ગાય-ભેંસ વિના ઘરે દૂધ કેવી રીતે બનાવી શકાય અને શું તે સસ્તું પડે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લુસી શેરીફ
- પદ, બીબીસી ફ્યુચર
ગાય, ભેંસ, બકરીનું દૂધ સામાન્ય રીતે લોકો પીતા હોય છે. ગધેડી અને ઘોડીનું દૂધ પણ તમે સાંભળ્યું હશે પણ હવે બદાન, નારિયેળ, સોયા અને ઓટ્સ જેવા પદાર્થોમાંથી બનેલા દૂધનું પણ ચલણ વધી રહ્યું છે.
બદામ, ઓટ્સ જેવા પદાર્થોમાંથી બના દૂધને પ્લાન્ટ બેઝ્ડ મિલ્ક કહેવાય છે, તે લોકપ્રિય બન્યું તે પહેલાંથી હું દૂધ પીતી હતી, એવું વારંવાર કહેવાનું મને ગમે છે. મને દૂધ અને દૂધની બનાવટો(ડેરી પ્રોડક્ટ્સ)ની એલર્જી છે, પરંતુ ડેરી પ્રોડક્ટ્સ સિવાયના વિકલ્પો શોધવાનું ખૂબ જ મુશ્કેલ હતું. સવારના નાસ્તા સાથે લેવા માટેનો એકમાત્ર વિકલ્પ એક ચોક્કસ બ્રાન્ડનું, ગાઢું અને સહેજ મીઠું ગ્રે સોયા મિલ્ક હતું. તેનાથી મને કોઈ સમસ્યા ન હતી, કારણ કે હું બીજું કશું જાણતી ન હતી.
જમાનો ઘણો બદલાઈ ગયો છે. હવે તો જાતજાતનાં પ્લાન્ટ મિલ્ક મળે છે. તેની લોકપ્રિયતા વધવાની સાથે નવા વિવાદો પણ સર્જાયા છે, જેમાં તેની પ્રોડક્ટ્સને ડેરી જેવાં નામ આપવા પર સમગ્ર યુરોપિયન યુનિયનમાં પ્રતિબંધનો સમાવેશ થાય છે.
તેની લોકપ્રિયતા આંશિક રીતે, વધુ ટકાઉ આહાર તથા પીણાંના વિકલ્પો પ્રત્યેની વપરાશકારોની વધતી પસંદગીને આભારી છે. "તે જળવાયુ પરિવર્તન બાબતે ચિંતિત અને પોતાના આહારમાં કાર્બન ફૂટપ્રિન્ટ્સ ઘટાડવા ઇચ્છતા લોકો માટે આકર્ષક છે," એમ હાર્વર્ડની ટી એચ ચેન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં ન્યુટ્રિશનના સહાયક પ્રોફેસર અવિવા મ્યૂઝિકસ કહે છે.
2018ના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે પ્લાન્ટ બેઝ્ડ મિલ્કની સરખામણીએ એક ગ્લાસ ડેરી (ગાય-ભેંસના દૂધ) મિલ્કના ઉત્પાદન માટે લગભગ ત્રણ ગણું વધારે ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન થાય છે અને તે નવ ગણી વધારે જમીનનો ઉપયોગ કરે છે.
પ્લાન્ટ બેઝ્ડ મિલ્ક ખૂબ લોકપ્રિય બન્યું હોવા છતાં ડેરી મિલ્કની તુલનામાં તે બહુ મોંઘું છે. ડેરી મિલ્ક વગરની કેપ્પુચિનો માટે કોફી શોપ્સ વધારાના પૈસા વસૂલ કરે છે.
બદામ વગેરેમાંથી બનતું આ પ્રકારનું દૂધ ઘણું મોંઘું પડે છે. તમે પણ માર્કેટમાં જોયું હશે કે આ પ્રકારનાં દૂધનો ભાવ સામાન્ય ગાય-ભેંસના દૂધથી ઘણો વધારે હોય છે.
અમેરિકાની સુપરમાર્કેટ્સમાં પ્લાન્ટ બેઝ્ડ મિલ્કની કિંમત ગાયના દૂધના 4.2 ડૉલર (330 રૂપિયાથી વધુ) પ્રતિ ગેલનની સરખામણીએ 7.27 ડૉલર (600 રૂપિયાથી વધુ) પ્રતિ ગેલન છે. (ડેરી મિલ્કનો વપરાશ લાંબા સમયથી થતો હોવાથી ડેરી ફાર્મ્સ પાસે અત્યંત કાર્યક્ષમ સપ્લાય ચેઈન છે અને તે સસ્તું હોવાનું એક કારણ આ છે.)
