આઝાદી પહેલાં કાઉન્સિલ હાઉસથી સ્વતંત્ર ભારતના સંસદભવન સુધી, શું છે 95 વર્ષ જૂની ભવ્ય ઇમારતનો ઇતિહાસ

ભારતની સંસદનું જૂનું ભવન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સંસદનું વિશેષ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે જે શુક્રવાર 22 સપ્ટેમ્બર સુધી ચાલશે.

વિશેષ સત્રના પ્રથમ દિવસની બેઠક સંસદની જૂની ઇમારતમાં થશે.

પત્રકારો સાથે વાત કરતા સંસદીય બાબતોના મંત્રી પ્રહ્લાદ જોષીએ કહ્યું કે પ્રથમ દિવસે સંવિધાન સભાથી લઈને સંસદના 75 વર્ષની યાત્રા, ઉપલબ્ધીઓ, અનુભવ અને અમે શું શીખ્યું તેના પર ચર્ચા થશે.

બીજા દિવસે 19 સપ્ટેમ્બર, મંગળવારના જૂની સંસદમાં એક ફોટો સેશન થશે અને ત્યાર બાદ 11 વાગ્યે સવારે સેન્ટ્રલ હૉલમાં એક કાર્યક્રમનું આયોજન થશે.

પ્રહ્લાદ જોશી અનુસાર, "19 સપ્ટેમ્બરના જ સંસદના નવા ભવનમાં પ્રથમ સંસદ સત્ર શરૂ થસે અને સામાન્ય સરકારી કામકાજ 20 સપ્ટેમ્બરના શરૂ થશે."

નવી સંસદનું વડા પ્રધાન મોદીએ 28 મેના ઉદ્ઘાટન કર્યું હતું પરંતુ મૉનસૂન સત્ર સંસદની જૂની ઇમારતમાં જ થયું હતું. નવી સંસદને 970 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. આ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો ભાગ છે.

ભારતની આઝાદી બાદ કેવી રીતે સંસદ મળી અને તેના ઇતિહાસ વિશે.

બીબીસી ગુજરાતી

સંસ્થાન, સરકાર અને સત્તા

દિલ્હી પહેલાં કોલકત્તા દેશની રાજધાની હતું, 1930 આસપાસની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ભારત સ્વતંત્ર થયું તે પહેલાં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન પણ જનતાને પ્રતિનિધિત્વ મળે અને તેઓ પોતાના કાયદા ઘડે તે માટે પ્રયાસ થયા હતા, જોકે આ પ્રક્રિયા ધીમી અને ખૂબ જ અડચણો ભરેલી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાજ્યસભાના પૂર્વ સેક્રેટરી જનરલ ડૉ. યોગેન્દ્ર નારાયણે 'ઇન્ટ્રૉડક્શન ટુ પાર્લામૅન્ટ ઑફ ઇન્ડિયા' નામથી પુસ્તક લખ્યું છે, જેમાં તેઓ આ વિશે લખે છે (પેજનંબર 2) :

'ઇન્ડિયન કાઉન્સિલ્સ ઍક્ટ -1861'માં ગવર્નર જનરલની ઍક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં વધારાના બિન-સરકારી સભ્યોને સામેલ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ આ દિશામાં કોઈ નક્કર વ્યવસ્થા પ્રસ્થાપિત થઈ શકી ન હતી. વર્ષ 1892માં આ દિશામાં વધુ એક કાયદાકીય જોગવાઈ કરવામાં આવી હતી.

જોકે, 'ઇન્ડિયન કાઉન્સિલ ઍક્ટ - 1909' દ્વારા લાવવામાં આવેલા સુધાર એ આ દિશામાં થયેલા પ્રથમ ગંભીર પ્રયાસ હતા. જે 'મૉરલે-મિન્ટો સુધાર' તરીકે પણ ઓળખાય છે.

1911 સુધી દિલ્હી નહીં, પરંતુ કલકત્તા (હાલનું કોલકાતા) બ્રિટિશ ભારતની રાજધાની હતી. વર્ષ 1912માં ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને વ્યૂહાત્મક સ્થાનને જોતાં તત્કાલીન પંજાબમાંથી દિલ્હીને કંડારવામાં આવ્યું હતું.

દિલ્હી વિધાનસભાની વેબસાઇટ ઉપર આપવામાં આવેલી વિગતો પ્રમાણે, તા. 27 જાન્યુઆરી 1913ના દિવસે દિલ્હી સરકારના જૂના સચિવાલય ખાતે લૅજિસ્લેટિવ કાઉન્સિલની પ્રથમ બેઠક મળી હતી. ઈ. મૉન્ટેગ થૉમસ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી આ ઇમારતનું નિર્માણકાર્ય વર્ષ 1912માં પૂર્ણ થયું હતું.

ડૉ. નારાયણ તેમના પુસ્તક (એજન, પૃષ્ઠક્રમાંક 2-3) વર્ષ 1919નો 'ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍક્ટ' ભારતના સંસદીય ઇતિહાસમાં નોંધપાત્ર મુકામ હતું. તેમાં પ્રથમવખત દ્વિસદન પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. જેનો હેતુ પ્રાંતોમાં પણ સરકારોનું ગઠન કરવાનો હતો.

જોકે, ઉપરોક્ત કાયદાનો અસરકારક અમલ થઈ શક્યો ન હતો અને તે પ્રજાની આકાંક્ષાઓને સંતોષવામાં નિષ્ફળ રહ્યો હતો. 1935માંં અમલમાં આવેલા 'ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍક્ટ-1935'ના સંઘીય અને પ્રાદેશિક સ્વાયત્તતાની જોગવાઈ કરવામાં આવી હતી.

1947માં દેશની સ્વતંત્રતા પછી આ બ્રિટિશ સરકાર પરથી ભારતીય સંસદની જવાબદારી ખસેડીને પ્રાંતીય ગવર્નરોને બંધારણીય વડા બનાવવામાં આવ્યા. સંસદભવનના સેન્ટ્રલ હૉલમાં બેસીને ભારતના બંધારણના ઘડવૈયાઓએ બંધારણનું ઘડતર કર્યું હતું. 1952માં પ્રથમ ચૂંટણી ન યોજાઈ, ત્યારસુધી તે અસ્તિત્વમાં રહી.

બંધારણમાં લોકસભા અને રાજ્યસભાની જોગવાઈ કરવામાં આવી છે. લોકસભાના સંસદસભ્યોને મતદારો ચૂંટીને મોકલે છે, જ્યારે રાજ્યસભાના સંસદસભ્યોને રાજ્યોની વિધાનસભાના ધારાસભ્યો મતદાન કરે છે.

લોકસભા ભંગ ન થાય તો પણ દર પાંચ વર્ષે તેનું પુનર્ગઠન કરવામાં આવે છે. જ્યારે રાજ્યસભા ક્યારેય ભંગ નથી થતી. તેના સભ્યોનો કાર્યકાળ છ વર્ષનો હોય છે, જેમાં દર બે વર્ષે સભ્યો નિવૃત્ત થાય છે.

બીબીસી ગુજરાતી

નવી રાજધાની, જૂનું સંસદભવન

સત્તાના હસ્તાંતરણ સમયનું પેઇન્ટિંગ

ઇમેજ સ્રોત, Rajya Sabha

નવી દિલ્હી ખાતે નવી રાજધાની ખસેડવામાં આવી ત્યારે અનેક નવી ઇમારતોની જરૂર ઊભી થઈ. જેમ કે, ગવર્નર જનરલનું નિવાસસ્થાન (હાલનું રાષ્ટ્રપતિભવન), સૈન્ય અધિકારીઓના ભવ્ય નિવાસસ્થાન, સરકારી કચેરીઓના સમાવેશ માટે નૉર્થ બ્લૉક અને સાઉથ બ્લૉક.

