ગુજરાતમાં ચૌધરી સમાજે યુવકોને ‘ફૅશનેબલ દાઢી’ રાખવા સામે 51 હજારનો દંડ કેમ જાહેર કર્યો?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતમાં ચૌધરી સમાજના આગેવાનો દ્વારા સમાજના યુવકો જો ‘ફૅશનેબલ દાઢી રાખે તો, 51 હજાર રૂપિયાનો દંડ’ થશે એવો ઠરાવ પસાર કર્યો હોવાની વાત સામે આવી છે.

આ વાત સામે આવતાં જ વિવાદ બની ગઈ છે કે કોઈ સમાજે આવો ઠરાવ કેમ કર્યો?

ગુજરાતમાં ધાનેરામાં ‘શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ’ દ્વારા ત્રીસી અને ચોવીસી સમાજના વડીલો-યુવાનોની સમાજસુધાર અને અન્ય મુદ્દાઓ પર સભા મળી હતી.

સભામાં 20થી વધુ નિર્ણયો કરાયા છે. જેને સમુદાયના મંડળે પ્રકાશિત કર્યાં હોવાનું પણ જાણવા મળ્યું છે.

ચૌધરી સમાજની એ સભામાં લગ્ન-મરણના રિવાજોમાં સુધારા અને અન્ય કેટલાક નિર્ણયો પણ કરાયા હતા.

ગ્રે લાઇન

શું નિર્ણય કરાયા?

  • મરણમાં અફીણ બંધ કરવું, નહીં તો 1 લાખનો દંડ
  • ફટાકડા લિમિટમાં ફોડવા અને પત્રિકા સાદી છપાવવી
  • ભોજન-સમારંભમાં જમવાનું પૌષ્ટિક અને પીરસવા ભાડુતી લોકો નહીં
  • યુવાઓએ ફેશનેબલ દાઢી ન રાખવી – 51 હજારનો દંડ
  • આ સહિત પણ લગ્ન-મરણ સમયે કરવાના રીતિ-રિવાજો મુદ્દે પણ કેટલાક સુધારા જાહેર કર્યાં છે.
ગ્રે લાઇન

આગેવાનો શું કહે છે?

સમાજના મંડળની સભામાં મંજૂર મુદ્દાઓ

ઇમેજ સ્રોત, PARESH PADHIYAR

ઇમેજ કૅપ્શન, સમાજના મંડળની સભામાં મંજૂર મુદ્દાઓ

બીબીસી ગુજરાતના સહયોગી પત્રકાર પરેશ પઢિયાર સાથેની વાતચીતમાં ‘54 ગોળ આજળા ચૌધરી સમાજ’ના પ્રમુખ રાયમલ ચૌધરીએ કહ્યું કે, સમાજના જ યુવાઓ અને વડીલો દ્વારા સંયુક્ત રીતે આ નિર્ણય લેવાયા છે.

તેમણે વધુમાં કહ્યું, “બધા યુવાઓએ મળીને સમાજસુધાર માટે આ બેઠક બોલાવી હતી. અને તેમાં સુધારા નક્કી કર્યાં. સમાજે લગનમાં મર્યાદિત ખર્ચો કરવો, મરણમાં વ્યસન ન કરવું તથા લગ્નમાં ફોટા ન પડાવવા અને ડીજે ન લાવવું, યુવાઓએ દાઢી ન રાખવી એવા મુદ્દા સર્વાનુમતે મંજૂર કર્યાં. જો દાઢીનો નિયમ ન પાડે તો 51 હજારનો દંડ પણ નક્કી કરાયો છે.”

દરમિયાન બીબીસીએ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ સાથે વાત કરી. તેમણે આ વિશે કહ્યું કે તેઓ આ બેઠકમાં હાજર નહોતા.

તેમણે બેઠકમાં મંજૂર મુદ્દાઓ વિશે કહ્યું, “સમાજે એક આદર્શ માર્ગદર્શિકારૂપે પોતાના લોકો માટે એ જાહેરાત કરી છે. અને જે દંડની વાત છે એનો અમલ કરવો શક્ય નથી. કેમ કે સામાન્યપણે કોઈ પાલન કરે અને નહીં એ બધું નિયંત્રિત કરવું સરળ નથી.”

“સ્વંયમશિસ્ત માટેના એ મુદ્દાઓ છે અને એને કાયદાકીય રીતે લાગુ કરવા શક્ય નથી. જોકે લગ્નોમાં ખોટા ખર્ચા ન કરવાની સલાહ યોગ્ય છે. એ વ્યક્તિ પોતાની રીતે નક્કી કરી શકે છે.”

