શું ગુજરાતમાં આપ-કૉંગ્રેસ ગઠબંધન ભાજપને હંફાવી શકશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ એવું કહીને બધાને ચોંકાવી દીધા કે આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ ગઠબંધન કરશે.
ગઠબંધનની જાહેરાત કરતા કહ્યું કે જો આપ અને કૉંગ્રેસ ગુજરાતમાં સાથે ચૂંટણી લડે તો ભાજપ રાજ્યની તમામ 26 બેઠકો નહીં જીતી શકે.
કૉંગ્રેસ પણ ઇસુદાનની આ જાહેરાતને કારણે અચંબામાં પડી ગઈ. અચાનક આપ તરફથી આ પ્રકારે ગઠબંધનની કરાયેલી જાહેરાત બાદ કૉંગ્રેસે સંયમિત પ્રતિક્રિયા આપી. કૉંગ્રેસે કહ્યું કે આ મામલે પાર્ટી કેન્દ્રીય નેતૃત્વના આદેશનું પાલન કરશે.
રાજકીય પંડિતો પણ આ મામલે અલગ-થલગ છે. કેટલાક રાજકીય વિશ્લેષકો કહે છે કે જો બંને ગઠબંધન બનાવે તો પણ ભાજપની રાજ્યમાં પકડ એટલી મજબૂત છે કે બહુ ફરક નહીં પડે. જ્યારે કેટલાક માને છે કે આ પ્રકારે અચાનક જાહેરાત કરીને કેજરીવાલે કૉંગ્રેસને ચોંકાવી છે અને અત્યારથી પ્રેશર બનાવવાની કોશિશ કરી છે. તો કેટલાક જાણકાર એમ પણ કહે છે કે જો બંને વચ્ચે ગઠબંધન થાય તો તેઓ ભાજપને હંફાવી શકે છે.
જાણકારો એમ પણ કહે છે કે કેન્દ્ર સ્તરે વિરોધી પક્ષઓનું I.N.D.I.A. ગઠબંધન બન્યું છે અને આપ પણ તેમાં કૉંગ્રેસની સહયોગી પાર્ટી છે. I.N.D.I.A. ગઠબંધને જાહેરાત કરી દીધી છે કે તમામ પક્ષો મળીને ભાજપ સામે લોકસભાની ચૂંટણી લડશે. આ જાહેરાત કેન્દ્રીય સ્તરે થઈ છે. હવે ઇસુદાન ગઢવીએ ગુજરાત માટેની આ જાહેરાત કરી ત્યારે કૉંગ્રેસને વિશ્વાસમાં લીધી નહોતી તેવું પ્રતિત થઈ રહ્યું છે. તેનું કારણ એ છે કે કૉંગ્રેસે ઇસુદાનની આ જાહેરાત પર માત્ર એટલું જ કહ્યું કે આ મામલો કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરશે.
આ બધી ચર્ચા વચ્ચે ભાજપે ઇસુદાન ગઢવીની જાહેરાત પર કટાક્ષ કરતા કહ્યું છે કે આ પ્રકારની જાહેરાત એ ‘ભેંસ ભાગોળે ને છાસ છાગોળે’ જેવો ઘાટ છે.
પણ સવાલ એ છે કે શું જો આપ અને કૉંગ્રેસ એક થાય તો ગુજરાતમાં તેઓ ભાજપને હંફાવી શકશે? અમે આ સવાલોના જવાબો મેળવવા રાજકીય પક્ષોના આગેવાનો અને રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી.

ગઠબંધન કેટલું દૂર?

ઇમેજ સ્રોત, Getty Images
ભલે ઇસુદાન ગઢવીએ રાજ્યમાં આપ-કૉંગ્રેસ ગઠબંધનની જાહેરાત કરી હોય, પરંતુ ગુજરાત કૉંગ્રેસના સૂત્રોનું જણાવે છે કે કૉંગ્રેસના નેતાઓને ખબર જ નહોતી. તેમને મીડિયા મારફતે ખબર પડી કે ઇસુદાને આ પ્રકારની કોઈ જાહેરાત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૉંગ્રેસે ઇસુદાનની આ જાહેરાતનો વિરોધ તો નથી કર્યો પણ સાથે સમર્થન પણ નથી કર્યું.
ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસ વિધાયક દળના નેતા અમિત ચાવડાએ આ મામલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, “આ પ્રકારના નિર્ણયો પ્રાદેશિક નેતાગીરી નક્કી નથી કરતી. આવા મામલે કેન્દ્રીય નેતૃત્વ નિર્ણયો લે છે. ઇસુદાનનું આ વ્યક્તિગત નિવેદન છે. હાઈકમાન્ડ નક્કી કરે પછી પ્રાદેશિક નેતાગીરી તેના પર આગળ વધી શકે.”
કેટલાક જાણકારો પણ કહે છે કે ભલે ગુજરાતમાં ભાજપ સામે લડવા ગઠબંધનની જરૂરીયાતની આવશક્યતા બંને પાર્ટીને લાગતી હોય, પરંતુ જે પ્રકારે જાહેરાત થઈ છે તે રાજકીય શિષ્ટાચારથી વિરુદ્ધ છે.
જોકે, આપના નેતાઓનું કહેવું છે કે ઇસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરીને જ આ જાહેરાત કરી છે.
આપના પ્રવક્તા કરણ બારોટ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “ઘણા દિવસોથી ચાલી રહેલી રાજકીય ચર્ચાઓ બાદ આ જાહેરાત કરવામાં આવી છે. વાત પ્રૉટોકોલની હોય તો તે બંને પાર્ટીના નેતૃત્વ મંચ પર સાથે હોય તે પ્રકારે અધિકારીક જાહેરાત પણ આવનારા દિવસોમાં થશે.”
કરણ બારોટ કહે છે કે ભાજપને રોકવા માટે ગઠબંધન જરૂરી છે. કેટલાક જાણકારો પણ આ પ્રકારનો મત ધરાવે છે.
રાજકીય વિશ્લેષક શિરીષ કાશીકર બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “કમ સે કમ આમ આદમી પાર્ટીએ તો આ ગઠબંધન વિશે તો વિચાર્યું? કૉંગ્રેસે ભલે તેનો મોળો પ્રતિસાદ આપ્યો અને નિર્ણય કેન્દ્રિય નેતૃત્વ પર છોડ્યો, પણ બંને જાણે છે કે ગુજરાતમાં એક વિરોધપક્ષ તરીકે સારો દેખાવ કરવો હશે તો ગઠબંધન એ સાંપ્રત સમયની જરૂરત છે. હવે, આપે જે વિચાર્યું તે દિશામાં કૉંગ્રેસે પહેલ કરવાની જરૂર હતી.”
અમદાવાદ યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સ ભણાવતા આસિસ્ટન્ટ પ્રોફેસર સાર્થક બાગચી કહે છે, “આપ અને કૉંગ્રેસ ગુજરાત વિધાનસભાની ચૂંટણી સામ-સામે લડ્યા હતા. હવે જ્યારે તેઓ ગઠબંધન કરશે ત્યારે તેમના સમર્થકો, નેતાઓ અને કાર્યકર્તાઓને સમજાવવા મુશ્કેલ બનશે અને તેની અસર પણ પડશે.”

આપ અને કૉંગ્રેસ સાથે આવે તો કેવું રહેશે ગણિત?

ઇમેજ સ્રોત, Getty Images
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા ગુજરાત વિધાનસભાના પરિણામના આંકડાને તપાસીએ તો ખ્યાલ આવે છે કે ચૂંટણીમાં જે કૉંગ્રેસનો રકાસ થયો તેનું કારણ ત્રિપાંખીયો જંગ હતું.
ખુદ કૉંગ્રેસના નેતાઓએ સ્વીકાર્યું હતું કે ડિસેમ્બર 2022 વિધાનસભાની ચૂંટણીમાં થયેલો કરૂણ રકાસ આમ આદમી પાર્ટીને કારણે થયો હતો.
શિરીષ કાશીકર કહે છે, “મતો વહેંચાવાને કારણે ભાજપને ફાયદો થાય છે. ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપે ઘણી બેઠકો પર મોટા માર્જીનથી જીત મેળવી છે. આવા સંજોગોમાં ભાજપને ટક્કર આપવા બધી પાર્ટીઓ સાથે આવે તો ચૂંટણી રસપ્રદ બનશે.”
ડિસેમ્બર 2022 વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને માત્ર 17 બેઠકો જ મળી હતી. આપે પણ માત્ર પાંચ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.
35 બેઠકો એવી હતી જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો બીજા સ્થાને રહ્યાં હતાં. કૉંગ્રેસના 44 ઉમેદવારોએ પોતાની ડિપોઝીટ ગુમાવી હતી.
કૉંગ્રેસનો વોટશેર 2017માં 41.4 ટકા હતો તે 2022માં ઘટીને 27.3 ટકા થઈ ગયો. આપનો વોટશેર 13 ટકા હતો. જ્યારે ભાજપનો વોટશેર 2017માં 49.05 ટકાથી વધીને 2022માં 52.2 ટકા થઈ ગયો.
હવે જો આપના ઉમેદવારો અને કૉંગ્રેસના ઉમેદવારોને મળેલા વોટશેરને એક કરીએ તો પણ આ ટકાવાળી 40 ટકાની આસપાસ થાય છે જે ભાજપના વોટશેર કરતાં ઘણી ઓછી છે.
કુલ 33 બેઠકો એવી છે જેમાં આપના ઉમેદવારના વોટ અને કૉંગ્રેસના ઉમેદવારના વોટનો સરવાળો કરીએ તો તે ભાજપના ઉમેદવારને મળેલા મત કરતાં વધારે છે.
એટલે જાણકારો કહે છે તે પ્રમાણે જો બંને પાર્ટી વચ્ચે ગઠબંધન થાય તો પણ તેમની સામે હિમાલય જેવો મોટો પડકાર હશે.
સાર્થક બાગચી કહે છે, “કેન્દ્રીય સ્તરે જે ગઠબંધન થયું છે તે સ્ટ્રૅટેજિક પાર્ટનરશીપની આ બાયપ્રૉડક્ટ છે પણ આપે કૉંગ્રેસને હઠાવીને જે સપોર્ટ બેઝ તૈયાર કર્યો છે તેનું શું? આપ પાસે રાષ્ટ્રવાદ અને વિકાસના મુદ્દાની યુએસપી છે જ્યારે કૉંગ્રેસ પાસે સમાજવાદ, કલ્યાણ અને સમાવેશી નીતિ છે. કૉંગ્રેસની અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ નીતિ છે. તેનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ તે ઉદારવાદી છે બધાને સાથે લઈને ચાલે છે. પણ તેમની સ્પર્ધા ભાજપના પ્રખર રાષ્ટ્રવાદ સાથે છે.”
જાણકારો એમ પણ કહે છે કે ભાજપ 2024ની લોકસભા ચૂંટણી હિન્દુત્વ અને પીએમ મોદીના ચહેરા પર લડશે તેની સામે વિપક્ષે પીએમ મોદીને ટક્કર આપે તેવો ચહેરો પ્રજા સામે રજૂ કરવો પડે.
જાણકારો એમ પણ કહે છે કે માત્ર ગઠબંધન કરવાથી જ કામ નહીં ચાલે પણ ભાજપ સામે ચોક્કસ રણનીતિ પણ બનાવવી પડે.
રાજકીય વિશ્લેષક રાજીવ શાહ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “ગઠબંધન થાય તો ભાજપને નુકસાન જઈ શકે પરંતુ આપ અને કૉંગ્રેસ ગઠબંધન મામલે કેટલા ગંભીર છે તે જોવું પડે. માત્ર ગઠબંધનથી જ કામ નહીં ચાલે, તેમણે સોશિયલ એન્જિનિયરીંગ પણ કરવું પડશે. 2017માં જે પ્રકારે દલિત-પટેલ-ઓબીસી અને મુસ્લિમનું કોમ્બિનેશન કર્યું હતું તે પ્રકારે ચોક્કસ રણનીતિ બનાવવી પડશે.”
રાજીવ શાહ વધુમાં કહે છે, “લોકોને વિકલ્પ જોઈએ છે પણ આ લોકો કયા પ્રકારનો વિકલ્પ આપે છે તેના પર બધો આધાર છે.”
શિરીષ કાશીકર કહે છે, “અત્યારથી આપમાંથી વાતો વહેતી થઈ છે કે ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. આપ કેટલી બેઠકો પરથી ચૂંટણી લડે તે ભવિષ્યનો પ્રશ્ન છે પણ હકીકત એ છે કે કૉંગ્રેસ ભાજપ સામે એકલા હાથે લડી શકે તેમ નથી.”
તેઓ વધુમાં ઉમેરે છે, "ઓવૈસી ફેક્ટરને પણ નજરઅંદાજ ન કરી શકાય. તેમની પાર્ટીએ કૉંગ્રેસને બહુ નુકસાન પહોંચાડ્યું છે. કૉંગ્રેસ તેની સાથેના તાલમેલ પર પણ વિચાર કરે તો લઘુમતિ મતોનું વિભાજન અટકી શકે, નહિંતર કૉંગ્રેસ જો એવું માનીને ચાલતી હોય કે લધુમતિ મતબૅન્ક તેમની જ છે તેવું હવે નથી રહ્યું."
કેટલાક જાણકાર એમ પણ કહે છે કે જો ઓવૈસી, એનસીપી અને આપ જેવા પક્ષો સાથે ગુજરાતમાં ગઠબંધન થાય તો કૉંગ્રેસે બેઠકોના મામલે ઘણું જતું કરવાની ઉદારતા દાખવવી પડશે, જે તેને ફાયદા કરતા કદાચ નુકસાન વધુ કરાવી શકે.

ઇસુદાનની જાહેરાત હાસ્યાસ્પદ : ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images
તો ભાજપે ઇસુદાન ગઢવીની ગઠબંધનની આ જાહેરાતને હાસ્યાસ્પદ ગણાવી છે. ભાજપે ઇસુદાન પર અપરિપક્વ નેતા હોવાનો આરોપ લગાવ્યો.
ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “કન્યાનું ઠેકાણું નથી અને વરપક્ષે કંકોતરી છપાવી દીધી તેવો ઘાટ સર્જાયો છે. કૉંગ્રેસને ખબર જ નથી અને આ જાહેરાત કરવામાં આવી. ઇસુદાન પરિપક્વ નેતા જ નથી.”
તેમણે ઇસુદાનની ટીકા કરતા કહ્યું, “કોઈ ગઠબંધનની જાહેરાત થાય તો સમાવેશ પાર્ટીના અધ્યક્ષો એક મંચ પરથી તેની જાહેરાત કરે. આમ એક તરફી જાહેરાત ન થાય. આ તો એક તરફી પ્રેમ છે.”
તેમણે બંને પાર્ટી પર વિકાસ વિરોધી પાર્ટી હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, “વિઘટનકારી પક્ષો ગુજરાતમાં વિકાસની રફ્તારને રોકી નહીં શકે.”
તેમણે કહ્યું કે જો આ ગઠબંધન થાય તો નુકસાન ભાજપને નહીં પરંતુ કૉંગ્રેસને થશે.
તેમના મત પ્રમાણે, "વિધાનસભાની ચૂંટણીનાં આંકડા પરથી ખ્યાલ આવશે કે કૉંગ્રેસનો વોટશેર તો ઘણો ઘટ્યો છે. જ્યારે અમારો વોટશેર વધ્યો છે. આપ કૉંગ્રેસના વોટને જ ખાય છે, ભાજપના નહીં."














