સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટ બન્યા છતાં ગુજરાતમાં પાણીની સમસ્યા કેમ ઉકેલાઈ નથી?

સરદાર સરોવર ડેમ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી સંવાદદાતા

"જો પાણી આપવાના જ નહોતા તો પછી ભૂંગળા(પાઇપલાઇન) શું કામ નાખી ગયા? અમને નર્મદાનું પાણી મળતું નથી. કૂવામાંથી પાણી લેવા જવું પડે છે. ભૂંગળા જ કાઢી નાખો એટલે પતે. અમે મજૂરી કરીએ કે કૂવામાં પાણી ભરવા જઈએ?"

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગીદરડી ગામનાં શાંતુબહેન ગામમાં પાછલાં સાત વર્ષથી પાણીની પાઇપલાઇન હોવા છતાં પાણીની સમસ્યા યથાવત્ રહી હોવાની ફરિયાદ કંઈક આ શબ્દોમાં કરે છે.

ગામમાં એક બોર આવેલો છે, જેમાંથી પાણી કૂવામાં નાખવામાં આવે છે અને મહિલાઓ આ કૂવામાંથી પાણી ખેંચે છે.

આ ગામના લોકો માટે આ મુદ્દો એટલો મહત્ત્વનો છે કે આ સમસ્યાનું નિવારણ ન થવાની સ્થિતિમાં તેમણે આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

કંઈક આવી જ સમસ્યા કચ્છના ધોળાવીરા પાસે આવેલા ડુંગરાણી વાંઢ ગામના લોકોની પણ હોવાની ફરિયાદ છે.

ગામનાં ચંપાબહેન રોજબરોજ પાણી માટે વેઠવી પડતી મુશ્કેલીઓ અંગે વાત કરતાં કહે છે કે, "રોજ પાણી લાવવામાં બે કલાક ખોટી થાય. કોઈ વૃદ્ધ મહિલા હોય તો તે કૂવામાંથી કેવી રીતે પાણી ખેંચી શકે? બે બેડાં માંડ ઊંચકી શકીએ છીએ અને તેમાં જ પીવાનું, નહાવાનું-ધોવાનું, રસોઈ અને અન્ય કામો કરવાનાં. કેવી રીતે ચાલે? ક્યારેક તો તળાવના ગંદા પાણીમાં કપડાં ધોવાં પડે છે."

આ તો વાત થઈ બે વિસ્તારની પણ આખા ગુજરાતની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં આજે પણ એવા ઘણા વિસ્તારો આવેલા છે, જ્યાં પાણીની સમસ્યા વિકટ છે.

નરેન્દ્ર મોદી, સરદાર સરોવર ડૅમ અને પાણીની સમસ્યા

ઇમેજ સ્રોત, PRASHANT GUPTA

ઇમેજ કૅપ્શન, ડુંગરાણી વાંઢ ગામનાં ચંપાબહેનને રોજ એક કિલોમીટર ચાલીને કૂવામાંથી પાણી ભરવા જવું પડે છે

દેશના પશ્ચિમી ખૂણે આવેલા કચ્છ જિલ્લાના પૂર્વ છેડે ખદીર બેટ નામનો દુર્ગમ વિસ્તારના લોકોની ફરિયાદ છે કે તેઓ પણ આજે પાણીના ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે. વિસ્તારના લોકો પ્રમાણે વર્ષોથી ખદીર બેટનાં ઘણાં ગામડાંમાં ઉનાળામાં આ સંકટ ગંભીર બની જાય છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્લ્ડ હેરિટેજ સાઇટ એવા ધોળાવીરામાં પણ લોકોની ફરિયાદ છે કે તેમને 2700 મિલિગ્રામ ટીડીએસ પ્રતિ લીટરવાળું પાણી મળે છે. નોંધનીય છે કે બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનાં ધારાધોરણો અનુસાર પ્રતિ લિટર 500 મિલિગ્રામ ટીડીએસ સુધીની મર્યાદા પીવાના પાણી માટે સ્વીકાર્ય ગણાય છે.

ટીડીએસ પાણીમાં ઘન તત્ત્વોનું પ્રમાણ બતાવે છે. ધોળાવીરા ખાતે મળતા પાણીમાં તેનું પ્રમાણ માન્ય મર્યાદા કરતાં ઘણું વધુ છે.

ધોળાવીરા ગામના લોકો કહે છે કે, "હવે તેમની હોજરી આ ક્ષારવાળું પાણી પીવા ટેવાઈ ગઈ છે."

કંઈક આવી જ સમસ્યા સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના કુંતલપુરની પણ છે. સ્થાનિકો અનુસાર અહીં નર્મદાની પાઇપલાઇન આવી ગઈ છે, લોકોને ઘરે પાણી તો મળે છે, પરંતુ એ પીવાલાયક નથી હોતું. તેથી ગામની મહિલાઓએ ગ્રામપંચાયત સંચાલિત ફિલ્ટ્રેશન પ્લાન્ટમાંથી પૈસા ચૂકવીને પીવાનું પાણી લાવવું પડે છે.

એક તરફ આ ગામલોકોની ફરિયાદો છે અને બીજી તરફ સરકારનો આ દાવો કે તેમણે ‘નલ સે જલ મિશન’ અંતર્ગત 2022માં ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં 91 લાખથી વધારે ઘરોમાં નળ જોડાણની સિદ્ધિ હાંસલ કરી છે.

આ સિવાય સરકારના દાવા પ્રમાણે તેણે બલ્ક પાઇપલાઇન નેટવર્ક થકી સૌરાષ્ટ્રમાં ગામેગામ નર્મદાનાં નીર પહોંચાડ્યાં છે.

સાથે જ પીવાલાયક પાણીને લગતી સમસ્યાનો ઉકેલ લાવવા ટોલ-ફ્રી નંબર 1916 જાહેર કરવામાં આવ્યો છે અને તે અંતર્ગત નોંધાયેલી 1,30,364 ફરિયાદો પૈકી 1,29,835 ફરિયાદોનું સંતોષકારક નિવારણ લાવવામાં આવ્યું છે.

સરકાર પ્રમાણે પાણીના પ્રશ્નોના ઉકેલ માટે રાજ્યમાં 33 જિલ્લાના તમામ ગામોમાં પાણી સમિતિઓ છે અને આ તમામ પાણી સમિતિઓમાં 50 ટકા પ્રતિનિધિત્વ મહિલાઓનું છે.

બીજી તરફ વિપક્ષનો આરોપ છે કે નર્મદાની પેટા કૅનાલોનું કામ હજુ બાકી છે, જેને કારણે કેટલાક વિસ્તારમાં આજે પણ નર્મદાનું પાણી પહોંચ્યું નથી.

તેમજ આરોપ છે કે ક્યાંક પાઇપલાઇન નંખાઈ ગઈ છે તો ક્યાંક કૅનાલો બની ગઈ છે, પણ પાણી પહોંચ્યું નથી.

પાણી સંવર્ધન માટે કામ કરતા કર્મશીલો કહે છે કે ગુજરાતની પાણીની સમસ્યા હલ કરવા માટે મોટાં બંધો બાંધવાની જરૂર નથી, પરંતુ પાણીનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની તથા પાણીના સ્રોતો બચાવવાની જરૂર છે.

કચ્છનાં ગામોમાં પીવાના પાણીની સમસ્યા કેટલી મોટી?

નર્મદા ડેમ અને પાણીની સમસ્યા

ઇમેજ સ્રોત, PRASHANT GUPTA

ઇમેજ કૅપ્શન, કચ્છના ડુંગરાણી વાંઢ ગામની મહિલા માથે બેડું મૂકીને કૂવામાંથી પાણી ભરવા જઈ રહી છે.

ધોળાવીરા ગામના સરપંચ જીલુભા સોઢા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પોતાની સમસ્યા અંગે વાત કરતાં કહે છે, "નર્મદાની યોજના તો બની છે, પણ અહીં ટાંકો બનાવવાનો બાકી છે. દર વખતે રજૂઆત કરીએ છીએ પછી અધિકારી બદલાઈ જાય છે તેથી દોષારોપણ પણ કોની સામે કરવું?"

ધોળાવીરામાં 2200ની વસ્તી છે. અહીં લોકોને ઘરે નળ છે, પણ ગામવાસીઓનો આરોપ છે કે તેમાં આવતું પાણી પીવાલાયક નથી.

જેની પાસે પૈસાની સગવડ છે કે તેઓ આરઓ પ્લાન્ટમાંથી વેચાતું પાણી મંગાવે છે, પણ ગરીબ લોકો આ જ પાણી પીવા મજબૂર છે.

આ ક્ષેત્રે કામ કરતા કર્મશીલ મહમ્મદ લાખા બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે કે જ્યાં નર્મદાનું પાણી પહોંચ્યું છે ત્યાં બહુ તકલીફ નથી, પરંતુ જ્યાં નથી પહોંચ્યું ત્યાં ઉનાળામાં ભયંકર સંકટ સર્જાય છે.

મહમ્મદ લાખા જણાવે છે, "અનાવરણો અને ઉદ્ઘાટનો જે પ્રમાણમાં થયાં છે, તેટલી યોજનાઓ કાર્યરત્ નથી થઈ. નર્મદાનું પાણી હજુ કેટલાક વિસ્તારોમાં નથી મળી રહ્યું. અબડાસા તાલુકામાં કેટલીક જગ્યાએ, બન્ની પચ્છમ વિસ્તાર, ખાવડા, રાપર તાલુકામાં કેટલાંક ગામો, ખદીર, મુન્દ્રા તાલુકાનાં કેટલાંક ગામો, અંજાર તાલુકાનાં કેટલાંક ગામોમાં પરિસ્થિતિ ખરાબ છે. ગાંધીનગર અને ભૂજ જેવાં શહેરોમાં પણ ઉનાળામાં પાણીની તંગી હોય છે."