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Lucy Sherriff
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્લાન્ટ બેઝ્ડ મિલ્ક ગાયના શરીરમાંથી ન આવતું હોવાને લીધે તેની પર્યાવરણ પર ઓછી માઠી અસર થાય છે એવું નથી. પ્લાન્ટ બેઝ્ટ ડાયેટ્સ વિશે સંશોધન કરી ચૂકેલા મ્યુઝિકસ કહે છે, "બધા પ્લાન્ટ બેઝ્ડ આહાર આરોગ્ય તથા પર્યાવરણ સંબંધી સમાન લાભ પ્રદાન કરતા નથી."
અમેરિકામાં બદામમાંથી બનતું દૂધ (આલ્મંડ મિલ્ક) મનપસંદ ડેરી-ફ્રી વિકલ્પ છે અને તેનો રેકૉર્ડ વધારે ખરાબ છે. વિશ્વની કુલ પૈકીની 80 ટકા બદામનું ઉત્પાદન કેલિફોર્નિયામાં થાય છે અને એક બદામ ઉગાડવા માટે 4.6 લિટર પાણીનો વપરાશ થાય છે. જે રીતે પરંપરાગત બદામની ખેતી કરવામાં આવે છે તે પણ મધમાખીઓ માટે હાનિકારક છે. ચોખા અને નારિયળમાંથી બનતું દૂધ (રાઇસ અને કોકોનટ મિલ્ક)ની બાબતમાં પણ ઘણી સમસ્યાઓ છે. ચોખા ઉગાડવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવો પડે છે, જ્યારે નારિયળની સપ્લાય ચેઈનમાં નૈતિક સમસ્યાઓ હોઈ શકે છે.
તેથી ઓટ્સ, હેમ્પ (શણનાં બી) અને સોય પર મોટો મદાર છે. આ બધા પર્યાવરણ માટે વધારે મૈત્રીપૂર્ણ વિકલ્પો છે.
આપણા આહાર સંબંધી વિકલ્પોની પસંદગી પર આંશિક રીતે કિંમતનો પ્રભાવ પડતો હોય છે અને પ્રોસેસિંગ અને પેકેજિંગને લીધે પ્લાન્ટ બેઝ્ડ મિલ્કનો ભાવ વધારે હોય તો તેને ઘરઆંગણે બનાવીને મોંઘા ભાવની સમસ્યાનું નિરાકરણ ન કરી શકાય? મેં આ પડકાર સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો અને એ જાણીને મને આશ્ચર્ય થયું હતું કે ઘરે આવી રીતે દૂધ બનાવવાનું સ્ટોરમાંથી દૂધ ખરીદવા કરતાં વધારે મોંઘું પડે છે. એ કામ કરવામાં મને ખરેખર મજા આવી હતી અને તે અત્યંત આસાન હતું. મારો આહાર ક્યાંથી આવે છે અને તેમાં શું-શું થાય છે તેના પર નિયંત્રણ રાખવામાં મને આનંદ આવે છે.
વાઈલ્ડ કાર્ડઃ હેમ્પ મિલ્ક (શણનાં બીમાંથી બનતું દૂધ)

ઇમેજ સ્રોત, Lucy Sherriff
મેં હિપ્પી સમુદાયમાં અત્યંત લોકપ્રિય હેમ્પ (શણ કે ભીંડીની જાતનો છોડ) સાથે પ્રયોગ કરવાનું નક્કી કર્યું હતું. તેને મેળવવા માટે મારે થોડા વધારે પ્રયાસ કરવા પડ્યા હતા. સ્થાનિક સુપરમાર્કેટને બદલે મોટા સુપરમાર્કેટમાં જવું પડ્યું હતું. ઉપયોગિતાની વાત કરીએ તો હેમ્પ મદદગાર નથી. મને હેમ્પ મિલ્ક કાયમ એક વિચિત્ર આફટર ટેસ્ટ ધરાવતું પાણી જેવું પીણું લાગ્યું છે. તેથી તેને ઘરે બનાવીને વધુ સારો સ્વાદ મેળવવા હું ઉત્સુક હતી.
ખરેખર એવું બનતું ન હતું. બીજી વખત હું તેના સ્વાદમાં સંતુલન માટે વેનીલાનો અર્ક અને બે ખજૂર ઉમેરવાનો પ્રયાસ કરીશ, પરંતુ તે બનાવવું ખૂબ જ સરળ હતું. અન્ય નટ્સથી વિપરીત તેને ગાળવાની જરૂર ન હતી. મેં બ્લેન્ડરમાં બીજ, પાણી તથા મીઠું ઉમેર્યું અને તેને એક મિનિટ માટે ક્રશ કર્યું હતું.
