આખા વર્ષમાં પડે એટલો વરસાદ એક જ દિવસમાં પડ્યો, પછી ભારતના આ ગામની સ્થિતિ કેવી થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
તામિલનાડુમા આવેલા થુથુકુડી જિલ્લાના કાયલપટ્ટિનમ વિસ્તારમાં એક જ દિવસની અંદર 95 સેમી વરસાદ પડ્યો હતો, જે તે વિસ્તારના સરેરાશ વાર્ષિક વરસાદ 70 સેમી વરસાદથી પણ ઘણો વધારે હતો.
કાયલપટ્ટિનમ વિસ્તારમાં અતિ ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે.
તામિલનાડુના મુખ્ય સચિવ શિવાદાસ મીણાએ ચેન્નઇમાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે થુથુકુડીમાં વરસાદી પાણીથી છલકાયેલા ડૅમોનાં પાટિયા ખોલવાથી બકલ નદીમાં પૂર આવ્યું છે.
તેમને જણાવ્યું કે પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે હોડીઓ મોકલવામાં આવી છે. આ ઉપરાંત ફૂડ પૅકેટ પહોંચાડવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે આ માટે કોઇમ્બતુર ઍરફોર્સ બેઝની મદદ લેવામાં આવી રહી છે.
આ ઉપરાંત તામિલનાડુના તિરૂનેરવેલી, થેન્કસી, તુતિકોરીન અને કન્યાકુમારી જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદને નોંધાયો છે. આ જિલ્લાઓમાં રવિવારે પણ સતત વરસાદ ચાલુ રહેવાને કારણે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ જિલ્લાઓમાં સ્કૂલ અને કૉલેજોમાં રજાની જાહેરાત કરવામાં આવી હતી અને ખાનગી કંપનીઓને માત્ર જરૂરિયાત પ્રમાણે જ સ્ટાફને બોલાવવા માટે ભલામણ કરવામાં આવી હતી.
હવામાન સંબંધિત બાબતોનો અભ્યાસ કરનાર પ્રદીપ જ્હૉને બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "1992માં તામિલનાડુના તિરૂનેરવેલી જિલ્લાના કાકચીમાં 96.5 સેમી વરસાદ પડ્યો હતો. ત્યારબાદ આ વર્ષે સૌથી વધારે વરસાદ નોંધાયો છે."
આટલો ભારે વરસાદ કેમ પડ્યો?

સામાન્ય રીતે દરિયામાં ઉદ્ભવતા વાવાઝોડા દરમિયાન ભારે વરસાદ પડતો હોય છે. સમુદ્રમાં હવાના સ્તરમાં ઉપર કે નીચે તરફ પરિભ્રમણ તીવ્ર બનતાં સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતું હોય છે, જેની તીવ્રતા વધતાં એ વાવાઝોડામાં ફેરવાઈ જતું હોય છે.
હાલમાં દક્ષિણ-પૂર્વ શ્રીલંકાના સમુદ્રમાં માત્ર નીચા સ્તરનું પરિભ્રમણ સર્જાયું છે. જેને કારણે સંબંધિત જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, ભારતીય હવામાન સંશોઘનકેન્દ્રના દક્ષિણ વિભાગના નિયામક એસ. બાલાચંદ્રને કહ્યું છે કે સમુદ્રમાં માત્ર નીચા સ્તરના પરિભ્રમણને કારણે ભારેથી અતિ ભારે અને વ્યાપક વિસ્તારમાં વરસાદ અસામાન્ય છે.
તેમને ઉમેર્યું હતું કે, "આવી ઘટનાઓ ગ્લોબલ વૉર્મિંગ અને જળવાયું પરિવર્તનને કારણે પણ શક્ય છે. ભવિષ્યમાં પણ આવી રીતે ભારે વરસાદ આવી શકે છે. કેટલાંક પ્રકાશિત સંશોઘનપત્રો સૂચવે છે કે ભૂતકાળમાં ભારે વરસાદની આવી ઘટનાઓ નોંઘાઈ હતી. તેથી આપણે આવી અનઅપેતક્ષિત ઘટનાઓ માટે તૈયાર રહેવું જોઈએ."
વાદળ ફાટવાને કારણે થયો વરસાદ?
વાદળ ફાટવાને કારણે થોડા સમય માટે મર્યાદિત વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડતો હોય છે. જો એક કલાકમાં 10 સેમીથી વઘારે વરસાદ પડે તો તેને હવામાનશાસ્ત્રમાં 'વાદળ ફાટવું' કહે છે. એસ. બાલાચંદ્રનએ જણાવ્યું કે દક્ષિણના અનેક જિલ્લાઓમા સતત ભારે વરસાદ વરસી રહ્યો છે અને એટલે હાલના વરસાદ પાછળ વાદળ ફાટવાની ઘટના જવાબદાર નથી.
આ વિસ્તારમાં ભારે વરસાદ કેમ પડતો નથી?