મહમ્મદ લાખા કચ્છ જિલ્લામાં પાણીની તંગી પર વધુ પ્રકાશ પાડતાં કહે છે, "ધોરડો, નખત્રાણા અને બન્નીમાંથી દર ઉનાળામાં ઘણા પશુપાલકોએ હિજરત કરવા મજબૂર થવું પડે છે."

જોકે, સરકારનો દાવો છે કે તેમણે કચ્છના કોટેશ્વર સુધી કૅનાલ બનાવીને નર્મદાના પાણી પહોંચાડ્યું છે.

સૌરાષ્ટ્રનાં કેટલાંક ગામોમાં પણ નર્મદાનાં પાણી પહોંચ્યાં નથી

સૌરાષ્ટ્રમાં સૌની યોજના છતાં પાણીનો કકળાટ

ઇમેજ સ્રોત, SACHIN PITHVA

ઇમેજ કૅપ્શન, સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના કુંતલપુર ગામે ઘરે નળ મારફતે પાણી મળે છે, પણ તે પીવાલાયક ન હોવાથી મહિલાઓએ પાણી ભરવા દૂર જવું પડે છે

અમરેલીના ગીદરડી ગામના સરપંચ મુકેશ સોલંકી બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, "અમારું ગામ છેવાડાનું છે. અમારી આગળનાં ગામોમાં નર્મદાનાં પાણી આવી ગયાં છે, પરંતુ અમારા ગામમાં નથી. જેથી અમે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે."

ગામની પાણીની સમસ્યા વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ ખાંભા તાલુકાના મામલતદાર એ. પી. અટાળાને પૂછ્યું તો તેમણે કહ્યું કે અહીં જે મોટર લાગેલી છે, એ ઓછા હૉર્સપાવરની છે તેથી અમે વધારે હૉર્સપાવર ધરાવતી મોટર મૂકવાનું કહ્યું છે અને આ પ્રશ્નનો તાત્કાલિક નિકાલ આવે તેવા પ્રયત્નો કરી રહ્યા છે.

હવે ગામવાસીઓ મામલતદારના આ જવાબ સામે એ સવાલ કરી રહ્યા છે કે સાત વર્ષથી પાઇપલાઇન નખાઈ ગઈ છે તો અત્યાર સુધી સરકારી તંત્રને કેમ ખબર જ ન પડી કે ગામમાં પાણી પહોંચાડવા માટે કેટલા હૉર્સપાવરની મોટરની જરૂર છે?

ગામવાસીઓનું કહેવું છે કે તેમણે ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી તેથી સરકારીતંત્રના પગ તળે રેલો આવ્યો છે.

ગામલોકો અનુસાર સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના કુંતલપુર ગામમાં પાણીના ટૅન્કરોથી ગામનો ટાંકો ભરવો પડે છે. 3000ની વસ્તી ધરાવતા ગામમાં નર્મદા પાઇપલાઇન પહોંચી ગઈ છે અને પાણી પણ ઘરે ઘરે આવે છે, પરંતુ ગામવાસીઓનો આરોપ છે કે જે પાણી આવે છે તે પીવાલાયક નથી હોતું.

ગ્રામપંચાયતે ગામવાસીઓ માટે ફિલટ્રેશન પ્લાન્ટ નાખ્યો છે. અહીં પાંચ રૂપિયે એક બેડું પાણી મળે છે, પણ આ ચોખ્ખું પાણી લેવા માટે મહિલાઓએ એક કિલોમીટર સુધી જવું પડે છે.

ગામમાં રહેતાં સુલતાનાબહેન સવાલ પૂછતાં કહે છે કે વૃદ્ધ અને ઉંમરલાયક લોકો કેવી રીતે પાણી લાવી શકે?

45 વર્ષનાં સુલતાનાબહેન બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "ચોખ્ખું પાણી ઘરે મળે તો તકલીફ ઓછી થાય અને મહિલાઓને આરામ મળે."

કુંતલપુરમાં જ રહેતાં 38 વર્ષનાં જેતુનબહેન પાણીની વધુ એક સમસ્યા વિશે કહે છે, "અમને ઘરે જે પાણી મળે છે, એ પણ મોળું અને ક્ષારવાળું છે અને તે પણ દર પાંચ-છ દિવસે આવે છે. આ ક્ષારવાળું પાણી પીવાથી તો પથરીના રોગ થાય."

ગામના સરપંચ રઝાકભાઈ આગરિયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "ગામમાં ત્રણ હજારની વસ્તી છે. પીવા માટેના પાણીની વ્યવસ્થા કરવા માટે અધિકારીઓને રજૂઆત તો કરી છે પણ તેઓ અમારું સાંભળતા નથી."

