ભાજપ મંડલ-કમંડળને સાથે લાવવામાં સફળ થયો છે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, પ્રિયંકા ઝા
- પદ, બીબીસી સંવાદદાતા
હાલમાં જ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ થઈ. જેમાં ભાજપે ત્રણ રાજ્યોમાં જીત હાંસલ કરી.
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપે બહુમતીથી વધારે બેઠકો મેળવી.
આ ત્રણેય રાજ્યોમાં ચૂંટણીપ્રચાર સમયે કૉંગ્રેસે બિહારમાં જ્ઞાતિના આધારે કરાયેલા સર્વેક્ષણનો મુદ્દો ઉઠાવ્યો હતો.
વિપક્ષોનો દાવો હતો કે જ્ઞાતિના આધારે કરાયેલી વસતી ગણતરીના કારણે ભાજપને નુકસાન થઈ શકે છે.
પણ પરિણામ કંઈક જૂદું જ આવ્યું. ભાજપે તેની વોટબૅન્ક ઉપરાંત મોટી સંખ્યામાં ઓબીસી મતો પણ મેળવ્યા.
ભાજપે છત્તીસગઢના આદિવાસી વિસ્તારોમાં પણ આ વખતે વધારે બેઠકો મેળવી છે. મધ્ય પ્રદેશમાં પણ પાર્ટીને મોટી સંખ્યામાં ઓબીસી સમુદાયના મતો મળ્યા છે.
પરિણામો પછી પ્રશ્ન એ છે કે શું ભાજપે હિંદુત્વના મુદ્દા સાથે-સાથે વિપક્ષને જ્ઞાતિની રાજકારણમાં પણ પાછળ રાખી.
શું વિધાનસભા ચૂંટણીઓનાં પરિણામના આધારે ભાજપ લોકસભા ચૂંટણીઓમાં પણ વધારે મતો મેળવી શકશે કે પછી વિપક્ષ ભાજપ માટે કોઈ મોટો પડકાર ઊભો કરશે અને ઓબીસી મતો લોકસભા ચૂંટણીઓ સમયે અલગ રીતે કામ કરશે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેવી રીતે દેશનું રાજકારણ બદલાયું ‘મંડલ’ ને કારણે
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ શબ્દ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી બાજપેયીએ ઓબીસી એટલે કે અન્ય પછાત વર્ગ માટે અનામતની જરૂરિયાતને વ્યક્ત કરતા કહ્યા હતા.
વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી તેમના પુસ્તક ‘હાઉ પ્રાઇમ મિનિસ્ટર્સ ડિસાઇડ્સ’માં લખે છે, "અટલ બિહારી વાજપેયીના શબ્દોથી એ અભિવ્યક્ત થાય છે કે કેવી રીતે મંડલ પંચની ભલામણો લાગુ થયા પછી, તેણે દેશના રાજકીય અજેન્ડાને બદલી નાખ્યો. જાતિને સમાજના એક વર્ગ કરતાં રાજકીય વર્ગ તરીકે વધુ જોવામાં આવે છે."
મંડલ પંચે સ્થાનિક પક્ષો અને જ્ઞાતિની ઓળખ સાથે જોડાયેલા રાજકારણને પાંખો આપી. ઉત્તર પ્રદેશ અને બિહારમાં આરજેડી, સમાજવાદી પાર્ટી, જનતા દળ યુનાઇટેડ જેવા પક્ષોનું કદ વધાર્યું.
સાથે જ અન્ય જ્ઞાતિ આધારિત નાનાં જૂથો પણ વિકસવાં લાગ્યાં. જેમકે માત્ર ઉત્તર પ્રદેશમાં જ રાજભર સમુદાયનું પ્રતિનિધિત્વ કરનારી પાર્ટી, કુર્મી સમુદાયની વાત કરનાર અપના દળ અને નિષાદ સમુદાયનો અવાજ ઉઠાવનાર પાર્ટીનો જન્મ થયો.
આ પક્ષો રાજકારણના મુખ્ય પક્ષો માટે મહત્ત્વપૂર્ણ થવા લાગ્યા.
રાજકારણનું આ વ્હેણ 1990ના દાયકામાં વી પી સિંહની સરકારમાં અન્ય પછાત વર્ગ માટે નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની વાત કરનારા બી પી મંડલ પંચની ભલામણોને લાગુ કરાયા પછી શરૂ થયું હતું.
આ એ સમય હતો કે જ્યારે ભારતીય જનતા પાર્ટી રામ મંદિર અભિયાન પર જોર આપી રહી હતી. તેને કમંડલનું રાજકારણ કહેવાતું હતું.
વી પી સિંહ પછી સત્તામાં રહેલી દરેક સરકારે અનામતનું સમર્થન કર્યું.
ભારતીય જનતા પાર્ટી પણ હિંદુત્વના રાજકારણની ધાર અણીદાર કરતી રહી પણ અનામતના મુદ્દે પાર્ટીનો મત અન્ય પક્ષો જેવો જ હતો.
મુદ્દાની અસર કેમ ના થઈ?

ઇમેજ સ્રોત, ANI
1979માં મોરારજી દેસાઈની સરકારે બી પી મંડલની આગેવાનીમાં એક પંચની રચના કરી હતી. પણ તેની ભલામણોને 10 વર્ષ પછી વી પી સિંહે લાગુ કરી.
કહેવાય છે કે વી પી સિંહે ચૂંટણીઓમાં ઓબીસી મતોને પોતાના તરફ લાવવા માટે આ પંચની ભલામણોને લાગુ કરી.
આ એ સમય હતો કે જ્યારે ભાજપ વી પી સિંહની સરકારને સમર્થન આપવા સાથે રામ મંદિર અભિયાન પર પણ ભાર મૂકી રહ્યો હતો.
નીરજા ચૌધરી પોતાના પુસ્તકમાં લખે છે કે ઓબીસી સમુદાયે તેમના માટે અનામતની ભલામણોને લાગુ કરનારા વી પી સિંહને પોતાના નેતા તરીકે સ્વીકાર્યા નહીં. પણ મતદારોનો જોક પોતાની જ્ઞાતિમાંથી આગળ આવનારા નેતાઓ તરફ વધારે જોવા મળ્યો.
પણ વી પી સિંહના નિર્ણયે દેશમાં એક નવા ઓબીસી નેનૃત્વને ઊભું કરી દીધું. જે આગામી બે દાયકા સુધી દેશના રાજકારણનો મહત્ત્વનો ભાગ રહ્યા.
મુલાયમસિંહ યાદવ, લાલુપ્રસાદ યાદવ, નીતિશ કુમાર, અખિલેશ યાદવ, ઉમા ભારતી, કલ્યાણસિંહ, શિવરાજસિંહ ચૌહાણ, અશોક ગહેલોત અને અન્ય કેટલાય નેતાઓએ ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં સરકાર ચલાવી.
ધીરે ધીરે ભાજપમાં પણ પેઢી બદલાઈ. 2014માં ઓબીસી સમુદાયમાંથી આવનારા નેતા નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા.
હિંદુત્વનું રાજકારણ કરનારી ભારતીય જનતા પાર્ટી આ પછી દરેક ચૂંટણીમાં પ્રગતિ કરતી રહી.
2019માં ફરીથી નરેન્દ્ર મોદીની સરકાર બની અને આ સમયે કેટલાંય રાજ્યોમાં પાર્ટીએ ભારે બહુમત સાથે સત્તા મેળવી.
આ વર્ષે બિહારમાં જ્ઞાતિ આધારિત સર્વેક્ષણના આંકડાઓ જાહેર કરાયા અને આગામી મહિને 22 તારીખે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
બિહારના સર્વેક્ષણમાં સૌથી વધારે 36.1 ટકા વસતી અત્યંત પછાત વર્ગની હોવાનું જણાવાયું છે. ત્યાં કુલ હિન્દુઓની સંખ્યા 82 ટકા છે.
આ પછી કૉંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોએ દેશભરમાં જ્ઞાતિના આધારે ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો.
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ વર્ષે થયેલા સર્વેક્ષણનું સમર્થન કરતા ભારતના જ્ઞાતિ આધારિત આંકડાઓને જાણવાની જરૂર હોવાનું કહ્યું. તેમણે કહ્યું કે કૉંગ્રેસનું પ્રણ છે કે જેટલી વસતી તેટલો હક.
એવો ગણગણાટ શરૂ થયો કે બિહારમાં જ્ઞાતિ આધારિત સર્વેક્ષણના આંકડાઓ સામે આવ્યા પછી ભાજપને ચૂંટણીઓમાં તેનું નુકસાન થઈ શકે છે.
નિષ્ણાતો આને મંડલ વિરુદ્ધ કમંડળનો રાજકીય સમય પરત આવી રહ્યો હોવાની રીતે જોવા લાગ્યા.
જોકે, લોકસભા ચૂંટણીઓની સેમિફાઇનલ ગણાતી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓનાં પરિણામમાં આ મુદ્દાની અસર ના જોવા મળી.
ઊલટાનું પોતાના ચૂંટણીપ્રચારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમ કહ્યું કે દેશમાં માત્ર ચાર જ્ઞાતિ છે – ગરીબ, ખેડૂત, મહિલાઓ અને યુવાનો.
તેમણે કહ્યું કે જ્ઞાતિ આધારિત સર્વેક્ષણથી દેશમાં ભાગલાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આ પછી જ્યારે ભાજપે આ ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રીની પસંદગી કરી તો આ પસંદગીને 2024ની લોકસભા ચૂંટણીઓ અગાઉ વિપક્ષના જ્ઞાતિ આધારિત મુદ્દાને સાધવાના પ્રયાસરૂપે જોવામાં આવી.
શિવરાજસિંહ ચૌહાણ, વસુંદરા રાજે અને રમણસિંહ જેવા દિગ્ગજ નેતાઓને પસંદ કરવાના બદલે પાર્ટીએ મોહન યાદવ, ભજનલાલ શર્મા અને વિષ્ણુદેવ સાયને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા.
જોકે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા કપીશ શ્રીવાસ્તવની નજરમાં મુખ્યમંત્રીઓની પસંદગી પાછળનું કારણ જ્ઞાતિ આધારિત સમીકરણને પાર પાડવાનું નહીં પરંતુ પાર્ટીમાં મોદીને સમર્થન કરનારાઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં લાવવાનું છે.
મધ્ય પ્રદેશની સીમા ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલી છે. આવામાં મોહન યાદવને મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી બનાવવાથી ભાજપ ઉત્તર પ્રદેશ અને બિહારના યાદવોનું વધારે સમર્થન મેળવવામાં સફળ થઈ શકશે?
આ વિશે કપીશ શ્રીવાસ્તવ કહે છે, "ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથને પસંદ કરીને જે રીતે મોદી-શાહની બેલડીએ પોતાના હાથ બાળી લીધા, એને જોતાં આ વખતે ત્રણેય જગ્યાઓ પર પાછલી હરોળમાં રહેલા નેતાઓને આગળ લવાયા છે જેથી 2024 અગાઉ આ ત્રણેય જગ્યાએ તેમની ‘હા’ માં ‘હા’ કરનારાઓ મળી રહે. તેમણે પોતાની સામે નેતૃત્વને બૅકબૅંચર બનાવી દીધું છે."
ભાજપનું રાજકારણ

ઇમેજ સ્રોત, ANI
ઓબીસી ઉત્તર પ્રદેશ અને બિહારના રાજકારણનો મહત્ત્વનો ભાગ રહ્યા છે.
પણ ભારતીય જનતા પાર્ટીએ બિનયાદવ ઓબીસી વચ્ચે એક મજબૂત આધાર બનાવીને સમાજવાદી પાર્ટી અને આરજેડીના યાદવ-મુસ્લિમ કૉમ્બિનેશનને પાછળ રાખી દીધું છે. 2019માં ભારતીય જનતા પાર્ટીના વિજય પાછળ આ વર્ગ મુખ્ય કારણ રહ્યો.
મધ્ય પ્રદેશમાં 50 ટકા ઓબીસી મતદારો છે. મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની જીતમાં ઓબીસી સમુદાયના મતદારોની ભૂમિકા મોટી રહી છે.
પાર્ટીએ અહીં ઓબીસી સમુદાયના મોહન યાદવને જ મુખ્ય મંત્રી બનાવ્યા. પણ સાથે બ્રાહ્મણ રાજેન્દ્ર શુક્લા અને અનુસૂચિત જાતિમાંથી આવે છે.
છત્તીસગઢમાં આદિવાસી વિસ્તારોમાં મળેલી બઢતને ધ્યાનમાં રાખીને પાર્ટીએ આ સમુદાયના વિષ્ણુદેવ સાયને મુખ્ય મંત્રી પદ આપ્યું.
આનો ફાયદો પાર્ટીને ઓડિશા અને ઝારખંડમાં પણ થઈ શકે છે જ્યાં ઓછી સંખ્યામાં આદિવાસીઓ છે અને લોકસભા ચૂંટણીઓ પછી અહીં પણ વિધાનસભા ચૂંટણીઓ થવાની છે.
રાજસ્થાનમાં પણ પાર્ટીએ બ્રાહ્મણ મુખ્ય મંત્રી સાથે રાજપૂત અને દલિત સમુદાયમાંથી આવનારા બે ઉપમુખ્ય મંત્રી પણ નિયુક્ત કરી દીધા છે.
પણ શું આ ચહેરાઓના સહારે ભાજપ યાદવ-મુસ્લિમ સમુદાય વચ્ચે મજબૂત સમર્થન ધરાવતી અને મંડલ પંચનું સમર્થન કરનારી સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળ જેવાં દળોને શું પાછળ છોડી શકેશ?
