સુરત-નવસારીનાં ગામોને દરિયો કેમ ગળી રહ્યો છે? એ ગામોનાં લોકો બચવા શું કરી રહ્યા છે?

ઇમેજ સ્રોત, UGC
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
“અહીં અત્યારે અમે ચાલી રહ્યાં છીએ, તે જગ્યા પર ૨૦ વર્ષ પહેલાં જંગલ હતું. પેલા કૂવામાંથી પાણી કાઢીને અમે નાના-મોટા છોડવાને પાણી આપતા, અહીંયા એક લાઇટ હાઉસ હતું, જેના પર ચડીને મેં પોતે અનેક વખત ફાનસ ચાલુ કર્યું છે.” દરિયાકાંઠે ઊભા રહી, પોતાના ગામ વિશે આ વાતો કરતા 55 વર્ષિય કનુભાઇ ટંડેલની આંખો ભરાઈ આવી હતી.
દરિયો ધીરે-ધીરે તેમના ગામ તરફ આગળ વધી રહ્યો છે. “એક સમયે લાઇટ હાઉસથી દરિયાકાંઠો લગભગ 500 મીટર દૂર હતો, હાલ તે આ લાઇટ હાઉસ વટાવીને 500 મીટર આગળ જતો રહ્યો છે. એટલે છેલ્લાં 25 વર્ષમાં દરિયાકાંઠો લગભગ 1 કિલોમીટર સુધી અંદર આવી ગયો છે.”
કનુભાઇ ટંડેલ નવસારીના બોરસી ગામના વતની છે. આ ગામમાં જ તેમનો જન્મ થયો અને દરિયાનાં વધતાં જળસ્તરનાં તેઓ સાક્ષી છે કારણ કે માછીમારીના વારસાગત વ્યવસાયને કારણે દરિયા સાથે તેમનો ઘરોબો ગાઢ છે.

ઇમેજ સ્રોત, Kenz-ul-Muneer
બોરસી ગામ નવસારીથી આશરે 40 કિલોમીટર દૂર આવેલું છે. જે દરિયાકાંઠાનું છેલ્લું ગામ છે. સમુદ્રનાં પાણીને કારણે ગુજરાતમાં સૌથી વધુ ધોવાણવાળા વિસ્તારોમાં બોરસી ગામનો સમાવેશ થાય છે.
એક સમયે બોરસી ગામ અને દરિયાની વચ્ચે ગાઢ જંગલ હતું. લોકોને દરિયે જવું હોય તો તે જંગલ પાર કરીને દરિયાકાંઠે જઈ શકાતું હતું.
દરિયાકાંઠાના એક કૂવા પાસે ઊભા રહી બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કનુભાઈ કહે છે, “હાલમાં આ એક જ કૂવો અહીંયા દેખાય છે, આવા ઘણા કૂવા આ વિસ્તારમાં હતા. એ તમામ કૂવા હાલમાં દરિયામાં ડૂબી ગયા છે. નિશાની પૂરતો હવે આ એક જ કૂવો બચ્યો છે.”

ઇમેજ સ્રોત, Kenz-ul-Muneer
દરિયાની ઓટ સમયે, આ કૂવાથી આશરે 200 મિટર દૂર સિમેન્ટનું એક મોટું માળખું દેખાય છે. જે ખરેખર એક સમયે બોરસી ગામ પાસે બનાવેલું લાઇટ હાઉસ હતું. ભરતી સમયે આ માળખું ડૂબી જાય છે. “અમને યાદ છે કે આ માળખાની આસપાસ લોખંડની સીડી હતી, જેના પર ચડીને અમે ઉપર જતા હતા. દરિયો અહીંથી દૂર દેખાતો હતો.”
ગુજરાત સહિતા દેશભરના આશરે 7,500 કિલોમીટર લાંબા દરિયાકાંઠાના અનેક વિસ્તારો હાલમાં બોરસી ગામ જેવી જ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ગુજરાતમાં 1,600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો આવેલો છે, જે સૌરાષ્ટ્રના 6 અને દક્ષિણ ગુજરાતના 4 જીલ્લામાં ફેલાયેલો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલાક વિસ્તારોમાં દરિયો પાછળ ખસ્યો

