ગુજરાતમાં ચૂંટણી પહેલાં ઢગલાબંધ હડતાલો કેમ થઈ રહી છે?

ગુજરાતમાં પાછલા અમુક સમયથી ઘણા કર્મચારીઓ પોતાની માગણીઓને લઈને હડતાળ કરી રહ્યા છે
ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં પાછલા અમુક સમયથી ઘણા કર્મચારીઓ પોતાની માગણીઓને લઈને હડતાળ કરી રહ્યા છે
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા અને તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા, ગાંધીનગરથી
લાઇન
  • ગુજરાતમાં પાછલા અમુક સમયથી ઘણા કર્મચારીઓ પોતાની માગણીઓને લઈને હડતાલ કરી રહ્યા છે
  • કેટલાકનું માનવું છે કે આ અસંતોષનો બદલો સરકારે ચૂંટણીમાં ચૂકવવો પડી શકે છે
  • જોકે, ભાજપના નેતાઓનું માનવું છે કે આ ચૂંટણી પહેલાં દર વખત બનતી એક પ્રક્રિયા છે ના કે કોઈ ખાસ સૂચન
  • ગુજરાત સરકારે અનેક આંદોલનોમાંથી બે જૂથો સાથે સમાધાન માટે પગલાં લીધાં છે
લાઇન

ગાંધીનગર હાલ આંદોલનોનું એપિસેન્ટર બની ગયું છે.

સરકારથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓથી લઈને પૂર્વ સૈનિકો હોય કે સરકારી કર્મચારીઓ કે પછી વિવિધ સંગઠનો ધરણાં-પ્રદર્શન કરી રહ્યાં છે.

ગાંધીનગરમાં એલઆરડી(લોક રક્ષકદળ)નાં બે સ્થળે ધરણાં ચાલી રહ્યાં છે. એક વિધાનસભાની સામે અને બીજા ધરણાં સત્યાગ્રહ છાવણીના મેદાનમાં.

બિનઅનામત વર્ગનાં મહિલા ઉમેદવારો પણ નવ દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં પર બેઠાં છે. જેમાં કેટલાંક પરિણીત તો કેટલાંક સંતાનવાળાં મહિલાઓ પણ છે.

આ ધરણાંમાં ભાગ લેવાં દિવ્યા પંડ્યા ભાવનગરથી આવ્યાં છે અને નવ દિવસથી ગાંધીનગરનાં આંગણે ધરણાં પર બેઠાં છે.

તેમનું કહેવું છે કે, "હું ધરણાં પર છું એટલે અમારા વાલી પણ સાથે આવ્યા છે. બિનઅનામત વર્ગની અમારી જે 313 બહેનોને સરકાર તાત્કાલિક ઑર્ડર આપે એ માટે અમે ઘરસંસાર મૂકીને અહીં ગાંધીનગરમાં રસ્તા પર દિવસો વિતાવી રહ્યાં છીએ. સરકાર ચાર વર્ષથી અમને લૉલીપોપ આપે છે, પણ ઑર્ડર નથી આપતી."

"વિજય રૂપાણી મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે કહ્યું હતું કે બેથી ત્રણ મહિનામાં ઑર્ડર આપી દઈશું. આજે એ વાતને ચાર વર્ષ થઈ ગયાં છે. સરકાર બેટી પઢાઓ, બેટી બચાવોની વાત કરે છે પણ હાલ તો બેટીઓને રસ્તે ઉતરવાના વારા આવ્યા છે."

એલઆરડી વેઇટિંગ ઉમેદવારોનાં ધરણાં
ઇમેજ કૅપ્શન, એલઆરડી વેઇટિંગ ઉમેદવારોનાં ધરણાં

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને ગણતરીના જ મહિના બાકી છે, ત્યારે આ પ્રકારની તમામ હડતાલો શું હાલની ભાજપ સરકારની સામેનો આક્રોશ સૂચવે છે? કે પછી સરકાર પર માત્ર દબાણ લાવવાની આ એક રૂટિન પ્રક્રિયા છે?

