મનસુખ માંડવિયાને જ્યાંથી ટિકિટ આપી તે પોરબંદર બેઠક ભાજપનો ગઢ કેમ બની ગઈ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં ગુજરાતની 15 લોકસભા બેઠકો પરથી પણ પાર્ટીના ઉમેદવાર જાહેર કરાયા છે. પાંચ સાંસદોની ટિકિટ કપાઈ છે.
બનાસકાંઠાથી પરબત પટેલ, અમદાવાદ પશ્ચિમથી કિરીટ સોલંકી, રાજકોટથી મોહન કુંડારિયા, પંચમહાલથી રતનસિંહ રાઠોડ અને પોરબંદરથી રમેશ ધડુકના સ્થાને અન્ય ઉમેદવારોને ટિકિટ અપાઈ છે.
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વ્યાપકપણે એ ચર્ચા થઈ રહી હતી કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરશોત્તમ રૂપાલાને પણ ભાજપ ગુજરાતથી ચૂંટણી લડાવશે.
એમાં પણ સૌથી વધુ ચર્ચા એ વાતની થઈ રહી હતી કે મનસુખ માંડવિયાને ભાજપ ભાવનગર કે અમરેલી બેઠક પરથી ટિકિટ આપશે.
પરંતુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભાજપે તેમને પોરબંદર બેઠક પરથી ટિકિટ આપીને સૌને ચોંકાવ્યા છે.
પોરબંદરની બેઠક કેવી રીતે ભાજપનો ગઢ બની?

ઇમેજ સ્રોત, Getty Images
સપ્ટેમ્બર-2012માં રાજકોટ ખાતે કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષા સોનિયા ગાંધીની વિશાળ જનસભા યોજાઈ અને તેમણે ડિસેમ્બર-2012માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટેનું બ્યૂગલ ફૂંક્યું. જાહેરસભાની સફળતાનો યશ સૌરાષ્ટ્રના દિગ્ગજ પાટીદાર નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાને આપવામાં આવ્યો.
માર્ચ-2013માં ધોરાજી ખાતે યોજાયેલી સાર્વજનિક સભામાં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી હાજર રહ્યા. એ કાર્યક્રમ દરમિયાન વિઠ્ઠલભાઈ તેમના સમર્થકો સાથે ભાજપમાં 'ઘરવાપસી' કરી અને નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવવા કવાયત હાથ ધરી.
લગભગ છ મહિનાના ગાળામાં રાજકોટ જિલ્લામાં યોજાયેલી આ બે રેલીઓની અસર લોકસભાની પોરબંદર બેઠક પર પડવાની હતી અને તેની સાથે સંબંધ પણ હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોરબંદર પંથકે ગાંધીવાદી નેતાથી લઈને બાહુબલિની છાપ ધરાવનારની ઉમેદવારીનો સમય જોયો છે. એક સમયે તે 'ગુજરાતના શિકાગો' તરીકે ઓળખાતું.
હાલ આ બેઠક પર ભાજપનો કબજો છે અને આગામી ચૂંટણીમાં પણ પાર્ટી તેનો દબદબો જાળવી રાખીને હેટ્રિક મારવા ઇચ્છે છે. પાર્ટી ગત બે વખતની જેમ ગુજરાતમાં તમામ 26 બેઠક ઉપર વિજય મેળવીને 'ક્લિન સ્વીપની હેટ્રિક' મારવા ઇચ્છશે. આ સંજોગોમાં કૉંગ્રેસના એક નેતાની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની શકે છે.
લાલ, પીળી અને લીલી બેઠકો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભાજપ દ્વારા કોઈપણ વિધાનસભા કે લોકસભા બેઠકને લાલ, પીળી અને લીલી એમ ત્રણ શ્રેણીમાં વિભાજીત કરવામાં આવે છે, જે ટ્રાફિકસિગ્નલની ત્રણ લાઇટથી પ્રેરિત છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આગામી લોકસભા ચૂંટણી માટે પણ આ પ્રકારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે.
પાર્ટી પોરબંદરની લોકસભા બેઠકને પાંચ લાખ મતની લીડથી જીતવાનું આંતરિક લક્ષ્યાંક રાખે છે. ગત લોકસભાની ચૂંટણી દરમિયાન આ બેઠક પર 16 લાખ 61 હજાર જેટલા મતદાર નોંધાયેલા હતા.
