ભાજપ આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ મિટાવી દેવા માગે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દીપક મંડલ
- પદ, બીબીસી સંવાદદાતા
દિલ્હી સરકારની જૂની ઍક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ કેસમાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાની જામીન અરજી રદ થવાની સાથે જ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને પણ ઍન્ફોર્મસમેન્ટ ડિરોક્ટોરેટે (પ્રવર્તન નિદેશાલય) સમન પાઠવ્યું છે.
તેમને પણ દિલ્હી સરકારની જૂની ઍક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા મામલામાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તેમણે બીજી નવેમ્બરે ઈડી સામે હાજર થવાનું છે.
આમ આદમી પાર્ટીના નેતા અને મંત્રી આતિશીએ આશંકા વ્યક્ત કરી છે કે તેમની ધરપકડ થઈ શકે છે.
દરમિયાન પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજનું કહેવું છે કે કેન્દ્ર સરકાર આમ આદમી પાર્ટીને ખતમ કરવા માગે છે.
કેન્દ્ર સરકારની એજન્સીઓ છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી પર પ્રહારો કરી રહી છે.
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારના ત્રણ મંત્રીઓ સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા અને સંજય સિંહની દિલ્હી લિકર પૉલિસી સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
હવે જ્યારે ઈડીએ દિલ્હી સરકારની જૂની ઍક્સાઇઝ પૉલિસી સાથે સંબંધિત પૂછપરછ માટે મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને સમન મોકલાવ્યાં છે, એવી આશંકા છે કે તેમની પણ ધરપકડ કરવામાં આવી શકે છે.
આમ આદમી પાર્ટી માને છે કે તે એકમાત્ર એવી પાર્ટી છે જે નરેન્દ્ર મોદીની ભાજપને સખત પડકાર આપવાની સ્થિતિમાં છે. તેથી તેને હેરાન કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમ આદમી પાર્ટીના અસ્તિત્વને ભાજપથી કેટલું જોખમ?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આમ આદમી પાર્ટીના નેતાઓનો આરોપ છે કે ભાજપ અરવિંદ કેજરીવાલની રાજકીય રીતે હત્યા કરવા માગે છે. ભાજપ આમ આદમી પાર્ટીને ખતમ કરવા માગે છે.
આમ આદમી પાર્ટીના આ આરોપમાં કેટલો દમ છે? શું ભાજપ એવી પરિસ્થિતિ ઊભી કરવા માગે છે કે જેના કારણે એક રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ જોખમમાં આવી શકે?
વરિષ્ઠ પત્રકાર શરદ ગુપ્તા કહે છે, "કોર્ટે વારંવાર સવાલ કર્યો છે કે દિલ્હી ઍક્સાઇઝ પૉલિસી સંબંધિત કેસમાં 'મની ટ્રેઇલ'ના પુરાવા ક્યાં છે? પરંતુ હજુ સુધી સીબીઆઈ કે ઈડી કોઈ 'મની ટ્રેલ' રજૂ કરી શકી છે?"
"જ્યારે અદાલતો પણ કહી રહી છે કે તપાસ એજન્સીઓ આમ આદમી પાર્ટીના ધરપકડ કરાયેલા નેતાઓ સામે નક્કર પુરાવા રજૂ કરી શકતી નથી, તો પછી તપાસને કેમ લંબાવામાં આવી રહી છે? કેમ વારંવાર જામીનમાં અડચણો ઊભી કરવામાં આવી રહી છે? તેમ છતાં ઈડીના સમન્સનો અર્થ સમજી શકાય છે."
આશંકા છે કે અરવિંદ કેજરીવાલને બીજી નવેમ્બરે પૂછપરછ બાદ કસ્ટડીમાં લેવામાં આવશે તો પાર્ટી માટે મોટો ખતરો ઊભો થશે. કારણ કે પાર્ટીના લગભગ તમામ મોટા નેતાઓ હાલ જેલમાં છે.
શરદ ગુપ્તા કહે છે, "આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી સમક્ષ વિકલ્પો મર્યાદિત થઈ જશે. આવી સ્થિતિમાં પાર્ટીનું ભવિષ્ય ડામાડોળ થઈ થશે."
શું ભાજપ આમ આદમી પાર્ટી સામે એટલે આક્રમક છે કારણ કે તે તેને સૌથી મોટા હરીફ તરીકે જુએ છે?
શરદ ગુપ્તા કહે છે, "મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આમ આદમી પાર્ટી તેના ઉમેદવારો ઊભા કરીને ભાજપને મદદ કરી રહી છે. જ્યારે અહીં તેમની પાસે કોઈ જનાધાર નથી. આપે ગુજરાતમાં પણ આવું જ કર્યું હતું. સ્પષ્ટ છે કે આનાથી કૉંગ્રેસના મતો કપાશે. આનાથી ભાજપને જ મદદ મળશે. પરંતુ તકલીફ એ છે કે ભાજપને મદદ કરવા છતાં આમ આદમી પાર્ટીને તેનો ફટકો પડી રહ્યો છે."
આમ આદમી પાર્ટી ભાજપ માટે ખરેખર એક મોટો ખતરો છે?

ઇમેજ સ્રોત, REUTERS
તો પછી શું કારણ છે કે ભાજપ માટે મોટો ખતરો ન હોવા છતાં આમ આદમી પાર્ટી પર ભાજપ પ્રહારો કરે છે?
શરદ ગુપ્તા કહે છે, "ભાજપ એક સફળ રાજકીય પક્ષ છે અને સફળ રાજકીય પક્ષની નિશાની એ છે કે તે પોતાના વિરોધ પક્ષોને ખીલવાની થોડી તક પણ નથી આપતો. ભાજપ આ જ કરી રહ્યો છે. તે પોતાના વિરોધીઓને કચડી નાખવામાં અત્યંત નિર્દય છે."
શરદ ગુપ્તા કહે છે, "મોદી અને અમિત શાહની ટીકા કરનારાઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમના નાણાકીય વ્યવહારો સ્વચ્છ હોય. પરંતુ સમસ્યા એ છે કે આમ આદમી પાર્ટીની સરકારમાં શરાબનીતિમાં ગરબડ થઈ છે અને આવી સ્થિતિમાં મોદી સરકાર આમ આદમી પાર્ટીને છોડી તો ના જ દે."
શરદ ગુપ્તાનું કહેવું છે કે આમ આદમી પાર્ટીનો દાવો છે કે તેણે જે શરાબનીતિ બનાવી હતી તેનું જ હરિયાણામાં પાલન થઈ રહ્યું છે. પરંતુ મોદી સરકાર તેમને નિશાન બનાવી રહી છે. જો આવું હોય તો આમ આદમી તેને કેમ ઉજાગર નથી કરતી? મોદી સરકાર કેજરીવાલ સરકારને નિશાન બનાવી રહી છે ફક્ત એટલું કહીને તો કામ નહીં ચાલે.
આમ આદમી પાર્ટીના આરોપોમાં કેટલો દમ?

ઇમેજ સ્રોત, ANI
આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજના આરોપમાં કેટલું તથ્ય છે કે ઈડીએ અરવિંદ કેજરીવાલને પાઠવેલું સમન એ પાર્ટીને ખતમ કરવાનું કાવતરું છે?
આમ આદમી પાર્ટીને લાંબા સમય સુધી કવર કરનારા પત્રકાર કૃષ્ણમોહન શર્માએ આ સવાલના જવાબમાં કહ્યું કે આમ આદમી પાર્ટી સામેના ખતરાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
કૃષ્ણ મોહન શર્મા કહે છે, "સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા અને સંજય સિંહ જેવા પાર્ટીના મોટા નેતાઓ જેલમાં છે. એવામાં પાર્ટીના સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીના સમનને કારણે આમ આદમી પાર્ટીના હાંસિયામાં ધકેલાઈ જવાનું જોખમ વધી ગયું છે."
તેમનું કહેવું છે કે, "સૂત્રો અનુસાર, ઈડી પાસે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ એટલા પુરાવા છે કે તેમની ધરપકડ કરી શકાય છે. જો તેમની ધરપકડ થશે તો આમ આદમી પાર્ટીની કમર ભાંગી જશે. તેમની જગ્યાએ કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલ, સૌરભ ભારદ્વાજ અથવા આતિષીને મુખ્ય મંત્રી બનાવી શકાય છે પરંતુ તેનાથી કોઈ ફાયદો થશે નહીં."
