ગુજરાત વિધાનસભા ચૂંટણી: વિપુલ ચૌધરીએ ચૂંટણી પહેલાં અર્બુદા સેના કેમ મેદાનમાં ઉતારી?

વિપુલ ચૌધરી

ઇમેજ સ્રોત, RAJ K RAJ/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, વિપુલ ચૌધરી
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા
લાઇન
  • હાલમાં 800 કરોડ રૂપિયાની ગેરરીતિના કેસમાં જેમની ધરપકડ થઈ છે તે ભાજપના પૂર્વ મંત્રી વિપુલ ચૌધરીએ ઑગસ્ટ 2021માં અર્બુદા સેનાની સ્થાપના કરી હતી
  • સંગઠનના લોકોનો દાવો છે કે તેઓ ઉત્તર ગુજરાતના 32 તાલુકાઓ અને 1000થી વધુ ગામડાંમાં કાર્યકર્તાઓ ધરાવે છે
  • વિપુલ ચૌધરી એક તરફ ભાજપથી નારાજ છે પરંતુ તેમણે હજુ સુધી ભાજપમાંથી રાજીનામું આપ્યું નથી.
લાઇન

હાલમાં ભૂતપૂર્વ ગૃહરાજ્ય મંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ થઈ હતી. પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય પંડિતોની નજર વિપુલ ચૌધરીએ ઊભી કરેલી અર્બુદા સેના પર છે.

ઠાકોર સેના, દલિત અધિકાર મંચ કે પછી પાટીદાર અનામત આંદોલન બાદ હવે 2022ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજે બનાવેલી અર્બુદા સેનાની ચર્ચા થઈ રહી છે.

આમ તો આ ચૌધરી સમાજમાં અનેક મોટા નેતાઓ છે પરંતુ હાલમાં 800 કરોડ રૂપિયાની ગેરરીતિના કેસમાં જેમની ધરપકડ થઈ છે તે વિપુલ ચૌધરીએ આ સેનાની વર્ષ 2021માં સ્થાપના કરી હતી.

ઉત્તર ગુજરાતની રાજનીતિ ઓબીસી મતદારો પર કેન્દ્રિત છે. અલ્પેશ ઠાકોર હોય કે શંકર ચૌધરી કે પછી વિપુલ ચૌધરી, દરેકને ઓબીસી મતદારોની વાત કરવી પડે છે.

ઉત્તર ગુજરાતના ચૌધરી સમુદાયમાં મોટાભાગના લોકો પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને દૂધસાગર ડેરી તેમજ બનાસ ડેરી પર વર્ષોથી ચૌધરી સમુદાયના નેતાઓનો દબદબો રહ્યો છે. જોકે હાલમાં ચૌધરી સમુદાયના નેતાઓની વચ્ચે ખેંચાખેંચ થઈ હોવાથી ઉત્તર ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

અર્બુદા સેનાની વાત કરીએ તો આ સેનામાં મોટાભાગે ચૌધરી સમુદાયના લોકો છે અને સંગઠનના લોકોનો દાવો છે કે તેઓ ઉત્તર ગુજરાતના 32 તાલુકાઓ અને 1000થી વધુ ગામડાંમાં કાર્યકર્તાઓ ધરાવે છે.

તેમનો એવો પણ દાવો છે કે અર્બુદા સેના કોઈ પક્ષ સાથે મળીને ચૂંટણી લડે તો તે પક્ષને આ તૈયાર કેડર મળશે.

ઑગસ્ટ 2021માં અર્બુદા સેનાની સ્થાપના કરનાર વિપુલ ચૌધરી એક તરફ ભાજપથી નારાજ છે પરંતુ તેમણે હજુ સુધી ભાજપમાંથી રાજીનામું આપ્યું નથી.

ધરપકડ પહેલાં એક સંમેલનમાં તેમણે કહ્યું હતું કે, "મારો પહેલો ખેસ ભાજપનો છે અને બીજો આ અર્બુદા સેનાનો છે."

તેમણે સ્પષ્ટ કરી દીધુ હતું કે તેઓ ટિકિટના હકદાર છે. વિપુલ ચૌધરી છેલ્લે ભાજપના ઉમેદવાર તરીકે ભિલોડા વિધાનસભા બેઠક પરથી 2007ની ચૂંટણી લડ્યા હતા અને કૉંગ્રેસના અનિલ જોશીયારા સામે હારી ગયા હતા.

