પાછલા ઘણા મહિનાઓથી અહીં લાખો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. તેઓ પૈસા જ નહીં, સોના-ચાંદીનું દાન પણ કરી રહ્યા છે. એ માટે મંદિર પરિસરની નજીક બૅન્ક કર્મચારીઓ તહેતાન કરવામાં આવ્યા છે.
ધન્નીપુરમાં આકાર પામનારી મસ્જિદની સ્થિતિ

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, નિર્માણાધીન રામમંદિરથી લગભગ 22 કિલોમીટર દૂર ધન્નીપુર ગામમાં જે મસ્જિદનું નિર્માણ થવાનું છે તેના માટે ભંડોળ એકઠું કરવામાં આવી રહ્યું છે અને તેનું કામ ટૂંક સમયમાં શરૂ થવાની આશા છે.
ફૈઝાબાદ જિલ્લામાંના અયોધ્યામાં રામમંદિરના નિર્માણ સાથે જ વ્યાપક પરિવર્તન જોવા મળી રહ્યું છે.
સરયૂ નદીના ઘાટ નવેસરથી બનાવવામાં આવ્યા છે. નવા રસ્તાઓ, નવી ગટર વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવા એરપોર્ટનું કામ પણ ચાલી રહ્યું છે. આ સમગ્ર યોજનામાં વળતર આપ્યા બાદ લગભગ 2,500 ઘરોને તોડી નાખવામાં આવ્યાં છે.
નવા રામમંદિરના જે મુખ્ય દ્વારનું નિર્માણ ચાલી રહ્યું છે તેની સામેના રસ્તા પર પહેલાં ચા-નાસ્તાની દુકાન હતી તેને નિર્માણ કાર્ય દરમિયાન તોડી નાખવામાં આવી હતી.
39 વર્ષના દુર્ગાપ્રસાદ ગુપ્તાની પણ આવી જ એક દુકાન હતી. તેમને પણ વળતર આપવામાં આવ્યું છે. હવે તેઓ મૂળ જગ્યાની બાજુમાં રેકડીમાં ચા-ભજિયાં વેચે છે.
તેમણે કહ્યું હતું, "પહેલાં અને અત્યારમાં એ ફરક છે કે અહીં વિકાસ થઈ રહ્યો છે. રસ્તાના કિનારે ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે, સાહેબ. આગામી સમયમાં અહીં બહુ ભીડ થશે, પણ અનેક સમસ્યા પણ સર્જાશે. તેથી અમારી દુકાન રસ્તો પહોળો કરવા માટે દૂર કરવામાં આવી હતી. હવે અહીં રેંકડી લગાવીને કોઈ રીતે ગુજરાન ચલાવીએ છીએ. પરિવારનું પાલન-પોષણ પણ કરવાનું હોય છે, જે માત્ર રેંકડીથી શક્ય નથી."
વિકાસ યોજનાના નામે શું થઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, ANI
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ કહી ચૂક્યા છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારે મળીને અયોધ્યામાં રૂ. 30,000 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પો શરૂ કર્યા છે.
પોતાના શહેરમાં ચમકતી હોટેલો અને હાઈવે તો દેખાય છે, પરંતુ પ્રાચીન અયોધ્યામાં વર્ષોથી રહેતા લોકોને થોડી વધુ અપેક્ષા છે.
રામ ઘાટ પાસેનાં 150 વર્ષ જૂના પટના મંદિરના પૂજારી આશિષ કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું હતું, "ઠેકઠેકાણે હોટેલો બનાવવામાં આવી રહી છે, જે ઇમારતો બનાવવામાં આવી રહી છે, સડકને તોડીને મેઈન રોડ બનાવવામાં આવી રહ્યા છે એ તો સારું છે, પરંતુ હું સરકારને વિનંતી કરીશ કે અયોધ્યાના જૂના મંદિરો, જે અમારો ઇતિહાસ છે, તેને મજબૂત કરવામાં આવે. એ માટે અમે સરકારને બહુ અભિનંદન આપીશું."
અયોધ્યા બહારથી દેખાય છે તેના કરતાં અંદર વધારે ઊંડું છે. ડઝનબંધ ગલીઓમાં આવેલાં પ્રાચીન મંદિરો અને ધર્મશાળાઓ આજે પણ દીન-દુનિયાથી પર રહીને રામનામમાં લીન છે.
સીતા કુંડ પાસેના રામ-બિહારી મંદિરમાં દોઢ કલાક કીર્તન કરીને મળવા આવેલા પૂજારી ગોસ્વામીજીને અમે પૂછ્યું હતું, "તમારે ત્યાં આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ વધારો થયો છે?"
પૂજારી ગૌસ્વામીજીએ કહ્યું હતું, "તમે પહેલા છો જે આવું બધું પૂછે છે. બીજું કોઈ આવા સવાલ કરતું ન હતું. શું સ્થિતિ છે, શું થઈ રહ્યું છે, શું થયું છે? પરિવર્તન થયું છે, ફલાણું થયું છે? બધા પોતપોતાની પૂંછડી સીધી રાખીને ચાલે છે. પહેલાં તો કેટલાક સાધુઓને પેન્શન મળતું હતું. હવે એ પેન્શન બંધ થઈ ગયું છે. પેન્શન માટે અરજી કરીએ તો જવાબ મળે છે કે હવે સાધુને પેન્શન નહીં મળે. તો વૃદ્ધાવસ્થામાં સહારો કોનો?"
રામ લલાના દર્શન માટે લોકોની ભીડ

આ અયોધ્યાની એક હકીકત એ પણ છે કે રામમંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું અને એક કામચલાઉ ઠેકાણે રામ લલાની મૂર્તિ રાખવામાં આવી છે તો પણ તેના દર્શન કરવા લોકોની લાઈનો લાગે છે.