અન્ય પણ કેટલીક ફરિયાદો સૌરાષ્ટ્રમાંથી ઊઠી છે. ફરિયાદ છે કે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના દરેડ ગામમાં જતી નર્મદા નદીની કૅનાલની બ્રાન્ચ દુરસ્ત નથી થઈ.

ગઢડા, વલભીપુર અને ઉમરાળામાં ઘણી જગ્યાએ કૅનાલ દુરસ્ત ન થઈ હોવાની ફરિયાદો છે, જેને કારણે ખેડૂતોને પાણી નથી પહોંચી રહ્યું.

જોકે, કેટલાક જાણકારો કહે છે કે આ વિસ્તારમાં રહેતા લોકો માટે નર્મદાનું પાણી વરદાન બનીને આવ્યું છે.

મહુવાના પત્રકાર ચંદુભાઈ વાળા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે કે "અહીં નર્મદાનું પાણી પીવા માટે આપવામાં આવે છે. દર ત્રણ દિવસે પાણી મળે છે એ તકલીફ છે, પણ પાણી મળે છે. હવે નર્મદાનું પાણી મળવાને કારણે અન્ય ત્રણ ડૅમનું પાણી સિંચાઈ માટે ખેડૂતોને આપવામાં આવે છે."

"મહુવાનો દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાર બંધારા બન્યા છે. જેને કારણે મીઠું પાણી દરિયામાં જતું અટકે છે અને તેને કારણે આ વિસ્તારમાં ધરતીના પેટાળમાં જે ખારાશ હતી તે દૂર થઈ છે અને પાણીનાં તળ ઊંચે આવ્યાં છે."

જોકે, આ મામલે ભાજપના નેતાનું કહેવું કંઈક અલગ જ છે.

ભાજપ નેતા અને વાજપેયી સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા ડૉ. વલ્લભભાઈ કથિરિયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે સૌરાષ્ટ્રમાં સૌની યોજનાને કારણે પીવાના અને સિંચાઈના પ્રશ્નો ઉકેલાઈ ગયા છે.

વલ્લભભાઈ કથિરિયા કહે છે, "મેં આ વિસ્તારમાં દુષ્કાળ જોયો છે, હવે હરિયાળી જોઈને આનંદ થાય છે. આજી, શેત્રુંજી અને ભાદર ડૅમમાંથી મળતા પાણી અને નર્મદાના પાણીની મદદથી સૌરાષ્ટ્રની ખેતી અને પીવાના પાણીની તંગીની સમસ્યા ઉકેલાઈ ગઈ છે."

નર્મદાની કૅનાલનું કામ કેટલું બાકી?

નર્મદા ડેમ અને પાણીની સમસ્યા

ઇમેજ સ્રોત, SACHIN PITHVA

ઇમેજ કૅપ્શન, કુંતલપુર ગામમાં પાણીનો ટાંકો ભરવા માટે ટૅન્કર બોલાવવું પડે છે.

હાલમાં જ ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન નર્મદા કૅનાલની બાકી કામગીરીનો મુદ્દો ઊઠ્યો હતો. કૉંગ્રેસે નર્મદાની વિવિધ શાખાઓની કામગીરી અંગે સરકાર પાસે જવાબ માગ્યો. સરકારે ડિસેમ્બર-2023 સુધીની સ્થિતિ જણાવતા સ્વીકાર કર્યો કે નર્મદાની વિવિધ શાખાઓની 5724.41 કિમીની લંબાઈનું કામ બાકી છે.

કૉંગ્રેસના વાવનાં ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પ્રશ્ન પૂછ્યો હતો.

ગેનીબહેનને જે લેખિત જવાબ મળ્યો તે મુજબ,"31-12-2023ની સ્થિતિએ નર્મદા યોજનાની શાખા નહેરની સુધારેલ અંદાજિત લંબાઈ 2680.24 પૈકી 0.64 કિમી, વિશાખા નહેરોની સુધારેલ અંદાજિત લંબાઈ 4619.16 પૈકી 157.39, પ્રશાખા નહેરોની સુધારેલ અંદાજીત લંબાઈ 15582.97 પૈકી 1006.02 કિમી તથા પ્રપ્રશાખા નહેરોની સુધારેલ અંદાજિત લંબાઈ 46156.72 પૈકી 4560.36 કિમી લંબાઈનું કામ બાકી છે."

સરકારે નહેરોની વિવિધ શાખાઓનાં કામ બાકી રહેવા પાછળનું કારણ જણાવતાં કહ્યું કે નહેર માળખાના નહેર સુધીનાં કામ, જમીનસંપાદન, તથા અને યુટિલિટી ક્રૉંગિંગ્સ જેવા કે રેલવે, રસ્તાઓ, ગૅસ-ઑઈલ પાઇપલાઇન વગેરેની સંબંધિત વિભાગોની મંજૂરી મળ્યા બાદ આ બાકી કામને વહેલી તકે પૂર્ણ કરવાનું આયોજન છે.