ગુજરાત ભાજપ આ હડતાલોને દર ચૂંટણી પહેલાં થતી રૂટીન પ્રક્રિયા ગણાવે છે અને ગુજરાત સરકારે ત્રણેક અઠવાડિયાં પહેલાં પાંચ કેબિનેટ મંત્રીઓની કમિટી પણ રચી હતી જેથી વિભિન્ન વિભાગોના કર્મચારીઓની માગોનો ઉકેલ લાવી શકાય. તો અમદાવાદ સ્થિત પત્રકાર ભરત ઝાલાએ બીબીસીને જણાવ્યું હતું કે, "માત્ર એક દાયકામાં જ નહીં, 2002 પછી મેં એકસામટાં આટલાં આંદોલન ગાંધીનગરમાં જોયાં નથી."

આને લીધે ભાજપની જે વોટબૅન્ક છે તેને અસર પડી શકે? એના સવાલમાં ઝાલા કહે છે કે, "આનાથી સીધી કોઈ અસર નહીં થાય. આંદોલનો કરનારાઓમાંથી પાંચેક ટકાનો ફરક કદાચ પડે."

"જોકે, આ આંદોલનોની અસર એવી રીતે થઈ શકે કે એનાથી જે માહોલ ઊભો થયો છે એને લીધે જે અવઢવમાં રહેતા મતદારો હોય છે જે છેલ્લી ઘડી સુધી નક્કી ન કરી શકતા હોય કે કોને મત આપવો તેઓ આંદોલનોને કારણે કદાચ ભાજપને મત ન આપવાનું વિચારે."

"આવા અવઢવમાં રહેતા મતદારોને આંદોલનની સાથે કોઈ લેવાદેવા હોતી નથી. આ આંદોલન તેમના માટે મત નક્કી કરવાની દિશામાં ઉદ્દીપકનું કામ કરી શકે છે."

line

..આશા વર્કર્સ, એલઆરડી, જીઆરડીની હડતાલ

ગાંધીનગરમાં ગૌભક્તોનું સંમેલન યોજાયું હતું
ઇમેજ કૅપ્શન, ગાંધીનગરમાં ગૌભક્તોનું સંમેલન યોજાયું હતું

આશા વર્કર્સની હડતાલ, આરોગ્ય કર્મચારીઓની હડતાલ, પોલીસ કર્મચારીઓની હડતાલ, તલાટીઓની હડતાલ અને ફૉરેસ્ટના કર્મચારીઓની હડતાલ.

ગુજરાતમાં હાલમાં દર બીજે દિવસે આ પ્રકારે કોઈ એક કે બીજું જૂથ હડતાલ પર ઊતરી રહ્યું છે.

રાજ્યભરમાંથી ગૌશાળા સંચાલકો અને સંતોનું એક સંમેલન સરકારની સામે મંગળવારે ગાંધીનગરમાં યોજાઈ ગયું. જેમાં સામેલ થયેલા બનાસકાંઠાનાં કિશોર શાસ્ત્રીએ બીબીસીને કહ્યું હતું કે, "સાતેક મહિના પહેલાં મુખ્યપ્રધાને કહ્યું હતું કે 500 કરોડ જેટલું ભંડોળ ગૌશાળાને આપવામાં આવશે. બજેટમાં એની જોગવાઈ થઈ હતી."

"સાત મહિના થયા છતાં કોઈ પૈસા મળ્યા નથી. સરકાર વોટ મેળવવા મતદારોને છેતરે છે. આ સરકારે ગૌમાતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. જો કોઈ નિર્ણય નથી આવતો અને ચૂંટણી જાહેર થઈ જશે તો સંતો અને ગૌભક્તો ઘરે-ઘરે જશે. અને ભાજપને હરાવવા માટે મેદાને પડે તો નવાઈ નહીં."

ગત મંગળવારના રોજ સત્યાગ્રહ છાવણીમાં હજારોની સંખ્યામાં આશાવર્કર બહેનો ભેગાં થયાં હતાં લગભગ એક દાયકાથી પોતાની માગણીઓ લઈને સરકાર સામે ઝઝૂમતાં આ આશાવર્કર બહેનો એક વખત ફરીથી ગાંધીનગરથી નિરાશ પાછાં ફર્યાં હતાં.