આ કામગીરી સર ઍડવિન લુટિયન્સ નામના અંગ્રેજ આર્કિટેક્ટે હાથ ધરી હતી. એટલે જ આ વિસ્તાર આજે 'લુટિયન્સ દિલ્હી' તરીકે ઓળખાય છે. જ્યાં અંગ્રેજ સમયના બંગલાઓ આવેલા છે, જે મંત્રીઓ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો, વરિષ્ઠ સંસદસભ્યો, ઉચ્ચ સરકારી અધિકારીઓને ફાળવવામાં આવે છે.

નિર્માણકાર્ય ચાલુ હતું એ અરસામાં પ્રથમ વિશ્વયુદ્ધ (જુલાઈ-1914થી નવેમ્બર-1918) ફાટી નીકળ્યું હતું, જેના કારણે તત્કાલીન બ્રિટિશ સરકારે તેના સંશાધનોને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા અને કામગીરી ધીમી પડી ગઈ હતી.

કેન્દ્ર સરકારની સેન્ટ્રલવિસ્ટા વેબસાઇટ પર આપવામાં આવેલી વિગત પ્રમાણે, વર્તમાન સંસદભવનના ડિઝાઇનિંગનું કામ હર્બટ બેકરે હાથ ધર્યું હતું. તેમાં સર લુટિયન્સે પણ પ્રદાન આપ્યું હતું.

12 ફેબ્રુઆરી 1921ના રોજ કનૉટના ડ્યૂક તથા ભારતના તત્કાલીન ગવર્નરે તત્કાલીન 'કાઉન્સિલ હાઉસ'નું ખાતમુહૂર્ત કર્યું હતું.

મધ્ય પ્રદેશના મૌરેના ખાતે આવેલા 64 યોગીની મંદિરથી પ્રભાવિત છે, જોકે આને માટે કોઈ સરકારી પુરાવા નથી. જ્યારે નિર્માણકાર્ય ચરમ પર હતું ત્યારે બે હજાર 500 શિલ્પકાર અને કડિયાકામ કરનાર કામે લાગ્યા હતા.

લોકસભાના પૂર્વ સેક્રેટરી-જનરલ ટી.કે. વિશ્વનાથન સંપાદિત 'ધ ઇન્ડિયન પાર્લામેન્ટ'માં (પૃષ્ઠક્રમાંક 68-73)માં ઇમારત અને તેના બાંધકામ વિશે પ્રકાશ પાડે છે.

18 જાન્યુઆરી 1927 તત્કાલીન ગવર્નર-જનરલ લૉર્ડ ઇરવિને તેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઇમારતના નિર્માણ પાછળ એ સમયે રૂ. 83 લાખનો ખર્ચ થયો હતો.

સંસદભવનનો વ્યાસ 560 ફૂટનો છે. તે લગભગ છ એકરમાં ફેલાયેલું છે. 27 ફૂટ ઊંચા 144 સ્તંભ તેને આગવો આકાર આપે છે. તેમાં દિવાલ અને બારી પર છજ્જા અને માર્બલમાં જાળી જેવી ભારતીય નિર્માણ શૈલીના તત્ત્વો પણ જોવા મળે છે.

બીબીસી ગુજરાતી

સ્વતંત્રતા પછી સંસદસભવન

નવા અને જૂના સંસદભવનનો તુલનાત્મક અભ્યાસ

ઇમેજ સ્રોત, Government of India

સંસદભવન પરિસરમાં મુખ્ય ત્રણ ઇમારતો છે. સંસદ ભવન, સંસદીય જ્ઞાનપીઠ (લાઇબ્રેરી) અને સંસદીય સુધા (એનેક્સ). સંસદીય ઇમારતમાં જરૂર પ્રમાણે, વધારાના સુધાર થતા રહ્યા છે.