સરકારે એમ પણ જણાવ્યું કે પ્રશાખાના નહેરનાં કામો ખેડૂતોની ભાગીદારી સાથે કરવાના થતા હોઈ તબક્કાવાર, પિયત વિસ્તારના ખેડૂતોની સંમતિ મળ્યા બાદ તેને વહેલી તકે પૂર્ણ કરાશે.

ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ બીબીસી ગુજરાતીને આ મામલે જણાવ્યું કે મુખ્ય કૅનાલનું કામ પૂર્ણ થયું છે અને બાકી જે કામો છે તેને વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે.

જળસંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "આ માટે 9000 કરોડનાં ટૅન્ડરો બહાર પાડી દેવામાં આવ્યાં છે."

કૉંગ્રેસ નેતા મનહર પટેલ સરકાર પર આરોપ લગાવતાં કહે છે કે સરકારે કૅનાલની વિવિધ શાખાઓનું કામકાજ ન કર્યું હોવાથી લાખો લીટર નર્મદાના નીરનો બગાડ થઈ રહ્યો છે.

તેઓ કહે છે, "અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન UGPLનું લગભગ પાંચ હજાર કિલોમીટરનું કામ બાકી છે, જેથી હજારો ખેડૂતોને પાણી મળતું નથી. કૅનાલો દુરસ્ત કરાતી નથી. જેને કારણે ઘણી વાર કૅનાલ હોવા છતાં પાણી મળતું નથી. કૅનાલ દુરસ્ત કરવાનું બજેટ તો ફાળવાય છે, પરંતુ આ કૅનાલ દુરસ્ત કેમ નથી થતી કે પ્રશ્ન છે?"

તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ કૅનાલની ગુણવત્તા યોગ્ય નથી.

જોકે ભાજપ કૉંગ્રેસના આ આરોપોને ફગાવે છે. ડૉ. વલ્લભ કથિરિયા બીબીસી ગુજરાતી સાથે આ મામલે વાતચીત કરતા કહે છે, "સુજલામ સુફલામ યોજનાથી ઉત્તર ગુજરાતમાં પાણીની તકલીફો દૂર કરાઈ છે. સૌની યોજનાને કારણે સૌરાષ્ટ્રનું પાણીનું સંકટ હલ થયું છે. કચ્છના કોટેશ્વર સુધી નર્મદા નહેર પહોંચી છે."

"દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, મહુવા અને ભાવનગર સુધી પાણી પહોંચ્યું છે. રસ્તામાં જે ચેકડૅમો કે તળાવ આવે છે તેમાં આ પાણી ભરવામાં આવે છે, જેને કારણે જે તે વિસ્તારમાં પાણીની સમસ્યા હલ થઈ છે અને ભૂગર્ભજળનું સ્તર પણ ઊંચું આવ્યું છે."

તમને આ વાંચવું પણ ગમશે

‘નલ સે જલ યોજના’

નર્મદા ડેમ અને પાણીની સમસ્યા

ઇમેજ સ્રોત, MANHAR PATEL

ઇમેજ કૅપ્શન, બોટાદના લાઠીદડ ગામમાં નર્મદાની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની ગુણવત્તા સામે સવાલ ઉઠાવતાં કૉંગ્રેસ નેતા મનહર પટેલ

ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ પાસે બીબીસી ગુજરાતીએ તેણે શું કામગીરી કરી તેની વિગતો માગી હતી. જળ સંપત્તિ અને પાણીપુરવઠા વિભાગે આપેલી વિગતો પ્રમાણે સરકારે દાવો કર્યો છે કે, "પાણીદાર સરકારે ‘હર ઘર નલ, નલ સે જલ’ સંકલ્પ સાકાર કર્યો છે."

સરકારનો દાવો છે કે નલ સે જલ મિશન અંતર્ગત 2022માં ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં 91,18,499 ઘરોને નળજોડાણ આપ્યાં. સપ્ટેમ્બર 2022થી સપ્ટેમ્બર 2023 સુધી 1483 યોજનાઓ પૂર્ણ કરીને લોકોને ઘરઆંગણે શુદ્ધ અને પૂરતું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી પાણીપુરવઠા ગ્રીડ અંતર્ગત કુલ 3200 કિમી બલ્ક પાઇપલાઇન અને 1.20 લાખ કિમીથી વધુ લંબાઈની વિતરણ પાઇપલાઇન દ્વારા 14472થી વધુ ગામોને અને 241 શહેરી વિસ્તારોને દૈનિક 320 લિટર પાણી વિતરણ કરવામાં આવે છે. બાકીનાં ગામોને પણ ક્રમશ: જળ સ્રોત આધારિત જૂથ યોજનાઓમાં આવરી લેવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સરકારનો દાવો છે કે બલ્ક પાઇપલાઇન નેટવર્ક થકી સૌરાષ્ટ્રમાં ગામે ગામ નર્મદાનાં નીર પહોંચ્યાં છે. સાથે સરકારે પાણીના પુન: ઉપયોગનું વ્યવસ્થાપનનું આયોજન પણ કર્યું છે.

જોકે, કૉંગ્રેસ સરકારના દાવા સાથે સંમત નથી. કૉંગ્રેસે આરોપ લગાવ્યો કે નલ સે જલ યોજનામાં નળમાં પાણીને બદલે ગામેગામ ભ્રષ્ટાચાર પહોંચી ગયો છે.

કૉંગ્રેસ પ્રવક્તા ડૉ મનીષ દોશીએ આરોપ લગાવ્યો, "નલ સે જલની યોજનાની જે પ્રકારે જાહેરાત થઈ, પરંતુ નબળી પાઇપલાઇનોને કારણે પાણી પહોંચ્યું નથી."

ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણીપુરવઠા રાજ્ય મંત્રી મુકેશ પટેલે કહ્યું, "નલ સે જલ યોજના અંતર્ગત અમે લોકોના ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે. જ્યાં પાણી નથી, ત્યાં સરકારના અધિકારીઓ સર્વે કરી રહ્યા છે. અમે ડુંગરાળ વિસ્તારમાં પણ પાણી પહોંચાડી રહ્યા છે. અમે નર્મદા અને તાપી જેવી નદીનું પાણી વહી જતું અટકાવીને પાણી લોકો સુધી પહોંચાડી રહ્યા છે."

જોકે, નર્મદા ડૅમના પાણીના ભયસ્થાન ગણાવતા જળસંચય પ્રવૃત્તિ કરતી એનજીઓ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સકારિયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "રાજકોટ આજે પીવાના પાણી મામલે નર્મદાનાં નીર પર નિર્ભર છે. ન કરે નારાયણ કાલ ઊઠીને નર્મદાનું પાણી કોઈક કારણસર રાજકોટને નહીં મળે તો શું?"

દિલીપભાઈ સકારિયા કહે છે તેના માટે કલ્પસર પ્રોજેક્ટને વિકસાવવો જરૂરી છે. તેને કારણે અહીં વિશ્વનું સૌથી મોટું મીઠાં પાણીનું સરોવર બનશે અને ગુજરાત આખાની પાણીની સમસ્યા હલ થઈ જશે.

પણ જાણકારોના મતે કલ્પસર યોજના હાલ કાગળ પર જ છે.

‘માત્ર મોટા ડૅમો બનાવવાથી પાણીની સમસ્યા હલ નહીં થાય’

નર્મદા ડેમ અને પાણીની સમસ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નર્મદા ડૅમ

જોકે, જળસંરક્ષણ અને જળસંવર્ધન સાથે સંકળાયેલા કર્મશીલો કહે છે કે ગુજરાતની પાણીની સમસ્યા મોટા ડૅમો બનાવવાથી દૂર નહીં થાય.

તેમનો આરોપ છે કે સરકારને કે નેતાઓને મોટા પ્રોજેક્ટમાં જ રસ હોય છે, પરંતુ નાના-નાના સ્તરે જે જળસંચય કે જળસંરક્ષણનું કામ થઈ શકે કે જે વિના કોઈ ખર્ચે થાય, તેમાં રસ નથી હોતો.

વૉટર મૅનેજમૅન્ટ ઍક્સપર્ટ હિમાંશુ ઠક્કર બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતાં કહે છે, “નર્મદા ડૅમ નિરાકરણ નથી. લાંબા અંતરથી દૂર સુધી પાણી પહોંચાડવામાં ઘણી સમસ્યાઓ આવે છે. તેને માટે કેન્દ્રિયકૃત સત્તાઓની દયા પર નિર્ભર રહેવું પડે. તેની જગ્યાએ રેન હાર્વેસ્ટિંગ, ગ્રાઉન્ડ વૉટર રિચાર્જિંગ, કેચમેન્ટ પ્રોટેક્શન અને સ્થાનિક પાણીના સ્રોતોનો મહત્તમ ઉપયોગ કરવાથી વધુ ફાયદો થાય.”

ગુજરાતમાં પાણીની સમસ્યા પર વાત કરતાં હિમાંશુ ઠક્કર કહે છે, “એક તરફ કચ્છમાં નર્મદા કૅનાલનું કામ બાકી છે અને બીજી તરફ સાબરમતી નદીમાં નર્મદાનું પાણી વહેવડાવી દેવામાં આવે છે. આ પાણી સાબરમતી નદીમાં વહેવડાવવું એ સરદાર સરોવર યોજનાની પ્રાથમિકતા નહોતી. આ સિવાય ઉદ્યોગોને પાણી પહોંચાડવામાં આવે છે તેને કારણે જરૂરિયાતમંદ સુધી પાણી નથી પહોંચતું.”

હિમાંશુ ઠક્કર કહે છે કે ભારતની પાણીની લાઇફલાઇન ગ્રાઉન્ડ વૉટર છે.

