સિક્કિમમાં પૂરઃ અમારા ઘરમાં પાણી ભરાઈ ગયું અને હું મારી પત્નીને પોકારતો રહ્યો

અંજુ પ્રધાન

ઇમેજ સ્રોત, MANISH JALUI / BBC

ઇમેજ કૅપ્શન, અંજુ પ્રધાન
    • લેેખક, મયુરેશ કણ્ણુર
    • પદ, બીબીસી મરાઠી

સિક્કિમની રાજધાની ગંગટોકથી આગળ વધવાનું શરૂ કરો ત્યારે સંપૂર્ણપણે ભરાયેલી, પરંતુ શાંત તિસ્તા નદી જોવા મળે છે. ચોથી ઑક્ટોબરે આવેલી આફતના સંકેતો આ નદીના કિનારા પર જોવા મળે છે. તે કાળી રાતે વાદળ ફાટ્યાં અને ભારે વરસાદ પછી તિસ્તામાં પૂર આવ્યું હતું અને તેણે વિનાશ વેર્યો હતો. તેમાં અનેક લોકોના જીવ ગયા અને હજારો વિસ્થાપિત થયા હતા.

નદીના કિનારે આવેલું સિંગતમ ગામ ભારે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારો પૈકીનું એક છે. કુદરતી આફત આવ્યાના એક સપ્તાહ પછી પણ ત્યાંની દરેક વ્યક્તિ પોતાના ઘરમાંથી કાદવ ઉલેચી રહી છે.

નદીની પેલે પાર આદર્શનગર આવેલું છે. એ વિસ્તારમાંના ઘરના ઊપલા માળ સુધી કાદવ, પૂરના અવશેષો દેખાય છે. કૉંક્રિટનાં મકાન હતાં તે બચી ગયાં છે, પરંતુ માટીનાં જૂનાં મકાનો ધોવાઈ ગયાં છે. કાટમાળ હટાવવાનું કામ અવિરત ચાલી રહ્યું છે.

આદર્શનગર અને સિંગતમ ગામ વચ્ચેનો પૂલ તો એ રાતે જ તણાઈ ગયો હતો. એક નાના નિર્માણાધીન ડૅમની એક દીવાલ ઊભી છે, જે તેના માટે એક સાંકડો રસ્તો પ્રદાન કરે છે.

ચાર કિલોમીટર ચાલ્યા પછી અમે તે વિસ્તારમાં પહોંચ્યા ત્યારે અમારી મુલાકાત અંજુ પ્રધાન સાથે થઈ હતી. તેઓ તેમનાં લગ્ન પછીનાં 40 વર્ષથી તિસ્તા નદીકિનારે આવેલા આદર્શનગરમાં રહે છે.

તેઓ અને તેમનાં વૃદ્ધ સાસુ ઘરના ઓટલાના બાકી બચેલા હિસ્સા પર બેઠાં હતાં. તેઓ ચોથી ઑક્ટોબરની કુદરતી આફતમાંથી બચી ગયાં છે, પરંતુ તેમણે પહેરેલાં વસ્ત્રો સિવાયનું બીજું કશું બચ્યું નથી.

સિક્કિમનું સિંગતમ ગામ ભારે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારો પૈકીનું એક છે

ઇમેજ સ્રોત, MANISH JALUI / BBC

ઇમેજ કૅપ્શન, સિક્કિમનું સિંગતમ ગામ ભારે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારો પૈકીનું એક છે

અંજુ સિંગતમ ગામમાં નદીની પેલે પાર એક કામચલાઉ રાહત શિબિરમાં રહે છે. તેઓ તેમના નાશ પામેલા ઘરના અવશેષો જોવા રોજ અહીં આવે છે.

અંજુ કહે છે, “આફત ત્રાટક્યાના પહેલાં બે દિવસ સુધી અમે અહીં આવી શક્યાં નહોતાં. પછી અમને ડૅમની દીવાલ પર ફૂટપાથ જોવા મળી. દિવસ દરમિયાન અહીં આવવા માટે ત્રણ-ચાર કિલોમીટર ચાલવું પડે છે. અમે રાહતકાર્યમાં વ્યસ્ત લોકો સાથે રહીએ છીએ. રાતે અમે કૅમ્પમાં પાછા ચાલ્યા જઈએ છીએ.”

અંજુ તેનું ઘર દેખાડવાનું શરૂ કરે છેઃ “અહીં મારું રસોડું હતું. બાળકોના રૂમ હતા અને અહીં કબાટ હતા. આ માર્ગ બહારના આંગણા ભણી જતો હતો, જ્યાં મેં નાનકડો બગીચો વિકસાવ્યો હતો.” અંજુની આંખોમાં તેમનું પ્રિય ઘર તરવરતું દેખાય છે.

શું થયું હતું તેને યાદ કરતાં અંજુ કહે છે, “કોઈએ ત્યાંથી ફોન કરીને જણાવ્યું હતું કે પૂર આવી રહ્યું છે. ભાગી જાઓ. લાઇટ ન હતી. અમે અંધારામાં રસ્તો શોધતા હતા.”

અંજુ, તેમના પતિ, બે સંતાનો અને તેમનાં સાસુ તેમજ ગામના મોટા ભાગના લોકો પુલ તરફ દોડ્યા હતા. તેઓ પુલ પાર કરીને બીજા છેડે પહોંચ્યા અને પાછું વળીને જોયું ત્યારે લગભગ થીજી ગયાં હતાં. પૂરનું પાણી આખા ગામમાં ફરી વળ્યું હતું. થોડી વાર પહેલાં તેઓ જે પૂલ ઓળંગીને સામે છેડે પહોંચ્યાં હતા એ પુલ પણ પાંચ જ મિનિટમાં ધોવાઈ ગયો હતો.

પૂર

ઇમેજ સ્રોત, MANISH JALUI / BBC

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સિંગતમ ગામમાં પાછા ફરીએ. ગામમાં ચારેય બાજુ કાદવ, મોટા પથ્થરો અને ઢળી પડેલાં વૃક્ષો જોવાં મળે છે.

મંદિરમાં શરૂ કરવામાં આવેલા કામચલાઉ કૅમ્પમાં થોડાં બાળકો દાનમાં મળેલાં કપડાંમાંથી પોતાને અનુકૂળ વસ્ત્રો શોધી રહ્યાં છે. બાજુમાં દવાની પેટીઓ પડી છે. પાછળના ભાગમાં એક વિશાળ સામુદાયિક રસોડું બનાવવામાં આવ્યું છે.

વિસ્થાપિત પરિવારો જ્યાં, જેટલી જગ્યા મળી ત્યાં ગોઠવાઈ ગયા છે.

શ્યામબાબુ પ્રસાદ અને તેમના પરિવારના બાકીના સભ્યો અલગ રૂમમાં છે. તેઓ અહીં નદીના કિનારે આવેલા વ્યસ્ત લાલ બજાર વિસ્તારમાં રહેતા હતા. ઘરની બાજુમાં જ તેમની રૅશનની દુકાન હતી. શ્યામનાં લગ્ન ચાર મહિના પહેલાં, જૂનમાં જ થયાં હતાં. તેઓ તેમનાં પત્ની તથા માતા સાથે રહેતા હતા.

આંખોમાં આંસુ સાથે શ્યામબાબુ કહે છે, “અમે ઊંઘતા હતા, પરંતુ અચાનક પાણી ઘૂસવા લાગ્યું. મારી પત્ની ફોનની ટોર્ચ લાઇટ ચાલુ કરીને જોવા લાગી કે પાણીનું સ્તર કેટલું છે. એટલામાં પાણીનો ધસમસતો પ્રવાહ અમારા તરફ આવ્યો. પાણીના સ્તરમાં મોટો વધારો થયો હતો. તે લગભગ 15 ફૂટ ઊંચા મોજા જેટલું હતું. અમે ત્રણેય પાણીના જોરદાર પ્રવાહને કારણે બહાર ફેંકાઈ ગયાં. અમને સમજાતું ન હતું કે શું થઈ રહ્યું છે. મને ખબર ન હતી કે મારી પત્ની ક્યાં છે. કશી જ ખબર પડતી ન હતી.”

સિંગતમ ગામમાં ભારે નુકસાન થયું છે

ઇમેજ સ્રોત, MANISH JALUI / BBC

ઇમેજ કૅપ્શન, સિંગતમ ગામમાં ભારે નુકસાન થયું છે

શ્યામબાબુ આ વાત કહે છે ત્યારે બાજુમાં બેઠેલાં તેમનાં માતા કાંતિ દેવી પણ રડવાનું રોકી શકતાં નથી.

શ્યામબાબુએ છત પરના પંખાને પકડી રાખ્યો હતો. તેના પર લટકીને તેઓ પાણીના પ્રવાહમાંથી ઊગરી ગયા હતા. બચાવ કામગીરીના લગભગ આઠ કલાક પછી, બીજા દિવસે સવારે લગભગ 10 વાગ્યે તેમને બચાવી લેવામાં આવ્યા હતા.

જોકે, તેઓ બહાર આવ્યા ત્યારે ખબર પડી કે તેમનાં પત્ની દુર્ગાવતીનો કોઈ પત્તો નથી. એક અઠવાડિયા પછી પણ દુર્ગાવતીના કોઈ સમાચાર મળ્યા નથી.

રુંધાયેલા અવાજે શ્યામબાબુ ઉમેરે છે, “પંખાની મદદથી હું છત પર લટકતો હતો ત્યારે મારા પગમાં ઈજા થઈ હતી. હું મારી પત્નીનું નામ પોકારતો રહ્યો હતો, પણ કોઈ જવાબ ન મળ્યો. સર્વત્ર સંપૂર્ણ અંધકાર હતો. હું શ્વાસ લઈ શકતો ન હતો, છતાં દુર્ગાવતીનું નામ પોકારતો રહ્યો હતો, પરંતુ મને કોઈ જ પ્રતિભાવ મળતો ન હતો.”

શ્યામબાબુનાં મોટાં બહેન સંતોષી દેવી તેમની બાજુમાં જ રહેતાં હતાં. સિલીગુડીમાં 11મા ધોરણમાં અભ્યાસ કરતી તેમની દીકરી ચાંદની જન્મદિવસની ઉજવણી માટે ઘરે આવી હતી.

પૂરમાં સંતોષી દેવીનું મકાન પણ ધોવાઈ ગયું છે. ચાંદની બચી ગઈ, પરંતુ તેમનાં માતાનો મૃતદેહ ત્રણ દિવસ પછી મળી આવ્યો હતો.

શ્યામબાબુનાં દુર્ગાવતી (ડાબે) અને મોટાબહેન સંતોષી દેવી (જમણે)

ઇમેજ સ્રોત, MANISH JALUI / BBC

ઇમેજ કૅપ્શન, શ્યામબાબુનાં દુર્ગાવતી (ડાબે) અને મોટાં બહેન સંતોષી દેવી (જમણે)

ચાંદની કહે છે, “પાણીનો પ્રવાહ એકાએક ધસી આવ્યો હતો. હું અને મમ્મી એકમેકનો હાથ પકડીને બેઠાં હતાં, પરંતુ પાણીના જોરદાર પ્રવાહને કારણે અમે છૂટાં પડી ગયાં. મેં મારા હાથમાં જે આવ્યું તે પકડી રાખ્યું. મારો ફોન ડૂબી ગયો હતો, પરંતુ થોડા સમય પછી તે મળી આવ્યો હતો. મેં મારી મમ્મીને અનેક વખત ફોનકોલ કર્યા હતા, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. બાદમાં મેં જોયું તો બધું નાશ પામ્યું હતું. મારા મમ્મીને તેમાંથી બહાર કાઢવામાં આવી હતી.”

ચાંદનીના જણાવ્યા અનુસાર, તેની મમ્મીએ તે ઇચ્છે તેનો અભ્યાસ કરવાની અને ગમે તે કરવાની છૂટ આપી હતી.

ઉત્તર દિશામાં આગળ વધીએ છીએ ત્યારે અપાર વિનાશ વધારે સ્પષ્ટ થાય છે. નદીના કિનારાના વિસ્તારોમાં અને ટેકરીઓમાં સૌથી વધુ નુકસાન થયું છે. રસ્તાઓ તૂટી ગયા છે.

કેટલાકનું તો અસ્તિત્વ જ ખતમ થઈ ગયું છે. પુલ પાણીમાં વહી ગયા છે. બાકીની દુનિયા સાથેનો ગામડાંનો સંપર્ક તૂટી ગયો છે.

સ્વયંસેવકો તેમની પીઠ પર ખાદ્યસામગ્રી તથા આવશ્યક ચીજવસ્તુઓ લઈને પહાડો પર ચડે છે અને સંપર્કવિહોણા વિસ્તારમાં પહોંચી રહ્યા છે.

બચાવ કામગીરી ચાલુ હોવાથી થોડી-થોડીવારે આકાશમાં હેલિકૉપ્ટર ઊડતાં જોવા મળે છે.

સિંગતમ ગામમાં આવેલા મંદિરના પાછળના ભાગમાં એક વિશાળ સામુદાયિક રસોડું બનાવવામાં આવ્યું છે

ઇમેજ સ્રોત, MANISH JALUI / BBC

ઇમેજ કૅપ્શન, સિંગતમ ગામમાં આવેલા મંદિરના પાછળના ભાગમાં એક વિશાળ સામુદાયિક રસોડું બનાવવામાં આવ્યું છે

60,000 લોકોને અસર થઈ

આ દૂર્ઘટના પાછળ સવાલ ઘણા છે

ઇમેજ સ્રોત, MANISH JALUI / BBC

સિક્કિમ સરકારના જણાવ્યા મુજબ, 60 હજારથી વધુ લોકોને અસર થઈ છે. 40થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે, પરંતુ હજ્જારો ગુમ લોકોની ભાળ મળી નથી અને 50થી વધુ મૃતદેહોની ઓળખ થવી બાકી હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.

