કૉંગ્રેસે દેશમાં પોતાનો ઇતિહાસ કહેવાનું અભિયાન કેમ શરૂ કર્યું છે?

ઇમેજ સ્રોત, @INCINDIA/X
- લેેખક, ફૈઝલ મોહમ્મદ અલી
- પદ, બીબીસી સંવાદદાતા
કૉંગ્રેસે ગુરુવાર 28 ડિસેમ્બરે પોતાના 139મા સ્થાપના દિવસે મહારાષ્ટ્રના નાગપુરમાં એક રૅલીનું આયોજન કર્યું. આ રૅલીનું નામ અપાયું હતું ‘હૈં તૈયાર હમ’.
ચાર વાગ્યા આસપાસ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સ્ટેજ પર પહોંચ્યા ત્યાં સુધીમાં ગ્રાઉન્ડમાં મૂકેલી તમામ પાંત્રીસ હજાર ખુરશીઓ ભરાઈ ગઈ હતી. આ સિવાય વિવિધ સ્થળોએ લોકો ઊભા હતા.
સ્ટેજ પાસે તૈયાર કરાયેલા બીજા સ્ટેજ પરથી લોકો ઇકબાલની પ્રખ્યાત કવિતા 'સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા', 'મેરે દેશ કી ધરતી સોના ઉગલે' અને કવિ પ્રદીપની પ્રખ્યાત રચના 'સાબરમતી કે લાલ તુને કર દિયા કમાલ' જેવા ગીતો માણી રહ્યા હતા. આ ગીતો એક લાઇવ બૅન્ડ રજૂ કરી રહ્યું હતું.
સમગ્ર મેદાનમાં વીડિયો સ્ક્રીન્સ, ફ્લોર પર કાર્પેટ, 'હૈં તૈયાર હમ'ના સૂત્રોચ્ચાર સાથે આકાશમાં ફુગ્ગાઓ અને મુખ્ય મંચ ઉપર કૉંગ્રેસના ઝંડાના રંગોવાળા કપડાં, સમગ્ર તૈયારીઓ અગાઉના કૉંગ્રેસના કાર્યક્રમો કરતા અલગ જ લાગી રહી હતી.
લાઇવ બૅન્ડનાં ગીતો વચ્ચે એક વ્યક્તિ માઈક પર લોકોને કૉંગ્રેસનો ઇતિહાસ, પાર્ટીના નાગપુર સાથેના સંબંધો અને ભારતના નિર્માણમાં પાર્ટીનાં યોગદાન વિશે જણાવી રહી હતી.
આ ક્રમમાં હરિત ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, રાકેશ શર્માને અવકાશમાં મોકલવા, દેશભરમાં IIT જેવી સંસ્થાઓની સ્થાપના અને ઇન્ફર્મેશન ટેકનૉલૉજી ક્રાંતિ જેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
પાર્ટીના અલ્પસંખ્યક મોરચાના પ્રમુખ ઇમરાન પ્રતાપગઢીએ જવાહરલાલ નહેરુથી લઈને મૌલાના અબુલ કલામ આઝાદ સુધીના લોકોની જેલ યાત્રાઓ અને દેશના નામે ઇંદિરા ગાંધીથી લઈને રાજીવ ગાંધી સુધીના લોકોની હત્યાઓ વિશે પણ વાત કરી.
આ જ બાબતે તેમણે એક શેર પણ વાંચ્યો,
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
‘હમ આતિશે સોઝાં મેં ભી એક બાત કહેંગે...
હમ ઝિંદા થે, હમ ઝિંદા હૈ, હમ ઝિંદા રહેંગે
ક્યૂંકી હમ કૉંગ્રેસ હૈ’
કૉંગ્રેસને કેમ યાદ કરવા પડી રહ્યા છે કાર્યોને

