ગટરનાં પાણીમાંથી વીજળી પેદા કરીને કાતિલ ઠંડીમાં કેવી રીતે ગરમાવો મેળવે છે આ શહેર?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, એન્ના ટર્ન્સ
- પદ, બીબીસી સંવાદદાતા
કૅનેડાનો મોટો વિસ્તાર એવો છે જ્યાં લોકોએ શિયાળામાં ભયંકર ઠંડી સહન કરવાની આવે છે. પણ કૅનેડાના મોટા શહેર વૅનકુવરમાં કડકડતી ઠંડીમાં ઘરોને ગરમ રાખવા માટે એક અનોખો રસ્તો કાઢવામાં આવ્યો છે.
વૅનકુવરના એક પરામાં અવનવી ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને ગટરના પાણીમાંથી ગરમી અલગ તારવવામાં આવે છે, જેથી તેનો ઉપયોગ ઘરોને ગરમ રાખવા માટે વૈકલ્પિક ઊર્જા તરીકે કરી શકાય.
શિયાળો આવે એટલે વૅનકુવરની શેરીઓમાં બરફ છવાઈ જાય છે, પરંતુ તેમાં વચ્ચે વચ્ચે ગરમ હવા નીકળતી હોય છે એટલા ભાગમાં બરફ ઓગળી ગયેલો હોય છે. નીચે ગટર હોય છે તેમાં વહેતું ગંદું પાણી ગરમ હોય છે તેની ગરમી કાણાંમાંથી બહાર નીકળે એટલે તેટલા ભાગમાં બરફ ઓગળી ગયો હોય.
કૅનેડાના વૅનકુવર શહેરના નાગરિકોના એક વિસ્તારમાં ઊર્જા વ્યવસ્થા સંભાળતા વિભાગના મૅનેજર ડૅરેક પોપ કહે છે, "ગટર સિસ્ટમમાં એટલી ગરમી ઉત્પન્ન થાય છે કે તેનો ઉપયોગ કરીને સમગ્ર વસાહતમાં આવેલાં મકાનોને ગરમ રાખી શકાય. 2010થી અમે ફૉલ્સ ક્રિકમાં આ રીતે જ મકાનોને ગરમી આપવાનું કામ કરી રહ્યા છીએ."
ફૉલ્સ ક્રિક વૅનકુવરનો આ નવો વિકસેલો વિસ્તાર છે અને તેના માટે ઊર્જાની વ્યવસ્થા અનોખી રીતે કરવામાં આવે છે. આ વિસ્તારનાં મકાનોમાંથી ગંદું પાણી નીકળે છે તેની જ ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે.
વિશ્વમાં ઘણી પાલિકાઓ હવે આ રીતે જમીનની નીચે ગટરમાં વહેતા પાણીમાંથી વધારાની ગરમીનો ઉપયોગ કરીને ઊર્જા માટે જરૂરી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરી રહી છે.
ફૉલ્સ ક્રિકમાં 6,210 ઍપાર્ટમૅન્ટ્સ આવેલાં છે અને તેના રહેવાસીઓને મકાન ગરમ રાખવા માટે જરૂરી વીજળી મોટા ભાગે નવીનીકરણીય સ્રોતમાંથી મળે છે, જેમાં સૌથી મોટો હિસ્સો ગટરનાં પાણીનો છે.
આપણે ઘરમાં પાણીનો વપરાશ કરીએ તે સીધું ગટરમાં જાય છે. ટૉઇલેટ ફ્લશ કરીએ, સ્નાન કરીએ, કપડાં ધોઈએ કે વાસણો ધોઈએ તે બધું પાણી ગટરમાં થઈને ગંદાં પાણીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય ત્યાં પહોંચે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં તેના પર રાસાયણિક, જૈવિક અને યાંત્રિક પ્રક્રિયા કરીને પાણીને શુદ્ધ કરવામાં આવે છે. તે રીતે શુદ્ધ થયેલું પાણી ફરીથી મકાનોમાં વપરાશ માટે પહોંચાડવામાં આવે છે.
આપણે એ ભૂલી જઈએ છીએ કે ડિશવૉશરમાં ગરમ પાણી વપરાય છે અને સ્નાન માટે પણ હીટરનું પાણી વાપર્યું હોય તે બધું ગરમ પાણી ગટરમાં થઈને વહે છે.
આ ગરમ પાણીની ગરમી ગટરમાં દેખાય છે અને ગટરમાં જ્યાં કાણાં હોય કે ઉપર ઢાંકણાં રાખેલાં હોય ત્યાંથી તે બહાર નીકળે છે. તે ગરમીને કારણે જ ફૂટપાથ અને રસ્તા પર બરફ ઓગળતો રહે છે.

ઇમેજ સ્રોત, City of Vancouver
ગરમ પાણીની આ ગરમી ગટરમાં એકઠી થાય છે એટલે તેનો ઉપયોગ કરવો સહેલો છે. તેની ગરમી અલગ કરવામાં આવે તેમાં ગટરનાં ગંદાં પાણીની વાસ ભળતી નથી.
ગટરમાંથી ગરમી જલદી જતી નથી, જ્યારે ખુલ્લામાં ગરમી ઉત્પન્ન થાય તે જલદી હવામાં ભળી જાય છે.
ઘરમાંથી પણ ગરમ હવા બારી-બારણામાંથી અને છતમાંથી જલદી નીકળી જતી હોય છે. બીજું કે ગરમ પાણીનો બહુ મોટો જથ્થો ગટરમાં ભળતો હોય છે એટલે ત્યાંથી ઘણી ઊર્જા એકઠી થઈ શકે.
2020માં લંડન સાઉથ બૅન્ક યુનિવર્સિટીએ એક અંદાજ માંડ્યો હતો કે યુકેમાં રોજ 16 અબજ લીટર ગટરનું પાણી વહે છે તેમાંથી કેટલી વીજળી પેદા થઈ શકે.
સૈદ્ધાંતિક રીતે ગટરનાં પાણીમાંથી વર્ષે કુલ 20TWh વીજળી ઉત્પન્ન કરી શકાય છે. આટલી વીજળીથી 16 લાખ ઘરોનાં હીટર અને ગીઝર ચાલી શકે. અમેરિકા લોકો વધારે ગંદું પાણી ગટરમાં વહાવે છે - વર્ષે તેમાંથી અંદાજે 350TWh વીજળી ઉત્પન્ન થઈ શકે એટલું. આટલી વીજળીથી અમેરિકામાં ત્રણ કરોડ ઘરોને ગરમ રાખી શકાય.
'ગટર વ્યવસ્થામાં એટલી ગરમી વહેતી હોય છે કે તેનો ઉપયોગ કરીને સમગ્ર વિસ્તારનાં મકાનોને ગરમ રાખી શકાય'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વૅનકુવરના એક બ્રિજની નીચે સીવેજ પમ્પિંગ સ્ટેશન આવેલું છે તેની ઉપર જ એનર્જી સેન્ટર બેસાડી દેવાયું છે, જેથી અંદરનું ગંદું પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચે તેની ગરમીને એકઠી કરી લેવાય.
ગટરનું પાણી 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું ગરમ હોય છે તે ગરમીને એકઠી કરીને પમ્પથી દબાવવામાં આવે છે, જેથી 80 ડિગ્રી સેલ્યિયસ જેટલી ગરમી થાય.
પોપ જણાવે છે કે, "અમારી હિટ એકઠી કરનારી સિસ્ટમ એટલી કાર્યદક્ષ છે કે 300 ટકા કાર્યક્ષમતાથી કામ કરે છે. એટલે કે હિટ પમ્પ ચલાવવા માટે જેટલી વીજળી વપરાય તેના કરતાં ત્રણ ગણી વીજળી અથવા ગરમી અમને મળ છે."
ગટરનું પાણી હંમેશાં ગરમ જ હોય છે એટલે ભરશિયાળે પણ હીટ પમ્પ અસરકારક રીતે કામ કરતા રહે છે.
શિયાળામાં આમ પણ હીટર ચલાવવા માટે સૌથી વધુ વીજળીની ડિમાન્ડ હોય છે એટલે સતત આ રીતે રિન્યૂએબલ એનર્જી મળતી રહે છે.
યુરોપિયન યુનિયનમાં કુલ જેટલી વીજળી વપરાય છે, તેમાંથી 40 ટકા આવાસોમાં વપરાય છે. હીટર અને એસી માટે અને ઘરકામ માટે લગભગ 80 ટકા વીજળી વપરાય છે.
પોપના જણાવ્યા અનુસાર વૅનકુવરમાં કુલ પ્રદૂષિત ગૅસ ઉત્પન્ન થાય છે, તેના 50 ટકા ગૅસ ઇમારતોમાંથી ઉત્પન્ન થાય છે. શહેરનાં મકાનોને ગરમ રાખવા માટે વીજળીનો અથવા કુદરતી ગૅસનો ઉપયોગ થાય છે.
તેઓ કહે છે, "તેથી જ આ વપરાશ ઓછો કરવા માટે ગટરનાં ગરમ પાણીનો ઉપયોગ કરવો એ એક ઉકેલ છે. આવાસોમાંથી ઉત્પન્ન થતું ઉત્સર્જન ઘટાડવા માટે આ ખરેખર એક સારો વિકલ્પ છે, ખાસ કરીને ગીચ વસતિ હોય ત્યાં."
અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીના સિસ્ટમ્સ ઍન્જિનિયરિંગના પ્રોફેસર સેમિડા સિલ્વેરિયા માને છે કે ગટરની ગરમીનો આપણે ઉપયોગ નથી કરતાં એ હાથમાં રહેલી તક જતી કરવા સમાન છે.
તેઓ કહે છે, "દુનિયામાં એટલી બધી ગરમી આપણે આ રીતે જ વહાવી દઈએ છીએ. આજે હવે આપણી ઊર્જાની બાબતમાં ઘણા કાર્યક્ષમ થયા છીએ." કાર્યક્ષમ ઉપયોગ દ્વારા અમેરિકામાં કાર્બન ઘટાડવાનું અડધોઅડધ લક્ષ્યાંક હાંસલ થઈ શકે છે એમ તેઓ માને છે.
સિલ્વેરિયા ઉમેરે છે કે ઊર્જાનો કાર્યક્ષમ ઉપયોગ નથી થતો, કેમ કે તે નજરે દેખાતો નથી.
જો કે ઊર્જા બાબતની વૈશ્વિક સંસ્થા ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી જણાવે છે કે કાર્યક્ષમ ઉપયોગ કરી એ ખરેખર તો આપણું 'પ્રથમ બળતણ' છે. કાર્યક્ષમ ઉપયોગથી વીજળીની માગને ઘટાડી શકાય છે અને ઊર્જાની બાબતમાં વધારે આત્મનિર્ભર થઈ શકાય છે.
તાપમાન વધી રહ્યું છે તે પણ વિશ્વમાં હજી સુધી ઉપયોગમાં ના લેવાયેલો એક ઊર્જા સ્રોત છે. ગ્લોબલ ઍન્જિનિયરિંગ ફર્મ ડેનફોસે 2023ના એક અહેવાલમાં આનો અંદાજ માંડ્યો હતો.
અહેવાલમાં જણાવાયું હતું કે યુરોપિયન યુનિયનમાં વધારાની ગરમી વેડફાય છે, તેને એકઠી કરી લેવામાં આવે તો સમગ્ર પ્રદેશને તેનાથી વીજળી મળી શકે છે. ટ્રાન્સપોર્ટમાં, ફેકટરીમાં, ડેટા સેન્ટરમાં અને ગટર વ્યવસ્થામાં એમ જ ગરમી ઉત્પન્ન થાય છે અને વેડફાઈ જાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
જોકે તેમાંથી ગટર વ્યવસ્થામાં ગરમી વહેતી હોય છે તેને એકઠી કરીને ઉપયોગ કરવા માટેના સફળ પ્રયાસો હવે થવા લાગ્યા છે અને તેમાં ફોલ્સ ક્રિક જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.
ફૉલ્સ ક્રિક વિસ્તારની ગટરની ગરમીને હીટ પમ્પથી એકઠી કરી લેવાય તે પછી તેને પાંચ માઇલ લાંબી પાઇપના નેટવર્કથી વહેંચવામાં આવે છે. આ રીતે થર્મલ ગ્રીડ બને છે અને તે ગ્રીડની પાઇપથી 44 ઇમારતોને ગરમ રાખવામાં આવે છે. ગરમીને એકઠી કરીને તેને ઍક્સચેન્જ કરનારી વ્યવસ્થા દ્વારા ઇમારતોની હીટ સિસ્ટમ સુધી પહોંચાડવામાં આવે છે અને ત્યાંથી ગરમ પાણીના પાઇપમાં પણ તે ઊર્જા પહોંચે છે.
ફૉલ્સ ક્રિકની ગટર વ્યવસ્થામાં વધુ રિકવરી એકમો ગોઠવવાનું કામ ચાલુ છે. હીટ પમ્પની કૅપેસિટી ત્રણ ગણી વધારીને હાલમાં 3 મેગાવૉટથી છે તેને ત્રણ ગણી કરીને 9 મૅગાવૉટથી વધારે કરવાની છે.
પોપ કહે છે, "આ બહુ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ છે."
પોપ કહે છે કે ગ્રેટર વૅનકુવરમાં જુદા જુદા વિસ્તારોમાં આ પ્રકારે ગટરની ગરમીનો ઉપયોગ કરવા માટેની સિસ્ટમ બહુ ઝડપથી ગોઠવાવા લાગી છે. કુદરતી ગૅસનો ઉપયોગ કરવાના બદલે આ રીતે ઊર્જાનો સોર્સ ઊભો કરવાના પ્રયાસો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
વૅનકુવર શહેરની જળવાયુ પરિવર્તન બાબતે ઍક્શન પ્લાન બનાવ્યો છે તેમાં ફૉલ્સ ક્રિક નેઇબરહૂડ એનર્જી યુનીટીનો સમાવેશ થાય છે.
સરકારી માલિકીની આ સંસ્થાએ નિર્ધાર કર્યો છે કે 2030 સુધીમાં વીજળી માટેની બધી જ જરૂરિયાતને રિન્યૂએબલ સોર્સ કરી નાખવી. પોપને લાગે છે કે ત્યાં સુધીમાં ગટરમાં રહેલી ગરમી, થર્મલ ગરમી અને બીજા સ્રોતોમાંથી ઊર્જા મેળવવાનું શરૂ થઈ ગયું હશે.
મોટાં વીજમથકો જેટલી ઊર્જા ગંદાં પાણીમાંથી મળી શકે?
જોકે સમગ્ર રીતે ભવિષ્યનું વિચારીને શહેરોના વિકાસનું આયોજન નથી થતું એમ પોપ માને છે.
તેઓ કહે છે: "આપણે ગંદું પાણી છે તેને ઊર્જાના સ્રોત તરીકે જોવાનું શરૂ કરવું પડશે. તેનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તેનું આયોજન ટાઉન પ્લાનિંગમાં કરવું પડશે."
તેઓ સ્વીકારે છે કે આવું કરવા માટે મૂડી ખર્ચ કરવી પડે છે, પરંતુ બાદમાં તે ખર્ચનું વળતર મળી જાય છે.
તેઓ દાખલો આપે છે કે ફૉલ્સ ક્રિકમાં વીજળી યુનિટ તૈયાર કરાયા છે તેનો ખર્ચ હવે નીકળી જશે .
નાગરિકો વીજળી માટેનું બિલ ભરે છે, વીજળી ઉત્પન્ન થાય છે તે ઓછો કાર્બન ઉત્પન્ન કરે છે.
બીજું કે હાલમાં નેટવર્કને વધારવામાં આવ્યું તે માટેનું ફંડ ગૅસ ઉત્સર્જન રોકવા માટે તૈયાર થયેલા બજેટમાંથી મળ્યું છે. બીજું કે આગળ જતાં પાલિકા તંત્ર આ પ્રકારની યોજનાઓને અમલમાં મૂકવા આગળ આવે એવી પણ ઇચ્છા તેઓ વ્યક્ત કરે છે.
ગટરમાં વહેતી વધારાની ગરમીને એકઠી કરવા માટે યુનિટ બેસાડવામાં આવે તેની પાછળનો ખર્ચ ખરેખર વાજબી છે, કેમ કે વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં બહુ વીજળી વપરાય છે.
પાલિકાનું વીજળી બિલ હોય છે તેના 30-40 ટકા હિસ્સો વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો હોય છે. અમેરિકાની કૉન્ગ્રેશનલ રિસર્ચ સર્વિસે 2017માં અહેવાલ તૈયાર કર્યો હતો તેમાં આવો અંદાજ અપાયો છે.
ગટરની પાઇપમાંથી વચ્ચે વચ્ચેથી ગરમી શોષી લેવામાં આવે તો ટ્રીટમેન્ટ પ્લાન્ટ વધારે કાર્યક્ષમ રીતે કામ કરી શકે.
યુરોપના ડેન્માર્કના આર્હસ શહેરમાં આવો વેસ્ટવૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનેલો છે. માર્સેલિબોગ પ્લાન્ટ પોતાને જરૂર હોય તેનાથી વધારે વીજળી ઉત્પન્ન કરી લે છે.
20,000 લોકોના વપરાશ પછી નીકળેલા ગંદાં પાણીને અહીં સ્વચ્છ કરવામાં આવે છે અને ગરમીને પણ એકઠી કરીને ઉપયોગ કરવામાં આવે છે.
કચરો એકઠો થાય તેમાંથી બાયોગૅસ બને છે. ડેનિશ વૉટર ઍન્ડ વેસ્ટવૉટર ઍસોસિએશનના અંદાજ અનુસાર ડેન્માર્કની વસતિ 58 લાખ જેટલી છે અને તેની ગટરોમાં વહેતી ગરમીને એકઠી કરવામાં આવે તો 600થી 700 મેગાવૉટ વીજળી ઉત્પન્ન કરી શકાય છે.
આટલી વીજળી માટે બે મોટાં વીજમથકો બનાવવાં પડે. ગટરની ગરમીનો ઉપયોગ થાય તો દેશના 20 ટકા ઘરોને કાર્બન ન્યૂટ્રલ (જેમાં કાર્બન ઉત્સર્જન અને શોષવાનું પ્રમાણ સંતુલિત હોય) વીજળી પૂરી પાડી શકાય.

ઇમેજ સ્રોત, Getty Images
સિલ્વેરિયા માને છે કે સ્થિતિ બદલતી દેખાવા લાગી છે.
તેઓ કહે છે, "અર્બન પ્લાનર્સ હંમેશાં જમીનનો ઉપયોગ, વાહન વ્યવહાર, સુવિધાઓ વગેરે બાબતમાં જ વિચારતા આવ્યા છે, પણ હવે ઘણી પાલિકામાં વીજળીના ઉપયોગ વિશે પણ વિચારણા થવા લાગી છે."
"પરંતુ તે માટે પૂરતો વિચાર કરીને તૈયાર કરેલી નીતિ જરૂરી છે. સિલ્વેરિયા કહે છે કે પાલિકાઓ સામે મુખ્ય સવાલ એ છે કે ગટરની ગરમી સ્થાનિક ધોરણે જ એકઠી કરી લેવી (વિસ્તાર પ્રમાણે જ પ્લાન્ટ નાખીને) કે પછી ગટરના પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર પહોંચે ત્યાં કેન્દ્રીત ધોરણે તેને એકઠી કરવી."
"રહેવાસીઓ એવું વિચારે કે અહીં જ આ ગરમીને પાછી ખેંચીને તેનો ઉપયોગ કરી લઈએ, જ્યારે ટ્રીટમેન્ટ પ્લાન્ટના સંચાલકની ઇચ્છા હોય કે અહીં સુધી ગરમ પાણી પહોંચે તો તેનો ઉપયોગ કરીએ, જેથી પોતાનો ઊર્જાનો ખર્ચ ઓછો આવે. એવી પણ ટેકનૉલૉજી હવે ઉપલબ્ધ છે કે ઘરમાં જ ગરમ પાણી વપરાતું હોય તેનો ઉપયોગ ઘરને ગરમ રાખવા માટે કરી શકાય."
"દાખલા તરીકે ગીઝરના પાણીનો ઉપયોગ થાય ત્યારે તેની ગરમી બાથરૂમમાંથી એકઠી કરીને મકાનને ગરમ રાખતી સિસ્ટમમાં નાખી શકાય. જોકે આવી ટેકનૉલૉજી મોંઘી પડતી હોય છે."
સિલ્વેરિયા કહે છે, "તમે આવા ઉકેલ અપનાવો ત્યારે રોકાણ કરવું પડતું હોય છે, એટલે સવાલ એ થાય કે તેની ચૂકવણી કોણ કરે?"
યુરોપિન દેશ સ્વીડન બહુ ઠંડી ધરાવતો દેશ છે, ત્યાં ફૉલ્સ ક્રિક જેવી હીટિંગ સિસ્ટમ જિલ્લાઓમાં લગાવાયેલી હોય છે.
ગીચ વસતિ હોય ત્યાં આ બહુ ઉપયોગી થાય, કેમ કે મકાનો સુધી અસરકારક રીતે ગરમી પહોંચાડી શકાય છે.
સિલ્વેરિયાએ સ્વીડનની રાજધાની સ્ટૉકહોમમાં ગટરની ગરમી એકઠી કરવાની સિસ્ટમ છે તેનો અભ્યાસ કરેલો છે, જેના આધારે 8,00,000 મકાનોને ગરમ રાખવામાં આવે છે. તેઓ કહે છે, "સ્ટૉકહોમની સિસ્ટમ બિલકુલ અંડરગ્રાઉન્ડ છે અને તે ક્યાંય દેખાય પણ નહીં, કે કોઈ વાસ પણ ન આવે."
આર્હસ શહેરની જેમ સ્ટૉકહોમમાં પણ ગંદા પાણીમાંથી બાયોગૅસ મેળવવામાં આવે છે. તે બાયોગૅસનો ઉપયોગ સિટી બસ ચલાવવા માટે કરવામાં આવે છે.
સિલ્વેરિયા માને છે કે આ રીતે કેન્દ્રીય રીતે ઉકેલ હોય તે બહુ ઉપયોગી થાય છે. સ્વીડનમાં કાર્બન ટેક્સ પણ લેવાય છે, તેના કારણે ઊર્જાનો વપરાશ કરનારા ગ્રીન એનર્જી મેળવવા માટે પ્રયાસો કરતા રહે છે.
સિલ્વેરિયા માને છે કે ગટરમાંથી ગરમી એકઠી કરવા માટેની યોજના માત્ર ટેકનૉલૉજી આધારિત ના હોવી જોઈએ, પણ સરકારી રીતે પણ તેમાં હિસ્સેદારી હોવી જોઈએ. તેઓ કહે છે કે આ માટેના કાયદા અને વ્યવસ્થા જરૂરી છે, જેથી આ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાઈ શકે. સ્વીડનમાં સમગ્ર જિલ્લાઓ માટે કેન્દ્રીય રીતે વ્યવસ્થા ગોઠવાઈ શકાઈ છે, કેમ કે ત્યાં પાલિકા પાસે આ પ્રકારના લાંબા ગાળાના નિર્ણયો લેવા માટેની સત્તા છે.
યુકે જેવા દેશમાં પાલિકાઓ પાસે બહુ સત્તા હોતી નથી. તેવા દેશોમાં પણ ગટરની ગરમીનો ઉપયોગ કરવા માટે વિચારી શકાય છે. તેના કારણે મળતી વીજળીનો ઉપયોગ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવવા માટે થઈ શકે છે. લંડનના કિન્સ્ટન વિસ્તારમાં, નૉર્વેના ઑસ્લો અને ચીનના બેઇજિંગ વગેરે ઘણી જગ્યાએ હવે આ રીતે ગટરની ગરમીનો ઉપયોગ કરવા માટેના પ્રયાસો થવા લાગ્યા છે.
આ બાજુ ફૉલ્સ ક્રિકમાં રહેવાસીઓને ફાયદા દેખાવા લાગ્યા છે.
અવાજ કરતાં હીટ પમ્પ અને બૉઇલર એનર્જી સેન્ટરમાં ચાલતા હોય છે એટલે ઇમારતોની અગાશી પર કે કમ્પાઉન્ડમાં આવાં યુનીટો લગાવવાની જરૂર રહી નથી.
એ જગ્યાનો ઉપયોગ બગીચા તરીકે થઈ શકે છે. મેઇન્ટેનન્સ પણ કેન્દ્રીય ધોરણ થતું હોવાથી સારી રીતે કામ ચાલે છે અને તેનો સમગ્ર ખર્ચ રહેવાસીઓ વચ્ચે વહેંચાઈ જાય છે. તેથી વીજળીના ભાવો પણ સ્થિર રહે છે.
પોપ કહે છે, "કાર્યદક્ષ સિસ્ટમ સાથે તમે જોડાયેલા હો એટલે વીજળી અને ગેસના ભાવોમાં વારંવાર ફેરફાર થયા કરતા હોય છે તે તમારે ભોગવવા પડતા નથી."
પોપને આશા છે કે ફૉલ્સ ક્રિકનું ઉદાહરણ બીજી પાલિકાઓ માટે પ્રેરણારૂપ બનશે અને ઉત્સર્જન ઘટાડવા માટે તેનો ઉપયોગ કરશે.
તેઓ કહે છે, "સ્થાનિક ધોરણે ઉત્સર્જન ઓછું કરી રહ્યા છીએ તે બહુ કામનું છે, પણ સૌથી ફાયદો એ રીતે થાય કે આપણે કરેલા ઉપાયોમાંથી શું અસરકારક છે તે બીજાને પણ જણાવવું જોઈએ જેથી અન્ય લોકો પણ ઓછા કાર્બન સાથે ઊર્જા માટે સારી રીતે મૂડીરોકાણ કરી શકે."














