ચામડી કેવી રીતે દાન કરી શકાય? સ્કિન બૅન્ક શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સુશીલા સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
11 ડિસેમ્બર 2023. સાંજનો સમય હતો.
ભોપાલના કરોંદમાં ઘરની છત પર સાત વર્ષનો ચિત્રાંશ રમી રહ્યો હતો અને છત પરથી એક હાઈટેન્શન વાયર પસાર થઈ રહ્યો હતો.
ચિત્રાંશનાં માતા મનીષા દાંગી બાજુમાં કપડાં સૂકવી રહ્યાં હતાં. અચાનક જ જોરથી વિસ્ફોટ થયો. તેમણે પાછું વળી જોયું તો આઘાત પામી ગયાં.
તેમણે ચીસ પાડી અને ચિત્રાંશને પકડી લીધો. પાડોશીની મદદથી તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયાં.

ચિત્રાંશના પિતા ગજેન્દ્ર દાંગી કહે છે, "અમે આ ઘરમાં એક દિવસ અગાઉ જ શિફ્ટ થયાં હતાં. મારો દીકરો છત પર લોખંડનો સળીયો ઉછાળીને રમતો હતો. તે જઈને હાઈટેન્શન વાયરને અડ્યો, એમાંથી જે તિખારો નીકળ્યો તેનાથી તે બળી ગયો."
આગળ તેમણે જણાવ્યું, ''હું અને મારાં પત્ની કંઈ બોલી શક્યાં નહીં કારણ કે પુત્રને આવી સ્થિતિ અને તકલીફમાં જોવું અમારા માટે મુશ્કેલ હતું.''
આ બાળકનો ઇલાજ કરી રહેલા કૉસ્મેટિક ઍન્ડ પ્લાસ્ટિક સર્જન ડૉ. સુનીલ રાઠોડ બંસલ કહે છે, "જ્યારે આ બાળક આવ્યું ત્યારે તેનું શરીર 60 ટકા બળી ગયું હતું. માત્ર પીઠ અને પગનો ભાગ બચી ગયો હતો. તે કેટલાય દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યો હતો."
ચામડીનું દાન કરવામાં ખચકાટ

ઇમેજ સ્રોત, SNEHA JAWALE
તેઓ જણાવે છે, "અમે તેના જખમો પર પહેલાં તો તેની જ ચામડીથી ગ્રાફ્ટિંગ કર્યું પણ ચામડી ઓછી હતી. આ પછી અમે કાઉન્સેલિંગ કર્યું અને તેના પગ પરથી ચામડી લીધી. અમે બાળકના એક હાથની ચામડી બચાવી જેથી તેને આગળ લગાવી શકાય. હજુ પણ બાળકનું ડ્રેસિંગ ચાલી રહ્યું છે અને પ્રયાસ એ છે કે હાથની ચામડી ચોટી ના જાય. પણ આગળ પણ બાળકને સર્જરી કરાવવાની જરૂર હશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. સુનીલ રાઠોડ બંસલ કહે છે સામાન્ય રીતે જોવાયું છે કે જ્યારે બાળકો સાથે આવી ઘટનાઓ બને છે તો વાલી ખાસ કરીને પિતા સ્કિન ડોનેટ કરવા માટે તૈયાર થઈ જાય છે પરંતુ જો વ્યસ્ક વ્યક્તિ હોય તો લોકો ચામડીનું દાન કરતા ખચકાય છે.
ઘરેલુ હિંસાનો શિકાર થયેલાં અને બર્ન સર્વાઇવર સ્નેહા જાવલે કહે છે, "જે લોકો કોઈ ઘટનાને કારણે બળી જાય છે તો તેઓ આમ પણ આઘાત અને પીડામાં હોય છે. એવામાં તેમના જ શરીરમાંથી ચામડી લેવી તેમના માટે વધારે પીડાદાયક બની શકે છે. આ સમયે સંબંધીઓ અને લોકોએ આગળ આવી ચામડીનું દાન કરવું જોઈએ."
તેઓ કહે છે કે તેમના શરીરનો 40 ટકા ભાગ બળી ગયો હતો અને તેમને ચામડી આપવા કોઈ આગળ ના આવ્યું. તેમનાં જ શરીરમાંથી ચામડી લઈ શકાય એમ હતું એટલે તેમનાં જ શરીરની ચામડી લઈને લગાવાવમાં આવી. પણ જો કોઈએ એ સમયે ચામડીનું દાન કર્યું હોય તો તેમને આ વધારાની પીડાનો સામનો કરવો પડ્યો તે ના કરવો પડતો અને તે જલ્દી જ સાજા થઈ જતાં.

