ગુજરાતમાં હિટવેવ : માર્ચ મહિનો સૌથી ગરમ રહ્યા બાદ હવે શું ગરમી બેકાબૂ બની જશે?

જળવાયુ પરિવર્તન ઉનાળો ગરમી ભારત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મૅટ મૅકગ્રા અને માર્ક પોયન્ટિંગ
    • પદ, બીબીસી ન્યૂઝ ક્લાઇમેટ ઍન્ડ સાયન્સ

ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ભારે ગરમી પડી રહી છે અને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં હિટ વેવની ચેતવણી આપવામાં આવી છે. આ વર્ષે રાજ્યમાં એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ખૂબ ઝડપથી તાપમાન વધી રહ્યું છે.

વિશ્વભરમાં 2023નું વર્ષ સૌથી ગરમ રહ્યું છે અને ગત માર્ચ મહિનો અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો રહ્યો છે. વધતી જતી ગરમી સામે વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે અને સ્થિતિને જો કાબૂમાં લેવામાં નહીં આવે તો કેવી પરિસ્થિતિ સર્જાશે તેના વિશે ચેતવી રહ્યા છે.

જો આ વર્ષના અંત સુધીમાં તાપમાન ઓછું ન થાય તો ‘ધાર્યાં બહારની પરિસ્થિતિ’ સર્જાવાની સંભાવના છે. એક ટોચના વૈજ્ઞાનિકે બીબીસીને આમ કહ્યું છે.

તાજેતરના ડેટા પ્રમાણે માર્ચ મહિનો એ સમગ્ર વિશ્વમાં સૌથી ગરમ મહિનો સાબિત થયો છે અને તેને આધારે આ ચેતવણી આપવામાં આવી છે.

આ ડેટાને કારણે સમગ્ર વિશ્વમાં એ વાતની ચર્ચાઓ તીવ્ર બની ગઈ છે કે શું વિશ્વ જળવાયુ પરિવર્તનના ઝડપી યુગમાં પ્રવેશી રહ્યું છે? આ પ્રકારના હવામાન માટે અલ-નીનોને જવાબદાર ગણવામાં આવે છે.

એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે થોડા સમય પછી તાપમાનમાં થોડા દિવસો માટે ઘટાડો થશે પરંતુ ઘણા વૈજ્ઞાનિકોને એ વાતની ચિંતા છે કે આ તાપમાન નીચે ન પણ આવે.

જળવાયુ પરિવર્તન ઉનાળો ગરમી ભારત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

નાસાના ગૉદાર્દ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્પેસ સ્ટડીઝના ડાયરેક્ટર ગાવિન સ્મિટે બીબીસીને જણાવ્યું હતું કે, “આ ઉનાળાના અંત સુધીમાં જો ઉત્તર ઍટલાન્ટિક કે અન્ય કોઈપણ સ્થળે રેકર્ડ બ્રેકિંગ તાપમાન હજુ પણ જોવા મળે તો એવું સમજવું કે આપણે ખરેખર ધાર્યાં બહારની પરિસ્થિતિમાં પ્રવેશી ચૂક્યા છીએ.”

યુરોપિયન યુનિયનની કૉપરનિકસ ક્લાઇમેટ ચૅન્જ સર્વિસ અનુસાર, વિશ્વમાં જ્યારે ઔદ્યોગિકીકરણનો સમય શરૂ થયો, એટલે કે જ્યારથી લોકોએ મોટા પ્રમાણમાં અશ્મિભૂત ઇંધણનું દહન શરૂ કર્યું એ સમયની સરખામણીએ માર્ચ 2024 એ 1.68 ડિગ્રી સેલ્શિયસ વધુ ગરમ હતો.

જોકે, હાલ પૂરતું તાપમાનમાં વધારો થઈ રહ્યાના લાંબાગાળાના ટ્રૅન્ડ્સ ઘણેખરે અંશે અપેક્ષા અનુસાર છે. ઘણા સંશોધકો હજુ પણ એ વાત યોગ્ય માનતા નથી કે વાતાવરણ-પરિવર્તન એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે.

માર્ચ મહિનો સૌથી ગરમ હશે એવી અપેક્ષા તો પહેલેથી જ હતી પરંતુ વૈજ્ઞાનિકોને એ સમજાવવામાં મુશ્કેલી પડી રહી છે કે વર્ષ 2023નો અંત કેમ આટલો ગરમ હતો.