આ દુર્ઘટના પાછળ સવાલ ઘણા છેઃ શું તે કુદરતી આફત હતી કે બિનઆયોજિત વિકાસનું પરિણામ છે?

પ્રાપ્ત માહિતી મુજબ, ઉત્તર સિક્કિમના ઊંચા હિમાલય વિસ્તારમાં આવેલા લોનાક ગ્લેશિયર તળાવમાં અચાનક હિમશીલા ફાટી (જીએલઓએફ) હતી. તેને પગલે તિસ્તા નદીમાં પાણીના પ્રવાહમાં પ્રચંડ વધારો થયો હતો અને પૂર આવ્યું હતું.

2010માં કેદારનાથ પ્રલય વખતે પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી. સંશોધકો સૂચવે છે કે વાદળ ફાટવા અને જીએલઓએફ જેવી ઘટનાઓને વૈશ્વિક પર્યાવરણીય ફેરફારો તેમજ વધતા તાપમાન સાથે સંબંધ છે.

ચુંગથાંગ ખાતે લોનાક તળાવની નીચેના હિસ્સામાં તિસ્તા નદી પર બાંધવામાં આવેલો એક ડૅમ પાણીના પ્રવાહ સામે ટકી શક્યો ન હતો. પાણીના પ્રચંડ પ્રવાહને લીધે તે લગભગ નાશ પામ્યો છે, કેટલાક અહેવાલોમાં જણાવવામાં આવ્યુ છે કે આ પૂર માટે તે પણ કારણભૂત હોઈ શકે છે.

પર્યાવરણને નુકસાન થવાની આશંકાને લીધે સ્થાનિક આદિવાસીઓ વર્ષોથી તે બંધનો વિરોધ કરી રહ્યા છે.

ચુંગથાંગ ખાતે તિસ્તા નદી પર બાંધવામાં આવેલો ડેમ

ઇમેજ સ્રોત, MANISH JALUI / BBC

ઇમેજ કૅપ્શન, ચુંગથાંગ ખાતે તિસ્તા નદી પર બાંધવામાં આવેલો ડેમ

આ ડૅમના વિરોધમાં મોખરે રહેલા આદિવાસી નેતા ગ્યાત્સો લેપ્ચા કહે છે, “અમે આદિવાસીઓ વર્ષોથી વિરોધ કરી રહ્યા છીએ. તેમ છતાં અમને કહેવામાં આવ્યું છે કે અમે નિષ્ણાતો નથી, પરંતુ આ બધું થવાનો ખ્યાલ અમને વર્ષો પહેલાંથી હતો.”

જોક, હાલ રાબેતો સ્થાપવાના પ્રયાસ કરી રહેલી સિક્કિમ સરકારનો મત અલગ છે. સિક્કિમ સરકારના મુખ્ય સચિવ વિજય ભૂષણે બીબીસીને કહ્યું હતું, “એટલો વધુ વરસાદ પડ્યો હતો કે તમામ ડૅમ છલકાઈ ગયા હતા અને તેમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું હતું. હવે ડૅમ ઓવરફ્લો થાય ત્યારે આવી ઘટનાઓ અપેક્ષિત હોય છે. ડૅમ ફાટવાને કારણે આ દુર્ઘટના બની હતી કે કેમ તેની તપાસ ચોક્કસ કરવામાં આવશે.”

અમે ગંગટોક પાછી ફરી રહ્યા હતા ત્યારે એક વૃદ્ધા માટીનો ઢગલો ખોદતાં જોવા મળ્યાં. તેમને કોઈ મહત્ત્વની ચીજ મળી આવી હોય એવું લાગ્યું. તે એક ફોટો આલબમ હતું. તેઓ એક નાનકડી સળી વડે દરેક ફોટા પરની માટી સાફ કરતાં હતાં.

તેઓ બિહારથી આવેલા મજૂરોના પરિવારનાં સભ્ય છે. તેઓ બિહારથી અહીં સિંગતમ ગામ નજીક ડૅમ પર કામ કરવા આવ્યાં હતાં. તેમનું કામચલાઉ ઘર ઘોવાઈ ગયું છે.

એ વૃદ્ધાને એક પ્લાસ્ટિકની બેગ પણ મળી આવી છે. તેમાં લાલ રંગની રસીદો છે. હું પૂછું છું- તે શું છે? એ તેમણે અહીં મજૂર તરીકે કરેલા કામના દૈનિક વેતનની રસીદો છે. આ સ્લિપ્સ કૉન્ટ્રાક્ટરને દેખાડવાથી બાકીનું વેતન મળી જશે, એવી તેમને આશા છે.