પોરબંદરની લોકસભા બેઠક હેઠળ ગોંડલ, જેતપુર, ધોરાજી (રાજકોટ જિલ્લો), પોરબંદર અને કુતિયાણા (પોરબંદર જિલ્લો) અને માણાવદર તથા કેશોદ (જૂનાગઢ જિલ્લો) એમ ત્રણ જિલ્લાની સાત વિધાનસભા બેઠક આવે છે.
કૉંગ્રેસે ચૂંટણી દરમિયાન જે 17 બેઠક જીતી, તેમાંથી બે (પોરબંદર અને માણાવદર) આ લોકસભા બેઠક હેઠળ આવે છે. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના પૂર્વ અધ્યક્ષ અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરની બેઠક પરથી પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરિયાને આઠ હજાર 100 કરતાં વધુ મતથી પરાજય આપ્યો હતો.
મીડિયામાં એવી વ્યાપક ચર્ચા હતી કે મેર સમાજના દિગ્ગજ નેતા અને વિધાનસભામાં પૂર્વ વિપક્ષના નેતા અર્જુનભાઈ મોઢવાડિયા કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે, જોકે અર્જુનભાઈ આ વાતને નકારી ચૂક્યા છે.
માણાવદરની બેઠક પર કૉંગ્રેસના અરવિંદભાઈ લાડાણીએ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહરભાઈ પેથલજીભાઈ ચાવડાને ત્રણ હજાર 400 કરતાં વધુ મતથી પરાજય આપ્યો હતો. ગોંડલની બેઠક પરના બે બાહુબલિ ક્ષત્રિય નેતા રીબડાવાળા અનિરૂદ્ધસિંહ જાડેજા તથા ગોંડલના જયરાજસિંહ જાડેજા વચ્ચેના ગજગ્રાહને કારણે પાર્ટીને નુકસાન ન થાય તેની ચિંતા ભાજપને રહેશે.
જોકે, પોરબંદરની બેઠકને 'લીલી' શ્રેણીમાં મૂકવી કે 'પીળી' તે અંગે કદાચ ભાજપના નેતૃત્વ માટે પણ વિમાસણ થઈ હશે, કારણ કે પંદરમી લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે આ બેઠક ગુમાવી દીધી હતી અને પછી જીતી પણ હતી.
કૉંગ્રેસ છોડ્યા બાદ વિઠ્ઠલભાઈએ લોકસભાની પોરબંદર તથા તેમના દીકરા જયેશભાઈએ જેતપુરની ધારાસભા બેઠક પરથી પેટાચૂંટણી લડી હતી અને બંને ચૂંટાઈ આવ્યા હતા. આ પહેલાં બંને પોત-પોતાની બેઠકો પરથી કૉંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટાઈ આવ્યા હતા. વિઠ્ઠલભાઈને એક લાખ 28 હજાર કરતાં વધુ મતની લીડ મળી હતી.
વર્ષ 2008માં લોકસભા-ધારાસભા બેઠકોના પુનઃસીમાંકન પછી વર્ષ 2009માં પહેલી સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે મનસુખભાઈ ખાંચરિયાને ટિકિટ આપી હતી, જેમનો લગભગ 39 હજાર 500 મતથી પરાજય થયો હતો અને વિઠ્ઠલભાઈ થકી આ બેઠક કૉંગ્રેસને મળી હતી. વિજય બાદ વિઠ્ઠલભાઈએ તેમની ધોરાજીની બેઠક ખાલી કરી અને તેના ઉપરથી તેમના દીકરા જયેશભાઈ ચૂંટાઈ આવ્યા.
વર્ષ 2014ની લોકસભા ચૂંટણી સમયે ભાજપે વિઠ્ઠલભાઈ રાદડિયાને પોરબંદરની બેઠક ઉપર રિપીટ કર્યા હતા. જ્યારે કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું હોય, આ બેઠક એનસીપીને ફાળે આવી હતી.
