અમૂલથી જિયો સુધી : ગુજરાતીઓની એ ત્રણ બ્રાન્ડ જેણે સમગ્ર ભારતને બદલી નાખ્યું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સંતોષ દેસાઈ
- પદ, લેખક અને કૉલમિસ્ટ

- ભારતના ડેરી ઉદ્યોગમાં મોખરે અમૂલ સૌથી ઝડપથી વિકસી રહેલી 10 કંપનીઓમાંની એક છે
- સ્વદેશી ચળવળ અંતર્ગત વર્ષ 1900માં શરૂ થયેલ પારલે જી હાલ ચાનો પર્યાય બની ગઈ છે
- ભારતની સ્વદેશી કાર કંપની મારૂતિએ મધ્યમવર્ગ માટે પ્રથમ કાર રજૂ કરી હતી
- પોતાનાં જિંગલના કારણે જાણીતી નિરમા ઉદ્યોગસાહસિકતાનો સંકેત બની ગઈ છે

કેટલીક વસ્તુઓ આપણને જીવનભર યાદ રહી જાય છે. પછી તે નાનપણમાં સાંભળેલી કેટલીક ઍડ્વર્ટાઇઝમૅન્ટનું જિંગલ હોય કે પછી એ બટરનો સ્વાદ જેને ખાઈને તમે મોટા થયા હો!.
આ એવી વાત છે જેમાં એક ગ્રાહક કોઈ એક બ્રાન્ડના પ્રેમમાં પડી જાય છે અને પછી હંમેશાં માટે તેની સાથે જોડાયેલો રહે છે.
ભારતમાં ઘણી એવી બ્રાન્ડ છે જેણે દાયકાઓથી લોકોના ઘરેઘરે જઈને પોતાનો રસ્તો બનાવ્યો છે અને કરોડો લોકોના મનમાં પોતાનું સ્થાન ઊભું કર્યું છે.
આવી જ કેટલીક બ્રાન્ડ છે જેમણે 1947માં ભારતની સ્વતંત્રતા બાદ ભારતને આત્મનિર્ભર બનવા માટે મદદ કરી છે. વર્ષોથી એણે ગ્રાહકવર્તનને એક આકાર આપ્યો છે અને સાથે જ પોતાના સૅક્ટરને પણ સંપૂર્ણપણે બદલી નાખ્યું છે.
75 વર્ષ બાદ પણ માર્કેટમાં એની એ જ જગ્યા છે જે વર્ષો પહેલાં હતી અને તેની સાથે જ તેણે વૈશ્વિક રોકાણકારો વચ્ચે પણ પોતાનું સ્થાન જમાવ્યું છે.
અહીં જાણીએ કેટલીક એવી જ બ્રાન્ડ વિશે અને જોઈએ કે કેવી રીતે એણે ભારત અને તેના લોકોને એક નવો આકાર આપ્યો?

અમૂલ

ઇમેજ સ્રોત, AMUL
અમૂલની બધી જ પ્રોડક્ટ સર્વવ્યાપક છે અને તેનાથી અમૂલ બ્રાન્ડ ડેરીઉદ્યોગમાં લીડર તરીકે ઊભરી છે. તે ભારતની ટૉપ 10 ઝડપથી આગળ વધી રહેલી કંપનીઓમાંથી છે.
આ ડેરીની સ્થાપના ગુજરાતમાં એક સહકારી ચળવળના ભાગરૂપે થઈ હતી જેમાં હજારો ખેડૂતો એક થયા હતા અને ડેરી બિઝનેસ શરૂ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. વર્ગીસ કુરિયનના નેતૃત્વ હેઠળ 'ભારતમાં શ્વેતક્રાંતિ'ની શરૂઆત થઈ હતી અને એક સહકારી બિઝનેસ મૉડલ ઊભું થયું હતું જે આજે લાખો લોકોને રોજગારી આપે છે.
મોટી કંપનીઓ સામે ભારે પ્રતિયોગિતા હોવા છતાં અમૂલે ડેરીએ બિઝનેસમાં પોતાનો સિક્કો જમાવીને રાખ્યો છે.
અમૂલે વારંવાર સમાજનો અરીસો બનવાના પણ પ્રયાસ કર્યા છે. તેમની ઍડ્વર્ટાઇઝમૅન્ટમાં 'અમૂલ ગર્લ' ભારતની દરેક મહત્ત્વની ઇવેન્ટને એક અલગ અંદાજમાં રજૂ કરે છે, પછી તે રાજકીય સ્કૅમ હોય કે પછી કોઈ અભિનેતા-નેતાનું મૃત્યુ હોય.
આ અમૂલની પ્રતિભા છે.

પારલે-જી બિસ્કિટ

ઇમેજ સ્રોત, Getty Images
પારલેની બ્રાન્ડની ગ્લુકોઝ બિસ્કિટ દુનિયામાં સૌથી વધારે વેચાતી બિસ્કિટમાંથી એક છે અને ભારતમાં સૌથી વધારે વિતરણ પામેલી બિસ્કિટ પણ છે.
આ એવી બિસ્કિટ પણ કહી શકાય છે જેણે ભારતના લોકોને જોડવાનું કામ કર્યું છે.
પારલે બ્રાન્ડનો જન્મ સ્વદેશી ચળવળ હેઠળ થયો હતો. વર્ષ 1900ના સમયમાં ભારતના સ્વતંત્રતાના પ્રયાસો દરમિયાન થયેલી આત્મનિર્ભર ચળવળ હતી.
આ બ્રાન્ડ એ માટે ઊભી કરવામાં આવી હતી જેનાથી ઇન્ટરનેશનલ બ્રાન્ડની મોંઘી બિસ્કિટને જવાબ આપી શકાય.
ખૂબ જ ઝડપથી પારલે-જી ભારતીયોના મન પર છવાઈ ગઈ હતી. તેને લોકો ચાના સાથી તરીકે જુએ છે. તેને પ્રોડક્ટ તરીકે ખૂબ ખ્યાતિ મળી છે.
પારલે-જી બિસ્કિટને આજે તમામ ભારતીયો ચા સાથે લેવાનું પસંદ કરે છે.

