મોઢેરામાં બનેલા ‘દેશના પ્રથમ સોલાર વિલેજ’ના પ્લાન્ટને હઠાવવાની માગ કેમ થઈ રહી છે?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા, મોઢેરાથી
"સોલાર પ્લાન્ટને અહીંથી અન્ય કોઈ સ્થળે લઈ જવામાં આવે. અમારા ગામની ગોચર જમીનનો હેતુફેર કરતાં પહેલાં ગ્રામપંચાયતની પરવાનગી નથી લેવાઈ. ગામલોકો સાથે આ અંગે કોઈ ચર્ચાવિચારણા નથી કરાઈ."
ગુજરાતના મહેસાણા જિલ્લાનું મોઢેરા 'ચોવીસ કલાક' સૌરઊર્જા આધારિત વીજ પુરવઠાને કારણે સમગ્ર ભારતમાં દેશનું “પ્રથમ સૌરગ્રામ” તરીકે ખ્યાત બન્યું છે.
પરંતુ સૌરગ્રામ મોઢેરામાં વધારાની વીજળી માટે જ્યાં સોલાર પ્લાન્ટ લગાવાયો છે એ સુજાણપુરાના આગેવાન વિષ્ણુભાઈ રબારી ‘સૌરગ્રામ’ને ‘ગામલોકોની હાલાકીનું કારણ’ ગણાવે છે.
નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઑક્ટોબર 2022માં દેશના પ્રથમ 'સોલાર વિલેજ' એટલે કે 'સૌરગ્રામ' તરીકે મોઢેરા ગામનું અનાવરણ કર્યું હતું.
અનાવરણ સમયે વડા પ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું હતું, "મોઢેરા હવે માત્ર સૂર્યમંદિરના કારણે જ નહીં, પરંતુ સૂર્યપ્રકાશથી ઉત્પન્ન થતી ઊર્જા (વીજળી)ને કારણે પણ ઓળખાશે અને પર્યાવરણવાદીઓ માટે વિશ્વના નકશામાં પોતાની જગ્યા બનાવી લેશે."

નોંધનીય છે કે મોઢેરા સુધી વધારાની સૌરઊર્જા પહોંચાડવાનો પ્લાન્ટ સ્થાપવા પાંચ કિલોમિટર દૂર આવેલા સુજાણપુરા ગામની ગોચર જમીન હેતુફેર કરીને ઉપયોગમાં લેવાઈ હતી.
સરકારના આ નિર્ણયને કારણે હવે સુજાણપુરાના ગામલોકો મુશ્કેલીમાં મૂકાયા હોવાની ફરિયાદ કરી રહ્યા છે સાથે જ આ પ્લાન્ટ ‘અન્યત્રે ખસેડવાની માગ’ પણ કરી રહ્યા છે.
જોકે, બીજી તરફ વહીવટી તંત્ર ‘ગામલોકો તરફથી કોઈ ફરિયાદ ન કરાઈ’ હોવાની વાત કરી રહ્યું છે, અને પ્લાન્ટને લઈને ‘તમામ કાયદા અનુસરાયા’ હોવાનું જણાવી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સમગ્ર મામલા અંગે વિગતવાર જાણવા માટે બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.

‘ઢોરને ચરાવવા પાંચ કિ.મી. દૂર લઈ જવું પડે એ કેટલું વાજબી?’