જોકે તેમાંથી ઘણાં આશાવર્કર્સનું કહેવું હતું કે તેઓ ફરીથી ગાંધીનગરમાં આવીને હડતાલ કરશે અને પોતાની કામગીરીથી અળગાં રહેશે.

ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે આશાવર્કર્સની માગો પૂરી કરવાની બાંયધરી આપ્યા બાદ પંચાયત સ્તરે આશાવર્કર્સનાં પ્રદર્શન સમેટાઈ ગયાં છે. તેમણે કહ્યું હતું કે આશાવર્કરો કામ પર પાછાં ફરશે.

અમદાવાદ ગ્રામ્યમાં કામ કરતાં એક આશાવર્કર બહેન પોતાનું નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતીને કહ્યું હતું કે, "ગામડાંમાં સરકારનો ચહેરો એટલે આશાવર્કર અને આ આશાવર્કરને સરકાર ઘણાં વર્ષોથી પરેશાન કરી રહી છે."

"આજના સમયમાં 2,000 રૂપિયામાં કોનું ઘર ચાલે? અમે વર્ષોથી આ 2,000ને 5,000 રૂપિયા કરવાની માગણી કરી છે, પરંતુ હજી સુધી તે માગણીઓ પૂરી થઈ નથી."

આશાવર્કર બહેનો માટે હંમેશાં આગળ રહીને આંદોલન કરતાં એક બહેન હવે સામે આવીને વાત કરવાની ના પાડે છે.

તેમણે કહ્યું કે, "મંગળવારના રોજ અમારી સાથે ગાંધીનગરમાં ખૂબ ખરાબ વર્તન થયું છે અને પોલીસે અમને અમારી માગણીઓ સરકાર સુધી પહોંચાડવા પણ નથી દીધી, આવી પરિસ્થિતિમાં હવે આગળ આ સંઘર્ષ કેટલું ચાલશે? તેની મને ખબર નથી."

આરોગ્યકર્મીઓનો મોરચો

બિનઅનામત વર્ગની મહિલા ઉમેદવારોનું પ્રદર્શન
ઇમેજ કૅપ્શન, બિનઅનામત વર્ગની મહિલા ઉમેદવારોનું પ્રદર્શન

અગાઉ હડતાલ પર ઉતરેલા આરોગ્યકર્મચારીઓએ પોતાની હડતાલ પાછી લઈ લીધી હતી અને સરકાર સાથે તેમનું સમાધાન થઈ ચૂક્યું છે.

આરોગ્યકર્મચારી સંઘ અનુસાર હકીકતમાં આ હડતાલ હજી ચાલુ છે. આ વિશે વાત કરતાં અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખ આર. જે. પટેલ કહે છે કે, "અગાઉ સરકારે મૌખિક બાંયધરી તો ચાર વખત આપેલી છે, પરંતુ એક પણ વખત સરકારે અમારી માગણીઓ પૂરી કરી નથી. આ વખતે જ્યાં સુધી અમને લેખિતમાં બાંયધરી નહીં મળે ત્યાં સુધી આરોગ્ય કર્મચારીઓની હડતાલ ચાલુ રહેશે."

આ કર્મચારીઓ જણાવ્યું હતું કે તેઓ 8 ઑગસ્ટથી કામે ગયા નહોતા.

તેમની માગણી છે કે તે તેમને ટેકનિકલ સ્ટાફ ગણીને તેમનો ગ્રેડ પે 2,800 રૂપિયા કરવામાં આવે.

હાલમાં ગુજરાતના આરોગ્ય કર્મચારીઓનો ગ્રેડ પે 1,900નો છે, જે બીજાં અનેક રાજ્યોની સરખામણીમાં ઓછો છે.

એક આરોગ્ય કર્મચારી ચંદ્રકાંત પરમાર કહે છે કે, "હાલમાં મણિપુર રાજ્યમાં ગ્રેડ પે 4,200નો છે, મધ્ય પ્રદેશમાં 2,800 છે. એક રીતે જોવા જઈએ તો અમારો ગ્રેડ પે બીજાં તમામ રાજ્યો કરતાં ઓછો છે."