દિલ્હીથી અહીં દર્શન કરવા આવેલાં નિર્મલા કુમારી સાથે અમારી મુલાકાત નિર્માણાધીન મંદિર પરિસરની બહાર થઈ હતી.
તેમણે કહ્યું હતું, "બહુ સારું લાગે છે. અંદરથી બહુ સારી અનુભૂતિ થાય છે. બાળકોને સાથે લાવી ન શક્યા તેનું સૌથી મોટું દુઃખ છે, પરંતુ અમે બાળકોને વીડિયો કૉલ કરીને બધું દેખાડ્યું છે. અમે અહીંની માટી લઈ લીધી છે. તેનો ચાંદલો પણ કર્યો છે. થોડી માટી અહીંથી દિલ્હી પણ લઈ જઈશું... આ રહી માટી."
જાન્યુઆરી, 2024માં રામમંદિરમાં થનારી પ્રાણપ્રતિષ્ઠામાં ભારત જેવા ધર્મનિરપેક્ષ દેશના વડા પ્રધાન સહભાગી બને એ કેટલું ઉચિત છે એ બાબતે પણ ચર્ચા ચાલી રહી છે.
ઘણા રાષ્ટ્રીય વિરોધ પક્ષો આ બાબતને સંસદીય ચૂંટણી સાથે પણ જોડે છે.
સમાજવાદી પક્ષના ઉત્તર પ્રદેશના મહાસચિવ અને ભૂતપૂર્વ પ્રધાન જયશંકર પાંડે માને છે કે "સત્તાધારી ભારતીય જનતા પાર્ટી રામના નામે મતનું રાજકારણ રમી રહી છે."
તેમણે કહ્યું હતું, "આજે નહીં તો કાલે લોકો સમજશે અને લોકો સમજી રહ્યા છે. સનાતન ધર્મ બધાનો છે. મર્યાદા પુરુષોત્તમ રામ બધાના છે. મહાત્મા ગાંધીએ રામરાજ્યની કલ્પના જ કરી હતી, પરંતુ લાખો હિન્દુઓએ કોઈ રાજકારણથી પ્રેરિત થયા વિના નવા મંદિર માટે દાન કર્યું છે ત્યારે ભાજપ સમાજમાં એવું દેખાડવાનો પ્રયાસ કરી રહી છે કે રામમંદિરનું નિર્માણ એ પોતે કરાવી રહ્યો છે."
જોકે, ભારતીય રાજકારણના ઇતિહાસ પર નજર કરવાથી સમજાય છે કે 1947માં બ્રિટિશ શાસનથી આઝાદી મળ્યા પછી તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ વચ્ચે પણ એક મામલે ભિન્નમત હતો.
સરદાર પટેલના વડપણ હેઠળ ગુજરાતના સોમનાથ મંદિરનું પુનર્નિમાણ કાર્ય પૂર્ણ થયું ત્યારે સરદાર પટેલ મૃત્યુ પામ્યા હતા, પરંતુ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ પંડિત નહેરુના અભિપ્રાયનો અનાદર કરીને એ કાર્યક્રમમાં સામેલ થયા હતા.
અયોધ્યાના ભાજપના વિધાનસભ્ય વેદપ્રકાશ ગુપ્તા આ આક્ષેપોનું ખંડન કરતાં કહે છે, "વડાપ્રધાન શા માટે આવી રહ્યા છે એ સવાલ જ નથી. સવાલ એ છે કે અયોધ્યાને વિશ્વસ્તરીય નગર બનાવવાના કામની સાથેસાથે પૂર્વાંચલનો વિકાસ પણ થઈ રહ્યો છે."
"તેનું ઉદાહરણ બધાએ કાશીમાં જોયું છે. ત્યાંના વેપારીઓ ખુશ છે. શહેરમાં સ્વચ્છતા છે, શેરીઓ સાફ છે. વડા પ્રધાન કે મુખ્ય મંત્રી અહીં આવી રહ્યા છે તો તેના લાભની ત્યાંના સ્થાનિક લોકોને બરાબર ખબર છે અને વિરોધનું જે રાજકારણ છે તે દરેક ચીજને, પૉઝિટિવ વાતને પણ નેગેટિવમાં બદલવાનું કામ કરે છે."
અયોધ્યા ઝડપભેર બદલાઈ રહ્યું છે. રોકાણ આવી રહ્યું છે. ભક્તો આવી રહ્યા છે. નવું રામમંદિર બનવામાં હજુ વધુ સમય લાગશે. આ પગલાંથી અહીંના લોકો માટે શું બદલાયું તેનો ઇતિહાસ નોંધવામાં પણ સમય લાગશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2020ની પાંચમી ઑગસ્ટે અયોધ્યામાં રામમંદિરનો શિલાન્યાસ કર્યો હતો.
વાસ્તવમાં બાબરી મસ્જિદ 1992માં તોડી પાડવામાં આવી હતી. એ પછી હિન્દુ પક્ષ અને મુસ્લિમ પક્ષ વચ્ચે પહેલાં અલાહાબાદ હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં એક લાંબી કાયદાકીય લડાઈ ચાલી હતી.
આખરે સુપ્રીમ કોર્ટે નવેમ્બર, 2019માં એક ઐતિહાસિક ચુકાદો આપતાં જણાવ્યું હતું કે અયોધ્યામાં વિવાદિત જમીન પર મંદિરનું નિર્માણ થવું જોઈએ.
નવી મસ્જિદના નિર્માણ માટે સુન્ની વક્ફ બોર્ડને પાંચ એકર વૈકલ્પિક જમીન ઉપલબ્ધ કરાવવાનો આદેશ પણ અદાલતે કેન્દ્ર સરકારને આપ્યો હતો.












