ભરૂચ: 'મૃતદેહ પગે અથડાયો અને સસરા બોલ્યા, 'આ તો રાકેશ છે', પાણી આવ્યું ત્યારે શું થયું હતું?

કડોદ ગામનાં પશુપાલક

ઇમેજ સ્રોત, RUPESH SONVANE/BBC

ઇમેજ કૅપ્શન, કડોદ ગામમાં રહેતા જીણુભાઈ પશુધન તણાઈ જતાં વ્યથિત છે

ભરૂચ જિલ્લાના કડોદ ગામમાં તબેલો ધરાવતા જીણુભાઈ વસાવા તેમની આપવીતી જણાવતાં ચોધાર આંસુએ રડી પડ્યાં. તેમણે કહ્યું, “નહીં નહીં તો મારી પાસે અઢી કરોડ રૂપિયાના જાનવર હતા. પૈસાની ગણતરી નથી કરતો પણ મારા જાનવરની વાત કરું છું. મારા જાનવર મારી નજર સામે હોય તો હું ધરાઈ જઉં.”

આવી જ કહાણી ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારના અનેક ગામના લોકોની છે. જેમણે 18મી તારીખની સાંજથી તેમની પાસે જીવન જીવવા જે આધારભૂત વસ્તુઓ હતી તેને નજર સામે નર્મદાના પૂરનાં પાણીમાં વહી જતી જોઈ.

ભરૂચના શુક્લતીર્થ, તવરા, મંગલેશ્વર અને કડોદ સહિતના કુલ 35થી વધુ ગામને પૂરની અસર થઈ છે. તો અંકલેશ્વરના દીવા ગામ, હરિપુરા, બોરભાઠા, બોરભાઠા બેટ, કોઈલી, ધતુરિયા બેટ, તુરિયા ધતુરિયા ગામ પૂરનાં પાણીથી સૌથી વધારે પ્રભાવિત થયાં છે.

આ વિસ્તારમાં લોકો મોટા ભાગે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. નર્મદા નદીના પૂરમાં આ વિસ્તારના હજારો પશુઓ તણાઈ ગયાં અથવા મૃત્યુ પામ્યા. હાલ નુકસાનીના સરવે અને પશુઓની શોધખોળની કામગીરી ચાલી રહી છે.

પરંતુ જ્યારે પૂર આવ્યું અને જળસ્તર વધ્યું ત્યારે ભરૂચ જિલ્લાના કડોદ ગામમાં તબેલો ધરાવતા આ વ્યક્તિએ તેમના પશુધનને બચાવવા કેવા પ્રયાસ કર્યા એ વિશે જણાવતાં કહ્યું, “પાંચ ફૂટ પાણીમાં જાનવરને છોડીને તબેલામાં ઘેર્યાં પણ જાનવર ગભરાઈને નીકળી ગયાં.”

બીબીસી
સંદીપભાઈના 64 પશુઓનાં પાણીમાં મોત પામ્યાં

ઇમેજ સ્રોત, RUPESH SONVANE/BBC

ભરૂચ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ કેટલી હદે ગંભીર બની હતી કે અંકલેશ્વર તાલુકાના એક ગામમાં દીવા રોડ આવેલા એક તબેલામાં બાંધેલી 60 ભેંસ અને 4 ગાયનાં મોત થતાં પશુપાલકને 70 લાખનું નુકસાન થયું છે.

દીવા રોડ પર સંદીપભાઈ પટેલ બે તબેલા નર્મદાના આ પૂરમાં તબાહ થઈ ગયા. ખીલે બંધાયેલાં દૂધાળાં પશુઓ કાં તો તણાઈ ગયાં કાં તો ડૂબી ગયાં.

સંદીપભાઈ કહે છે, “હું ખેતી વ્યવસાય સાથે તેમજ ગાય-ભેંસ પાળીને પશુપાલન કરું છે. અને એ જ મારા ધંધાનો આધાર હતા. હમણાં પૂર આવવાથી મારો ગાય-ભેંસનો તબેલો દીવા રોડ પર આવેલો છે એમાં 170 ગાય-ભેંસ અને એમનાં બચ્ચાં હતાં. એમાંથી 60 ભેંસ અને 4 ગાય મરી ગઈ.”

સંદીપભાઈને તેમના પશુઓને બચાવવાનો સમય પણ નહોતો મળ્યો. તેમણે તેમનો જીવ જ માંડ માંડ બચાવ્યો હતો.

બીબીસી ગુજરાતી

એક મૃતદેહ પગે અથડાયો, સસરા બોલ્યા, 'આ તો રાકેશ છે'

રાકેશ વસાવા

ઇમેજ સ્રોત, RUPESH SONVANE/BBC

ભરૂચના શુક્લતીર્થ ગામમાં પણ આવી જ સ્થિતિ હતી. શુક્લતીર્થ ગામમાં રહેતા 4 વર્ષીય સાધના અને 7 વર્ષની સંધ્યાના પિતા રાકેશ વસાવાનું મોત પૂરના પાણીમાં તણાઈ જવાથી થયું.

રાકેશના મૃત્યુના સમાચાર સાંભળી પત્ની સંગીતા પર આભ તૂટી પડ્યું હતું.

સંગીતા કહે છે, “મારા ઘરવાળા અચાનક જ પાછા વળીને કંઈ સામાન લેવા આવ્યા તે પછી મળ્યા નહીં તો મારા દિયર એમને શોધવા ગયા પણ મળ્યા નહીં. પોલીસને પણ જાણ કરી તો આવે છે, મળી જશે એવું કહ્યા કરતા. બીજા દિવસે પછી એ મળ્યા.”

મૃતક રાકેશના મિત્ર હરેશ કહે છે, “પાણી છૂટ્યું ને એમાં અમે બધા અહીંથી નીકળ્યા. પછી બીજા દિવસે પાણી નીચે આવ્યું, ઊતરી ગયું એટલે અમે લોકો ઘરની સાફસફાઈ માટે આવ્યા તો અમે પાછળ શોધતા શોધતા રોડ બાજુ ગયા ત્યાં એક ડેડબૉડી દેખાઈ. એ મારા સસરાના પગમાં અથડાઈ અને એને સીધી કરીને જોયું ત્યાં તો મારા સસરાએ કહ્યું કે આ તો રાકેશ છે. પછી એને બહાર લઈ ગયા, નવડાવ્યા પછી પોલીસને આઈડીફિકેશન માટે બોલાવ્યા.”

શુક્લતીર્થ ગામમાં 18 તારીખની રાત્રે પૂરનાં પાણી પેસી ગયાં પછી ચોથા દિવસે પણ લોકોનાં ઘરોમાં પાણી અને કાદવ હતાં.

મધ્યપ્રદેશ સરકારને કેમ જવાબદાર માને છે લોકો?

પૂરના પાણીમાં ધ્વસ્ત થયેલું એક ઘર

ઇમેજ સ્રોત, RUPESH SONVANE/BBC

કડોદ ગામના પશુપાલક જીણુભાઈ કહે છે, “આના માટે હું સરકારને જવાબદાર માનું છું. અહીંની સરકાર કરતાં બમણી જવાબદાર છે મધ્યપ્રદેશની સરકાર. પાણીનો સારો વહીવટ કરતા નથી, સ્ટોરેજ કરી રાખે છે અને બધું પાણી આ જ નદીમાં ઠાલવે છે.”

તેઓ કહે છે, “મારી મહિને ત્રણ લાખ રૂપિયાની આવક હતી તે ગઈ. હું તો પૅન્શન પર જીવી લઈશ, મારી સાથે કામ કરનારા છ પરિવારો હવે કેવી રીતે નભશે? તેઓ ગુજરાન નહીં ચલાવી શકે.”

17 સપ્ટેમ્બરે એક બાજુ નર્મદા નદી પરના સરદાર સરોવર ડૅમ પૂરો ભરાઈ જતાં તેમાં આવેલા નીરનાં વધામણાં કરાયાં હતાં, બીજી બાજુ ગુજરાત અને મધ્યપ્રદેશમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઈ અને અવિરત વરસાદ વરસતો રહ્યો.

સ્થિતિ એ આવી કે ઉપરવાસ અને મધ્યપ્રદેશમાં વરસાદને કારણે ઓમકારેશ્વર અને ઇન્ડિરા સાગર ડૅમમાંથી પાણી નર્મદા નદીમાં ઠાલવવાનું શરૂ કરાયું હતું. આ કારણે નર્મદા નદી પરના સરદાર સરોવર ડૅમમાં પાણીની આવક એટલી વધી કે તેમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડી મૂકવાનો નિર્ણય કરાયો.

બીબીસી

પૂર આવ્યું તે દિવસે શું થયું હતું?

બોરભાઠા ગામ

ઇમેજ સ્રોત, SAJID PATEL/BBC

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નર્મદામાં પાણી છોડાતાં તંત્રે સત્વરે લોકોને કેચમૅન્ટ વિસ્તારમાં ઍલર્ટ કરવાનું શરૂ કર્યું.

ચેતવણીનો સંદેશ મળ્યા પછી અહીંના લોકો પાસે 10 કલાકનો સમય હતો.

નીચાણવાળા વિસ્તારમાં આવતાં તમામ ગામોને બપોરના સમયે સાવચેત રહેવા કહેવાયું હતું.

લોકો આ સાવચેત રહેવાની સૂચનાને સમજે, સ્થિતિની ગંભીરતાને પારખીને પરિવારજનોની અને પશુધન સહિત ઘરમાં સામાનની કોઈ વ્યવસ્થા કરવાનો વિચાર કરે એ પહેલાં જ રાત સુધીમાં તો નર્મદા નદીમાં છોડાયેલું પાણી ધસમસતા પૂર રૂપે લોકોનાં ઘર, ખેતર અને ગામમાં એટલી ઝડપથી ધસી ગયું કે લોકો કંઈ સમજી જ ના શક્યા.

પરિણામ એ આવ્યું કે ભરૂચ અને અંકલેશ્વરનાં કેટલાંય ગામોમાં સ્થિતિ વિકટ થઈ હતી, કેટલાય પરિવારની આવકના સ્રોત સમાન હજારો પશુઓ તણાઈ ગયાં. લોકોની આજીવિકા છીનવાઈ ગઈ.

અંકલેશ્વર તાલુકામાં આવેલું બોરભાઠા ગામ નર્મદાનાં પાણીમાં તારાજ થઈ ગયું. ગામલોકો ત્રણ દિવસ સુધી અહીંતહીં આશરો લેતા ફરતા હતા. જ્યાં જગ્યા મળી ત્યાં લોકોએ આશરો લીધો.

પૂરના ધસમસતાં પાણીમાં ખેતીલાયક જમીનનું પણ ધોવાણ થઈ ગયું છે. હવે અહીં પાછળ રહી છે માત્ર રેતી.

એક અંદાજ મુજબ ભરૂચ જિલ્લામાં કુલ 17,000 હેક્ટર ખેતીલાયક જમીનને નુકસાન થયું છે.

ધતુરિયા બેટ ગામમાં રહેતા બે હજાર જેટલા લોકો ખેતી અને પશુપાલન પર આધારિત હતા.

16 સપ્ટેમ્બર સુધી લીલાછમ પાકથી લહેરાતી જમીન પૂરનાં પાણીમાં ધોવાઈ ગઈ અને પછી નદીના રેતાળ પટમાં બદલાઈ ગઈ છે.

ધતુરિયા બેટની ત્રણથી ચાર હજાર હેક્ટર જમીન ધોવાઈ હોવાનું અનુમાન છે.

બીબીસી
બીબીસી