પોલીસ પરિવારો નારાજ

ગ્રેડ પે ની વાત કરીએ તો ગુજરાત પોલીસના પરિવારજનો છેલ્લા કેટલાય સમયથી ગ્રેડ પે વધારવા માટે મથી રહ્યા છે
ઇમેજ કૅપ્શન, જીઆરડી કર્મચારીઓ ધરણાં પર બેઠા છે અને ગ્રેડ પે ની વાત કરીએ તો ગુજરાત પોલીસના પરિવારજનો છેલ્લા કેટલાય સમયથી ગ્રેડ પે વધારવા માટે મથી રહ્યા છે

જો ગ્રેડ પેની વાત કરીએ તો ગુજરાત પોલીસના પરિવારજનો છેલ્લા કેટલાય સમયથી ગ્રેડ પે વધારવા માટે મથી રહ્યા છે.

સરકારે તેમના માટે વધારાનું 550 કરોડ રૂપિયાનું પૅકેજ તો જાહેર કરી દીધું છે, પરંતુ તેનાથી મોટાભાગના પોલીસ કર્મચારીઓના પરિવારજનો નારાજ છે.

આ માટે વાત કરતાં આ આંદોલનના આગેવાન રાહુલ રાવલે કહ્યું હતું કે, "હાલમાં પોલીસને કહેવામાં આવ્યું છે કે તેમને આ પગાર વધારો જોઈએ તો તેમને એક સોગંદનામા પર સહી કરવી પડશે. આ સહી કરવા માટે કોઈ પણ કર્મચારી તૈયાર નહીં થાય. કોઈ વ્યક્તિ પોતાના અધિકારના પૈસા લેવા માટે કેમ સહી કરે? એટલા માટે પોલીસ ગ્રેડ પેની હડતાલ ચાલુ રહેશે."

રાવલે કહ્યું કે, "પોલીસ કર્મચારીઓ પોતે નહીં પરંતુ તેમના પરિવારજનો આ હડતાળ ચાલુ રાખશે, કારણ કે સરકારે ગ્રેડ પે વધારવાની જગ્યાએ એક પૅકેજ જાહેર કર્યું છે અને તે પૅકેજ માટે પણ સોગંદનામા પર સહી કરાવી રહી છે માટે અમે અમારું આંદોલન ચાલુ રાખીશું."

ત્યારે ગ્રામરક્ષકદળના જવાનોનું કહેવું છે કે, "230 રૂપિયા રોજમાં ઘર કેમ ચલાવવું?" મહેશ સોમાભાઈ રાવલ કેટલાક દિવસથી રાજધાની ગાંધીનગરમાં સચિવાલયના દરવાજા નંબર એકની સામે ધરણાં પર બેઠા છે. તેઓ છેક અરવલ્લીથી આવે છે.

તેઓ જીઆરડીનાા જવાન છે. તેમની સાથે જીઆરડીના અન્ય કેટલાક જવાનો પણ ધરણાં પર બેઠા છે.

શા માટે ધરણાં પર બેઠા છો? એ સવાલના જવાબમાં મહેશ રાવલે બીબીસીને જણાવ્યું કે, "જીઆરડી જવાનોને 230 રૂપિયા રોજ લેખે પગાર આપવામાં આવે છે. આટલામાં ઘર કેમ ચલાવવું?

"15 દિવસની જ નોકરી મળે છે અને બાકીના દિવસો ઘેર રહેવું પડે છે. અમારી માગ છે કે એ વેતન વધારવામાં આવે. બીજી બાબત એ છે કે અમારો સમયસર પગાર થતો નથી. અઢી ત્રણ મહિને પગાર થાય છે. આવી મોંઘવારીમાં ઘર કેમ ચલાવવું?"

line

સરકાર શું કરી રહી છે?

પૂર્વ સૈનિકનાં આંદોલનનો અંત આવ્યો છે.
ઇમેજ કૅપ્શન, પૂર્વ સૈનિકનાં આંદોલનનો અંત આવ્યો છે.

ગુજરાતમાં આ પ્રકારે એક તરફ હડતાલોની હારમાળા સર્જાઈ છે, ત્યારે સરકાર આ તમામ આંદોલનોને શાંત કરવા માટે મથી રહી છે.