વિઠ્ઠલભાઈની સામે એનસીપીએ સરમણ જાડેજા તથા 'ગોડમધર' સંતોકબહેનના દીકરા કાંધલને ટિકિટ આપી, જે પોતે બાહુબલિ નેતા તરીકેની છાપ ધરાવે છે. 'મોદીના જુવાળ'ની વચ્ચે ગુજરાતની તમામ 26 બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો અને કાંધલ જાડેજાનો લગભગ બે લાખ 68 હજાર મતથી પરાજય થયો હતો.
વર્ષ 2019ની લોકસભા ચૂંટણી સમયે કૉંગ્રેસે લલિતભાઈ વસોયાને તો ભાજપે રમેશ ધડૂકને ટિકિટ આપી હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા લલિતભાઈ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ધોરાજીની બેઠક પરથી વિજેતા થયા હતા. તેમણે વિઠ્ઠલભાઈના ગઢમાં ગાબડું પાડ્યું હતું.
બીજી બાજુ, લોકસભા ચૂંટણી દરમિયાન ધડૂકે ભાજપમાં રહીને સમાજને પાર્ટીની સ્થિતિ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બેઠક પર 57 ટકા મતદાન થયું હતું અને લગભગ બે લાખ 30 હજાર મતે ધડૂકનો વિજય થયો હતો.
વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમના મતવિસ્તાર હેઠળ આવતી ગોંડલની બેઠક પર રીબડાવાળા અનિરૂદ્ધસિંહ જાડેજા તથા ગોંડલનાં ધારાસભ્ય ગીતાબાના પતિ અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ વચ્ચે ગતિરોધ ચરમસીમાએ પહોંચ્યો હતો. ભાજપના જ બંને નેતાઓ વચ્ચે પરિસ્થિતિ ન વકરે તે માટે ધડૂકે દરમિયાનગીરીના પ્રયાસ કર્યા હતા.
વિઠ્ઠલ રાદડિયા ફેકટર ચૂંટણીમાં કેવું કામ કરે છે?

ઇમેજ સ્રોત, FB/JAYESH RADDIYA
અણિના સમયે 'જનપ્રતિનિધિ રાજીનામું આપે, ભાજપમાં જોડાય અને નવેસરથી ચૂંટણી લડે' તેનું ટ્રેલર વર્ષ 2013માં જોવા મળ્યું હતું. માર્ચ-2013માં ધોરાજીની જાહેરસભા દરમિયાન રાદડિયાની ભાજપમાં 'ઘરવાપસી' થઈ હતી, કારણ કે વર્ષ 1990માં તેમણે ધોરાજીની બેઠક ભાજપની ટિકિટ ઉપર જીતી હતી. એ ચૂંટણી ભાજપ તથા જનતાદળે મળીને લડી હતી.
1995માં ભાજપ એકલા હાથે ચૂંટણીજંગ લડ્યો હતો, ત્યારે વિઠ્ઠલભાઈ ફરી ચૂંટાઈ આવ્યા હતા. એ પછી જ્યારે ભાજપમાં 'ખજૂરિયા-હજૂરિયા' પ્રકરણ થયું, ત્યારે વિઠ્ઠલભાઈએ બળવાખોર નેતા શંકરસિંહ વાઘેલાને સાથ આપ્યો હતો. વર્ષ 1998ની વિધાનસભા ચૂંટણી તેમણે વાઘેલાની પાર્ટી 'ઑલ ઇન્ડિયા રાષ્ટ્રીય જનતા પાર્ટી'ની ટિકિટ ઉપર લડી હતી અને જીતી ગયા હતા.
જ્યારે વાઘેલાએ તેમની પાર્ટીને કૉંગ્રેસમાં ભેળવી દીધી, ત્યારે પણ વિઠ્ઠલભાઈ તેમની સાથે ગ્રાન્ડ ઑલ્ડ પાર્ટીમાં જોડાઈ ગયા. 2002ની ધારાસભાની ચૂંટણી સમયે વિઠ્ઠલભાઈએ તેમની પરંપરાગત ધોરાજી બેઠક પરથી ઉમેદવારી કરી હતી, જ્યારે તેમનાં પત્ની ચેતનાબહેનને જામનગર જિલ્લાની કાલાવાડ બેઠકની ટિકિટ આપવામાં આવી હતી.
