ડ્રાય આઇસ શું છે જેને મુખવાસ તરીકે ખાઈ લેવાથી ગુરુગ્રામમાં લોકોને લોહી નીકળવા લાગ્યું

ડ્રાય આઇસ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સુશીલા સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

રાજધાની દિલ્હી પાસે આવેલા ગુરુગ્રામમાં પાંચ લોકો માઉથ ફ્રેશનર ખાધા પછી બીમાર પડી ગયા.

આ મામલે નોંધાયેલી એફઆઈઆરમાં કહેવાયું છે કે બીજી માર્ચે છ લોકો સાંજે ગુરુગ્રામ નજીક રેસ્ટોરાંમાં જમવા ગયા હતા.

ભોજન લીધા પછી રેસ્ટોરાંનાં વેઇટરે તેમને માઉથ ફ્રેશનર આપ્યું હતું, જેને માત્ર પાંચ લોકોએ ખાધું હતું.

માઉથ ફ્રેશનર ખાધા પછી પાંચ લોકોને મોઢામાં બળતરાં થવા લાગી અને લોહી પણ નીકળવા લાગ્યું.

એફઆઈઆરમાં લખાયું છે કે છઠ્ઠી વ્યક્તિએ માઉથ ફ્રેશનર નહોતું ખાધું કારણ કે તેમના ખોળામાં બાળક હતું અને આ વ્યક્તિએ આગ્રહપૂર્વક વેઇટરને પૂછ્યું હતું કે શું ખવડાવવામાં આવી રહ્યું છે તો તેણે એક પૉલિથિન બતાવી હતી.

આ લોકોએ એ પોલિથિનના પૅકેટને પોતાની પાસે રાખી લીધું અને 100 નંબર પર ફોન કરી પોલીસ પાસે મદદ માગી હતી.

ડ્રાય આઇસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડ્રાય આઇસ

માઉથ ફ્રેશનર ખાઈ પાંચ લોકોની તબિયત લથડતા જોઈ તેમને ગુરુગ્રામ સ્થિત ખાનગી આરવે હૉસ્પિટલમાં દાખલ કરાયા અને ડૉક્ટરને પૉલિથિન બતાવાઈ જેમાં માઉથ ફ્રેશનર અપાયું હતું.

એફઆઈઆર મુજબ હૉસ્પિટલમાં ડૉક્ટરે પૉલિથિનમાં રહેલી ચીજવસ્તુને ડ્રાય આઇસ કહ્યું હતું અને આ લોકોએ તે પૉલિથિન હૉસ્પિટલને આપી દીધી હતી.

આ મામલામાં એક પીડિત, અંકિત સાથે બીબીસીએ વાત કરવાનો પ્રયાસ કર્યો પણ તેમણે કહી વાત કરવાનો ઇનકાર કરી દીધો કારણ કે તેમની તબિયત સારી નહોતી અને મીડિયામાં બધી જાણકારી હોવાની વાત કહી.

આ મામલે પૂછપરછ ચાલુ છે, માલિક અને સ્ટાફ સામે કેસ નોંધાયો છે તથા મૅનેજરની ધરપકડ કરી લેવાઈ છે.

વકીલ સોનાલી કડવાસરા
ઇમેજ કૅપ્શન, વકીલ સોનાલી કડવાસરા

આ મામલ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 328, 120-બી લગાવી છે.

વકીલ સૌનાલી કડવાસરા આ કલમો વિશે જાણકારી આપતાં કહે છે, “આઈપીસીની કલમ 328, ગુનો આચરવાના ઇરાદાથી ઝેર વગેરેથી નુકસાન પહોંચાડવા સાથે સંકળાયેલી છે. તો કલમ 120બી ગુનાની ગુનાહિત ષડ્યંત્ર સાથે સંકળાયેલી છે.”

તેઓ કહે છે, ''ગુરુગ્રામના આ મામલામાં બેદરકારી નજરે પડે છે, પરંતુ 'ઇરાદો' સ્થાપિત કરવાની બાબત મુશ્કેલ હોઈ શકે છે. પોલીસે આ મામલે સંબંધિત વ્યક્તિઓની તપાસ કરવી પડશે.''

ડ્રાય આઇસ શું છે?

ડ્રાય આઇસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડ્રાય આઇસ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દિલ્હી સ્થિત સીકે બિરલા હૉસ્પિટલમાં ઇન્ટરનલ મેડિસિનમાં નિર્દેશક ડૉક્ટર રાજીવ ગુપ્તા જણાવે છે કે ડ્રાય આઇસ કે જેને સૂકો બરફ પણ કહે છે તે કાર્બન ડાયોક્સાઇડનું ઘન રૂપ હોય છે. તેને -78 જેટલાં ઓછાં તાપમાન પર રખાય છે.

તેનો ઉપયોગ વસ્તુઓને ફ્રીઝ કે ઠંડી કરવા માટે કરાય છે અને તે સામાન્ય બરફની જેમ ભીનો નથી હોતો.

ડૉક્ટર રાજીવ ગુપ્તા કહે છે, ''સામાન્ય રીતે ડ્રાય આઇસ સુરક્ષિત હોય છે પરંતુ તેનું તાપમાન ઓછું હોવાના કારણે જો તે ચામડીનાં સંપર્કમાં આવે તો ફ્રોસ્ટબાઇટ (હિમડંખ) કે કોલ્ડ બર્ન (ઠંડીને કારણે ચામડી બળી જવી) જેવી સમસ્યા થઈ શકે છે.

એનેસ્થીસિયોલૉજિસ્ટ ડૉક્ટર સચિન મિત્તલ કહે છે, "ડ્રાય આઇસ, સામાન્ય બરફની જેમ સફેદ દેખાય છે પરંતુ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતો બરફ પાણીને એક તાપમાન સુધી ઠંડુ કરીને બનાવાય છે, પરંતુ ડ્રાય આઇસ કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ છે અને હવા સાથે તેના રિએક્શનને કારણે તેમાંથી ધુમાડો નીકળતો રહે છે.

મૅક્સ હૉસ્પિટલમાં ઇન્ટરનલ મેડિસિનમાં મેડિકલ ઍડવાઇઝર ડૉક્ટર આશુતોષ શુક્લા કહે છે, ''જ્યારે સામાન્ય બરફ ઓગળે અને પાણી બની જાય છે તો તે પાણીને ઉકાળવાથી વરાળ નીકળે છે. પરંતુ ડ્રાય આઇસ જ્યારે ઓગળે છે તો પાણી બનવાના બદલે સીધો ગૅસ જ બને છે. જો કોઈ બંધ જગ્યા પર તે વધારે પ્રમાણમાં રહી જાય તો તે નુકસાનકારક હોઈ શકે છે.''

રેસ્ટોરાંમાં ડ્રાય આઇસ લીધા પછી શું થયું?

ડ્રાય આઇસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડ્રાય આઇસ

ડૉક્ટર આશુતોષ શુક્લાનું કહેવું છે કે જ્યારે આ પાંચ લોકોએ ડ્રાય આઇસના ટુકડા ખાધા તો ઠંડીને કારણે તેમનાં મોઢામાં ચાંદાં પડી ગયાં અને તેમાંથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયું.

ડૉક્ટર જણાવે છે કે ડ્રાય આઇસને હાથમાં મોજાં પહેર્યાં વગર અડવું પણ ના જોઈએ કારણ કે તેનાથી ચામડી બળી શકે છે.

ડૉક્ટર સચિન મિત્તલ સમજાવતા કહે છે, ''ડ્રાય આઇસ ખૂબ ઠંડો હોય છે એવામાં પેટમાં જતાં જ તે છિદ્ર બનાવી દે છે. જે ઘણું જીવલેણ હોઈ શકે છે. તો એનો ગૅસ જો ફેફસાંમાં જાય તો આનાથી વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે.''

ડૉક્ટર સચિન મિત્તલ કહે છે કે ડ્રાય આઇસનું કેટલું પ્રમાણ નુકસાનકારક હોઈ શકે છે એ કહેવું મુશ્કેલ છે પરંતુ ઉદાહરણરૂપે સમજીએ તો જો બાળક 30 ગ્રામનો ટુકડો ખાય છે તો તે નુકસાનકારક હોઈ શકે છે કારણ કે જ્યાં તે જાય છે ત્યાં ચામડીને ચીરી નાખે છે.

ડ્રાય આઇસનો ઉપયોગ કેમ થાય છે?

ડૉક્ટર સચિન મિત્તલ
ઇમેજ કૅપ્શન, ડૉક્ટર સચિન મિત્તલ

ડૉક્ટર સચિન મિત્તલ જણાવે છે કે આજકાલ ડ્રાય આઇસનું ચલણ વધી ગયું છે.

રેસ્ટોરાંમાં જ્યાં ખાવાની વસ્તુઓને આકર્ષક બતાવવા માટે ધુમાડો બતાવવા તેનો ઉપયોગ કરાય છે. તો લગ્ન સમારંભોમાં વર-વધૂના આગમન સમયે ફૉગ વાળી એક ઇફેક્ટ બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરાય છે.

પરંતુ જો બંધ રૂમમાં ડ્રાય આઇસના ધુમાડાનો ઉપયોગ થાય છે તો આનાથી શરીરમાં ઑક્સિજનની ઉણપ થઈ શકે છે. કાર્બન ડાયોક્સાઇડનું સ્તર વધી શકે છે અને બેભાન અવસ્થા આવી શકે છે.

ડ્રાય આઇસનો ઉપયોગ લાંબા સમય સુધી વસ્તુઓને સુરક્ષિત રાખવા માટે થાય છે.

ડૉક્ટરોનું કહેવું છે કે ડ્રાય આઇસનો ઉપયોગ ઔદ્યોગિક જરૂરિયાતો માટે થતો હતો કારણ કે એ શ્રેષ્ઠ કૂલિંગ એજન્ટ છે.

તેનો ઉપયોગ ખાદ્ય પદાર્થોને સુરક્ષિત કરવા માટે પણ થવા લાગ્યો કારણ કે તેનાથી તાપમાન -30 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી નીચે લઈ જઈ શકાય છે.

લિક્વિડ નાઇટ્રોજન અને ડ્રાય આઇસ

લિક્વિડ નાઇટ્રોજનનો ઉપયોગ પણ થાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લિક્વિડ નાઇટ્રોજનનો ઉપયોગ પણ થાય છે

2017માં એ સમાચાર આવ્યા હતા કે દિલ્હીમાં એક વ્યક્તિએ બારમાં ભૂલથી આવું ડ્રિન્ક પી લીધું જેમાં લિક્વિડ નાઇટ્રોજન હતું.

હકીકતમાં એ વ્યક્તિએ એ ડ્રિન્કમાંથી ધુમાડાઓ નીકળતા બંધ થાય પછી તેને પીવાનું હતું પરંતુ તેઓ એને એમ જ પી ગયા. આના કારણે તેમને દુખાવો, પેટમાં સોજો અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી.

આ વ્યક્તિને હૉસ્પિટલમાં લઈ જવાયા. ત્યાં તેમની સર્જરી થઈ જેમાં એ સામે આવ્યું કે તેમના પેટમાં એક મોટું છિદ્ર બની ગયું છે.

ડૉક્ટર કહે છે કે આવાં ડ્રિન્ક્સ કે ખાવામાં આવી ઇફેક્ટ આપીને તેને આકર્ષક બનાવાય છે અને એને પણ કૂલિંગ માટે કરાય છે.

ડૉક્ટર સચિન મિત્તલ કહે છે કે નાઇટ્રોજન, ડ્રાય આઇસ જેટલું ખતરનાક નથી હોતું. કારણ કે તે શરીરમાં જલદી શોષાઈ જાય છે પરંતુ જો યોગ્ય રીતે તેનો ઉપયોગ ના કરવામાં આવે તો તે હાનિકારક બની શકે છે.

લગ્નોમાં ઇફેક્ટ આપવા માટે ડ્રાય આઇસનું ચલણ વધી રહ્યું છે.
ઇમેજ કૅપ્શન, લગ્નોમાં ઇફેક્ટ આપવા માટે ડ્રાય આઇસનું ચલણ વધી રહ્યું છે.

સોનાલી કડવાસરા કહે છે કે આ ઘટના સંભવિત ખતરનાક પ્રોડક્ટ્સ વિશે ઉપયોગ કરનારાઓને જાગૃત કરવાનું મહત્ત્વ જણાવે છે, જેને ગ્રાહક અદાલતો ધ્યાનમાં લઈ શકે છે.

ડૉક્ટરોનું કહેવું છે કે ડ્રાય આઇસ કે લિક્વિડ નાઇટ્રોજનનો ઉપયોગ ખાદ્ય પદાર્થોને આકર્ષક બનાવવા થઈ રહ્યો છે, પરંતુ પીણા કે વ્યંજનોમાં તેનો ઉપયોગ ના કરવો જોઈએ.

બીબીસી
બીબીસી