વર્ષ 1956માં બહારની ઇમારતના વધારાના બે માળનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેથી કરીને પ્રેસ, મંત્રીઓની ચૅમ્બરો, પક્ષોના કાર્યાલયો, સ્પીકર, ડેપ્યુટી સ્પીકર, સહિતના પદાધિકારીઓનો સમાવેશ થઈ શકે. લોકસભા અને રાજ્યસભાના સચિવાલયો માટે પણ મૂળ ઇમારતમાં વ્યવસ્થા ન હતી.

લોકસભા અર્ધવર્તુળાકારની છે અને તેમાં લીલારંગની કાર્પેટ પાથરવામાં આવી છે. તેમાં 545 સંસદસભ્યોની બેઠકવ્યવસ્થા કરવામાં આવી છે.

રાજ્યસભામાં 245 સંસદસભ્યોની બેઠકવ્યવસ્થા કરવામાં આવી છે. બંને સંસદોમાં ગૃહના વડાની જમણીબાજુએ શાસકપક્ષ તથા ડાબી બાજુએ વિપક્ષ બેસે છે.

સંસદીય સુધાને સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના મુખ્ય આર્કિટેક્ટ જે.એમ. બેન્જામીન તથા સિનિયર આર્કિટેક્ટ કે.આર. જાનીએ ડિઝાઇન કર્યું છે.

ઑગસ્ટ 1970માં તત્કાલીન રાષ્ટ્રપતિ વીવી ગિરિએ તેનું શિલારોપણ કર્યું હતું અને ઑક્ટોબર-1975માં તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું.

200 કરોડના ખર્ચે તૈયાર થયેલી પાર્લામેન્ટ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત વર્ષ 1987માં તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ કર્યું હતું.

1994માં તત્કાલીન સ્પીકર શિવરાજ પાટીલે તેનું ભૂમિપૂજન કર્યું હતું. જ્યારે મે-2002માં તત્કાલીન રાષ્ટ્રપતિ કે.આર. નારાયણે તેને ખુલ્લું મૂક્યું હતું. તેની ડિઝાઇન વિખ્યાત આર્કિટેક્ટ રાજ રેવલે તૈયાર કરી છે.

સંસદમાં પ્રવેશવા માટે 12 દરવાજા છે, પરંતુ અવરજવર માટેનો મુખ્ય દરવાજો ગેટ નંબર એક છે. જે સંસદ માર્ગ પર પડે છે.

સરકારે વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 'રેસકોર્સ રોડ'નું નામ બદલીને 'લોકકલ્યાણ માર્ગ' કર્યું છે અને 'રાજપથ'નું નામ બદલીને 'કર્તવ્યપથ' કર્યું છે.

બીબીસી ગુજરાતી

વિવાદનું 'સેન્ટ્રલ' વિસ્ટા

રાષ્ટ્રીય ચિહ્નના સિંહોની મુદ્રા

ઇમેજ સ્રોત, Twitter/alok_bhatt

વર્ષ 2009માં સંસદીય સુધાને વિસ્તારવા માટે નવી ઇમારત ઊભી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એ પછી વર્ષ 2012માં તત્કાલીન સ્પીકર મીરા કુમાર દ્વારા આ મુદ્દે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું.

નવી સંસદ તથા સેન્ટ્રલ વિસ્ટાને ડિઝાઇન કરતી વેળાએ વર્તમાન તથા ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સેન્ટ્રલ વિસ્ટાની સત્તાવાર વેબસાઇટ ઉપર નવા સંસદભવનની જરૂરિયાત ઉપર ભાર મૂકતા કેટલાક તર્ક આપવામાં આવ્યા છે. જે મુજબ, વર્ષ 2026 પછી દેશમાં લોકસભા અને રાજ્યસભાની બેઠકસંખ્યા વધવા પરનો નિષેધ ઊઠી જશે. ત્યારે લોકસભા અને રાજ્યસભામાં વધારાના સંસદસભ્યોની બેઠકવ્યવસ્થા કરવાની રહેશે.

વર્તમાન સેન્ટ્રલ હૉલમાં 440 સભ્યોને બેસવાની વ્યવસ્થા છે. એટલે સંયુક્ત સંસદીયસત્રો સમયે મુશ્કેલી વધી જાય છે. વળી તે સલામતી માટે પણ જોખમ ઊભું કરે છે.

નવી લોકસભામાં 888 તથા રાજ્યસભામાં 384 સંસસદભ્ય સભ્યની બેઠકવ્યવસ્થા હશે, જ્યારે લોકસભામાં એક હજાર 272 સંસદસભ્ય બેસી શકશે.

વર્તમાન સંસદની મૂળ ડિઝાઇન સીસીટીવીના કેબલ, ઑડિયો વીડિયો સિસ્ટમ, ઍર કન્ડિશનિંગ, અગ્નિશમનની વ્યવસ્થા હતી એટલે તેને ઉપલક રીતે ગોઠવવામાં આવી હતી. પાણી અને સીવરની લાઇનોની લિકેજને કારણે પણ તેના સૌંદર્યને ક્ષતિ પહોંચી હતી.

સરકારનું કહેવું છે કે હાલની ઇમારતની ડિઝાઇન અગ્નિશમનને માટેના નિયમોને અનુરૂપ નથી. જ્યારે બિલ્ડિંગનું નિર્માણ થયું ત્યારે તે સિસ્મિક ઝોન-2માં આવતી હતી, જે હવે સિસ્મિક ઝોન-4 થઈ ગયો છે. જેથી કરીને ઇમારતની ઉપર જોખમ તોળાઈ રહ્યું હતું.

સાવરકરના જન્મદિવસે ઉદ્ઘાટન તથા રાષ્ટ્રપતિ દ્વારા નહીં, પરંતુ વડા પ્રધાન દ્વારા નવા સંસદભવનના ઉદ્ઘાટન મુદ્દે 20 જેટલા રાજકીયપક્ષોએ આ સરકારી કાર્યક્રમનો બિહષ્કાર કરવાની જાહેરાત કરી છે.

જોકે, સરકારનો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ શરૂઆતથી જ વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે. ડિસેમ્બર-2020માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદભવનનું ખાતમુહૂર્ત કર્યું, ત્યારે વિપક્ષે તેને કોરોનાની આપદા વચ્ચે વ્યર્થખર્ચ ગણાવ્યો હતો.

એ પછી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને કારણે વૃક્ષોના નિકંદન અને સ્થળાંતર, નિર્માણકાર્યને મંજૂરી આપવાનો અધિકાર કેન્દ્ર સરકારને કે રાજ્ય સરકારને? નિર્માણકાર્યને કારણે આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ, જેવા મુદ્દે વિવાદ થયો હતો. અંતે પ્રોજેક્ટ પર સુપ્રીમ કોર્ટની મંજૂરીની મહોર લાગી હતી.

નવા સંસદભવનની ડિઝાઇનિંગનું કામ ગુજરાતસ્થિત બીમલ પટેલને સોંપવામાં આવ્યું છે, જેઓ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કેટલાક પ્રોજેક્ટ્સને સાકાર કરી ચૂક્યા છે. આ નિકટતા પણ મીડિયા અને વિપક્ષમાં ચર્ચાનો મુદ્દો બની હતી.

એ પછી સંસદભવન પર પ્રસ્થાપિત કરવામાં આવનાર રાષ્ટ્રીય ચિહ્નના સિંહોની મુદ્રા સૌમ્ય નહીં, પરંતુ આક્રમક હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો અને આ મુદ્દે વિવાદ થયો હતો.

સરકારનો તર્ક છે કે જો દિલ્હીમાં અલગ-અલગ સ્થળે રહેલી કેન્દ્રીય કચેરીઓ અને વિભાગો જો સેન્ટ્રલ વિસ્ટામાં હશે તો બહારથી આવતા નાગરિકોને સુગમતા રહેશે. વીઆઈપી કે વીવીઆઈપી લોકોની અવરજવર સમયે લોકોને મુશ્કેલી પડે છે અને લુટિયન્સ દિલ્હીમાં જ રામ મનોહર લોહિયા હૉસ્પિટલ કે રેલવે સ્ટેશન સુધી જનારને મુશ્કેલી પડે છે, જે સેન્ટ્રલ વિસ્ટાને કારણે દૂર થશે.

અધિકારીઓની વચ્ચે સમન્વયમાં સરળતા અને સુગમતા રહેશે. આ સિવાય દરવર્ષે લાખો-કરોડો રૂપિયા ભાડાપેટે વેડફાય છે, જેમાં બચત થશે. આ પ્રોજેક્ટ 2026 સુધી ચાલશે અને આ માટે તબક્કાવાર રૂ. 20 હજાર કરોડનો ખર્ચ થશે.

જેમાં, નવા સેન્ટ્રલ સૅક્રેટરિયેટ, ઉપરાષ્ટ્રપતિ તથા રાષ્ટ્રપતિના નવા નિવાસસ્થાન, વર્તમાન સવલતોને ખસેડવા સહિતના ખર્ચનો સમાવેશ થાય છે.

બીબીસી ગુજરાતી

ભવ્ય ભૂતકાળ, ઉજ્જવળ આવતીકાલ

લાઇબ્રેરી બિલ્ડિંગમાં હાઈટેક મ્યુઝિયમ

ઇમેજ સ્રોત, Getty Images

લાઇબ્રેરી બિલ્ડિંગમાં હાઈટેક મ્યુઝિયમ પણ છે, જેને વર્ષ 2006માં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તેમાં 'મહોંજે દરોથી મહાત્મા' સુધીની ભારતની યાત્રાને દર્શાવવામાં આવી છે.

વર્તમાન સંસદભવનની બિલકુલ સામેની બાજુએ બની રહેલું સેન્ટ્રલ વિસ્ટા કાર્યરત થશે એ પછી વર્તમાન સંસદભવનને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવાની યોજના છે.

સંસદભવનમાં ન કેવળ કાયદા બને છે, પરંતુ તે જનાકાંક્ષાનું પ્રતીક અને દ્યોતક પણ હોય છે. સ્વતંત્રતા સમયે દેશની વસતિ 34 કરોડ હતી.

યુએનના અનુમાન પ્રમાણે,75 વર્ષમાં તે વધીને એકસો 42 કરોડ પર પહોંચી છે. આ અરસામાં દેશની લોકશાહી પણ પરિપક્વ બની છે.

15 ઑગસ્ટ 1947ના દિવસે આ ઇમારતમાં જ ભારતીયોએ સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. અહીંથી જ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ અડધી રાત્રે 'ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની'નું વિખ્યાત ભાષણ આપ્યું હતું. નવા સંવિધાન માટે બંધારણ સભાના સભ્યોએ કરેલા મંથનનું પણ આ ભવન સાક્ષી છે. 42મા સુધાર દ્વારા 'લઘુ બંધારણ' લાગુ થતું પણ જોયું છે.

સિક્કિમ, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ જેવાં રાજ્યોનું ગઠન અહીં થયું હતું. દીવ, દમણ, દાદરાનગર હવેલી અને પુડ્ડુચેરીને (તત્કાલીન પોંડીચરી) ભારતમાં સમાવવાની ચર્ચાઓ અહીં થઈ છે.

1962માં ચીન સામે ભારતના પરાજય તથા 1971માં પાકિસ્તાન પર દેશના વિજય અંગે સરકાર અને વિપક્ષની ચર્ચાની સાક્ષી રહી છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેના જમીનવિવાદના ઉકેલ માટે જમીનોની આદાનપ્રદાનની ઉપર પણ સંસદે મંજૂરીની મહોર મારી છે.