બીબીસી ગુજરાતી

'તિલક-શિખાનું હિંદુ સંસ્કૃતિમાં મહત્ત્વ'

હરજીત ચૌધરી

ઇમેજ સ્રોત, HARJIT CHAUDHARY

સભામાં સર્વાનુમતે મુદ્દા મંજૂર થયા છે. અને તેના વડીલ આગેવાનોનું કહેવું છે કે યુવાઓ તેની સાથે સંમત છે.

આથી બીબીસીએ ચૌધરી સમાજના યુવાનો મત જાણવાનો પ્રયાસ કર્યો.

આ વિશે ‘અર્બુદા સેના’ના પ્રદેશ પ્રચારક હરજીત ચૌધરી પોતાનો મત જણાવતા કહે છે, “હું વ્યક્તિગતરીતે આ ઠરાવથી સંમત છું. હિંદુ સંસ્કૃતિ મુજબ તિલક અને શીખાનું મહત્ત્વ રહ્યું છે. અમારા સમાજ અને સંસ્કૃતિની એક ઓળખ છે.”

“ફિલ્મો કે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવું યોગ્ય નથી. અમારો સમાજ સભ્ય છે અને અમને વિશ્વાસ છે કે તે આદર્શ નિયમોનું પાલન કરશે.”

“જ્યાં સુધી દંડની વાત છે, તો એ માત્ર પ્રતીકાત્મકરૂપે છે. અમારા યુવામિત્રો જાતે જ નિયમોનું પાલન કરશે.”

"પાઘડી અને તિલક સહિતની બાબતો અમારા ચૌધરી સમાજનું પણ ગૌરવ છે."

બીબીસી સમાચાર

એક સમાજ આવા નિયમો કેમ લાવતો હોય છે?

બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સમાજ જ્યારે કેટલાક ઠરાવો પસાર કરી નિર્ણયો જાહેર કરે છે અને એનું પાલન સમુદાય માટે મહત્ત્વનું બની જતું હોય છે, ત્યારે એની અસર સમાજના પેટા સમૂહો અને વ્યક્તિગત સ્વાતંત્ર્યમાં માનતા સમૂહો પર થતી હોય છે. ઉપરાંત એક સમાજ આ પ્રકારના નિર્ણયો કેમ કરતો હોય છે એની પાછળનાં પરિબળો શું હોઈ શકે એ પણ સમજવું જરૂરી છે.

આ પરિબળોની છણાવટ માટે બીબીસીએ સુરતના ‘સેન્ટર ફૉર સોશિયલ સ્ટડીઝ’ના પ્રોફેસર ડૉ. કિરણ દેસાઈ સાથે વાતચીત કરી.

ડૉ. કિરણ દેસાઈએ બીબીસી સાથેની વાતચીતમાં ક્હયું, “વૈશ્વિકરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય વચ્ચે ટકરાવનું પરિબળ આમાં જવાબદાર છે. કેમ કે સમાજને ચિંતા હોય છે કે મર્યાદાઓ ચુકાઈ જશે તો,સમાજની ઓળખ શું રહેશે. સમાજ પ્રતતિશીલ બનાવવાની વાત અને એનો રાજકીય સ્તરે પણ લાભ મળી શકે એટલે એક ઓળખ ઊભી કરવાનું પરિબળ પણ કારણભૂત રહેતું હોય છે. આને લીધે તણાવ સર્જાય છે. ”

આંતરિક તણાવ વિશે વધુમાં પ્રોફેસર દેસાઈ માને છે કે બે પ્રવાહોની આંતરક્રિયા આને માટે જવાબદાર છે.

“આંતરિક અને બાહ્ય પ્રવાહ બે વચ્ચે આંતરક્રિયા થતી હોય છે. એ આ રીતે પ્રતીત થાય છે અને પરિવર્તિત થાય. આમાં સંકિર્ણતા રહેવાની. એમાં મહિલાઓના અધિકારો પર રોક લાગવાની શક્યતા રહેશે. મહિલાઓને કહેવામાં આવશે કે સમાજને બચાવવા આટલું કરવું જ પડશે. આટલું શિક્ષણ અને આવાં જ વસ્ત્રો પહેરવા પડશે.”

“સાથે-સાથે સમાજો પર આજુબાજુના અન્ય સમાજની પણ અસર જોવા મળે છે. એના સુધારા-વધારાથી પણ એ પ્રેરાય છે. ટેકનૉલૉજી, સોશિયલ મીડિયાની પણ અસર થાય છે. જૂની પેઢી નવા પ્રતિબંધો લાવવા ઇચ્છે, જ્યારે શહેરમાં વસનારા યુવાઓ એને અપ્રગતિશીલતાની નિશાની ગણાવે. એટલે સમાજ વર્તમાન સમયમાં આ પરિવર્તનનો પડકાર ઝેલી રહ્યો છે.”

રેડ લાઇન
રેડ લાઇન