સરકારને તેમાં મહદંશે સફળતા પણ મળી છે. બે આંદોલનોનો અંત આવ્યો છે. ગુજરાતમાં એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા જે હડતાલનું એલાન આપ્યું હતું તે પરત લેવાયું છે સાથે માજી સૈનિકોના 14 મુદ્દાઓ પર સરકાર દ્વારા કમિટિના ગઠન બાદ તેમના આંદોલનને તોડવામાં પણ સરકારને સફળતા મળી છે.

ગાંધીનગર રેંજ આઈજી અભય ચૂડાસમા એ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "પૂર્વ સૈનિકના આંદોલનનો અંત આવ્યો છે. મહેસૂલ વિભાગ અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીની સમિતીની રચના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા માજી સૈનિકોની પડતર માગણીઓ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. લાંબી મંત્રણા બાદ આ સમાધાન થયું છે."

આમ છેલ્લા 12 કલાકમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે આંદોલનોમાં બે જૂથો સાથે સમાધાન લાવવા માટે પગલાં લીધાં છે.

તદુપરાંત માલધારીઓના ઉગ્ર બનેલા આંદોલનને ઠારવા માટે વિધાનસભામાંથી ઢોર નિયંત્રણ બિલ પણ પરત ખેંચી લીધું છે. આમ લાગે છે કે વિધાનસભાની ચૂંટણી પહેલાં માથાનો દુખાવો બનેલાં આંદોલનોને કારણે સરકારે ઢીલ મૂકવી પડી રહી છે.

ગૌણ સેવા પસંદગી મંડળનાં પેપર ફૂટ્યા બાદ આંદોલનકારી તરીકે સામે આવેલા યુવરાજસિંહ જાડેજા આ વિશે કહે છે કે, "સરકાર આંદોલન બંધ કરાવવાનો પ્રયત્ન કરી રહી છે, ખરેખર સરકારે આ આંદોલન ન થાય તે માટે કામ કરવું જોઈએ."

તેઓ હાલમાં જ આશાવર્કર્સના આંદોલનની સાથે હતા. બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, "આ દર્શાવે છે કે હાલની ભાજપ સરકાર દરેક મોરચે નિષ્ફળ ગઈ છે. લોકોમાં ભારે અસંતોષ છે, દરેક સરકારી કર્મચારી હાલમાં સરકારથી નારાજ છે, અને હાલમાં રસ્તા પર છે."

જોકે ભાજપનો આ વિશે જુદો મત છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ભાજપના મુખ્ય પ્રવક્તા યજ્ઞેશ દવે કહે છે કે, "ચૂંટણી સમયે લોકો પોતાની પડતર માગણીઓ પૂરી કરાવવા માટે આવાં આંદોલનો કરે છે. આ નવું નથી, આ ચૂંટણીના દરેક વર્ષમાં દરેક સરકાર સામે આવો પ્રશ્ન ઊભો થાય છે. પંરતુ અમે આ વખતે એક ખાસ કમિટી બનાવી છે, જે કમિટી આવી તમામ તકલીફોને સાંભળીને જે તે વિભાગ સાથે મળીને તેનો ત્વરિત નિકાલ લાવી શકે તેવી ખાસ કામગીરી અમે કરવાના છીએ."

જોકે બીજી બાજુ ગુજરાતમાં હાલમાં આ પ્રકારે સરકારી કર્મચારીઓનો એક મોટો વર્ગ જ્યારે નારાજ છે, ત્યારે ઘણા લોકોનું માનવું છે કે તેનાથી હાલની સરકારને આવનારા સમયમાં તકલીફ પડી શકે.

એક આંદોલનકારી આરોગ્ય અધિકારી કહે છે કે, "અમને દરેક ગામડામાં ડૉક્ટર તરીકે જ ઓળખવામાં આવે છે, મલેરિયા હોય કે બીજી કોઈ પણ બીમારી અમે પરિવારની કોઈ પણ વ્યક્તિ સાથે સૌથી પહેલાં સંપર્કમાં આવીએ છીએ. આવામાં જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો સરકારને આ ચૂંટણી ભારે પડી શકે છે. કર્મચારીઓ સાથે થતા અન્યાયને બદલે હાલની સરકારે પોતાની સત્તાથી ચૂકવવું પડશે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન