AFG vs BAN: નજીબુલ્લાહ ઝાદરાન - એ અફઘાન ખેલાડી જે બાંગ્લાદેશના હાથમાંથી મૅચ ખેંચી ગયો

ઇમેજ સ્રોત, Alex Davidson

- અફઘાનિસ્તાન એશિયા કપની ફાઇનલ-4માં પહોંચ્યું
- નજીબુલ્લાહે અંતિમ બે ઓવર ધૂંઆધાર બેટિંગે કરી
- નજીબુલ્લાહે માત્ર 17 બૉલમાં 43 રન બનાવ્યા, 250થી વધુનો સ્ટ્રાઇક રેટ

અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મંગળવારે શારજાહ ખાતે રમાયેલી એશિયા કપની મૅચમાં બાંગ્લાદેશને હરાવીને અફઘાનિસ્તાને ફાઇનલ-4માં સ્થાન મેળવી લીધું છે.
ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી બાંગ્લાદેશની ટીમે 20મી ઓવરના અંતે સાત વિકેટના નુકસાને 127 રન ફટકાર્યા હતા. બાંગ્લાદેશ તરફથી મોસાદ્દિક હુસૈને સૌથી વધુ 48 રન બનાવ્યા હતા.
જ્યારે અફઘાનિસ્તાન તરફથી મુજિબુર રહમાન અને રાશિદ ખાને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
અફઘાનિસ્તાને 18.3 ઓવરમાં જ બાંગ્લાદેશે આપેલો 128 રનનો ટાર્ગેટ ત્રણ વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો.
જોકે, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બંનેના બૉલરોએ એકબીજાની ટીમના ટૉપ ઓર્ડરને વધારે સમય સુધી ક્રીસ પર ટકવા દીધા નહોતા.
મિડલ ઑર્ડરના ઉત્કૃષ્ઠ પ્રદર્શનના કારણે અફઘાનિસ્તાન મૅચ જીતવામાં સફળ રહ્યું હતું પણ આ વચ્ચે અફઘાનિસ્તાનના વિજય પાછળ એક એવા ખેલાડી જવાબદાર હતો, જેની શાનદાર બૅટિંગ જોઈને મેદાનમાં પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

નજીબુલ્લાહના 17 બૉલમાં 43 રન

ઇમેજ સ્રોત, Getty Images
બાંગ્લાદેશ દ્વારા અપાયેલા 128 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે સૌપ્રથમ અફઘાનિસ્તાન તરફથી હઝરતુલ્લાહ ઝઝઈ અને રહમતુલ્લાહ ગુરબાઝ મેદાને ઊતર્યા હતા.
જોકે, બંને અનુક્રમે 23 અને 11 રન બનાવીને પેવેલિયન ભેગા થઈ ગયા હતા. ત્રીજા નંબરે આવેલા ઇબ્રાહિમ ઝાદરાન 41 બૉલમાં 43 રન બનાવીને અણનમ રહ્યા હતા.
ચોથા નંબરે આવેલ મોહમ્મદ નબી માત્ર આઠ રન બનાવીને આઉટ થઈ જતાં પાંચમા નંબરે નજીબુલ્લાહ ઝાદરાન બૅટિંગ માટે આવ્યા હતા.
29 વર્ષીય નજીબુલ્લાહ માત્ર 17 બૉલમાં 43 રન ફટકારીને અફઘાનિસ્તાનને વિજય સુધી દોરી ગયા હતા. પોતાની બsટિંગ દરમિયાન 252.94ના રન રેટથી છ સિક્સર અને એક ચોગ્ગો ફટકારીને તેમણે અફઘાનિસ્તાનને વિજય અપાવ્યો હતો.
અફઘાનિસ્તાને 18.3 ઓવરમાં વિજયનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

કોણ છે નજીબુલ્લાહ ઝાદરાન?

ઇમેજ સ્રોત, Gareth Copley-ICC
28 ફેબ્રુઆરી 1093ના રોજ અફઘાનિસ્તાનના લોગારમાં જન્મેલા નજીબુલ્લાહ ઝાદરાને ક્રિકેટનાં વિવિધ ફૉર્મેટમાં સાત હજાર જેટલા રન માર્યા છે.
તેમણે જુલાઈ 2012માં આયર્લૅન્ડ સામે વન-ડે મૅચમાં ડેબ્યુ કર્યુ હતું.
તેમણે પોતાની પ્રથમ ટી-20 મૅચ તે જ વર્ષે સપ્ટેમ્બરમાં ભારત સામે રમી હતી.
તેમણે 79 વન-ડે મૅચમાં 1879 રન માર્યા છે. વન-ડેમાં શ્રેષ્ઠ સ્કોર 104 રન રહ્યો છે. જ્યારે 80 ટી-20 મૅચોમાં 1532 રન ફટકાર્યા છે. જેમાં સૌથી શ્રેષ્ઠ સ્કોર 73 રનનો રહ્યો છે.
અફઘાનિસ્તાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે મૅચ રમવાની સાથેસાથે તેઓ ઘણી સ્થાનિક લીગમાં પણ રમી ચૂક્યા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો









