વીસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપ્યું રાજીનામું, આમ આદમી પાર્ટી સામે હવે કેવા પડકારો?

ઇમેજ સ્રોત, BHUPENDRABHAI BHAYANI@FACEBOOK
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
વીસાવદર બેઠક પરથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ બની છે.
જોકે, રાજીનામું આપનાર તેઓ આમ આદમી પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય હોવાથી તેઓ ભાજપમાં જોડાશે તો પણ તેમનું ધારાસભ્યપદ રહી શકે નહીં અને વીસાવદર બેઠક પર પેટાચૂંટણી થશે.
અહીં એ ઉલ્લેખનીય છે કે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પાંચ ઉમેદવારો જીતીને ધારાસભ્ય બન્યા હતા તેમાંના ભૂપત ભાયાણી એક હતા.
તેમના ભાજપમાં જોડાવાની અટકળો તેઓ ધારાસભ્ય બન્યા ત્યારથી સતત ચાલતી હતી, જે અંતે હકીકતમાં પરિવર્તિત થઈ છે.
ભૂપત ભાયાણીએ રાજીનામું આપતાં ગુજરાતમાં પહેલેથી જ ઓછું સંખ્યાબળ ધરાવતા વિપક્ષ માટે પડકારો દિવસેને દિવસે વધી રહ્યા છે.
રાજીનામું આપતાં તેમણે શું કહ્યું?

ઇમેજ સ્રોત, BHUPENDRABHAI BHAYANI@FACEBOOK
વીસાવદરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપવા માટે આજે ભૂપત ભાયાણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને મળ્યા હતા અને તેમને રાજીનામાનો પત્ર સુપ્રત કર્યો હતો.
રાજીનામું આપતા સમયે ભૂપત ભાયાણીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું,"હું રાષ્ટ્રવાદી વિચારધારાનો વ્યક્તિ છું. હું વિકાસનો સમર્થક છું. હું જનતાની સેવા કરવાવાળી વ્યક્તિ છું. આ પ્રકારનું પ્લૅટફૉર્મ મને આમ આદમી પાર્ટીમાંથી મળે તેમ ન હતું. એટલે મેં રાજીનામું આપ્યું છે."
"આમ આદમી પાર્ટી જનતાની, રાષ્ટ્રની સેવા કરવા માટે યોગ્ય પ્લૅટફૉર્મ ન હતું. રાષ્ટ્રીય ટીમ તરફથી ગુજરાતની સ્થાનિક ટીમને એટલો ટેકો મળી રહ્યો ન હતો, એ સંજોગોમાં એક રાષ્ટ્રવાદી વ્યક્તિ તરીકે પક્ષમાં ટકવું અઘરું બની જાય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "હું ભાજપનો કાર્યકર્તા હતો, 22 વર્ષથી મેં ભાજપમાં કામ કર્યું છે અને હવે હું ભાજપમાં જ જોડાવાનો છું."
આમ આદમી પાર્ટીએ આપી આકરી પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, BHUPENDRABHAI BHAYANI@FACEBOOK
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વીસાવદરના ધારાસભ્ય તરીકે ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી હતી.
ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, "છેલ્લા એક વર્ષમાં આમ આદમી પાર્ટીના પાંચેય ધારાસભ્યોએ ઈમાનદારીથી જનતાની સેવા કરી છે. ભૂપતભાઈએ રાજીનામું આપ્યું એ દુ:ખદ છે. ભૂપતભાઈએ એક વર્ષ વીસાવદર માટે કામ કર્યું તેનો હું આભાર માનું છું પરંતુ સાથેસાથે હું વીસાવદરની જનતાની દુ:ખ સાથે માફી પણ માગું છું."
"હું વીસાવદરની જનતાને અપીલ કરું છું કે ન માત્ર વીસાવદરની પેટાચૂંટણીમાં પણ જૂનાગઢ લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને પરચો બતાવે."
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, "ગુજરાતમાં 156 બેઠકો હોવા છતાં ભાજપ કામ કરવા પર ધ્યાન આપી રહ્યો નથી. સતત પાંચેય ધારાસભ્યોને ભાજપ અલગ-અલગ ઑફરો આપીને તોડવાનો પ્રયત્ન કરી રહ્યો છે."
"પાંચેય ધારાસભ્યોનું સતત ભાજપ ટૉર્ચર કરી રહ્યો હતો. ભાજપની એ મનશા છે કે એ વિપક્ષના મજબૂત ધારાસભ્યોને તોડીને તેનું મોં બંધ કરવા માગે છે.”
આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ રાજીનામાં અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, "ભાજપને ગુજરાતમાં 156 બેઠકો મળ્યા બાદ પણ તેમને સંતોષ મળી રહ્યો નથી અને તે એકતરફી તાનાશાહી સ્થપાય એવા પ્રયત્નો કરી રહ્યો છે. ભૂપત ભાયાણી જેવી વ્યક્તિઓ આમાં સામેલ થઈ જનતાનો દ્રોહ કરે છે."
તેમણે વધુમાં કહ્યું હતું કે, "આમ આદમી પાર્ટી તરફથી અમે સંકલ્પબદ્ધ છીએ કે અમે આ લડાઈને છોડવાના નથી. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક લોકોને ભૂતકાળમાં પણ ડરાવીને, ધમકાવીને ભાજપે તોડવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ હું આજે ભાજપને કહેવા માગું છું કે તેમનામાં હિંમત હોય તો મને ધમકાવવાની, તોડવાની કોશિશ કરી જુએ. જ્યાં સુધી અરવિંદ કેજરીવાલના ઓરિજિનલ સૈનિકો છે ત્યાં સુધી તમે આમ આદમી પાર્ટીને ખતમ નહીં કરી શકો."
"ગુજરાતમાં લઠ્ઠાકાંડ, નકલી પીએસઆઈ, નકલી કચેરીઓ જેવી વાતો સામે આવી રહી છે ત્યારે ભાજપને સારું કામ કરવું નથી પણ વિપક્ષોને તોડવાનું કામ કરવું છે. પણ અમે મેદાન છોડીને ક્યાંય જવાના નથી. અમે અમારા લક્ષ્ય સુધી પહોંચીને રહીશું."
આમ આદમી પાર્ટી માટે કેટલો મોટો પડકાર?

ઇમેજ સ્રોત, Getty Images
વરિષ્ઠ પત્રકાર અને સૌરાષ્ટ્ર્રના રાજકારણના વિશ્લેષક જગદીશ આચાર્ય બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "આમ આદમી પાર્ટીને તો આનાથી ચોક્કસ મોટું નુકસાન થવાનું એ વાત તો સ્પષ્ટ છે કારણ કે સૌરાષ્ટ્રમાંથી તેના ચાર ધારાસભ્યો ચૂંટાયા હતા તેમાંથી ભૂપત ભાયાણી એક હતા."
"એકંદરે એવી સ્થિતિ સર્જાઈ રહી છે કે વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ આમ આદમી પાર્ટી જાણે કે ગુજરાતમાં માત્ર કાગળ પર રહી ગઈ છે. વિધાનસભાની ચૂંટણી વખતે આમ આદમી પાર્ટી માટે ઊભો થયેલો હાઇપ હવે ઓછો થઈ ગયો છે."
"આવી ઘટનાઓથી આમ આદમી પાર્ટીના કાર્યકરોનો જુસ્સો નબળો પડી જાય છે. ગ્રામીણ સ્તરે આમ આદમી પાર્ટીની હાજરી આવા ચહેરાઓને કારણે હતી, જેમાં પણ નુકસાન થઈ રહ્યું છે. વિપક્ષ કરતાં પણ મૂળભૂત રીતે આમ આદમી પાર્ટીને વધુ નુકસાન થશે."
તેઓ સમજાવતાં કહે છે કે, "હાલમાં ચૂંટણી પૂરી થયા બાદ આમ આદમી પાર્ટી સમાચારોમાં પણ દેખાતી નથી કે તેમના નેતાઓ કે કાર્યકર્તાઓ કોઈ પ્રદર્શનો પણ કરી રહ્યા નથી."
"ત્રીજા પક્ષ તરીકે ઊભરી આવવાની તેમની ઇચ્છાઓ પર પાણી ફરતું દેખાય છે. બીજાં રાજ્યોમાં જેવી તેમની સ્થિતિ છે એવી જ સ્થિતિ ગુજરાતમાં પણ થતી દેખાય છે."
"ગુજરાતના રાજકારણની વાત કરીએ તો હાલમાં એવી પરિસ્થિતિ સર્જાયેલી છે કે જેમાં કૉંગ્રેસ પાસે હવે એવા નેતાઓ બચ્યા જ નથી કે જેને ભાજપ ખેંચી શકે."
"ભાજપને હવે કૉંગ્રેસના નેતાઓ તોડવાની જરૂર પણ લાગતી નથી. આવી પરિસ્થિતિમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ માટે જે એકાદ-બે બેઠકો પર પડકાર ઊભો થતો હોય ત્યાંના નેતાને, જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખીને તે ભાજપમાં લાવવાનો પ્રયત્ન કરે છે."
પહેલેથી જ ભાજપમાં જવાના સંકેત

ઇમેજ સ્રોત, FB@BHUPENDRABHAI BHAYANI/AAM AADMI PARTY GUJARAT
આમ આદમી પાર્ટીની ટિકિટ પર વીસાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ગત વર્ષે ચૂંટાયા બાદ તરત જ 11 ડિસેમ્બર,2022ના રોજ ગાંધીનગરની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેઓ ભાજપમાં સામેલ થઈ રહ્યા હોવાની વાતો વહેતી થઈ હતી.
ભાયાણીએ તે સમયે સ્થાનિક પત્રકારો સાથેની વાતચીતમાં તેમના ભાજપમાં સામેલ થવાની વાતોને 'અફવા' ગણાવી હતી. પરંતુ આ વાતચીતમાં તેમણે પોતે 'ભાજપના પરિવારના સભ્ય' હોવાનું, 'વડા પ્રધાન મોદી માટે ગૌરવ અનુભવતા' હોવાનું અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી સાથે 'અંગત સંબંધો' હોવાની વાત સ્વીકારી, ભાજપ પ્રત્યે 'ઝોક'ના સ્પષ્ટ સંકેત આપ્યા હતા.
ત્યાર બાદ તેઓ તેમના મતવિસ્તારમાં પણ ગયા હતા જ્યાં લોકોએ તેમનો ભારે વિરોધ કર્યો હતો અને તેમને આમ આદમી પાર્ટીમાં જ રહેવા હાકલ કરી હતી. લોકવિરોધના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.
એ સમયે તેમણે કહ્યું હતું કે,"મારે આમ આદમી પાર્ટી સાથે કોઈ અણબનાવ નથી. હું મારા કાર્યકરો અને મારા મતવિસ્તારની જનતા સાથે વાત કરીને આગળનો નિર્ણય કરીશ."
"હજુ સુધી મેં ભાજપમાં સામેલ થવાનું નથી વિચાર્યું. પરંતુ હું મારા મતવિસ્તારના ખેડૂતો માટે કામ કરી શકું તેને કેન્દ્રમાં રાખીને આગળનો નિર્ણય કરીશ."
ત્યારબાદ એક વર્ષ સુધી તેમની ભાજપમાં જોડાવાની અટકળો સતત સમાચારોમાં ચાલતી હતી પરંતુ તેઓ ભાજપમાં જોડાયા ન હતા.
ભૂપત ભાયાણીની કારકિર્દી પર નજર

ઇમેજ સ્રોત, Getty Images
મૂળ ભેંસાણના રહેવાસી અને વીસાવદરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ભૂપત ભાયાણી એક ખેડૂત પરિવારમાંથી આવે છે.
બીબીસી ગુજરાતીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેઓ જણાવે છે કે તેમણે દસ ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ રત્નકલાકાર તરીકે હીરા ઘસવાનું કામ શરૂ કર્યું હતું અને તેમના પરિવારની સ્થિતિ ખૂબ સાધારણ હતી.
જાહેરજીવનમાં તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ભેંસાણના સરપંચ તરીકે કરી હતી. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બંનેમાં ચૂંટાઈને તેમણે એક-એક ટર્મ કામ કર્યું છે. ત્યાર બાદ તેઓ ફરી એકવાર સરપંચ બન્યા હતા.
જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્ય તરીકે તથા એ સિવાય તેમનો ભાજપ સાથે કુલ બે દાયકા જૂનો સંબંધ રહ્યો છે.
2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં તેઓ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આમ આદમી પાર્ટીએ તેમને વીસાવદર બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડવા માટે ટિકિટ આપી હતી.
જોકે, અમુક મીડિયા અહેવાલો પ્રમાણે ભાજપે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ પણ કર્યા હતા. પરંતુ ભૂપત ભાયાણી આ આરોપોને નકારતા રહ્યા છે.
2022ની વિધાનસભા ચૂંટણીમાં વીસાવદર બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડી રહેલા ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડીયાને 7063 મતે હરાવીને જીત મેળવી હતી. તેમને આ બેઠક પર 45.18 ટકા મતો મળ્યા હતા.