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નોંધનીય છે કે વડા પ્રધાને જે સોલાર પ્લાન્ટનું અનાવરણ કર્યું હતું તેનાથી ઉત્પન્ન થતી વીજળી બૅટરી ઍનર્જી સ્ટોરેજ સિસ્ટમ (બીઈએસએસ) દ્વારા એકત્રિત કરવામાં આવે છે.
મોઢેરા ગામમાં રાતના સમયે અહીંથી વીજળી પહોંચાડવામાં આવે છે.
પ્લાન્ટનાં અનાવરણનાં બે વર્ષ પહેલાં સુજાણપુરા ગામની ગોચર જમીન મહેસાણા જિલ્લા કલેક્ટરે રાજ્યના ઍનર્જી ઍન્ડ પેટ્રોકેમિકલ્સ વિભાગને આપી હતી.
રાજ્યના મહેસૂલવિભાગ અનુસાર, ગામની કુલ 41 હેક્ટર જમીનમાંથી 12 હેક્ટર જમીન મોઢેરા સોલાર પ્લાન્ટ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવાઈ હતી.
વર્ષ 2019માં જમીનનો હેતુફેર કર્યા બાદ 2021માં અહીં તારબંધી કરી દેવાઈ હતી.
મહેસૂલવિભાગ પ્રમાણે, જે ગોચરની જમીન લેવામાં આવી હતી, તેની સામે મહેસાણા કલેક્ટરે નવ હેક્ટર જમીન સુજાણપુરાથી પાંચ કિલોમિટર દૂર મોઢેરા ગામની સીમમાં ગોચર તરીકે ફાળવી છે.
આ ઉપરાંત સુજાણપુરા ગામમાં અને તેની પાસેના છટાસણા ગામમાં પણ એક-એક પ્લૉટ ફાળવવામાં આવ્યા છે.
પરંતુ ગ્રામજનોનો આરોપ છે કે સોલાર પ્લાન્ટ માટે ગોચરની જમીનનો હેતુફેર કરવાની આ સમગ્ર પ્રક્રિયામાં ગ્રામસભાની મંજૂરી લેવાઈ નથી તેમજ આ અંગે ગ્રામજનોને વિશ્વાસમાં પણ લેવામાં આવ્યા નથી.
ગ્રામજનોનો આક્ષેપ છે કે ગોચર માટે ફાળવાયેલી વૈકલ્પિક જમીન દૂર હોવાને કારણે કેટલાક ગ્રામજનોએ પોતાનાં ઢોર પણ ઓછાં કરી દીધાં છે.
લગભગ 40 ઢોર ધરાવતા ગામના મેહુલભાઈ રબારી આ મામલે પોતાની મુશ્કેલી વર્ણવતાં કહે છે કે, "સરકાર ભલે કહેતી હોય કે તેમણે જમીન ફાળવી છે પણ અમે કોઈ જમીન જોઈ નથી. એ લોકો (સરકાર) કહે છે કે મોઢેરાની સીમમાં જમીન આપી છે, તમે જ કહો કે અમે રોજ અમારાં ઢોરને ચરાવવા માટે પાંચ કિલોમિટર દૂર જઈએ અને પાછા આવીએ. આ કેટલું વાજબી કહેવાય?"
સુજાણપુરાના આગેવાન દલાભાઈ રબારી ગોચરની જમીન અંગેની પોતાની ફરિયાદમાં કહે છે કે, "વડા પ્રધાને કહ્યું એ પ્રકારની સિદ્ધિ અમારા ગામને મળી એનો અમને ગર્વ છે પણ એના માટે ગ્રામજનોને શું કામ તકલીફ આપવાની? અમારા ગામની ગોચર જમીન પર સોલાર પ્લાન્ટ બને અને અમારાં ઢોરો માટે જગ્યા જ ન મળે, એ તો યોગ્ય નથી ને?"
સુજાણપુરા ગામના અન્ય એક રહેવાસી નારણભાઈ રબારીની પાસે પહેલાં 60 ગાયો હતી, જે ઘટીને હવે 25 થઈ ગઈ છે.
ગામમાં તેમના જેવા ઘણા લોકો છે, જે ક્યારેય શાળાએ ગયા નથી. માત્ર ઢોર ચરાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.
પણ હાલ બધા જ લોકોએ પોતાનાં ઢોર કાં તો વેચી દીધાં છે કાં તો તેમને ખુલ્લાં મૂકી રહ્યાં છે.

ગોચરની વૈકલ્પિક જમીન અંગે કાયદાકીય વિવાદ

સરકારના દાવા અનુસાર ગોચર જમીનના બદલામાં વૈકલ્પિક ગોચર જમીન ફાળવી દેવાઈ છે.
પરંતુ આ પૈકીની જમીન અંગે પણ હાલ ન્યાયિક વિવાદ ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સરકારે સુજાણપુરામાં ફાળવેલી ગોચર જમીન અંગે વીનુભાઈ સોલંકી નામની વ્યક્તિએ ગુજરાત હાઇકોર્ટમાં આ મુદ્દે અરજી કરી છે.
તેઓ આ ગોચર જમીન પર પોતાનો હક હોવાની વાત કરે છે.
તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “છેલ્લાં 50 વર્ષથી મારો પરિવાર આ જમીન ખેડી રહ્યો છે. આ જમીન પહેલાં પડતર હતી. તે પછી તે મારા ફોઈના નામે આપવામાં આવી હતી. તેમની પાસેથી મારા પિતાએ ખરીદી અને તેમની પાસેથી મારી પાસે આવી છે. આ જમીન મારા કબજા હેઠળ છે અને હવે તેને ગોચર જાહેર કરી દેવામાં આવી છે.”
બીબીસીએ જ્યારે આ જમીનની સ્થળતપાસ કરી તો જાણવા મળ્યું કે આ જમીન ચારેબાજુથી ખેતરોથી ઘેરાયેલી છે.
જો તેનો ગોચર માટે ઉપયોગમાં કરવાનું વિચારવામાં આવે તો પણ ત્યાં સુધી પહોંચવા માટે ઢોરોએ અન્ય સંખ્યાબંધ ખેતરોમાંથી પસાર થવું પડે.
જમીનનો કબજો વીનુભાઈ પાસે જ છે. તેમજ ગામના લોકો પણ આ જમીનને ગોચર તરીકે સ્વીકારવા તૈયાર નથી.
નોંધનીય છે કે ગ્રામજનો દ્વારા આ મામલે કલેક્ટરને રજૂઆત કરીને ‘પ્લાન્ટને અન્યત્રે ખસેડવાની’ માગ કરાઈ છે. આ રજૂઆત બાદ સુજાણપુરા ગ્રામપંચાયત દ્વારા 19 સપ્ટેમ્બર 2020ના રોજ સોલાર પ્લાન્ટને અન્યત્રે ખસેડવા માટે એક ઠરાવા પણ પસાર કરાયો હતો. ગ્રામજનોની ફરિયાદ છે કે રજૂઆતો છતાં પ્લાન્ટ પ્રસ્તાવિત જગ્યાએ જ બનાવાયો હતો.

સરકારનો દાવો - કોઈ નિયમોનું ઉલ્લંઘન કરવામાં નથી આવ્યું

ગ્રામજનોના મુદ્દા અને સરકારે તેમની ફરિયાદો અંગે લીધેલાં પગલાં વિશે જાણવા માટે બીબીસીએ મહેસાણા જિલ્લા કલેક્ટર એમ. નાગરાજન સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, “જે પ્રક્રિયા થઈ રહી છે, તેમાં તમામ નીતિ-નિયમો અને કાયદાનું પાલન કરવામાં આવ્યું છે.”
સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, "લોકોને સમસ્યા હોઈ શકે, પરંતુ તેમને ગામના લોકો તરફથી કોઈ ફરિયાદ મળી નથી."
આ સમગ્ર મામલે બેચરાજીના ધારાસભ્ય ડૉ. સુખાજી ઠાકોર સાથે વાત કરતા તેમણે કહ્યું, "મને આ સમસ્યા વિશે જાણ નથી, પરંતુ જો લોકોને આ પ્રકારની સમસ્યા હશે તો વહેલી તકે તેનું નિરાકરણ લાવવામાં આવશે."
આ ઉપરાંત બીબીસીએ ગુજરાત પાવર કૉર્પોરેશન લિમિટેડનાં ચૅરપર્સન મમતા વર્મા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.
દેશભરમાં સૌરઊર્જાના ઉત્પાદનમાં ગુજરાત મોખરેનાં રાજ્યોમાંનું એક છે. ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનના વાર્ષિક અહેવાલ મુજબ રાજ્યમાં દર વર્ષે સૌરઊર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતામાં વધારો થઈ રહ્યો છે.
ગુજરાત ઍનર્જી કૉર્પોરેશન લિમિટેડ હેઠળના સ્ટેટ લોડ ડિસ્પૅચ સેન્ટરના આંકડા પ્રમાણે 2019-20ની સરખામણીએ 2020-21માં રાજ્યમાં સૌરઊર્જાનાં ઉત્પાદનમાં 23.77 ટકાનો વધારો નોંધાયો છે.
રાજ્યમાં થતા સૌરઊર્જાના ઉત્પાદન અંગેના પ્રાથમિક આંકડા નીચે મુજબ છે.
- વર્ષ 2018-19માં 2113 મેગાવૉટની ક્ષમતા
- વર્ષ 2019-20માં 2426 મેગાવૉટની ક્ષમતા
- વર્ષ 2020-21માં 3260 મેગાવૉટની ક્ષમતા