દક્ષિણના જિલ્લાઓમાં વરસાદ સામાન્ય રીતે દક્ષિણ-પૂર્વના ચોમાસા દરમિયાન આવે છે. પરંતુ આ વર્ષે આ વિસ્તારોમાં ઉતર-પૂર્વના ચોમાસા દરમિયાન ભારે વરસાદ જોવા મળ્યો છે. મેદાની વિસ્તારમાં કોઈ વાવાઝોડા વગર 24 કલાક સુધી ભારે વરસાદ અતિ દુર્લભ છે.
પ્રદીપ જ્હૉને બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું, “સૌથી વધુ વરસાદ સામાન્ય રીતે પર્વતીય વિસ્તારમાં નોંઘાય છે. એટલે ડુંગરાળ વિસ્તાર કરતાં મેદાની વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ દુર્લભ છે. કાયલપટ્ટિનમ વિસ્તારમાં એક જ દિવસની અંદર 95 સેમી જેટલો વરસાદ પડ્યો, જે તામિલનાડુના ઇતિહાસમાં મેદાની વિસ્તારમાં પડેલો સૌથી વધુ વરસાદ છે. ”
24 કલાકથી વધુ સમય વરસાદ પડવાનું કારણ શું છે?

ઇમેજ સ્રોત, IMD
'મિગજોમ' વાવાઝોડું શરૂઆતના લગભગ 18 કલાક સુધી ચેન્નઈ નજીક સમુદ્રમાં હતું. જેને કારણે કાંઠાળા વિસ્તારો પર સતત વરસાદ પડ્યો હતો. આ દરમિયાન શ્રીલંકાના દરિયામાં હવાનું પરિભ્રમણ નીચલા સ્તરે ધીમી ગતિએ આગળ વધી રહ્યું હતું.
આ અંગે વાત કરતાં પ્રદીપ જ્હૉને કહ્યું હતું, "નીચલા સ્તરે હવાનું પરિભ્રમણ ધીમેધીમે સર્જાય છે. જેને લીધે સમયાંતરે વરસાદી વાદળો એકઠાં થતાં હોય છે. એટલે જ આ વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ છે."
હવામાનકેન્દ્રની આગાહી કેટલી સાચી?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચેન્નઈ હવામાનકેન્દ્રના પૂર્વ ડેપ્યુટી ડિરેક્ટર વાઈ. ઈ. એ રાજે બીબીસી સાથે વાત કરતાં સમજાવ્યું, "હવામાન સંશોધનકેન્દ્ર હવામાનને લગતી માહિતી ઉપગ્રહો દ્વારા અને નિરીક્ષણકેન્દ્રો થકી મેળવે છે. સચોટ અને સીધી માહિતી મેળવવા માટેની સુવિધાઓ વધારવી જોઈએ. જેના થકી હાલમાં ઉપયોગમાં લેવાઈ રહેલા હવામાન મૉડલની ચોકસાઈ વધારી શકાય."
તેમને ઉમેર્યું કે હવામાનમાં રોજ ફેરફાર થતો હોય છે અને ચોક્કસ કેટલો, ક્યાં અને કયારે ફેરફાર થશે તે ચોક્કસપણે કહેવું અશક્ય છે. હવામાનનાં મૉડલો આપણને માત્ર એક અનુમાન આપે છે અને તે અનુમાન ક્યારેક ખોટાં પણ પડી શકે છે.
શું પશ્ચિમી દેશોનાં હવામાન મૉડલ ભારતીય મૉડલ કરતાં વધારે ચોક્કસ આગાહી કરે છે? આ સવાલનો જવાબ આપતાં રાજે કહ્યું કે, "ભારતના હવામાનકેન્દ્ર દ્વારા ઉપયોગમાં લેવાતુ મૉડલ “ગ્લૉબસ ફોરકાસ્ટ સિસ્ટમ” પશ્ચિમી દેશોએ જ વિકસાવ્યું છે. તેઓ તેને ભારતના હવામાન અનુરૂપ બનાવી રહ્યા છે. હવામાનકેન્દ્ર વિવિધ હવામાન મૉડલો કેવી રીતે કામ કરે છે તેનુ પણ નિરીક્ષણ કરશે."












