રાજસ્થાનના નવા મુખ્ય મંત્રી ભજનલાલ શર્મા કોણ છે?

ઇમેજ સ્રોત, BHAJANLAL SHARMA/FACEBOOK
રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની નવી સરકારનું સુકાન ભજનલાલ શર્માને સોંપવાનો નિર્ણય લીધો છે. ભજનલાલ શર્મા રાજસ્થાનમાં સાંગાનેર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય છે અને પાર્ટીમાં પ્રદેશ સંગઠનના મહામંત્રી પણ છે.
આ નિર્ણય કેન્દ્રના પર્યવેક્ષકો તરીકે રાજસ્થાનમાં મોકલવામાં આવેલા પાર્ટીના સિનિયર નેતા રાજનાથસિંહ અને નવનિર્વાચિત ધારાસભ્યોની બેઠકમાં લેવાયો છે. આ બેઠકમાં રાજનાથ સિંહ ઉપરાંત સરોજ પાંડેય અને વિનોદ તાવડે પણ કેન્દ્રીય પર્યવેક્ષકના રૂપમાં જયપુરમાં પહોંચ્યા હતા.
આ પદ માટે ભાજપના કેટલાય નેતાઓનાં નામ પર ચર્ચા ચાલી રહી હતી. જોકે, પ્રથમ વખત ધારાસભ્ય બનેલા ભજનલાલ શર્માને મુખ્ય મંત્રીના પદની જવાબદારી સોંપવાનો નિર્ણય રાજકીય વર્તુળો ચોંકાવનારો ગણાવી રહ્યાં છે.
વસુંધરા રાજે સિંધિયા ઉપરાંત રાજસ્થાનના મુખ્ય મંત્રીના પદ માટે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, સી.પી. જોશી, જયપુર ના રાજવી પરિવાર સાથે જોડાયેલાં દીયાકુમારી, બાબા બાલકનાથ, સ્પીકર ઓમ બીરલા, અર્જુન મેઘવાલ, રાજેન્દ્રસિંહ રાઠોડ અને રાજ્યવર્ધનસિંહ રાઠોડનાં નામોની ચર્ચા ચાલી રહી હતી.
વસુંધરા રાજે રાજસ્થાનનાં મુખ્ય મંત્રી રહી ચૂક્યાં છે અને પ્રદેશમાં ભાજપનાં સૌથી વરિષ્ઠ અને પ્રભાવશાળી નેતાઓમાં પણ સામેલ છે. જોકે, પક્ષે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં મુખ્ય મંત્રીના પદ માટે કોઈ ચહેરો આગળ નહોતો ધર્યો.
આ નામોની ચર્ચા થઈ રહી હતી

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA
રાજસ્થાનમાં બે વખત મુખ્ય મંત્રી રહી ચૂકેલાં વસુંધરા રાજે સિંધિયા અંગે પહેલાંથી જ એવું કહેવાઈ રહ્યું હતું કે પાર્ટીના શીર્ષ નેતૃત્વની પસંદ નથી.
રાજસમંદનાં સાંસદ દીયાકુમારી પણ વસુંધરા રાજેની માફક રાજવી પરિવારમાંથી આવે છે અને તેમને પીએમ નરેન્દ્ર મોદી સહિત ભાજપનું સમગ્ર શીર્ષ નેતૃત્વ પસંદ કરે છે. તેમને નવી સરકારમાં નાયબ મુખ્ય મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.
અલવર જિલ્લાના તિજારી બેઠક પરથી ચૂંટાયેલા બાલકનાથ અસ્થલ બોહરનાથ આશ્રમના મંહત છે. તેમનું નામ પણ આ આ ચર્ચામાં સામેલ હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગજેન્દ્રસિંહ શેખાવત પાર્ટીની અંદર વસુંધરા રાજેના વિરોધી માનવામાં આવે છે. જોધપુર બેઠક પર અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને હરાવનારા શેખાવત કેન્દ્રમાં મંત્રી છે.

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA
ઓમ બીરલા હાલમાં લોકસભાના સ્પીકર છે. તેમણે સીએમ પદની રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યા હતા. તેમને ભાજપ અને સંઘના મોટા નેતાઓની નજીક માનવામાં આવે છે અને વિશ્વાસપાત્ર ગણવામાં આવે છે. બીરલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહની પણ નજીક મનાય છે.
રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ રાઠોર આ વખતે કહેતા હતા કે ભાજપને સત્તામાં આવવાથી કોઈ નહીં રોકી શકે. રાઠોડ રાજસ્થાન યુનિવર્સિટીના ચર્ચાસ્પદ વિદ્યાર્થીનેતા રહી ચૂક્યા છે. 68 વર્ષના રાઠોડ પક્ષના ઉતારચઢાવના સાક્ષી રહ્યા છે.
આ ઉપરાંત અર્જુન મેઘવાલના નામની પણ ચર્ચા ચાલી રહી હતી. પૂર્વ આઈએએસ અને કેન્દ્રીય કાયદા તેમજ ન્યાયમંત્રી અર્જુન મેઘવાલ બીકાનેરના સાંસદ રહી ચૂક્યા છે અને પક્ષનો દલિત ચહેરો પણ છે.