ઇમેજ સ્રોત, GIRISH THACKERAY/BBC
મનમોહનસિંહ સરકારમાં વડા પ્રધાન કાર્યાલયના રાજ્યમંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણે બીબીસીને કહ્યું, “આ બધી બાબતોનું વારંવાર પુનરાવર્તન કરવાની જરૂર છે. કારણ કે નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી આરોપ લગાવતી રહે છે કે છેલ્લાં 70 વર્ષોમાં કંઈ થયું નથી.”
બીબીસીએ તેમને પૂછ્યું હતું કે શું કૉંગ્રેસ પાર્ટીને લાગે છે કે તેણે ભૂતકાળમાં જે કર્યું તે ભૂલી ગઈ છે? શું તેથી જ તેણે આ બધી બાબતોનું પુનરાવર્તન કરવું પડી રહ્યું છે?
ચૌહાણે કહ્યું કે આ તમામ વીડિયો અને આવી સામગ્રી દેશના અન્ય ભાગોમાં પણ મોકલવામાં આવશે અને બતાવવામાં આવશે જેથી પાર્ટી સાથે સામાન્ય લોકોનું જોડાણ વધી શકે.
પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે જનતા પાસેથી દાન એકત્ર કરવાનો હેતુ લોકોને 'જોડવાનો' પણ છે.
કૉંગ્રેસનાં હથિયારો કટાઈ ગયાં છે?
રાજકીય વિશ્લેષક રશીદ કિદવઈ માને છે કે કૉંગ્રેસ જૂનાં હથિયારો વડે નવી લડાઈ લડવાનો પ્રયાસ કરી રહી છે.
કૉંગ્રેસ પાર્ટી પરના તેમના પુસ્તક '24 અકબર રોડ'ના લેખક એ જ અકબર રોડને ટાંકીને કહે છે કે જે પાર્ટી જાન્યુઆરી 1978માં તે બિલ્ડીંગમાં ગઈ હતી તે હવે તેને ખાલી કરીને બીજી ઑફિસમાં શિફ્ટ કરી રહી છે.
છેલ્લાં 45 વર્ષોમાં દુનિયા બદલાઈ ગઈ, પરંતુ કૉંગ્રેસ એ જ જૂના વિચારો અને પદ્ધતિઓ સાથે જીવવા માંગે છે, પરંતુ હવે તેને બદલવાની જરૂર છે.
હવે આ બાબતોને લઈને બહુ ઉત્સાહ જણાતો નથી. રશીદ કહે છે, “કૉંગ્રેસ જે કરી રહી છે, તેમાં બધું છુટુંછવાયું થઈ રહ્યું હોય તેમ દેખાય છે. તે જે કરી રહી છે તેનું રાજકીય વળતર શું છે તે અંગે કોઈપણ પ્રકારનું સંશોધન નથી.”
રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા'નો ઉલ્લેખ કરતા તેઓ કહે છે કે તેલંગાણાની જીતમાં તેના યોગદાનની વાત થઈ રહી છે, પરંતુ એ પણ પૂછવું જોઈએ કે રાહુલ ગાંધી મિઝોરમ ગયા હતા તો ત્યાં તેની કોઈ અસર કેમ નથી થઈ?
રાહુલની ‘ભારત ન્યાય યાત્રા’