અલ-નીનોની શરૂઆત છેલ્લે જૂન મહિનામાં થઈ હતી અને ડિસેમ્બરમાં તેનો પ્રભાવ વધ્યો હતો. અશ્મિભૂત ઇંધણનું વધુને વધુ માત્રામાં દહન થવાને કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું અને તેને વધતા તાપમાન પાછળ સૌથી મોટું કારણ માનવામાં આવ્યું હતું.

પરંતુ ગત સપ્ટેમ્બરમાં જ તાપમાને તમામ રેકર્ડ તોડવાના ચાલુ કરી દીધા હતા. હકીકતમાં તો અલ-નીનોની ત્યારે શરૂઆત થઈ હતી અને તે સમયગાળામાં ગરમી શેના કારણે વધી રહી હતી તેનું કોઈ ચોક્કસ કારણ મળી રહ્યું ન હતું.

‘ભવિષ્યનું અનુમાન લગાવવું અઘરું’

જળવાયુ પરિવર્તન ઉનાળો ગરમી ભારત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. સ્મિટ એ વાતથી ચિંતિત છે કે આ પ્રકારનાં અનુમાનોનું ભવિષ્ય શું છે અને તેનો શું અર્થ છે.

તેઓ કહે છે, “અમારી ધારણાઓ વર્ષ 2023ના મામલે સદંતર ખોટી પડી છે અને જો પહેલાંના આંકડાઓ પ્રમાણે પરિણામો નહીં મળે તો ભવિષ્યમાં શું થશે તેનો અંદાજ મેળવવો વધુ મુશ્કેલ થઈ જશે.”

કૉપરનિકસના ડૉ. સામંથા બરગીસ કહે છે, “અમે હજુ પણ એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ કે ગત વર્ષના મધ્યભાગમાં કેમ પરિસ્થિતિઓ નાટકીય ઢબે પલટાઈ ગઈ અને ક્યાં સુધી આ પરિસ્થિતિ જળવાઈ રહેશે. શું આ ટૂંકાગાળાનું પરિવર્તન છે કે લાંબાગાળાના જળવાયુ પરિવર્તનનો ટ્રૅન્ડ છે.”

હાલનું અલ-નીનો નબળું પડી રહ્યું છે અને થોડા મહિનામાં તે સમાપ્ત થઈ જશે.

અલ-નીનો નબળી પડી રહી છે

જળવાયુ પરિવર્તન ઉનાળો ગરમી ભારત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જ્યારે એકતરફ વૈજ્ઞાનિકો એ બાબતે સ્પષ્ટ નથી કે પેસિફિક ક્ષેત્રમાં કઈ રીતે પરિસ્થિતિઓ બદલાશે. હાલનાં અનુમાનો કહે છે કે આ પરિસ્થિતિ અલ-નીનોનો ઠંડા ગાળાની જગ્યા લઈ લેશે.

દરિયાની સમુદ્ર સપાટીનું ઠંડુ થવું એ વૈશ્વિક તાપમાનમાં થોડા સમય માટે ઘટાડો થવા પાછળ કારણભૂત બનશે પરંતુ તેનો આધાર એ જ વાત પર છે કે તે પોતાને કઈ રીતે બદલશે.

એનઓએએ ક્લાઇમેટ પ્રીડિક્શન સેન્ટરના વૈજ્ઞાનિક મિશેલ એલ હ્યુરેક્સ કહે છે, “આપણે ચોક્કસપણે એ જોઈ રહ્યા છીએ કે અલ-નીનો નબળું પડી રહ્યું છે, પરંતુ અગત્યનો પ્રશ્ન એ છે કે એ ક્યાં જઈને નબળું પડશે?”

પણ વૈજ્ઞાનિકો એ વાત અંગે સ્પષ્ટ છે કે પૃથ્વીને ગરમ થતી અટકાવવા માટે તેને અસર કરતા વાયુઓનાં ઉત્સર્જન પર રોક લગાવવી પડશે.

મર્કાટોર ઓશન ઇન્ટરનેશનલના ડૉ. ઍન્જેલિક મેલેટ કહે છે, “આવનારાં વર્ષોમાં આપણે એ પ્રયત્ન ચોક્ક્સ કરવો જોઈએ કે જળવાયુ પરિવર્તનની અસરો આ ઉત્સર્જનને ઘટાડીને કઈ રીતે ઓછી કરી શકાય?”

“હું સમજું છું કે પડકારો ખૂબ મોટા છે પણ આપણે કશું કરીશું નહીં તો એવું માની લેવાની જરૂર છે કે આપણે એવા ભવિષ્ય તરફ જઈ રહ્યા છીએ જ્યાં આ બધું ‘ન્યૂ નોર્મલ’ છે.”

આ કેટલું ઝડપથી થાય છે એ આપણા પર નિર્ભર છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)