તેમનું કહેવું છે કે, "અરવિંદની ધરપકડ આમ આદમી પાર્ટીને ભારે મુશ્કેલીમાં મૂકી શકે છે. આમાંથી કોઈ પણ વ્યક્તિમાં દિલ્હીનું નેતૃત્વ કરવાની ક્ષમતા નથી. આવી સ્થિતિમાં, એવું માની લેવું જોઈએ કે અરવિંદ કેજરીવાલની ધરપકડ સાથે આમ આદમી પાર્ટી તેના પતન તરફ આગળ વધી શકે છે."
શું ભાજપ આમ આદમી પાર્ટી સામે વધુ આક્રમક છે કારણ કે તે તેને પોતાના માટે સૌથી મોટો ખતરો માને છે?
કૃષ્ણ મોહન શર્મા કહે છે,"એવી વાત નથી. દિલ્હીની તમામ સાત સંસદ બેઠકો ભાજપ પાસે છે. મહાનગરપાલિકામાં પણ તેની 104 બેઠકો છે. જ્યારે અગાઉ આટલી બેઠકો મળવાની અપેક્ષા નહોતી. ભાજપ એક મજબૂત પક્ષ છે. તેથી તેમના માટે આમ આદમી પાર્ટી સૌથી મોટો પડકાર નથી."
આક્રમક વલણ અપનાવવાની કિંમત ચૂકવી રહી છે આમ આદમી પાર્ટી?
શું ભાજપ આમ આદમી પાર્ટીને એટલે નિશાન બનાવે છે કારણ કે તે મોદી સરકાર વિરુદ્ધ ખૂબ અવાજ ઉઠાવે છે? અને તે મોદી અને અમિત શાહ જેવા મોટા નેતાઓ પર ખૂબ જ આક્રમક રીતે આરોપ લગાવે છે?
કૃષ્ણ મોહન શર્મા કહે છે, "આમ આદમી પાર્ટી દરેકને ભ્રષ્ટ કહેતી રહી છે. જેમાં રાહુલ ગાંધી, શીલા દીક્ષિત, સોનિયા ગાંધી, અદાણી અને અંબાણીનો સમાવેશ થાય છે. પરંતુ તેની પાસે ક્યારેય તેમની સામે કોઈ પુરાવા નહોતા."
"હવે એ જ આમ આદમી પાર્ટી કહી રહી છે કે તેના નેતાઓને કોઈપણ પુરાવા વગર જેલમાં ધકેલી દેવામાં આવી રહ્યા છે. પરંતુ એ વાત પણ સાચી છે કે જો આ નેતાઓ સામે કોઈ પુરાવા ન હોત તો આ કેસ કોર્ટમાં આટલા લાંબા સમય સુધી કેવી રીતે ચાલ્યા?"
શર્મા કહે છે, "સુપ્રીમ કોર્ટે પણ મની ટ્રેલની વાત કરી છે. શક્ય છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ કોઈ ષડયંત્ર હોય પરંતુ ષડયંત્ર એટલી હદે ના હોઈ શકે કે સાદા કાગળ પર દરેકને આરોપી બનાવીને જેલમાં મોકલી દેવાય."
શરદ ગુપ્તાનું કહે છે કે આમ આદમી પાર્ટી કહી રહી છે કે તેના નેતાઓને ખોટા અને બનાવટી કેસોમાં ફસાવવામાં આવી રહ્યા છે. પરંતુ આવું જ કામ તે પંજાબમાં કરી રહી છે. અહીં તે કૉંગ્રેસના નેતાઓને ખોટા કેસમાં ફસાવી રહી છે. આનો અર્થ એ છે કે આમ આદમી પાર્ટી કાચના ઘરમાં બેસીને બીજા પર પથ્થર ફેંકે છે.
આખો મામલો શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હી સરકારની શરાબનીતિ મામલે સીબીઆઈએ આ વર્ષે એપ્રિલમાં કેજરીવાલની પૂછપરછ કરી હતી.
જોકે, સીબીઆઈએ એફઆઈઆરમાં કેજરીવાલને આરોપી નહોતા બનાવ્યા.
હવે આ કેસમાં ઈડીએ કેજરીવાલને આ મામલે સમન્સ પાઠવ્યાં છે. આ કેસમાં પૂર્વ ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયા અને સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે.
સોમવારે સુપ્રીમ કોર્ટે આ કેસમાં સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી.
ઈડીએ કેજરીવાલને મોકલેલાં સમન્સમાં કહેવાયું છે કે આ કેસમાં 338 કરોડ રૂપિયાની 'મની ટ્રેલ'ના પુરાવા છે.