ઇમેજ સ્રોત, Kenz-ul-Muneer
Indian Space Research Organization (ઇસરો)નાં માર્ચ, 2023માં છપાયેલા એક અહેવાલ પ્રમાણે 2004-06થી 2014-16 દરમિયાન ગુજરાતમાં સૌરાષ્ટ્રની સરખામણીમાં દક્ષિણ ગુજરાતમાં વધું ધોવાણ જોવા મળ્યું છે, એટલે કે ભરૂચ, સુરત, નવસારી, અને વલસાડ જીલ્લાના દરિયાઈ વિસ્તારોમાં તેની સીધી અસર જોવા મળી રહી છે.
આ રીપોર્ટમાં જણાવાયું છે કે, ગુજરાત, દમણ અને દિવમાં 109.7 કિલોમીટર જેટલા વિસ્તારમાં ધોવાણ જોવા મળ્યું છે, જેમાં 313.6 હેક્ટર જેટલી જમીન દરિયામાં ડૂબી ગઈ છે. સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના ચાર જીલ્લાઓ તેમજ દમણ અને દિવ વિસ્તારોમાં જોવા મળી છે. જોકે, આશરે 1,051 કિલોમીટર જેટલો દરિયાકાંઠો સ્થિર જોવા મળ્યો છે.
એક્રિશન એટલે શું? ગુજરાતમાં કેટલું એક્રિશન થયું
જેમ દરિયાની સપાટીની આગળ વધવાની પ્રક્રિયાને ધોવાણ કહેવાય છે તેવી જ રીતે જ્યારે કોઈ વિસ્તારમાંથી દરિયો પાછળ જાય અને નવી જમીન જોવા મળે ત્યારે તે પ્રક્રીયાને એક્રિશન કહેવાય છે.
ઇસરોના આ રીપોર્ટ પ્રમાણે ગુજરાતની દરિયાપટ્ટી પર 49.2 કિલોમીટર જેટલા વિસ્તારમાં એક્રિશન જોવા મળ્યું છે.
જેમાં લગભગ 207.7 હેક્ટર જેટલી જમીન દરિયાથી બહાર આવી હોય તેવું જોવા મળ્યું છે.
નિષ્ણાતો મુજબ દરિયો આગળ આવે અને પાછળ જાય, જેના કારણે એક્રિશન જોવા મળે તે કુદરતની સામાન્ય પ્રક્રિયા છે, જો કે જળવાયુ પરિવર્તનને કારણે જ્યારે દરિયામાં પ્રદૂષણ વધે ત્યારે આ પ્રક્રિયામાં વધારો થાય છે.
દરિયાના ધોવાણની પ્રક્રિયા કેમ વધી?

ઇમેજ સ્રોત, Kenz-ul-Muneer
સુરત સ્થિત બ્રૅકિશ વોટર રીસર્ચ સેન્ટરના વડા, એમએસએચ શેખ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, “હાલમાં જોવા મળે છે કે છેલ્લાં અમુક વર્ષોમાં દરિયામાં તોફાનોની સંખ્યા વધી છે. જેને કારણે દરિયાની જે એનર્જી ચાર કે છ મહિનામાં બહાર આવતી હોય છે તે એનર્જી માત્ર એક તોફાન કે સાઇક્લોનમાં આવી જતી હોય છે. જેને કારણે આ પ્રકારના ધોવાણની ગતિ ખૂબ વધી છે.”
શેખ છેલ્લાં ઘણાં વર્ષોથી દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોનો અભ્યાસ કરી રહ્યાં છે. તેઓ કહે છે કે, “ગુજરાતના દરિયાઇકાંઠાનાં ધોવાણનાં કારણો પાછળ દરિયામાં વધતા પ્રદૂષણને કારણે દરિયાની આબોહવામાં પરિવર્તન આવે છે અને તે ત્યારબાદ દરિયા ઉપરના પવનની દિશા તેમજ તેનાં મોજાંની તીવ્રતામાં ફેરફારો થાય છે, જેના કારણે આ ધોવાણની પ્રક્રિયા વધી રહી છે.”
તેમનું માનવું છે કે બોરસી જેવાં ગામડાંમાં ધોવાણને કારણે સૌથી વધુ અસર દરિયાકાંઠે રહેતા લોકોને અને તેમના વ્યવસાયને થાય છે. જમીન ઓછી થતી જાય છે અને વસતી વધતી જાય છે. જેના કારણે દરિયાકાંઠાના લોકોમાં પણ મુખ્યત્વે માછીમારોને સીધી અને પહેલી અસર થતી હોય છે.

ઇમેજ સ્રોત, Kenz-ul-Muneer
42 વર્ષિય હેમાબહેન ટંડેલ એક સમયે દરિયાકાંઠે પોતાનું ઝૂંપડું બનાવીને રહેતાં હતાં. જોકે, દરિયાઈ સપાટી વધતાં તેમને પોતાનું ઝૂંપડું ધીરે-ધીરે પાછળ લઈ જવું પડ્યું છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે, “આજે એવી સ્થિતિ આવી ગઈ છે કે અમારે અમારા બાળકોને ભણાવવા ઉછીના પૈસા લેવા પડે છે. દરિયો નજીક આવ્યો પણ માછલીની આવક ઘટી છે. જેના કારણે અમારી આવક ઘટી છે.”

ઇમેજ સ્રોત, Kenz-ul-Muneer
દરિયાથી દૂર જંગલમાં બનાવેલા મંદિરમાં હવે દરિયાનું પાણી આવી જાય છે

ઇમેજ સ્રોત, Kenz-ul-Muneer
બોરસી ગામથી આશરે 70 કિલોમીટર દૂર આવેલો છે સુરતનો ડભારી દરિયાકાંઠો. જે સહેલાણીઓ માટે પ્રખ્યાત બીચ છે. National Centre for Sustainable Coastal Management (NCSCM)એ ગુજરાત સહિત દેશના વિવિધ દરિયાકાંઠાનો 1990 થી 2021 સુધીના સમયગાળાનો અભ્યાસ કર્યો હતો. આ રીપોર્ટને ટાંકીને રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ વિભાગના મંત્રી અશ્વિનીકુમાર ચૌબેએ રાજ્ય સભાને જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌથી વધુ દરિયાઈ ધોવાણ ડભારી બીચ પર જોવા મળ્યું છે.
બીબીસી ગુજરાતીની ટીમ જ્યારે ડભારી બીચ પર પહોંચી તો ત્યાં ખોડીયાર મંદિર જોવા મળ્યું. તે મંદિરને દરિયાનાં મોજાંથી બચાવવા માટે મોટા પથ્થરોની એક દિવાલ બનાવવામાં આવી હતી, જે આશરે દોઢ વર્ષ પહેલાં તૂટી ગઈ હતી.
હવે મોટી ભરતી સમયે સમુદ્રનું પાણી સીધું મંદિરનાં પ્રાંગણમાં આવી જાય છે.

ઇમેજ સ્રોત, Kenz-ul-Muneer
આ મંદિરના પુજારી ભગુભાઈ પટેલ(65)એ બીબીસી ગુજરાતીને કહ્યું કે તેઓ જ્યારે ૩૦ વર્ષના હતા ત્યારે તેમણે મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું.
“અમે નક્કી કર્યું હતું કે મંદિરને દરિયાથી ખૂબ દૂર બનાવીશું. દરિયો, તેના પછી લીલોતરી, તેના પછી રેત અને તે રેત પછીની જમીનમાં અમે મંદિર બનાવ્યું હતું. આજે પરિસ્થિતિ એવી છે કે લીલોતરી, રેત, જમીન બધું જતું રહ્યું છે, અને દરિયો બિલકુલ મંદિરની બાજુમાં આવી ગયો છે. મને નથી લાગતું કે આ મંદિર વધુ સમય સુધી અહીં બચી શકશે. કારણ કે જે રીતે મોટી ભરતીમાં દરિયાનું પાણી છેક મંદિરના દરવાજા સુધી આવી જાય છે. તે રીતે તો એક દિવસ મંદિર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જશે.”
આ ગામની પંચાયતનું સંચાલન હાલમાં સરકારી વહીવટદાર પાસે છે. પંચાયતના છેલ્લા સરપંચ રહી ચૂકેલા રજનીકાંતભાઈ પટેલ બીબીસી ગુજરાતીને કહે છે, “જે રીતે દરિયાકાંઠો આગળ આવી રહ્યો છે તેને જોતા ગામના લોકોમાં ભય છે કે એક દિવસ દરિયો ઘર સુધી આવી જશે અને અમારે હિજરત કરવાનો વારો આવશે.”
ગુજરાતનું એક એવું ગામ જ્યાં ધોવાણ અને એક્રિશન બન્ને જોવા મળ્યું

ઇમેજ સ્રોત, Kenz-ul-Muneer
આ ગામથી આશરે 80 કિલોમીટરના અંતરે આવેલા ભરૂચ જિલ્લાના કાંઠીયાજાળ ગામની કહાણી જરાક જુદી છે. આ ગામના વડીલો પ્રમાણે વર્ષો પહેલાં અહીં એક બંદર પણ હતું જે ભાવનગર અને કાંઠીયાજાળ વચ્ચે સતત ધમધમતું રહેતું હતું. આજે આ ગામની લગભગ ૪૦ ટકા જેટલી જમીન દરિયામાં ડૂબી ચૂકી છે.
આ ગામના એક વડીલ કરસનભાઈ પટેલે (72) બીબીસી ગુજરાતીને કહ્યું, “એક સમયે ગામની આગળથી નર્મદા નદીનું વહેણ હતું, જે ડેમને કારણે બદલાઈ ગયું. નદી ન હોવાથી રેતની જે કુદરતી દિવાલ હતી, તેને તોડીને દરિયો સીધો આગળ આવી ગયો, અને વરસોવરસ અમારી જમીનો તેમાં ગરકાવ થતી ગઈ.”
કાંઠીયાજાળના સરપંચ નટુભાઈ પટેલ કહે છે, “દરિયાને રોકવા માટે સરકારે આ ગામમાં મેંગ્રૂવ્સનું વાવેતર કર્યું છે, જેનાં સારાં પરિણામો મળ્યાં છે, અને છેલ્લાં અમુક વર્ષોથી દરિયાને કારણે ધોવાણ અટક્યું છે. જોકે આ વાવેતર ખેડૂતોની જમીનો પર થયું છે, જે જમીનો પર હવે દરિયાનાં પાણી આવી ગયાં છે.”

ઇમેજ સ્રોત, Kenz-ul-Muneer
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે કાંઠીયાજાળમાં માત્ર ધોવાણ જ નહીં પરંતુ એક્રિશન પણ જોવા મળ્યું છે. એમએસએચ શેખ આ વિશે વાત કરતા કહે છે, “કાંઠીયાજાળના અમુક વિસ્તારોમાં નવી જમીન જોવા મળી છે, જોકે તે જમીન પર પણ હાલમાં મેંગ્રૂવ્સનું વાવેતર છે.”
પરંતુ અહીંયા આ વાવેતરને કારણે ગામના માછીમારોને એક નવી જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિશે અમે અહીંના માછીમાર આગેવાન હસમુખભાઈ રાઠોડ(52) સાથે વાત કરી.
તેઓ કહે છે, “મેંગ્રૂવ્સને કારણે, છીછરાં પાણીમાં અમે લેપટા, જિંગા વગેરે માછલીઓ પકડીને જે અમારૂં ગુજરાન ચલાવતા હતા તે વ્યવસાય પડી ભાંગ્યો છે. અમારી પાસે હવે અમારી જાળ બાંધવા જગ્યા જ નથી બચી. આ વાવેતરથી ભલે દરિયો રોકાઈ ગયો હોય પરંતુ અમારા માટે તેણે નવી સમસ્યા ઊભી કરી છે. જેણે અમારી રોજી રોટી છીનવી લીધી છે.”
કપીલાબહેન રાઠોડ પહેલાં દરિયાના છીછરાં પાણીમાં માછીમારી કરતાં હતાં પરંતુ હવે તેમણે તે કામ બંધ કરી દીધું છે. બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, “હવે અમે માછીમારોથી ખેત મજૂર બની ગયાં છીએ. તે મજૂરી પણ અમને નિયમિત નથી મળતી. સરકારી ચોપડે અમારી કોઈ ગણતરી નથી. અમારાં બાળકોનું ભરણપોષણ કરવું અમારા માટે દિવસે ને દિવસે કપરું બની રહ્યું છે.”
ગુજરાત સરકાર શું કહે છે?

ઇમેજ સ્રોત, Kenz-ul-Muneer
દરિયાનાં પાણીને રોકવા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ છે. જેમાં સૌથી મહત્ત્વની યોજના મેંગ્રૂવ્સના વાવેતરની છે. કાંઠીયાજાળ જેવા અનેક સ્થળોએ આ પ્રકારનું વાવેતર થઈ રહ્યું છે અને આગામી સમયમાં હજી વધારે વાવેતર કરવાનું સરકારનું આયોજન છે.
આ વિશે બીબીસી ગુજરાતીએ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું, “ઉદ્યોગ મંત્રાલય, કેન્દ્રના વિવિધ વિભાગો, જંગલ ખાતું, બંદરોનો વિભાગ તેમજ વન અને પર્યાવરણ ખાતું મળીને અવારનવાર આ સમસ્યા માટે યોજનાઓનો અમલ કરે છે. સૌથી મહત્ત્વનું મેંગ્રૂવ્સના વાવેતરનું કામ થઈ રહ્યું છે. આવનારા દિવસોમાં હજી લગભગ 3,500 હેક્ટર જેટલી જમીન પર વાવેતર કરવાનું આયોજન છે, જે સંદર્ભના MoU વગેરે અમે વિવિધ વિભાગો સાથે કરેલા છે.”
દરિયાની વધતી જતી સપાટીથી જે લોકો ઘરવિહોણા થાય કે કે જેમના રોજગાર પર અસર પડે છે તેમના માટે સરકારના પ્રયાસો વિશે જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ પ્રકારની કોઈ ફરિયાદ હજી સુધી તેમને મળી નથી. જો આવી કોઈ ફરિયાદ મળશે તો તેના પર યોગ્ય અમલ કરાશે.
એશિયા ખંડની કેવી છે પરિસ્થિતિ?

ઇમેજ સ્રોત, Kenz-ul-Muneer
United Nation (UN)ની સંસ્થા World Meteorological Organzation (WMO)ના આ વર્ષના એક અહેવાલ પ્રમાણે 2013 થી 2022 દરમિયાન દુનિયાભરમાં દરિયાઈ સપાટીમાં સરેરાશ 4.62 મી.મી.નો વધારો થયો છે.
જેમાં સૌથી વધુ વધારો 2022માં જોવા મળ્યો હતો. આ રીપોર્ટ પ્રમાણે હિંદ મહાસાગરમાં નોંધપાત્ર સરેરાશ વધારો જોવા મળ્યો છે. ઉત્તર-પશ્ચિમ હિંદ મહાસાગરમાં સરેરાશ 3.80 મી.મી.નો વધારો જોવા મળ્યો હતો. જ્યારે ઉત્તર-પૂર્વ હિંદ મહાસાગરમાં 4.13 મી.મી.નો વધારો જોવા મળ્યો હતો.
સમુદ્રની સપાટીમાં આ નાનકડો વધારો વાતાવરણમાં મોટા ફેરફાર કરવા સક્ષમ છે. રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 1965થી 2021 દરમિયાન ઉત્તર હિંદ મહાસાગરમાં 11 તોફાનો સર્જાયાં હતાં. જ્યારે માત્ર 2022માં જ 15 સાઇક્લોનિક ડીસ્ટર્બન્સ સર્જાયાં હતાં.