કપીશ શ્રીવાસ્તવ કહે છે, "બિલકુલ નહીં. જો એમને કોઈ ખરેખર ઓબીસી કે દલિત સમાજ માટે કંઈ કરવું હોત તો તમે માત્ર એક મુખ્ય મંત્રી બેસાડીને આવું ના કરતા. તમે જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરાવતા."
પણ વરિષ્ઠ આરજેડી નેતા શિવાનંદ તિવારી માને છે કે ઓબીસી મુદાય વચ્ચે ભાજપના સતત વધતા જનઆધાર પાછળનું કારણ વડા પ્રધાન આ સમુદાયમાંથી આવે છે તે છે. તેઓ કહે છે કે આનાથી ભાજપને ફાયદો મળી રહ્યો છે.
તેઓ કહે છે, "મંડલ સમર્થક પક્ષો વચ્ચે મતભેદ થયા. આ ભેદભાવને કારણે પછાતો વચ્ચેની એકતા પણ ખતમ થઈ ગઈ. તેને ભારતીય જનતા પાર્ટીએ પોતાની તરફ વાળ્યા. ઉત્તર પ્રદેશમાં, બિહારમાં ઓબીસી મતદારોને ભારતીય જનતા પાર્ટીએ પોતાની તરફ કર્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અન્ય પછાત જ્ઞાતિમાંથી આવે છે અને તેનો લાભ ભારતીય જનતા પાર્ટી લે છે."
શિવાનંદ તિવારી કહે છે કે હિંદુત્વનો અજેન્ડા અને રાષ્ટ્રવાદને ભારતીય જનતા પાર્ટીએ દેશનું નૅરેટિવ બનાવી દીધા છે. જોકે હવે આનો પર્યાય શું એ સવાલ છે.
નેતૃત્વ પરિવર્તનનો ફાયદો?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય જનતા પાર્ટીના મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં જાતિગત સમીકરણોને સાધવાના પ્રયાસોનો ઉલ્લેખ કરતા ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સિસના પ્રોફેસર પુષ્પેન્દ્રકુમાર સિંહ પાર્ટીની બદલાતી નીતિઓને તેની સફળતા માને છે.
તેઓ કહે છે, "મંડલનું રાજકારણ ઓબીસીનું રાજકારણ છે, પહેલાં જે કમંડળનું રાજકારણ હતું તે સવર્ણોનું હતું. પણ ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ મોટું પરિવર્તન થયું છે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ઓબીસ સમુદાયના લોકો છે. ભાજપ તેને ખાસ રીતે આગળ કરે છે. આને કમંડળના રાજકારણ સાથે એડજસ્ટ કરવાનો પ્રયાસ કહે છે. તેનો લાભ તેને હિન્દી વિસ્તારોમાં મળે છે."
"મોદી ઓબીસી સમુદાયમાંથી આવે છે પણ તેઓ ઉચ્ચ વર્ગોમાં પણ લોકપ્રિય છે. કારણ કે ઉચ્ચ જ્ઞાતિઓને જે વસ્તુ સ્પર્શતી હતી તે હિન્દુત્વ હતી. ઓબીસી પાર્ટીની અંદર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પણ મધ્ય પ્રદેશ શિવરાજસિંહ જેવા ઓબીસી નેતા હોવા છતાં હાલમાં જ ઓબીસી મુખ્ય મંત્રી ના પસંદ કરાયા."
આ જ પરિવર્તન વિશે પુષ્પેન્દ્રસિંહ કહે છે, "ભાજપે તેના નેતૃત્વમાં ઘણું પરિવર્તન કર્યું છે. જેના કારણે ઓબીસી સમુદાયમાં તેની લોકપ્રિયતા વધી છે અને તેમની પાસે ઉચ્ચ જ્ઞાતિઓની સ્થાયી મત બૅન્ક છે જ. કુલ મળીને આ એક જીત અપાવનારું મિશ્રણ છે. તેમની 40 થી 50 ટકા મત બૅન્ક તો એમની એમ જ છે."
વિપક્ષ પાસે શું કોઈ તોડ છે?

ઇમેજ સ્રોત, X/DR NIMO YADAV
મધ્ય પ્રદેશ હોય કે રાજસ્થાન કે પછી છત્તીસગઢ. ત્રણેય જગ્યાએ ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હતો. પરંતુ આ રાજ્યોમાં વિપક્ષે ઉઠાવેલો જાતિનો મુદ્દો ફળ્યો નહીં.