કિંમતની વાત કરીએ તો 950 મિલિલીટર હેમ્પ મિલ્ક માટે મારે લગભગ 6 ડૉલર (450 રૂપિયાથી વધુ)ખર્ચવા પડ્યા હતા. આટલું હેમ્પ મિલ્ક બનાવવા માટે 113 ગ્રામ હેમ્પ બીજની જરૂર પડે. તેની કિંમત 4.50 ડૉલર (370 રૂપિયાથી વધુ)છે. તેથી આ કિસ્સામાં તમે મોટા પ્રમાણમાં બીજ ખરીદો તો સામાન્ય રીતે તમને સસ્તું પડે છે.
સૌથી સ્વાદિષ્ટ બદામનો ઉપયોગ

ઇમેજ સ્રોત, Getty Images
મેં બહારથી કોઈ બદામ ખરીદી ન હતી, કારણ કે મારા કબાટમાં છે તેનો ઉપયોગ કરવાનું જ સાર્થક છે એવું હું માનું છું. બદામના 280 ગ્રામના પેકેટની કિંમત લગભગ 12 ડૉલર (990 રૂપિયાથી વધુ) હોય છે. એ બદામ શેકેલી હતી. મારે બદામને ઓછામાં ઓછા છ કલાક પાણીમાં પલાળી રાખવાની હતી. તેથી તેને ફ્રીજમાં રાખી હતી.
બીજા દિવસે મેં પલાળેલી બદામ અને પાણીને થોડીવાર મિનિટો માટે બ્લેન્ડ કરી હતી. એ પછી મેં તે મિશ્રણને નિચોવી નાખ્યું હતું. આ રેસિપી માટે નટ બેગની જરૂર હતી. તે મારી પાસે ન હતી. તેથી મેં રસોડામાંના ટોવેલનો ઉપયોગ કર્યો હતો. મેં કિચન પેપર વડે મિક્સ્ચરને નિચોવ્યું હતું. એ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.
બદામમાંથી માત્ર 700 મિલિલીટર દૂધ બન્યું હતું. સૌથી સસ્તા 950 મિલિલીટર આલ્મંડ મિલ્કની કિંમત આશરે ચાર ડૉલર (330 રૂપિયાથી વધુ) હોય છે. થોડા ફેન્સી 829 મિલિલીટર આલ્મંડ મિલ્ક માટે સાત ડૉલર (580 રૂપિયાથી વધુ) ચૂકવવા પડે. તેથી જાતે આલ્મંડ મિલ્ક બનાવવું સસ્તું નથી. તે સ્ટોરમાંથી ખરીદેલા દૂધ કરતાં ઘણું સ્વાદિષ્ટ છે. તે વધારે સમૃદ્ધ હતું અને તેમાં મોટાભાગના આલ્મંડ મિલ્કમાં હોય છે તેવો વિચિત્ર આફટર ટેસ્ટ ન હતો.
ઓટનું ભરોસાપાત્ર અને વિશ્વસનીય દૂધ
આ દૂધની હું સૌથી વધુ રાહ જોઈ રહી હતી, કારણ કે મારા ઘરમાં તે મોટા પ્રમાણમાં આવે છે. ઓટ મિલ્કમાં, તેની વાનગીઓમાં દૂધને ક્રીમી ટેક્સચર આપવા માટે ઝેન્થન ગમ અથવા ઓઈલનો ઉપયોગ કરવામાં આવે છે તે મને ગમતું નથી. નાસ્તામાં ખવાતા કૉર્નફ્લેક્સ કે મુસલીમાં તેલ રેડવાનો વિચાર જ મને અજીબ લાગે છે.
મેં આ બાબતે ઘણું રિસર્ચ કર્યું હતું, કારણ કે મેં ગ્લુપી સ્લાઈમની ભયાનક કથાઓ સાંભળી હતી. ઓટ્સ સંવેદનશીલ હોય છે. ક્વીક કૂક કે સ્ટીલ કટ ટાઈપના નહીં, પરંતુ રોલ્ડ ઓટ્સનો જ ઉપયોગ કરવો જોઈએ. પર્ફેક્ટ ટેક્સચર મેળવવા માટે બરફના ઠંડા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. ગરમી ઓટ્સને સ્ટાર્ચયુક્ત અને ચીકણા બનાવે છે. ઓટ્સને પલાળી રાખવાની જરૂર પડતી નથી અને બદામની માફક તેને ધોવા પણ પડતા નથી. આ કારણે ઓટ્સ પાતળા અને દાણાદાર બને છે. તેને વધારે પડતા બ્લેન્ડ ન કરવા જોઈએ. માત્ર 30 સેકન્ડ પૂરતી છે મેં નટ બેગને બદલે ચાળણીનો ઉપયોગ કર્યો હતો અને કામ બરાબર થયું હતું.