ઇમેજ સ્રોત, GIRISH THACKERAY/BBC
આવતા મહિને શરૂ થનારી રાહુલ ગાંધીની 'ભારત ન્યાય યાત્રા' અંગે રાશિદ કિદવઈ કહે છે કે પાર્ટી પાસે મણિપુરથી મહારાષ્ટ્ર સુધી 15 બેઠકો છે જ્યાં તેઓ પ્રવાસ કરી રહ્યા છે.
પરંતુ તેમની વચ્ચે કુલ બેઠકોની સંખ્યા 340થી વધુ છે. તો શું કોઈને ખ્યાલ છે કે ત્યાં શું કરવું જોઈએ જેથી પક્ષને રાજકીય લાભ મળી શકે?
'ભારત જોડો યાત્રા' અંગે બીબીસીએ આ જ પ્રશ્ન લોકસભામાં કૉંગ્રેસના નાયબ નેતા ગૌરવ ગોગોઈને પણ પૂછ્યો હતો.
જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે ઉત્તર-પૂર્વમાં વાતાવરણ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ એટલું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્યાંના બે રાજ્યો મણિપુર અને મિઝોરમ નહીં જઈ શકે.
છતાં ભાજપે મિઝોરમમાં ગત વખત કરતાં એક બેઠક વધુ જીતી છે.
રાહુલ ગાંધી કોને વિચારધારાની લડાઈ ગણાવે છે?

ઇમેજ સ્રોત, @INCINDIA/X
રાહુલ ગાંધીએ નાગપુરના ભાષણમાં કહ્યું કે કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે જે લડાઈ ચાલી રહી છે તે રાજકીય અને સત્તાની લડાઈ લાગે છે, પરંતુ તે મુખ્યત્વે વિચારધારાની લડાઈ છે.
કૉંગ્રેસે જે સ્વાતંત્ર્ય સંગ્રામ લડ્યો તે માત્ર અંગ્રેજો સામે જ નહીં, પરંતુ 500થી વધુ રાજાઓ અને રાજકુમારો સામે પણ લડ્યો હતો જેઓ અંગ્રેજોના ડરથી તેમની સાથે હતા.
વર્ષોથી ભારતીય ધ્વજ ન ફરકાવવા બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ટીકા કરતા તેમણે કહ્યું, "આજે દેશના દરેક પુખ્તવયના વ્યક્તિને મત આપવાનો અધિકાર છે તે કૉંગ્રેસને કારણે છે."
રશીદ કિદવઈએ કહે છે, "વિચારધારાઓની લડાઈ અને બંધારણ બચાવવા જેવી બાબતો આજની પેઢીને પસંદ નથી પડતી. આ વાત ઘણી વખત સામે આવી છે."
રાહુલ ગાંધીએ કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર બનશે તો યુવાનોને રોજગારી આપવાનું વચન આપતા કહ્યું કે નરેન્દ્ર મોદીની સરકાર આ કરી શકે તેમ નથી.
બેરોજગારો પાસે કૉંગ્રેસની આશા

ઇમેજ સ્રોત, GIRISH THACKERAY/BBC
જ્યારે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો કે 30 લાખ સરકારી જગ્યાઓ ખાલી છે અને તેના પર કોઈ ભરતી કરવામાં આવી રહી નથી.
કૉંગ્રેસ અધ્યક્ષે પોતાના ભાષણમાં 1920માં નાગપુરમાં યોજાયેલા કૉંગ્રેસ અધિવેશનનો ઉલ્લેખ કર્યો હતો.
મહાત્મા ગાંધી, લાલા લાજપત રાય અને મહોમ્મદ અલી ઝીણા જેવા નેતાઓએ કૉંગ્રેસની તે બેઠકમાં હાજરી આપી હતી.
આમાં અસહકાર ચળવળને લગતા ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેના વિશે પટ્ટાભી સીતારામૈયાએ લખ્યું છે કે "તેનાથી ભારતીય ઇતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થયો."
કૉંગ્રેસે નાગપુર રેલીનું નામ 'હૈં તૈયાર હમ' મહારેલી રાખ્યું હતું. જેમાં જનતાને સસ્તો ગૅસ આપવાથી લઈને ન્યાય યોજનાનો અમલ અને રોજગાર જેવા વાયદાઓને દોહરાવવામાં આવ્યા હતા.
મીડિયાનો એક વર્ગ અને રાજકીય વિશ્લેષકો આને લોકસભા ચૂંટણી માટે કૉંગ્રેસના આહ્વાન તરીકે જોઈ રહ્યા છે.















