NCRB રિપોર્ટ : ભારતમાં આત્મહત્યા કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર

વર્ષ 2021માં ભારતમાં જે 1,64,033 લોકોએ આત્મહત્યા કરી તેમાં 25.6 ટકા લોકો રોજમદાર હતા. નેશનલ ક્રાઇમ રૅકર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના નવા રિપોર્ટ મુજબ 2021માં કુલ 42,004 શ્રમિકોએ આત્મહત્યા કરી છે. જેમાં 4,246 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
આત્મહત્યા કરનારા લોકોમાં એક મોટો વર્ગ એ લોકોનો પણ હતો જે સેલ્ફ-ઍમ્પલૉઇડ એટલે કે ખુદનો ધંધો ધરાવતા લોકો હતા. આ વર્ગમાં કુલ 20,231 લોકોએ આત્મહત્યા કરી હતી. જે કુલ આત્મહત્યાની ઘટનાઓના 12.3 ટકા છે.
આ 20,231 લોકોમાંથી 12,055 લોકો ખુદનો બિઝનેસ ચલાવતા હતા અને 8,176 લોકો અન્ય પ્રકારના સ્વરોજગાર સાથે સંકળાયેલા હતા.
ઉલ્લેખનીય છે કે આ રિપોર્ટમાં ખેત મજૂરોની રોજમદારોથી અલગ ગણતરી કરવામાં આવી છે અને તેમને 'કૃષિક્ષેત્ર સાથે જોડાયેલી વ્યક્તિઓ'ની શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
'કૃષિક્ષેત્ર સાથે જોડાયેલી વ્યક્તિઓ'ની શ્રેણીમાં વર્ષ 2021માં 10,881 લોકોએ આત્મહત્યા કરી છે. તેમાં 5,318 ખેડૂત હતા અને 5,563 ખેતમજૂરોનો સમાવેશ થાય છે.
(નોંધ: આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. આ સિવાય આસરા વેબસાઇટ અથવા તો વૈશ્વિક સ્તર પર બીફ્રૅન્ડર્સ વર્લ્ડવાઇડ પાસેથી પણ સહયોગ મેળવી શકો છો.)

અન્ય શ્રેણીઓમાં કેટલી આત્મહત્યા?

એનસીઆરબીના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2021માં પ્રોફૅશનલ અથવા તો વેતન મેળવનારા લોકોની શ્રેણીમાં આત્મહત્યા કરનારાઓની સંખ્યા 15,870 હતી.
સાથે જ આ વર્ષે આત્મહત્યા કરનારાઓમાં સૌથી વધુ 13,714 બેરોજગાર અને 13,089 વિદ્યાર્થીઓ સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2021માં આત્મહત્યા કરનારા લોકોમાં 23,179 ગૃહિણીઓ પણ સામેલ છે.
તેમાંથી કોઈ પણ શ્રેણીમાં ન આવનારા લોકોને 'અન્ય વ્યક્તિ' નામની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. જેમાં 23,547 લોકોએ આત્મહત્યા કરી છે.
એનસીઆરબી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ડેટા માત્ર એ લોકોના વ્યવસાય વિશે જણાવે છે. વ્યવસાયને તેમના આત્મહત્યા કરવાના કારણ સાથે કોઈ લેવાદેવા નથી.
રિપોર્ટ અનુસાર, સૌથી વધુ રોજમદારોની આત્મહત્યાના કિસ્સા તામિલનાડુ (7673), મહારાષ્ટ્ર (5270), મધ્ય પ્રદેશ (4657), તેલંગાણા (4223), કેરળ (3345) અને ગુજરાત (3206)માંથી હતા.

દર વર્ષે વધી રહ્યા છે આત્મહત્યા કરનારા લોકોની સંખ્યા

એનસીઆરબી રિપોર્ટ્સમાં છેલ્લાં પાંચ વર્ષના આત્મહત્યાના આંકડા પ્રકાશિત કરવામાં આવ્યા છે.
તેના પર નજર નાખીએ તો એ સ્પષ્ટ છે કે આત્મહત્યાની ઘટનાઓનો ગ્રાફ સતત વધી રહ્યો છે.
2017માં દેશમાં 1,29,887 આત્મહત્યાના મામલા નોંધાયા હતા. ત્યારે આત્મહત્યાનો દર 9.9 હતો. 2018માં આ દર વધીને 10.2 પર પહોંચ્યો હતો. તે સમયે દેશમાં 1,34,516 મામલા નોંધાયા હતા.
2019માં કુલ 1,39,123 લોકોએ તો 2020માં એ સંખ્યા વધીને 1,53,052 થઈ હતી. તાજેતરમાં જાહેર કરાયેલા 2021ના આંકડા મુજબ કુલ આત્મહત્યાના 1,64,033 મામલા નોંધાયા હતા.

રોજમદારોની આત્મહત્યાના કેસ પણ વધ્યા

2020માં કુલ 37,666 રોજમદારોએ આત્મહત્યા કરી હતી. ત્યાર બાદના વર્ષમાં તેમાં 11 ટકાનો વધારો નોંધાયો હતો.
આ રીતે વર્ષ 2020માં આત્મહત્યા કરનારા સૅલ્ફ-ઍમ્પલૉઇડ લોકોની સંખ્યા 17,332 હતી. જેમાં 2021માં 17 ટકાનો વધારો જોવા મળ્યો છે.
આંકડા પ્રમાણે જે એક શ્રેણીમાં આત્મહત્યા કરનારાઓની સંખ્યા ઘટી છે, તે છે બેરોજગાર લોકોની.
એનસીઆરબીના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2020માં 15,652 બેરોજગારોએ આત્મહત્યા કરી હતી. જેની સામે વર્ષ 2021માં બેરોજગારોની સંખ્યા 13,714 થઈ છે. જે લગભગ 12 ટકાનો ઘટાડો સૂચવે છે.

આત્મહત્યાના સાચા આંકડા

ગયા વર્ષે માનસિક વિકૃતિઓ અને આત્મહત્યા નિવારણ પર સંશોધન કરનારા ડૉ. પઠારેએ બીબીસીને કહ્યું હતું કે ભારતના સત્તાવાર આંકડાને ખોટા સમજવામાં આવે છે અને તે સમસ્યાને સંપૂર્ણપણે સામે લાવતી નથી.
તેમણે કહ્યું હતું, "જો તમે મિલિયન ડેથ સ્ટડી અથવા તો લૅન્સેટના અધ્યયનને જુઓ તો ભારતમાં આત્મહત્યાઓની સંખ્યા 30થી 100 ટકાની વચ્ચે ઓછી નોંધવામાં આવે છે."
"આત્મહત્યા પર હાલમાં પણ મુક્ત મને વાત કરવામાં આવતી નથી. તેને કલંકની જેમ જોવામાં આવે છે અને મોટા ભાગના પરિવાર તેને સંતાડવાનો પ્રયત્ન કરે છે. ગ્રામીણ ભારતમાં પોસ્ટમૉર્ટમની જરૂરત પડતી નથી અને પૈસાદાર તેમજ વગદાર લોકો સ્થાનિક પોલીસ દ્વારા આત્મહત્યાને આકસ્મિક મૃત્યુ દર્શાવવા માટે જાણીતા છે."
ડૉ. પઠારેએ તે સમયે કહ્યું હતું, "જો ભારતમાં થનારી આત્મહત્યાઓની સંખ્યા જોઈએ તો તે ઘણી ઓછી છે. વિશ્વભરમાં સામાન્ય રીતે સાચો આંકડો નોંધવામાં આવેલા આંકડાથી 20 ગણો વધુ હોય છે. આ રીતે ભારતમાં જોઈએ તો ગયા વર્ષે આત્મહત્યાના દોઢ લાખ મામલા નોંધાયા હતા. જેથી સાચો આંકડો 60 લાખ પણ હોઈ શકે છે."
ડૉ. પઠારે પ્રમાણે આ જોખમ ધરાવતી વસતીને આત્મહત્યા કરવાથી રોકવા માટે લક્ષ્યાંક બનાવવો જોઈએ, પરંતુ ચોક્કસ અને સાચા આંકડાઓના અભાવે આ કામ યોગ્ય રીતે થઈ શકતું નથી.
તેમણે કહ્યું, "સંયુક્ત રાષ્ટ્રનું લક્ષ્ય છે કે 2030 સુધી વિશ્વભરમાં થનારી આત્મહત્યાઓમાં એક તૃતીયાંશ ઘટાડો કરવામાં આવે પરંતુ ગયા વર્ષની સરખામણીએ આપણે ત્યાં આ સંખ્યા 10 ટકા વધી ગઈ છે. એવામાં સંયુક્ત રાષ્ટ્રનું લક્ષ્ય એક સ્વપ્ન સમાન લાગે છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