હું જે ઓર્ગેનિક ઓટ્સ ખરીદું છું તેનો 450 ગ્રામનો ભાવ 11 ડૉલર (911 રૂપિયા) છે. આ રેસિપી માટે 113 ગ્રામ ઓટ્સની જરૂર પડે છે. તેમાંથી લગભગ 710 મિલિલીટર દૂધ બને છે. (ગાળવાની પ્રક્રિયા દરમિયાન થોડું ગુમાવવું પડે છે) હું જે ઓટ મિલ્ક ખરીદું છું તેનો 1.8 લીટરનો ભાવ 6 ડૉલર (490 રૂપિયાથી વધુ) છે. તેથી આટલા જ પ્રમાણમાં ઓટ મિલ્ક જાતે બનાવવા માટે 8.25 ડૉલર્સ ખર્ચવા પડે છે.
તેને જાતે બનાવવાનું સસ્તું ન હતું, પરંતુ ઓર્ગેનિક ઓટ્સનો ઉપયોગ કરવાની અને દૂધમાંની સામગ્રીને નિયંત્રિત કરવામાં મને આનંદ થયો હતો. તેનું પરિણામ મને એટલું ગમ્યું હતું કે મેં બીજી વખત પણ તે બનાવ્યું હતું. બીજી વખતે તેમાં ખજૂર અને થોડું મીઠું ઉમેર્યું હતું. તેમાંથી ખજૂર અને મીઠાના સ્વાદનું મારુ મનપસંદ મિશ્રણ બન્યું હતું. મારી મહત્ત્વાકાંક્ષા ચોકલેટ અથવા વેનીલા ઓટ મિલ્કથી કશુંક અલગ બનાવવાની છે.

ઇમેજ સ્રોત, Getty Images
હું કબૂલ કરું છું કે તે એક મનોરંજક પ્રયોગ હતો. તેમાં ચપટીક મીઠું અને થોડા ખજૂર ઉમેરવાથી મને આનંદ થયો હતો. મને રસોઈ બનાવવી ગમે છે અને તે એક પ્રયોગ હોવાથી કંટાળો આવ્યો ન હતો. હું જરૂરી સામગ્રીની ખરીદી જથ્થાબંધ કરું તો પેકેજિંગમાં બચત થાય એ જાણીને પણ મને આનંદ થયો હતો અને હું અન્ય ‘દૂધ’ના પ્રયોગો કરવા ચોક્કસપણે તૈયાર છું. આગલી વખતે હું વટાણા સાથે પ્રયોગ કરીશ. મેં સાંભળ્યું છે કે પી મિલ્કનો સ્વાદ ઘાસના સ્વાદ જેવો હોય છે.
આગલી રાતે દૂધ બનાવવાનું ભૂલી જાઉં તો બીજી સવારે બધું કાળજીપૂર્વક માપીને મિશ્રણ કરવાની કલ્પના સુદ્ધાં હું કરી શકતી નથી.
આ વાત સાથે સહમત થતાં ન્યૂયૉર્ક યુનિવર્સિટીના ફૂડ સિસ્ટમના અર્થશાસ્ત્રી કૅરોલીન દિમિત્રી કહે છે, "મને લાગે છે કે પ્લાન્ટ બેઝ્ડ મિલ્ક ઘરે બનાવવું આસાન છે. ઘરે દૂધ બનાવવા માટે તમારી પાસે પૂરતો ટાઇમ હોવો જોઈએ. એ માટે જરૂરી સામગ્રીના ખર્ચ ઉપરાંત સમયની કિંમતને પણ ધ્યાનમાં લેવી પડે. સામાન્ય રીતે લોકો સગવડને મહત્વ આપતા હોય છે. તેથી લોકો નિયમિત રીતે પ્લાન્ટ બેઝ્ડ મિલ્ક બનાવવા માટે તૈયાર હશે કે કેમ એ હું જાણતી નથી."
દિમિત્રીના કહેવા મુજબ, ઘરે પ્લાન્ટ બેઝ્ડ મિલ્ક બનાવવાનું સૌથી આકર્ષક કારણ એ છે કે તેમાં દૂધને ગાઢું બનાવવા એડિટિવ્ઝ હોતા નથી.
ઘરે જાતે દૂધ બનાવવું તે સમયની દૃષ્ટિએ કાર્યક્ષમ છે કે પછી તૈયાર ઓટ મિલ્કનું કાર્ટન લાવવું યોગ્ય છે તેનો વિચાર મને કાયમ આવે છે, પરંતુ રવિવારે સવારના નાસ્તા માટે તે પર્ફેક્ટ ચોઈસ છે.