મારુતિ

ઇમેજ સ્રોત, Getty Images
ઘણાં વર્ષો સુધી ભારતમાં કોઈની પાસે કાર હોવી તે એક લક્ઝરી હતી અને પૈસાદાર લોકો જ તેને ખરીદી શકતા હતા.
મધ્યમવર્ગીય પરિવાર માટે આ એક સપનાસમાન વાત હતી, પછી મારુતિ આવી અને એણે લોકોને કાર 50 હજાર જેટલી એટલી ઓછી કિંમતે આપવાનું શરૂ કર્યું. એ બાદ કાર સપનું ના રહેતાં ભારતીયો માટે હકીકત બની ગઈ.
મારુતિની 800 CC કાર ક્યુટ હતી અને ઍમ્બેસેડર કાર કરતાં નાની હતી. ઍમ્બેસેડર કાર 1960થી 1990ના મધ્યગાળા સુધી એક લક્ઝરી કાર તરીકે જોવામાં આવતી હતી.
મારુતિએ મધ્યમવર્ગના લોકોનું કારનું સપનું પૂરું કર્યું અને દેશના ગ્રાહકોનાં વાણીવર્તન પણ બદલી નાખ્યાં.
એણે પ્રવાસ અને સપનાં બંનેને પ્રજાસત્તાક કર્યાં અને દરેક વ્યક્તિ સુધી એ પહોંચી.
પરિવારો હવે ભૌગોલિક દૃષ્ટિએ તો ગમે ત્યાં જઈ શકતા હતા, પણ સાથે જ તેમને સમાજમાં પણ એક નવી ઊંચાઈ પણ મળી.

નિરમા

ઇમેજ સ્રોત, NIRMA
ભારતમાં 1980ના દાયકા સુધી, વારસાગત બ્રાન્ડો હતી જેણે બજાર પર પોતાનો દબદબો કાયમ રાખ્યો હતો. જોકે, ગુજરાતના અમદાવાદમાં સ્થાપિત થયેલી બ્રાન્ડ નિરમાએ એ ખેલાડીઓને બેસાડી દીધા અને માર્કેટમાં પોતાનું સ્થાન જમાવી લીધું.
એક સમયે જ્યારે વેપારીઓ ઍડ્વર્ટાઇઝમૅન્ટ માટે ખર્ચ કરવા માટે અચકાતા હતા ત્યારે નિરમાએ ટીવી ઍડ્વર્ટાઇઝમૅન્ટ પર ખૂબ ખર્ચ કર્યો હતો.
નિરમાનાં જિંગલ આજે પણ લોકોના કાનોમાં એટલાં જ તાજાં છે, જે વર્ષો પહેલાં હતાં. આજે નિરમાનાં એ જ જૂનાં જિંગલને યુવાનો રિમિક્સ પણ કરી રહ્યા છે.
આ બ્રાન્ડની અન્ય એક પ્રશંસનીય વ્યૂહરચના એ હતી કે તેણે એવાં પરિબળો પર વધારે ધ્યાન આપ્યું જે ખરેખર મહત્ત્વનાં હતાં.
એણે એક સારી પ્રોડક્ટ સસ્તા ભાવે વેચી અને ખૂબ જ સરળ છતાં ખૂબ જ લાભદાયી ડિસ્ટ્રીબ્યુશન મૉડલને અપનાવ્યું. એ રીતે એનું વેચાણ પણ વધ્યું.
આ રીતે નિરમા કરોડો ભારતીયો માટે એક અનિવાર્ય પ્રોડક્ટ બની ગઈ, જે સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ એક સારી કિંમતે ઇચ્છતા હતા.
આ બ્રાન્ડ હવે ઉદ્યોગસાહસિક ભાવનાની સંકેત બની ગઈ છે.

જિયો

ઇમેજ સ્રોત, Getty Images
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જિયો ભારતની સૌથી મોટી ટેલિકોમ બ્રાન્ડ્સમાંથી એક છે.
વર્ષ 2016માં તેને એશિયાના સૌથી પૈસાદાર વ્યક્તિમાંથી એક મુકેશ અંબાણી દ્વારા લૉન્ચ કરવામાં આવી હતું. એ સમયે પહેલાંથી ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બ્રાન્ડ હતી જે પોતાનું પ્રભુત્વ જમાવી ચૂકી હતી.
પરંતુ જિયોએ એક એવી વ્યૂહરચના અપનાવી કે લોકોનું ધ્યાન તેની તરફ ગયું. તેણે છ મહિના સુધી મફતમાં ડેટા અને કૉલ આપ્યા. તેનાથી લાખો ગ્રાહકો જિયો સાથે જોડાઈ ગયા.
આજે આ બ્રાન્ડ ગ્લોબલ ટેકનૉલૉજી પ્લેયર્સ વચ્ચે મહત્ત્વની બની ગઈ છે. તેણે ભારતની ડિજિટલ પૅમેન્ટ સિસ્ટમ પણ ઊભી કરવામાં મદદ કરી છે, જેને દુનિયામાં સૌથી સારી ગણવામાં આવી રહી છે.
જો તેમાં એક ખામી છે કે ભારતમાં ડિજિટલ ક્રાંતિએ ભારતમાં ધ્રુવીકરણને વેગ આપ્યો છે અને દેશ તેમાં ફસાયેલો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