દહેજ વિરોધી કાયદા (1961), બૅન્કિંગ કમિશન (રિપિલ) ઍક્ટ અને પ્રિવેન્શન ઑફ ટૅરરિઝમ ઍક્ટ (2002) જેવા કાયદા પસાર કરવા માટે સંસદના સંયુક્ત અધિવેશન બોલાવવામાં આવ્યા હતા.

આ સિવાય દરવર્ષના પ્રથમ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ સંયુક્ત સત્રને સંબોધિત કરે છે અને સરકારની રૂપરેખા રજૂ કરે છે. જિમ્મી કાર્ટર તથા બરાક ઓબામા જેવા વિદેશી મહાનુભાવોએ ભારતીય સંસદના સંયુક્ત ગૃહોને સંબોધિત કરવાનું બહુમાન મેળવ્યું છે.

આ સંસદભવનમાં જ દેશના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગ માટે અનામત અને કમિશનની જોગવાઈ કરાઈ હતી.

'ભારત છોડો આંદોલન'નાં 50 વર્ષ થયાં તથા દેશની આઝાદીનાં 50 વર્ષના અનુસંધાને સંસદ રાત્રે મળી હતી, તો 'એક દેશ, એક કરવ્યવસ્થા' માટેના ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ઍક્ટ માટે અડધી રાત સુધી ચર્ચા કરી હતી.

પંચાયતી રાજ તથા સ્થાનિસસ્વરાજ્ય સંસ્થાઓને બંધારણીય દરજ્જા આપીને સંસદે સત્તાનું વિકેન્દ્રીકરણ થતાં જોયું છે. તો કટોકટીકાળ દરમિયાન દેશમાં સત્તાનું કેન્દ્રીકરણ પણ જોયું છે.

લાઇસન્સરાજ માટે કાયદાઓ લાગુ થવાથી લઈને 1991માં ભારતે ઉદારીકરણની નીતિ અપનાવી તેની સાક્ષી પણ આ ઇમારત છે.

સંસદભવન ઉપર હુમલા પછી નિરીક્ષણ કરી રહેલા સુરક્ષાકર્મીઓ

ઇમેજ સ્રોત, Getty Images

ડિસેમ્બર-2001માં ભારતીય સંસદ ઉપર ઉગ્રવાદી હુમલો થયો હતો. તો ફેબ્રુઆરી-2014માં કૉંગ્રેસના સંસદસભ્ય લગડપત્તિ રાજગોપાલે આંધ્ર પ્રદેશ અને તેલંગણાના વિભાજનની ચર્ચા વેળાએ ગૃહમાં પેપર સ્પ્રેનો ઉપયોગ કરીને ભયનું વાતાવરણ ફેલાવી દીધું હતું.

સંપત્તિ ધરાવવા પર નિયંત્રણ મૂકવા, રાજવીય પરિવારોના વર્ષાસન નાબૂદી, કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા બંધારણના અનુચ્છેદ 370 તથા 35-અ નાબૂદ થવા, જેવી નોંધપાત્ર ઘટનાઓ પણ આ ઇમારતમાં બની છે.

આ સંસદભવને લઘુમતી સમુદાય એવા શીખ અને મુસ્લિમ સમાજના રાષ્ટ્રપતિઓ અને ઉપરાષ્ટ્રપતિઓ જોયા છે. દલિત અને આદિવાસી સમાજના રાષ્ટ્રપતિ બન્યાં છે. ઇંદિરા ગાંધી સ્વરૂપે મહિલા વડાં પ્રધાન તથા નજમા હેપ્તુલ્લા રૂપે રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે મહિલાઓનું સશક્તિકરણ પણ જોયું છે.

આ સંસદભવને જ મતાધિકાર માટેની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરી છે. છતાં હજુ મહિલાઓને અનામત અને LGBTQ+ સમુદાયના સ્વઘોષિત જનપ્રતિનિધિને અનામત કે કદાચ પ્રતિનિધિત્વ પણ મળવાનું બાકી છે. કદાચ આ જનાકાંક્ષા નવી ઇમારતમાં સંતોષાય.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી