ગુજરાતની ટૉરેન્ટ કંપનીએ ભાજપને આપ્યા 129 કરોડના બૉન્ડ, અન્ય પાર્ટીને કેટલા મળ્યા?

ઇમેજ સ્રોત, torrentpower.com
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ)એ રાજકીય પાર્ટીઓને વિવિધ કંપનીઓ અને વ્યક્તિઓ તરફથી મળેલા પૈસાની વિગતો જાહેર કરાયા બાદ ગુજરાતમાંથી સૌથી વધુ એટલે કે 185 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બૉન્ડ ટૉરેન્ટ ગ્રૂપે ખરીદ્યાં હોવાનું સામે આવ્યું હતું.
એસબીઆઇએ તાજેતરમાં ઇલેક્ટોરલ બૉન્ડનાં આલ્ફા ન્યૂમેરિક નંબર સંબંધિત જાણકારી સોંપ્યા બાદ ભારતના ચૂંટણીપંચે વેબસાઇટ પર આ ડેટા મૂક્યો હતો.
આ આંકડાના વિશ્લેષણ પરથી ખબર પડી છે કે ગ્રૂપે 185 કરોડનાં બૉન્ડ પૈકી ભાજપને સૌથી વધુ 129 કરોડનાં બૉન્ડ આપ્યાં છે.
આ સિવાય ટૉરેન્ટ ગ્રૂપે કૉંગ્રેસને 21.60 કરોડ, આમ આદમી પાર્ટીને 8.40 કરોડ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીને 3.5 કરોડ, શિવસેના અને સમાજવાદી પાર્ટીને ત્રણ-ત્રણ કરોડ, તૃણમૂલ કૉંગ્રેસને 1.10 કરોડ આપ્યા છે. તેણે સિક્કિમની સિક્કિમ ક્રાંતિકારી મોરચા પાર્ટીને સાત કરોડ રૂપિયા અને સિક્કિમ ડેમૉક્રેટિક ફ્રન્ટને 40 લાખ રૂપિયાનાં બૉન્ડ આપ્યાં છે.
નોંધનીય છે કે આ પહેલાં ગત 11 માર્ચે સુપ્રીમ કોર્ટે એસબીઆઇને 12 માર્ચ સુધી ઇલેક્ટોરલ બૉન્ડ સંબંધિત તમામ ડેટા જાહેર કરવાનો હુકમ કર્યો હતો. જે બાદથી જુદી જુદી કંપનીઓએ રાજકીય પાર્ટીઓને આપેલાં દાનનો મુદ્દો સમાચારોમાં છવાઈ ગયો હતો.
આ ડેટાના વિશ્લેષણ પરથી સામે આવ્યું હતું કે ભાજપ ઇલેક્ટોરલ બૉન્ડ થકી સૌથી વધુ ફંડ મળ્યું હતું.
પાવર, ફાર્મા અને ટેક્સ્ટાઇલ કંપનીઓએ મોટા પ્રમાણમાં ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યાં છે.
ગુજરાતમાંથી પણ ટૉરેન્ટ ગ્રૂપ સિવાય વેલ્સ્પન કંપની, વડોદરાની સન ફાર્મા અને અમદાવાદની નિરમા જેવી કંપનીઓએ ફંડ આપ્યાનું સામે આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટૉરેન્ટની વાત કરીએ તો તેની બે પેટા કંપની ટૉરેન્ટ પાવરે 107 કરોડ રૂપિયાનાં અને ટૉરેન્ટ ફાર્મા લિમિટેડે 78 કરોડ રૂપિયાનાં બૉન્ડ ખરીદ્યાં છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ટૉરેન્ટ પાવરના નોન એક્ઝિક્યૂટિવ બૉર્ડના સભ્ય તરીકે ગુજરાત સરકારના ઍનર્જી અને પેટ્રોકેમિકલ્સ વિભાગનાં પ્રિન્સિપલ સેક્રેટરી મમતા વર્મા કાર્યરત્ છે.
ટૉરેન્ટ ગ્રૂપનો ઇતિહાસ શું છે?

ઇમેજ સ્રોત, torrentpower.com
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ટૉરેન્ટ પાવરની વેબસાઇટ અનુસાર ટૉરેન્ટ પાવર ભારતીય વીજ ક્ષેત્રની અગ્રણી બ્રાન્ડમાંથી એક છે. વીજ પરિવહન અને વીજ વિતરણનાં બહોળા અનુભવ, મોટા પાવર પ્રોજેક્ટનાં રેકર્ડ અમલીકરણ સાથે, ટૉરેન્ટ પાવર ગુજરાતની સૌથી અનુભવી ખાનગી વીજ કંપની છે.
ટૉરેન્ટ પાવર 3600 મેગા વૉટ જનરેશન (વીજ ઉત્પાદન) ક્ષમતા ધરાવે છે અને અંદાજે 14 બિલિયન યૂનિટ્સ અમદાવાદ, ગાંધીનગર, સુરત, દહેજ, ભીવંડી અને આગ્રા જેવાં શહેરોમાં વિતરણ કરે છે. અદ્યતન ટેકનૉલૉજીનાં ઉપયોગ અને કાર્યક્ષમ કામગીરી થકી લાયસન્સ એરિયામાં ટી. ઍન્ડ ડી લૉસ 6.15 ટકા સુધી ઘટાડવા સક્ષમ થઈ છે જે દેશનો સૌથી ઓછો ટી. ઍન્ડ ડી લૉસ છે.
ટૉરેન્ટ ગ્રૂપની સ્થાપના દિવંગત યુ. એન. મહેતાએ વર્ષ 1959માં કરી હતી. હાલ તેમના બે પુત્રો સુધીર મહેતા અને સમિર મહેતા કંપનીનું સંચાલન કરી રહ્યા છે.
ફોર્બ્સના અહેવાલ મુજબ વર્ષ 2022માં ફોર્બ્સ ઇન્ડિયા રિચ લિસ્ટમાં 51,821 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ સાથે 26મા સ્થાન પર હતા.
1940માં ઉત્તમભાઈ નાથાલાલ મહેતા ફાર્મા કંપની સેન્ડોઝમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટીવ હતા. ત્યારબાદ તેમણે ટ્રિનિટી લૅબોરેટરીઝની સ્થાપના કરી જે હવે ટૉરેન્ટ ગ્રૂપ બની ગયું છે. જે આજે ફાર્મા અને પાવર સૅક્ટરમાં અગ્રણી કંપની બની ગઈ છે.
1959માં ફાર્માસ્યૂટિકલ્સ કંપની શરૂ થઈ અને ત્યારબાદ 1990માં વીજળી તથા 2018માં ગૅસ વ્યવસાયમાં કંપની કામ કરી રહી છે.
કંપનીનો દાવો છે કે ટૉરેન્ટ ફાર્મા ભારતીય દવા બજારમાં આઠમા ક્રમે છે. તે કાર્ડિયોવાસ્ક્યુલર, ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટિનલ, વિટામિન પોષણ વગેરે ક્ષેત્રોમાં અગ્રીમ હરોળમાં છે. 40 દેશોમાં તેની દવાઓ નિકાસ થાય છે. બ્રાઝિલ, જર્મની અને ફિલિપિન્ઝમાં તેની દવાઓ સૌથી વધુ નિકાસ થાય છે.
1992માં ટૉરેન્ટ ફાર્માને શેર બજારમાં લિસ્ટ કરવામાં આવી.
1993માં ટૉરેન્ટને સોવિયત રશિયામાંથી પહેલો દવાનો ઑર્ડર મળ્યો હતો જે તેની સફળતાનું પ્રથમ સીમાચિહ્ન માનવામાં આવે છે.
1990માં વીજળી ક્ષેત્રમાં ગ્રૂપે ઝંપલાવ્યું. ટૉરેન્ટે પહેલા મહેન્દ્ર ઇલેક્ટ્રિકલ્સનું અધિગ્રહણ કર્યું અને તેનું નામ બદલીને ટૉરેન્ટ કૅબલ્સ લિમિટેડ કર્યું જે હવે ટૉરેન્ટ પાવર તરીકે ઓળખાય છે.
બાદમાં તેમણે દેશની ત્રીજી સૌથી મોટી એનબીએફસી, ગુજરાત લીઝ ફાયનાન્સિંગનું અધિગ્રહણ કર્યું. આ દરમિયાન તેમણે 1997માં અમદાવાદ અને સુરત વીજ કંપનીનું મૅનેજમૅન્ટ હાથમાં લઈ લીધું.
અમદાવાદ વીજ કંપનીનું નામ ટૉરેન્ટ પાવર એઈસી લિમિટેડ રાખવામાં આવ્યું અને સુરત વીજ કંપનીનું નામ ટૉરેન્ટ પાવર એસઈસી લિમિટેડ રાખવામાં આવ્યું. 2006માં તેમણે ટૉરેન્ટ પાવર એઈસી લિમિટેડ, ટૉરેન્ટ પાવર એસઈસી લિમિટેડ તથા ટૉરેન્ટ પાવર જનરેશન લિમિટેડને એક કંપની ટૉરેન્ટ પાવરમાં મર્જ કરી દીધી.
ડિસેમ્બર, 2006માં તેને પહેલીવાર મહારાષ્ટ્રના ભિવંડીમાં વીજ વિતરણ માટે મહારાષ્ટ્ર રાજ્ય ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની સાથે કરાર કર્યા.
ટૉરેન્ટ પાવર હાલ 38 લાખ ગ્રાહકો ધરાવતી કંપની બની છે જે અમદાવાદ, ગાંધીનગર, સુરત, દહેજ,ધોલેરા ઉપરાંત ભિવંડી, શિલ, મુંબ્રા અને કાલવા ઉપરાંત આગ્રામાં વીજળીનું વિતરણ કરે છે. તેણે આ ઉપરાંત દાદરા નગર હવેલી અને દમણ-દિવમાં પણ વીજ વિતરણની શરૂઆત કરી છે.
હાલ ટૉરેન્ટ પાવર એ 21500 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતી કંપની બની છે. જ્યારે 31 માર્ચ, 2023ના રિપોર્ટ પ્રમાણે ટૉરેન્ટ ફાર્માની મૂડી 566 અબજ રૂપિયાની હતી. જ્યારે 2022-23ના નાણાકીય વર્ષ દરમિયાન તેની આવક 9620 કરોડ રૂપિયાની રહી હતી.
ટૉરેન્ટ ગ્રૂપના ચૅરમૅન સુધીર મહેતાએ હાલમાં જ ગુજરાત સરકાર સાથે સોલાર, ગ્રીન હાઇડ્રોજન પાવર વિતરણ માટે 47,350 કરોડ રૂપિયાના કરાર કર્યા છે.
ટૉરેન્ટ ગ્રૂપની કંપનીનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન એક લાખ કરોડની પાસે પહોંચ્યું છે.
સુધીર મહેતા પાવર સૅક્ટરની કંપની સંભાળે છે, જ્યારે સમીર મહેતા ફાર્મા કંપની સંભાળે છે.
ઇલેક્ટોરલ બૉન્ડ સંદર્ભે વાતચીત કરવા માટે બીબીસીએ ટોરેન્ટ ગ્રૂપનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમના તરફથી આ વિશે કોઈપણ ટિપ્પણી કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.