દર્દીના જીવન માટે ચામડીના દાનનું મહત્ત્વ સમજાવતાં નેશનલ બર્ન્સ સેન્ટરમાં મેડિકલ ડિરેક્ટર, પ્લાસ્ટિક ઍન્ડ કૉસ્મેટિક સર્જન ડૉ. સુનીલ કેશવાની જણાવે છે કે ચામડી કે ત્વચા એ શરીરનું સૌથી મોટું અંગ છે. તે એક વ્યક્તિને બહારથી આવતા સંક્રમણ, ગરમી, ટાઢ અને શરીરમાં રહેલા પ્રવાહીને બહાર નીકળતું રોકે છે. આમ ચામડી એક સુરક્ષાનું કામ કરે છે.
મુંબઈમાં રેહતા ડૉક્ટર કેસવાનીએ બીબીસીને કહ્યું, "જ્યારે કોઈ મહિલા કે પુરુષની ચામડી બળી જાય છે તો તેને આ સુરક્ષા મળવાની બંધ થઈ જાય છે. આનાથી શરીરમાં બૅક્ટેરિયા પ્રવેશી જાય છે અને તે સંક્રમણનો શિકાર બની જાય છે. એના કારણે વ્યક્તિનો જીવ જતો રહે છે. આ માટે ચામડીનું દાન કરવું જોઈએ. જેનાથી લોકોનો જીવ બચાવી શકાય."
ભારતમાં લોકોના બળી જવાની દુર્ઘટના
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યૂએચઓ) મુજબ દર વર્ષે ભારતમાં 10 લાખ લોકો સામાન્ય કે ગંભીર રીતે બળી જવાની ઘટનાનો શિકાર થાય છે.
સફદરજંગ હૉસ્પિટલમાં (બર્ન ઍન્ડ પ્લાસ્ટિક) વિભાગમાં એચઓડી ડૉ. શુલભકુમાર કહે છે આંકડાઓ પર જઈએ તો કેટલા મામલામાં રજિસ્ટર જ નહીં થતા કારણ કે દર્દી નાના દવાખામાં જતા રહે છે. આવામાં જે લોકો બળી જાય છે તેમના સાચા આંકડા પૂરી રીતે સામે નથી આવી શકતા.
તેઓ કહે છે કે તેમની હૉસ્પિટલમાં એક વર્ષમાં આશરે 7,000થી વધારે બર્ન દર્દીઓ આવે છે. જેમાં રસોડામાં અકસ્માતને કારણે બળી જવાના સૌથી વધારે મામલાઓ હોય છે.
આ ઉપરાંત કારખાનું કે અન્ય જગ્યા પર થનારા અકસ્માતો અને ઍસિડ સર્વાઇવર પણ છે.
ડૉક્ટર જણાવે છે કોઈ જીવિત વ્યક્તિ ચામડીનું દાન ના કરી શકે અને જો આવું થાય તો તે ગેરકાયદેસર છે.
ભારતમાં ચામડીની બૅન્ક

ઇમેજ સ્રોત, Getty Images
આને વધારે સ્પષ્ટતાથી સમજાવતા ડૉ.સુનીલ કેસવાની જણાવે છે, "ભારતમાં ચામડીની બૅન્ક ઘણી ઓછી છે. જે વિસ્તારોમાં તે નથી ત્યાં જીવિત વ્યક્તિ પોતાની ચામડીનું દાન કરી શકે છે."
આવામાં ભોપાલમાં ગજેન્દ્રનું પોતાના દીકરાને ચામડી આપવું ગેરકાયદેસર નથી કારણ કે ત્યાં ચામડીની બૅન્ક નથી.
ડૉ. સુનીલ કેસવાની કહે છે કે ગયા મહિના સુધીના આંકડાઓ પર નજર કરીએ તો ભારતમાં અત્યાર સુધી 27 જેટલી ચામડીના બૅન્ક શરૂ થઈ છે.
ભારતમાં તે મહારાષ્ટ્ર અને દક્ષિણનાં રાજ્યોમાં છે. ત્યાં જ દિલ્હીના સફદરજંગ હૉસ્પિટલમાં ઉત્તર ભારતની પહેલી ચામડીની બૅન્ક ખૂલી હતી અને હવે કેટલાંય રાજ્યોમાં આવી ચામડીના બૅન્ક ખૂલી રહી છે.
ચામડીનું દાન કોણ કરી શકે?

- કોઈ મૃત વ્યક્તિની ચામડીનું દાન કરી શકાય છે.
- મૃત વ્યક્તિની ચામડી મૃત્યુના છ થી આઠ કલાકના સમયગાળામાં લઈ શકાય છે.
- વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ.
- તેને કોઈ પણ પ્રકારનો ચામડીનો રોગ ના હોવો જોઈએ.
- વ્યક્તિને ચામડીનું કૅન્સર ના હોવું જોઈએ.
- 100 વર્ષની વ્યક્તિ પણ ચામડીનું દાન કરી શકે છે
- વ્યક્તિ એચઆઈવી, હિપેટાઇટિસ બી વગેરેથી પીડિત ના હોય
ચામડીને બૅન્કમાં કેવી રીતે સાચવી રખાય છે?

ડૉ. સુનીલ કેસવાની અને ડૉ. શલભકુમાર કહે છે કે ચામડીની બૅન્કમાં એક કેમિકલનો ઉપયોગ થાય છે. જેને ગ્લિસરોલ કહે છે.
આ કેમિકલમાં ચાર થી છ ડિગ્રી સેલ્સિયસમાં ચામડીને 45 દિવસ સુધી પ્રોસેસ કરાય છે.
તેઓ જણાવે છે કે પાંચ વર્ષ સુધી આ પછી ચામડીને સંરક્ષિત રાખી શકાય છે પણ આટલા સમય સુધી તેને રાખી જ નથી શકતા કારણ કે માગ વધારે છે.
ચામડીનું ટ્રાન્સપ્લાન્ટ છે સરળ
ડૉક્ટરોના જણાવ્યા મુજબ લીવર કે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે રિસીવર (મેળવનાર) અને ડોનરના ટિશ્યૂ મૅચ કરવામાં આવે છે ત્યાં ચામડીના ટ્રાન્સપ્લાન્ટ માટે તે જરૂરી નથી હોતું.
ડૉ. સુનીલ રાઠોડ બંસલ કહે છે કે તેને પણ પ્લાસ્ટિક સર્જરી કહેવાય છે પરંતુ તેને સુંદરતા માટે નથી કરવામાં આવતું પણ તેનો જીવન બચાવવા માટે થાય છે.
તેઓ જણાવે છે કે ચામડીમાં બે પડ હોય છે. ઍપિડરમિસ અને ડરમિસ. તેના જ ઉપરના ભાગને સ્કિન ટ્રાન્સપ્લાન્ટ માટે કાઢવામાં આવે છે.
તેમના મુજબ ચામડીનું દાન કરનારને
- ચાલવામાં તકલીફ પડે છે.
- જખમ પર રૂઝ આવવામાં ત્રણ અઠવાડિયાં લાગે છે
- બે અઠવાડિયાંમાં પીડા જતી રહે છે
- આ પછી તે રોજિંદું કામ કરી શકે છે
લોકોને જાગૃત કરવાની જરૂર

ડૉક્ટરોનું કહેવું છે કે સ્કિન ટ્રાન્સપ્લાન્ટથી કોઈ અંગ કે માંસપેશી પર અસર થતી નથી અને આનાથી કોઈ પણ પ્રકારની શારીરિક નબળાઈ નથી આવતી.
જાણકારોનું કહેવું છે કે ચામડીના દાન બાબતે જાગૃતિનો અભાવ છે. એવામાં સરકારે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિમાં પણ પરિવર્તન લાવવું જોઈએ.
ડૉક્ટર સુનીલ કેસવાનીનું કહેવું છે કે જ્યારે કોઈ વ્યક્તિ આવી ઘટનાનો શિકાર થાય છે તો તેમાં લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. આવામાં તેમણે ફંડ વધારવું જોઈએ.
દિલ્હી સ્થિત ઑર્ગન ઇન્ડિયાના ડૉ. સૌરભ શર્મા કહે છે કે તેમની પાસે કિડની, આંખો કે દેહદાન બાબતે વધારે ફોન આવે છે પણ ચામડીનું દાન કરવા માટે ફોન નથી આવતા કારણ કે જાગૃતિનો અભાવ છે. જોકે તેઓ આ વિશે માહિતી આપી જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે.
જાણકારો કહે છે કે એક મૃત શરીરથી આઠ લોકોનો જીવ બચાવી શકાય છે.
આવામાં શાળા, કૉલેજ, સંસ્થાઓમાં જઈને અને સ્વયંસેવક સંસ્થાઓની મદદથી લોકોને જાગૃત કરવાની જરૂર છે, જેથી લોકોનું જીવન બચાવી શકાય.