તેઓ કહે છે, “ભારતમાં 2/3 સિંચાઈ ગ્રાઉન્ડ વૉટરથી થાય છે. દુનિયાના સૌથી વધુ ગ્રાઉન્ડ વૉટરના ઉપયોગ કરતા દેશોમાં ભારતનો પ્રથમ નંબર આવે છે. ત્યાર બાદ યુએસ અને ચીન છે. પણ અમેરિકામાં ગ્રાઉન્ડ વૉટરના ઉપયોગ મામલે નિયંત્રણ છે જ્યારે ભારતમાં તેનું દોહન થઈ રહ્યું છે.”

હિમાંશુ ઠક્કર આ ઉપરાંત વેસ્ટ વૉટરના ફરી ઉપયોગ કરવા પર પણ ભાર મૂકે છે.

વૉટર મૅનેજમૅન્ટ ઍક્સપર્ટ નફીસા બારોટ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “વરસાદનું પાણી સંગ્રહ કરવું, કૂવા-તળાવને રિચાર્જ કરવા એ સૌથી સરળ ઉપાય છે, પાણીની સમસ્યાને ઉકેલવાનો. મોટા ડૅમ બનાવવાને કારણે મુશ્કેલીઓ વધે છે. તેમાં સંગ્રહાયેલા પાણીને દૂર સુધી લઈ જવામાં ઘણી સમસ્યાઓ આવે છે. કૅનાલનું વ્યવસ્થાપન થવું જોઈએ, તેનો જાળવણી થવી જોઈએ, તેના પાણીની ચોરી રોકવી જોઈએ. સરકાર પાઇપલાઇન તો બિછાવી દે છે, પણ પાણી તો હોવું જોઈએ ને. સોશિયો-જિઓપોલિટિકલી આ અઘરું છે. તેની જગ્યાએ સ્થાનિક સ્તરે જ વૉટર હારવેસ્ટિંગ અને વેસ્ટ મૅનેજમૅન્ટ પર ભાર મૂકીને આ સમસ્યા હલ કરી શકાય.”

તેમણે લોકોને પાણીનું મૂલ્ય સમજાવવાની વાત પણ કરી. તેમણે કહ્યું કે આ કામ જનભાગીદારીથી જ શક્ય બને છે.

નફીસા બારોટ વધુમાં કહે છે, "પાણીની તંગી કે અછતની સમસ્યાની સૌથી વધુ અસર મહિલાઓ પર થતી હોય છે. તેને કારણે તેની વ્યગ્રતા અને ચિંતા વધે છે."

તેમણે જણાવ્યું કે નર્મદાનું પાણી ઘણી જગ્યાએ પહોંચ્યું છે, પરંતુ જ્યાં પહોંચવું જોઈએ ત્યાં નથી પહોંચ્યું તેને કારણે તેનો ઉદ્દેશ સો ટકા પૂર્ણ નથી થયો.

શું નર્મદા ડૅમને કારણે ગુજરાતના અર્થતંત્રને લાભ થયો?

નર્મદા ડેમ અને પાણીની સમસ્યા

ઇમેજ સ્રોત, PRASHANT GUPTA

ઇમેજ કૅપ્શન, પાણીની તકલીફ

ગુજરાત સરકારનો દાવો છે કે નર્મદા ડૅમ બનવાને કારણે ગ્રામ્ય અર્થતંત્રને લાભ થયો. લોકોને પીવાનું પાણી તો મળ્યું સાથે સાથે ખેડૂતોને સૌથી વધુ લાભ થયો.

ડૉ. વલ્લભ કથિરિયા કહે છે, "નર્મદાના પાણીને કારણે સૌરાષ્ટ્રનો ખેડૂત હવે ઉનાળુ અને શિયાળુ પાક પણ લઈ શકે છે. ગામડામાં પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે."

અર્થશાસ્ત્રી હેમંત શાહ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, "નર્મદાનું પાણી આવવાથી ગુજરાતનો વિકાસ થયો હોય તેવું નથી. હા, ઉદ્યોગોનો વિકાસ જરૂર થયો છે, કારણકે પાણી આધારિત ઉદ્યોગોને જીવતદાન મળ્યું. ખાસ કરીને ટેક્સ્ટાઇલ અને ફાર્મા-કેમિકલ ઉદ્યોગોને."

તેઓ કહે છે કે ગુજરાતના ખેડૂતોની રોકડિયો પાક લેવાની ક્ષમતા નર્મદાના પાણી આવવાને કારણે વધી. જોકે, તેઓ કહે છે કે નર્મદાનાં પાણી આવવાથી પાકની પૅટર્નમાં કોઈ ઝાઝો બદલાવ આવ્યો હોય તેવું પણ નથી.

જોકે, ડૉ. વલ્લભભાઈ કથિરિયા કહે છે,"અમે એક લાખથી ઉપર ચેકડૅમ બનાવ્યા છે, જેને કારણે તેનો લાભ ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોને મળ્યો છે."

શું છે સરદાર સરોવર પ્રોજેક્ટ અને શું છે તેનો ઇતિહાસ?

નર્મદા ડેમ અને પાણીની સમસ્યા

ઇમેજ સ્રોત, TWITTER @PMOINDIA

ઇમેજ કૅપ્શન, સરદાર સરોવર પ્રોજેક્ટને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો તે વેળાની તસવીર

સરદાર સરોવર બંધ ભારતના ઇતિહાસનો કદાચ સૌથી વિવાદાસ્પદ પ્રોજેક્ટ રહી ચૂક્યો છે, જેનું સ્વપ્ન ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ જોયું હતું.

ઘણા ટેકનિકલ અને કાનૂની અવરોધોને કારણે નર્મદા બંધનું આયોજન લટકી પડ્યું હતું અને છેલ્લે 1979માં આખરે આ બંધની જાહેરાત થઈ હતી.

વિરોધ અને કાનૂની કાર્યવાહીને કારણે નર્મદા બંધની યોજનાને નિયત કરેલા સમયગાળામાં પૂર્ણ કરવાને બદલે ઘણો સમય વીતી ગયો.

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર સરોવર ડૅમનું ખાતમુહૂર્ત પાંચમી એપ્રિલ, 1961ના રોજ તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ કર્યું હતું. અનેક કાયદાકીય, પર્યાવરણીય, રાજકીય ગૂંચવણો અને વિવાદો બાદ ડૅમે આજનું સ્વરૂપ ધારણ કર્યું છે.

સરદાર સરોવર ડૅમ ભારતની સૌથી મોટી જળ પ્રકલ્પ યોજના છે.

મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવાં મોટાં રાજ્યો આ પ્રોજેક્ટ સાથે જોડાયેલાં છે.

પાણી ડિસ્ચાર્જ કરવાની શક્તિની ક્ષમતાના આધારે નર્મદા ડૅમ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ડૅમ છે.

પ્રોજેક્ટથી જોડાયેલી 532 કિલોમીટર લાંબી નર્મદા મુખ્ય નહેર વિશ્વની સૌથી લાંબી સિંચાઈ નહેર છે.

સૌથી ઊંડા પાયાના તળથી તેની મહત્તમ ઊંચાઈ 163 મીટર છે, તથા તેની લંબાઈ 1210 મીટર છે.

તેની જળસંગ્રહ ક્ષમતા 58,600 લાખ ઘન મીટર છે.

1.905 મિલિયન હેક્ટર જમીનને તેને કારણે સિંચાઈનો લાભ મળવાની ગણતરી છે. તે પૈકી ગુજરાતમાં 18.45 હેક્ટર જમીનમાં પિયત વિસ્તારને અને દસ લાખ ખેડૂતોને તેનો લાભ થશે.

નર્મદાના પાણીને કારણે 9,490 ગામો તથા 173 નગરોના બે કરોડ 90 લાખ નાગરિકોને લાભ થશે.

જળવિદ્યુતમથકથી સ્થાપિત ક્ષમતા 1450 મેગા વૉટ છે. ગુજરાતમાં નહેરની લંબાઈ 75,000 કિમી રહેશે.

સરદાર સરોવર બંધના વિરોધમાં મેધા પાટકરની આગેવાનીમાં નર્મદા બચાઓ આંદોલન અસ્તિત્વમાં આવ્યું.

આંદોલનકારીઓનું કહેવું હતું કે નર્મદા પરિયોજનાને કારણે બે લાખથી વધુ લોકો પ્રભાવિત થશે જેમને વિસ્થાપિત કરવા પડશે અને આ વિસ્તારના પર્યાવરણ પર આ યોજનાની આડઅસરો પડશે.

કેટલાક વૈજ્ઞાનિકોએ એવી પણ દલીલ રજૂ કરી છે કે આ પ્રકારના મોટા બંધના નિર્માણથી ધરતીકંપ આવવાની સંભાવનાની વધી છે.

નર્મદા વિરોધી આંદોલનકારીઓને તે સમયે મોટી સફળતા પ્રાપ્ત થઈ જ્યારે 1993માં સરદાર સરોવર પ્રોજેક્ટને વિશ્વ બૅન્ક દ્વારા અપાયેલી સહાય પાછી ખેંચી લેવામાં આવી હતી.

ઑક્ટોબર, 2000માં ભારતની સુપ્રીમ કોર્ટ મંજૂરી આપતા સરદાર સરોવર બંધનું રોકાયેલું કામ ફરી એક વાર શરૂ થયું અને ડૅમના બાંધકામને વેગ મળ્યો.

જ્યારે આ યોજના બની ત્યારે તેનું કદ લગભગ 4200 કરોડ રૂપિયા હતું, તે વધીને આજે 1 લાખ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે.

આ પણ વાંચો