ભાજપના દિગ્ગજ નેતા આર.સી. ફળદુ સામે ચેતનાબહેનનો પરાજય થયો હતો અને પતિ-પત્ની સાથે વિધાનસભામાં બેસે એવો અનોખો રેકર્ડ બનતા રહી ગયો હતો. જોકે, પિતા-પુત્ર સાથે વિધાનસભામાં બેસે તેવો રેકર્ડ રાદડિયા પરિવાર દ્વારા જ વર્ષ 2012માં બનવાનો હતો.
2007માં આખાબોલા અને સહકારક્ષેત્રના અગ્રણીની છાપ ધરાવતા વિઠ્ઠલભાઈ ફરી તેમની પરંપરાગત ધોરાજી ધારાસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા. વર્ષ 2012માં કૉંગ્રેસે સંસદસભ્ય હોવા છતાં વિઠ્ઠલભાઈને ધોરાજી તથા તેમના દીકરા જયેશભાઈને પાસેની જેતપુર બેઠકની ટિકિટો આપી હતી. ચૂંટણીપરિણામો પછી 'પિતા-પુત્ર' બંને સાથે ધારાસભામાં ગયા હતા.
નિયમ પ્રમાણે, વિઠ્ઠલભાઈ એકસાથે બંને બેઠકોનું પ્રતિનિધિત્વ કરી શકે તેમ ન હોવાથી તેમણે જાન્યુઆરી-2013માં લોકસભાની બેઠક પરથી રાજીનામું આપી દીધું. જોકે, તેની પેટાચૂંટણી યોજાય તે પહેલાં તેમની ભાજપમાં 'ઘરવાપસી' થઈ ગઈ અને તેઓ નવી પાર્ટીની ટિકિટ ઉપર અધૂરી મુદ્દત પૂરી કરવા માટે સંસદસભ્ય બન્યા.
વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં ચર્ચા હતી કે પહેલાં આનંદીબહેન પટેલ અને પછી વિજયભાઈ રૂપાણી સરકારમાં મંત્રી જયેશભાઈ રાદડિયાનાં માતા ચેતનાબહેનને પોરબંદરની બેઠક પરથી ટિકિટ આપવામાં આવશે, પરંતુ ભાજપે રમેશભાઈ ધડૂકને પસંદ કર્યા હતા.
એજ વર્ષે ચૂંટણીપરિણામોના બે મહિના પછી જુલાઈ મહિનામાં વિઠ્ઠલભાઈનું અવસાન થયું, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિવંગત પાટીદાર નેતાને 'સહકાર, કેળવણી અને રાજકીય અગ્રણી' જણાવી શોક વ્યક્ત કર્યો હતો.
શક્તિથી સત્તા મેળવાની લડાઈની સાક્ષી પોરબંદર બેઠક
વર્ષ 1977માં લોકસભાની પોરબંદર બેઠક ઉપર પહેલી વખત ચૂંટણીજંગ જામ્યો. આ પહેલાં પોરબંદર પંથક ગૅંગ્સ અને હિંસા માટે ચર્ચિત બની ગયો હતો. કૉંગ્રેસ અને ઇંદિરા ગાંધીવિરોધી વલણની વચ્ચે વિપક્ષે જનતા મોરચો ઊભો કર્યો હતો. ગુજરાતમાં ભારતીય લોકદળે તેના ઉમેદવાર ઊભા રાખ્યા હતા.
પોરબંદરની બેઠક ઉપર ભાલોદના ધરમશીભાઈ પટેલે કૉંગ્રેસના રમણીક ધામીને હરાવ્યા હતા. ત્રણ વર્ષ પછી 1980માં લોકસભા ચૂંટણી યોજાઈ, ત્યારે કૉંગ્રેસે ગાંધીવાદી નેતા માલદેવજી ઓડેદરાને ઉમેદવાર બનાવ્યા. જેઓ ગુજરાત સરકારમાં મંત્રી રહી ચૂક્યા હતા. જનતા પાર્ટીના ધરમશીભાઈ પટેલને હરાવીને તેઓ ચૂંટાઈ આવ્યા.
ગાંધીવાદી માલદેવજી ઓડેદરા ગુજરાતનું ગઠન થયું તે પહેલાંથી ચૂંટણીલક્ષી રાજકારણમાં હતા અને જનપ્રતિનિધિ હતા. 1962ની વિધાનસભા ચૂંટણી સમયે તેઓ કુતિયાણા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા અને 1967માં ત્યાંથી હારી ગયા હતા. 1972ની વિધાનસભા ચૂંટણી સમયે માલદેવજી પોરબંદરની બેઠક ઉપરથી વિજેતા થયા હતા, તો 1977માં એ સીટ પરથી હારી ગયા હતા.
સાતમી લોકસભાની ચાલુ ટર્મ દરમિયાન માલદેવજી ભાઈનું અવસાન થયું. એ પછી પાર્ટીએ તેમના દીકરા ભરતભાઈને ઉમેદવાર બનાવ્યા, જેમને વિજયી બનીને ટર્મ પૂરી કરી. પિતા-પુત્રે એક જ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હોવાનો ગુજરાતમાં જ્વલ્લેજ જોવા મળતો રેકર્ડ બન્યો. ભરતભાઈ એ પછીની 1984ની લોકસભા ચૂંટણી પણ જીત્યા.
એ ચૂંટણીમાં પહેલી વખત ભાજપે મતોના સમરાંગણમાં ઝંપલાવ્યું હતું. પાર્ટીના નેતા આર. કે. અમીન બીજાક્રમે રહ્યા હતા, જેઓ અગાઉ સુરેન્દ્રનગરની લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા હતા.
અગાઉ સાતમી લોકસભા ચૂંટણી દરમિયાન આર. કે. અમીને જનતા પાર્ટી સેક્યુલરની ટિકિટ ઉપર ચૂંટણી લડી હતી, પરંતુ માલદેવજીએ તેમને પરાજય આપ્યો હતો અને અમીન ત્રીજાક્રમે રહ્યા હતા. એ ચૂંટણીમાં બાહુબલિની છાપ ધરાવનારા હીરાલાલ ગગન શિયાળે ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું, પરંતુ તેઓ નવમા અને છેલ્લા ક્રમે રહ્યા હતા.
માલદેવજી ઓડેદરા, કુતિયાણાના તત્કાલીન ધારાસભ્ય મહંત વિજયદાસજી તથા આગળ જતાં અર્જુનભાઈ મોઢવાડિયા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ બનવાના હતા.
વર્ષ 1989ની લોકસભા ચૂંટણીમાં ભાજપ-જનતા દળએ મળીને ચૂંટણી લડી હતી, જેમાં પોરબંદરની બેઠક જનતાદળને ફાળે આવી હતી. જનતાદળના બળવંતભાઈ મણવરે કૉંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ ઓડેદરાને હરાવ્યા.
1991માં હરિભાઈ પટેલે પહેલી વખત ભાજપને આ બેઠક ઉપર વિજય અપાવ્યો. તેમણે બળવંતભાઈ મણવરને પરાજય આપ્યો, જેઓ જનતાદળ ગુજરાતના ઉમેદવાર હતા. એ ચૂંટણીજંગમાં 19 ઉમેદવારો હતા અને વર્ષ 1996માં આ આંકડો વધીને 26 પર પહોંચી જવાનો હતો.
1996માં ભાજપના ગોરધનભાઈ જાવિયાએ કૉંગ્રેસના પેથલજીભાઈ ચાવડાને પરાજય આપ્યો. આગળ જતાં પેથલજીભાઈના દીકરા જવાહર કૉંગ્રેસની ટિકિટ ઉપર ધારાસભ્ય બનવાના હતા અને પછી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાના હતા તથા મંત્રી પણ બનવાના હતા.
વર્ષ 1998માં રાજપની ટિકિટ ઉપર વિઠ્ઠલભાઈ રાજકોટની બેઠક ઉપરથી લડ્યા, પરંતુ ભાજપના ડૉ. વલ્લભભાઈ કથીરિયા સામે હારીને બીજાક્રમે રહ્યા. એ સમયે પોરબંદરની બેઠક ઉપર કૉંગ્રેસે ભરતભાઈ ઓડેદરાને ચૂંટણી લડાવી હતી. જાવિયાએ પોતાની બેઠક જાળવી રાખી.
વર્ષ 1999માં ગોરધનભાઈ જાવિયાએ વિજયની હેટ્રિક મારી, જેનો શ્રેય આ વિસ્તારમાં અસામાજિક તત્વોને નાથવા માટે વર્ષ 1995થી ભાજપ સરકારે કરેલા પ્રયાસોને આપવામાં આવ્યો. આ પ્રયત્નોની શરૂઆત કેશુભાઈના પૂરોગામી મુખ્ય મંત્રી છબીલદાસ મહેતાએ કરી દીધી હતી.
ગોરધનભાઈ જાવિયાએ કૉંગ્રેસના બળવંતભાઈ મણવરને હાર આપી. વર્ષ 2004માં કૉંગ્રેસે વિઠ્ઠલ રાદડિયાને પોરબંદરની બેઠક ઉપરથી ચૂંટણીજંગમાં ઉતાર્યા, પરંતુ હરિભાઈ પટેલે તેમને પરાજય આપ્યો.
આગળ જતાં હરિભાઈ પટેલ કૉંગ્રેસમાં ગયા અને વિઠ્ઠલ રાદડિયા ભાજપમાં આવ્યા. બંને નવી પાર્ટીઓમાંથી સામ-સામે ચૂંટણી જંગ લડ્યા, જેમાં રાદડિયા ફાવ્યા.
પોરબંદર બેઠકની પૃષ્ઠભૂમિ

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1997માં શંકરસિંહ વાઘેલાએ તેમનું પદ છોડ્યું તેના પચ્ચીસેક દિવસ પહેલાં તા. બીજી ઑક્ટોબરે ગાંધી જયંતીના દિવસે જૂનાગઢમાંથી અલગ જિલ્લા તરીકે પોરબંદરની જાહેરાત કરી, જેના હેઠળ પોરબંદર અને કુતિયાણા એમ બે વિધાનસભા બેઠક મૂકવામાં આવી.
સૌ પહેલી ચૂંટણી સમયે હાલની પોરબંદર બેઠક હેઠળ આવતાં વિસ્તારોનું પ્રતિનિધિત્વ સોરઠ અને હાલાર બેઠક દ્વારા થતું. એ અરસામાં આ ભૂભાગ સૌરાષ્ટ્ર રાજ્ય હેઠળ આવતો. સૌરાષ્ટ્ર રાજ્યને લોકસભાની છ બેઠક મળેલી હતી.
ગુજરાત રાજ્યના ગઠન બાદ જૂનાગઢ અને જામનગર લોકસભા બેઠકોએ અનુક્રમે સોરઠ અને હાલાર બેઠકોની સ્થાનપૂર્તી કરી. રાજ્યને 22 બેઠક મળી હતી, જે 1971ની ચૂંટણી સમયે વધીને 24 થઈ.
જિલ્લા તરીકેની સ્થાપનાના બે દાયકા પહેલાં વર્ષ 1977ની લોકસભા ચૂંટણી સમયે પોરબંદર બેઠક સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં આવી. આ સાથે જ ગુજરાતની બેઠકસંખ્યા વધીને 26 થઈ હતી, જેમાં અનુસૂચિત જાતિને બે તથા અનુસૂચિત જનજાતિને માટે ચાર બેઠક અનામત રાખવામાં આવી હતી.
નવી સહસ્ત્રાબ્દીની વસતિગણતરીના આધારે પુનઃસીમાંકન કરવું તથા જરૂર પડ્યે એસસી તથા એસટી સમુદાયને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે તેમની બેઠકસંખ્યા વધારવી, એવી બંધારણીય જોગવાઈ પણ કરવામાં આવી. વર્ષ 2009ની લોકસભા ચૂંટણી વખતે ગુજરાતમાં એસસી-એસટીની બેઠકો યથાવત્ રહી. વર્ષ 2026માં બંધારણીય મર્યાદા હઠતા વસતિના આધારે બેઠકસંખ્યા વધશે એમ માનવામાં આવે છે.
1977થી 2008 સુધી ધોરાજી અને ઉપલેટા (રાજકોટ), જામજોધપુર (જામનગર), પોરબંદર, કુતિયાણા, માંગરોળ અને માણાવદર વિધાનસભા બેઠકો આ લોકસભા બેઠક હેઠળ આવતી. નવી વસતિગણતરી પછી પુનઃસીમાંકન થશે અને વર્ષ 1976થી અટકેલું સમયનું પૈડું ફરી એક ચક્ર પૂર્ણ કરશે.