શિવાનંદ તિવારી પણ કૉંગ્રેસના વલણમાં રહેલી અસ્પષ્ટતાને આનું કારણ માને છે.
તેઓ કહે છે, "મધ્ય પ્રદેશની ચૂંટણી થઈ. બધાને લાગ્યું કે કૉંગ્રેસ સરળતાથી બહુમતી મેળવી લેશે. પરંતુ કમલનાથ બાગેશ્વર બાબાની આરતી કરી રહ્યા છે."
"આ સૉફ્ટ હિન્દુત્વ શું છે? તમે ચાર્ટર્ડ પ્લેનમાં તેમના સ્થાળ પર ગયા અને આ પછી તમે તેમની આરતી કરી. આવી સ્થિતિમાં તમે ભારતીય જનતા પાર્ટી સાથે કેવી રીતે સ્પર્ધા કરશો? જ્યારે કૉંગ્રેસને મુસ્લિમો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતી પાર્ટી માનવામાં આવતી ત્યારે રાહુલ ગાંધીને જનોઈ પહેરાવી દેવાઈ. તેમનામાં કોઈ બાબતે સ્પષ્ટતા છે જ નહીં."
શું વિપક્ષ પાસે ભાજપના આ વિજયરથને રોકવાની કોઈ ફૉર્મ્યુલા છે?
આના પર કપીશ શ્રીવાસ્તવ કહે છે, "જો કોઈ જીતતું હોય તો એ જીતમાં દરેક સમુદાયનો ફાળો હોય છે. જ્યારે પણ સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બને છે, ત્યારે દરેક સમુદાય મત આપે છે. હા, એ વાત સાચી છે કે 'ઇન્ડિયા'ની રચના પછી જો બધા પક્ષોએ સાથે મળીને આ પાંચ રાજ્યોમાં ચૂંટણી લડી હોત તો આજે પરિણામો અલગ હોત."
પટનાના એ. એન. સિંહા ઇન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ ડિરેક્ટર ડી. એમ. દિવાકર પણ માને છે કે કૉંગ્રેસે બેરોજગારી અને ગરીબી જેવા મૂળભૂત મુદ્દાઓને વળગી રહેવું જોઈએ. આ આગળનો રસ્તો નક્કી કરશે.
તેઓ કહે છે, "રાહુલ ગાંધી પછાત જાતિની રાજનીતિ કરશે તો નહીં ચાલે. જો લાલુપ્રસાદ યાદવ આ જ વાત કહેતા આવ્યા હોત તો તેની અસર પડી હોત. ફરક છે. પછાત જાતિનું રાજકારણ કરવું પડશે અને તમે અખિલેશ યાદવ, લાલુ પ્રસાદ યાદવની વાત ના કરો તો એવું નહીં થાય. લોકો તેમના આઇકોનને શોધે છે અને રાહુલ ગાંધી પછાત જાતિના આઇકોન નથી. તેથી જ મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસનો દાવ ચાલ્યો નહીં."
ભાજપના નેતૃત્વમાં પછાત સમુદાયોની ભાગીદારી વધી છે પરંતુ પક્ષની રાજનીતિ હજુ પણ હિન્દુત્વ આધારિત છે. તો શું એવું માનવું જોઈએ કે ભાજપે મંડલનું રાજકારણ કરનારાઓના હાથમાં કમંડળ મૂકી દીધું છે?
આ અંગે ડી. એન. દિવાકર કહે છે, "અગાઉ પણ ભાજપે દલિતો અને આદિવાસીઓમાં હિન્દુત્વના મુદ્દા પર કામ કર્યું છે. પરંતુ તે મંડલનું રાજકારણ ન હતું તે કમંડળનું વિસ્તરણ છે. આજે પણ ભાજપ કમંડળના રાજકારણનો ઉપયોગ કરી રહ્યો છે. તે તેમને ત્યાં લઈ જાય છે જ્યાં મંડલનું રાજકારણ થાય છે."
તેઓ કહે છે, "ભાજપ મંડલ અને કમંડળનું રાજકારણ નથી કરી રહી પરંતુ મંડલનું કમંડળીકરણનું વિસ્તરણ કરી રહી છે. કમંડળને વિસ્તારવા માટે પાર્ટીએ જે પણ કરવું પડે તે કરે છે."
વિધાનસભા ચૂંટણીનાં પરિણામો ભલે ભાજપ માટે સારાં હોય પરંતુ લોકસભાની ચૂંટણીમાં પણ સ્થિતિ એવી જ રહેશે કે પછી વિપક્ષી ગઠબંધન ભાજપને હરાવવામાં સફળ રહેશે? તે જોવાનું રહ્યું.














