સેંગોલ ખરેખર શું છે? ફરી તેના પર વિવાદ કેમ થઈ રહ્યો છે?

સેંગોલની તસવીર - ભારત સરકાર

ઇમેજ સ્રોત, GOVT OF INDIA

    • લેેખક, ઇકબાલ અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે 28 મેના રોજ સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું . આ નવા સંસદભવનમાં 'સેંગોલ' (રાજદંડ) સ્થાપિત કરવામાં આવ્યો હતો. તેને લોકસભા સ્પીકરની ખુરશી પાસે રાખવામાં આવે છે.

હવે સેંગોલ ફરીથી ચર્ચામાં છે.

સમાજવાદી પાર્ટીના સાંસદ આર.રે.ચૌધરીએ બુધવારે કહ્યું હતું કે સેંગોલનો અર્થ છે રાજદંડ. પણ હવે દેશ આઝાદ છે, તો શું દેશ રાજદંડથી ચાલશે કે બંધારણથી? હું ઇચ્છું છું કે બંધારણને બચાવવા માટે સેંગોલને હટાવી દેવામાં આવે.

ગત વર્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે પત્રકારો સાથે વાત કરતા આ અંગે જાણકારી આપી હતી.

અમિત શાહે કહ્યું હતું કે સંસદભવના ઉદ્ધાટનના દિવસે એક નવી પરંપરા પણ શરૂ થવા જઈ રહી છે.

સેંગોલ શું છે

ઇમેજ સ્રોત, ANI

અમિત શાહે જણાવ્યું કે દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ 14 ઑગસ્ટ, 1947ના રોજ તામિલ પુજારીઓના હસ્તે સેંગોલ સ્વીકાર્યો હતો.

અમિત શાહના જણાવ્યા અનુસાર નહેરુએ અંગ્રેજો પાસેથી ભારતની સત્તાના હસ્તાંતરણના પ્રતીક તરીકે તેનો સ્વીકાર કર્યો હતો. બાદમાં નહેરુએ તેને એક મ્યુઝિયમમાં રાખ્યો હતો અને ત્યારથી સેંગોલ મ્યુઝિયમમાં જ છે.

ત્યાર બાદ કૉંગ્રેસ નેતા જયરામ રમેશે સેંગોલ બાબતે ભાજપ સરકારના દાવાને ફગાવ્યો હતો.

તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે ક્યાંય એવું નથી કહેવામાં આવ્યું કે સી.રાજગોપાલાચારી અથવા જવાહરલાલ નહેરુને લૉર્ડ માઉન્ટબેટને બ્રિટિશરાજથી ભારતને સત્તા હસ્તાંતરણ કરતાં સેંગોલ આપ્યો હતો.

તેમણે કહ્યું કે નહેરુને સેંગોલ ભેંટ સ્વરૂપે નથી આવ્યો પછી તે અલાહાબાદ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, તમે નહેરુ વિશે કંઈ પણ કહો પણ ડિસેમ્બર 14, 1947ના શું થયું હતું એ રેકૉર્ડમાં લખેલું છે.

ગ્રે લાઇન

સેંગોલ અને ચોલ સામ્રાજ્ય

સેંગોલ શું છે

ઇમેજ સ્રોત, ANI

ચોલ રાજાઓ ભારતીય ઉપમહાદ્વીપમાં સૌથી લાંબું શાસન કરનારા રાજાઓમાં સામેલ હતા. તમિલકમ રાજાઓ, ચેરા અને પંડ્યા સામ્રાજ્યોએ અલગ-અલગ પ્રાંતોમાં 13 સદીમાં રાજ કર્યું હતું.

એક રાજા પાસેથી બીજા રાજા પાસે સત્તાનું હસ્તાંતરણ સેંગોલ આપીને થતું હતું.

અમિત શાહે આ વિશે જણાવ્યું હતું કે સેંગોલ તામિલ ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ સંપત્તિ અને ઐતિહાસિક છે.

તેમના અનુસાર સેંગોલ ચોલ સામ્રાજ્ય સાથે સંબંધ રાખે છે અને તેના પર નંદી પણ બનાવેલો છે.

અમિત શાહે દાવો કર્યો હતો કે અંગ્રેજો ભારતને સત્તાનું હસ્તાંતરણ કેવી રીતે કરશે, તેની પ્રક્રિયા શું હશે, એ મુદ્દે ચર્ચા ચાલી રહી હતી.

તેમના અનુસાર, લૉર્ડ માઉન્ટબેટનને ભારતીય પરંપરાની જાણકારી નહોતી તો તેમણે નહેરુજીને પૂછ્યું, પરંતુ નહેરુ અસમંજસમાં હતા. ત્યારે નહેરુએ સી. રાજગોપાલચારી સાથે આ મુદ્દે ચર્ચા કરી.

સેંગોલની તસવીર - ભારત સરકાર

ઇમેજ સ્રોત, GOVT OF INDIA

અમિત શાહે આગળ કહ્યું, "રાજગોપાલચારીએ ઘણા ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. તેમણે સેંગોલની પ્રક્રિયાને ચિહ્નિત કરી. આપણી સંસ્કૃતિમાં સેંગોલના માધ્યમથી સત્તાના હસ્તાંતરણને ચિહ્નિત કરવામાં આવી છે. ભારતના લોકો પાસે શાસન એક આધ્યાત્મિક પરંપરાથી આવ્યું છે. સેંગોલ શબ્દનો અર્થ અને ભાવના નીતિપાલન સાથે જોડાયેલ છે. એ પવિત્ર છે, અને તેના પર નંદી બિરાજમાન છે. આ આઠમી સદીથી ચાલતી આવતી પ્રથા છે. ચોલ સામ્રાજ્યના સમયથી..."

અમિત શાહ પ્રમાણે દેશના મોટા ભાગના લોકોને આ વિશે કોઈ જાણકારી જ નથી.

તેમણે કહ્યું, "વડા પ્રધાનને જેવી જ સેંગોલ વિશે ખબર પડી, તેમણે તેની તપાસ કરાવડાવી અને પછી નિર્ણય લીધો કે તેને દેશની સામે રાખવો જોઈએ."

અમિત શાહે આગળ કહ્યું, "સેંગોલની સ્થાપના માટે સંસદભવનથી વધુ યોગ્ય અને પવિત્ર બીજું કોઈ સ્થાન ન મળી શકે. એટલે જે દિવસે નવું સંસદભવન દેશને સમર્પિત કરવામાં આવશે, એ જ દિવસે વડા પ્રધાન મોદી તામિલનાડુથી આવેલા સેંગોલને સ્વીકારશે અને લોકસભા અધ્યક્ષના આસન પાસે તેને સ્થાપિત કરશે."

રેડ લાઇન
રેડ લાઇન