ત્યારબાદ તેમને વિધાનસભાની ચૂંટણી લડવાની તક તો ન મળી, પરંતુ તેઓ દૂધસાગર ડેરીના સંચાલક રહ્યા. તેઓ 2005થી 2016 સુધી દૂધસાગર ડેરીના ચૅરમૅન રહ્યા હતા.

વિપુલ ચૌધરી મુખયત્વે શંકરસિંહ વાઘેલાની છાવણીના નેતા રહ્યા છે. એલ.ડી. એન્જિનિયરિંગમાં અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી રાજનીતિમાં સક્રિય ભાગ ભજવવાના કારણે તેઓ તે સમયના ભાજપના વરિષ્ઠ નેતા ગણાતા શંકરસિંહ વાઘેલાની નજરમાં આવી ગયા હતા.

તેઓ 1995માં વિધાનસભાની ચૂંટણી માણસા વિધાનસભા બેઠક પરથી લડ્યા અને જીત્યા હતા અને ગ્રામીણવિકાસ મંત્રી બન્યા હતા. જોકે 1996માં શંકરસિંહ વાઘેલાના ભાજપ સામેના બળવા બાદ વિપુલ ચૌધરીની રાજકીય કારકિર્દીમાં મોટા ફેરફારો આવી ગયા હતા.

line

શંકરસિંહના ચાર હાથ

શંકરસિંહની સરકારમાં વિપુલ ચૌધરી યુવાવયે ગૃહરાજ્ય મંત્રી બન્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શંકરસિંહની સરકારમાં વિપુલ ચૌધરી યુવાવયે ગૃહરાજ્ય મંત્રી બન્યા હતા

1996માં તેઓ ભાજપ સાથે છેડો ફાડીને શંકરસિંહ વાઘેલાની સાથે ગયા હતા અને શંકરસિંહની સરકારમાં યુવાવયે તેઓ ગૃહરાજ્ય મંત્રી બન્યા હતા.

2007માં વિપુલ ચૌધરી નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા અને ત્યારબાદ તેઓ 2007ની વિધાનસભા ચૂંટણીમાં ભિલોડાની બેઠક પરથી લડ્યા અને હાર્યા હતા.

જોકે વિપુલ ચૌધરી માટે રાજકીય મહત્ત્વ ટકાવી રાખવા માટે પોતાના સમાજનું સમર્થન જરૂરી હતું, જેથી તેઓ ડચકે ચડેલી રાજકીય કારકિર્દીને 2022માં ફરી વેગ આપી શકે.

એવા સમચારો વહેતા થયા હતા કે ભાજપથી નારાજ વિપુલ ચૌધરી અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા. તેમની સાથે કામ કરતા લોકો આ સમાચારનું ખંડન કરે છે. પરંતુ તેમની અર્બુદા સેનામાં ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસના કાર્યકર્તાઓ પણ છે.

અગાઉ અલ્પેશ ઠાકોરે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સેના બનાવી હતી અને તેમના જ રસ્તે વિપુલ ચૌધરી પણ ચાલ્યા છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા અર્બુદા સેનાના મહામંત્રી જયેશ ચૌધરી કહે છે, "અર્બુદા સેનાનો કાર્યકર કોઈપણ પક્ષ તરફથી ચૂંટણી લડશે તો તેને જીતાડવા માટે અર્બદા સેના તમામ પ્રયાસો કરશે. અમારી સેના સમાજહિતને ધ્યાનમાં લઈને બનાવવામાં આવી છે."

તેઓ વધુમાં કહે છે, "ચૌધરી સમાજના સર્વાંગી વિકાસ માટે અને આ સમાજ સાથે બીજા સમાજનો વિકાસ થાય તેવા હેતુથી અમે આ સેના બનાવી છે. આ સેનાનું નામ અમારી કુળદેવી અર્બુદાદેવી પરથી પાડવામાં આવ્યું છે, જેમનું મંદિર માઉન્ટ આબુના એક શિખર પર છે."

હાલમાં જ્યારે વિપુલ ચૌધરીની ધરપકડ થઈ ચૂકી છે ત્યારે તેમની ગેરહાજરીમાં અર્બુદા સેનાના કાર્યકર્તાઓ તેમના જામીનની પેરવી કરી રહ્યા છે.

line

રાજકીય કદ વધારવાની યુક્તિ?

કેન્દ્રીય મંત્રી રાધામોહનસિંહ સાથે વિપુલ ચૌધરી

ઇમેજ સ્રોત, DUDHSAGAR DAIRY SOCIAL MEDIA

ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય મંત્રી રાધામોહનસિંહ સાથે વિપુલ ચૌધરી

15મી સપ્ટેમ્બરે વિપુલ ચૌધરીની ધરપકડ બાદ ઉત્તર ગુજરાતના અનેક તાલુકાઓમાં તેમના સમર્થનમાં કાર્યક્રમો થયા છે.

અર્બુદા સેનાના નેતા અને પ્રવક્તા દિલુ ચૌધરી બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "વિપુલભાઈને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે, કારણ કે તેમણે પોતે એકલા હાથે ઘણા રાજકીય પક્ષોને પડકાર્યા છે. 2005ની ગેરરીતિનો કેસ આજે 2022માં ફરી ખોલવાનો મતલબ સાફ છે."

વિપુલ ચૌધરીના કેટલાક સમર્થકોએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે "વિપુલ ચૌધરીને રાજકીય કિન્નાખોરીને કારણે ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે." હાલમાં અર્બુદા સેનાની કોઈ પણ સભા થાય ત્યારે તેઓ મંચ પર વિપુલ ચૌધરીની ખુરશી ખાલી રાખે છે અને આ ખાલી ખુરશી પર તેમની પાઘડી મૂકીને તેમનો આદર કરે છે.

આ તમામ વાતોનો મતલબ તો એક જ થાય છે કે વિપુલ ચૌધરી ગુજરાતની રાજનીતિમાં પોતાનું કદ વધારવા ઇચ્છે છે અને તે માટે અર્બુદા સેના કદાચ તેમના માટે જીવતદાનનું કામ કરી શકે તેવી તેમની માન્યતા હોઈ શકે.

ચૌધરી સમાજના કેટલાક આગેવાનોનું માનવું છે કે તેમની ધરપકડને કારણે ચૌધરી સમાજના મતદારોના વોટ ભાજપથી દૂર જશે.

ચૌધરી સમાજના આગેવાન કપિલ ચૌધરી કહે છે, "ચૌધરી સમાજની ઉત્તર ગુજરાતની 35 બેઠકો પર સીધો કે આડકતરો પ્રભાવ છે. સમાજના 90 ટકા લોકો આજપર્યંત ભાજપને જ મત આપતા આવ્યા છે પંરતુ હવે કદાચ સ્થિતિ બદલાઈ જશે જેનું મુખ્ય કારણ વિપુલ ચૌધરીની ધરપકડ છે."

તેઓ વઘુમાં કહે છે કે, "ભાજપે પોતાની વોટબૅન્કને બે ભાગમાં વહેંચી દીધી છે, અને હવે તેનો સીધો ફાયદો ભાજપની સામેના પક્ષોને થવાનો છે."

આ તો થયા અર્બુદા સેનાના દાવા. હવે અર્બુદા સેનાના ઉત્તર ગુજરાતમાં પ્રભાવની પણ સમીક્ષા કરીએ.

line

"ડઝન બેઠકો પર અસર પડશે"

માનસિંહભાઈ ચૌધરી

ઇમેજ સ્રોત, DUDHSAGARDAIRY.COOP

ઇમેજ કૅપ્શન, માનસિંહભાઈ ચૌધરી

અર્બુદા સેનાનો વિપુલ ચૌધરીને રાજકીય ફાયદો મળશે? પ્રશ્નના જવાબમાં વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલે બીબીસી સંવાદદાતા હિંમત કાતરિયા સાથે વાત કરતા કહ્યું કે, "વિપુલ ચૌધરી પરના આક્ષેપો જૂના છે. કેસ પૂરો ન થાય ત્યાં સુધી વિપુલ ચૌધરી માટે આવી સેના થકી ફાયદો મેળવવો મુશ્કેલ છે. જોકે તેમને વ્યક્તિગત ફાયદો ન થાય તો પણ અર્બુદા સેનાની ઉત્તર ગુજરાતના રાજકારાણ ઉપર અસર પડશે."

"વિપુલ ચૌધરીની ધરપકડ પછીનો જે ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે તે જોતા સંગઠનની મહેસાણા, વિજાપુરની આસપાસના વિસ્તારોમાં અસર દેખાય છે."

મહેસાણા જિલ્લામાં સાત વિધાનસભા બેઠકો આવેલી છે જેમાંથી છ પર ભાજપના ધારાસભ્ય છે અને એક પર કૉંગ્રેસના ધારાસભ્ય છે.

દિલીપ ગોહિલ કહે છે કે, "કેસ દ્વારા તેમને એકલા પાડી દેવાનું આયોજન હતું પરંતુ અર્બુદા સેના થકી તેઓ એકલા નથી પડ્યા ઘણું જૂથબળ તેમની સાથે છે, તેવું દેખાય છે. તેમના પિતા માનસિંહના સમયથી પરિવારનો સમાજ ઉપર પ્રભાવ રહ્યો છે."

દિલીપ ગોહિલ કહે છે, "ઉત્તર ગુજરાતમાં વિધાનસભાની 20 બેઠકો પર ચૌધરી સમાજની અસર ગણાવાઈ રહી છે. એટલી બેઠકોને ગણતરીમાં ન લઈએ તો ડઝન જેટલી બેઠકો પર તેમની અસર તો પાક્કી જણાય છે."

line

સેનાઓથી સમાજને કેટલો ફાયદો?

વિપુલ ચૌધરી

ઇમેજ સ્રોત, DUDHSAGAR DAIRY SOCIAL MEDIA

બે દાયકા પહેલાં પ્રભાવી યુવા નેતાઓની યાદીમાં અમિત શાહ, હરેન પંડ્યા, નરહરી અમીન સાથે વિપુલ ચૌધરીનું પણ એક નામ હતું.

શંકરસિંહ વાઘેલાની છાવણીના વિપુલ ચૌધરી એક દિવાળીએ નરેન્દ્ર મોદીને જાહેરમાં પગે લાગ્યા હતા. દિલીપ ગોહિલ કહે છે, "ત્યારે એવી ચર્ચા થઈ હતી કે વિપુલ ચૌધરીએ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી છે. પરંતુ વાસ્તવમાં એમ ન થયું."

"ગોરધન ઝડફિયાની જેમ તેમણે સંપૂર્ણ શરણાગતિ ન સ્વીકારી અને દૂધસાગર ડેરીની છેલ્લી ચૂંટણીમાં તેમની હાર થઈ. બલ્કે કહીએ કે તેમને હરાવવામાં આવ્યા. ડેરીની ચૂંટણી હાર્યા બાદ દૂધસાગર સૈનિક નામનું સંગઠન બનાવ્યું હતું. સહકારી ક્ષેત્રમાં રાજકારણ પ્રવેશી ગયું છે તે ન હોવું જોઈએ તેવા આશય સાથે આ સંગઠન બનાવવામાં આવ્યું હતું અને તેમાં બધા સમાજના લોકોને લેવામાં આવતા હતા."

"આમ કરીને વિપુલ ચૌધરીએ ભાજપ પર દબાણ લાવવાની કોશિશ કરી હતી પણ તેમાં તેઓ સફળ ન થયા."

સમાજની સેનાઓ બનાવવાથી તે સમાજના નેતાને કેટલો ફાયદો થાય છે? પ્રશ્નના જવાબમાં રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ કહે છે, "સમાજની એકતા રાજનેતાઓનું સાધન છે. એ સિવાયનું સેનાનું બહુ મહત્ત્વ નથી હોતું. મુઠ્ઠીભર રાજનેતાઓના રાજકીય હેતુ હોય છે અને સમાજની એકતાનું આવું ભાવનાત્મક મોજું ક્યારેક તેમના માટે કામ કરી જાય છે અને ક્યારેક કામ નથી કરતું."

અને સમાજને કેટલો ફાયદો થાય છે તેવા પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, "આવી સેનાથી સમાજને તો સરવાળે નુકશાન જ થાય છે. પછી તે ક્ષત્રીય એકતાની વાત હોય, ઠાકોર એકતાની વાત હોય કે પછી ચૌધરી સમાજની એકતાની વાત હેઠળ બનાવવામાં આવતી સેનાની વાત હોય."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન